Vasudha - Vasuma - 86 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ-86

Featured Books
Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ-86

આકુને આંગળીએથી દોરીને વસુધા ડેરીનાં પાછળનાં દરવાજેથી એનાં ખેતરમાં ગઇ. આકુને મજા પડી રહી હતી એણે કાલી કાલી ભાષામાં બોલવાનું ચાલુ કર્યુ “માં... માં.. જો જો ગાય.. ગા...ય...” વસુધાએ હસીને કહ્યું “બકુ એ ગાય નહીં બળદ છે બાજુમાં છે એ આંખલો કહેવાય જો અહીં. બુધાકાકાએ બકરીઓ પણ રાખી છે...”

બેઉ માં દિકરી વાતો કરતાં કરતાં આગળ વધી રહ્યાં હતાં ત્યાં બુધાની વહુ રમીલા સામેથી દોડતી દોડતી આવી બોલી “બહેન તમે અહીંયા ? આ પેલા તો ત્યાં વાડ સરખી કરવા ગયાં છે બોલાવું ?”

વસુધાએ કહ્યું “ના એને જે કરતો હોય કામ કરવા દે તું ખાટલો પાથર એમાં આકુને બેસાડી હું ખેતરમાં આંટો મારી આવું.”

રમલીએ હોવે કહીને રૂમ પાસેનો ખાટલો પાથર્યો ઉપર ગોદડી પાથરીને કહ્યું “બેન બા ને અહીં બેસાડો... હું તમારી સાથે આવું ?”

વસુધાએ કહ્યું “ના તો આકું કોની સાથે બેસસે. અહીં બહુ ઊંચું ઘાસ છે એને ચાલતા નહીં ફાવે એને બેસાડી હું ચક્કર મારી આવું પછી આકુને કહ્યું દીકરા તું અહીં બેસ હું આવુ છું.” એમ કહી આકુને ખાટલા પર બેસાડી.. રમીલાને કહ્યું “એને પેલા બોર 4-5 લાવી આપ... ના ના છોડી એ ઢળીયો ગળી જશે તો ઉપાધી.. ના આપીશ..”.

પછી એણે ચારો તરફ જોવા માંડ્યુ ત્યાં બુધોજ સામેથી દોડતો આવ્યો. “બહેન મેં તમને દૂરથી જોઇ લીધાં વાડ સરખી કરતો હતો ભૂંડ અને રોઝડા અંદર આવી જાય છે એટલે કાંટા ઝડીયા મૂક્તો હતો. બહેન પેલી બાજુની આપણી જમીનની બાજુમાં જે ખરાબાની જમીન છે ત્યાં ગાયનાં ઢોર ચારે છે એનો પેલા ભૂરા ભરવાડનાં છોકરાં કાળીયાએ કબ્જો કર્યો છે. ત્યાં તો તમે પશુ દવાખાની ભલામણ કરતાં હતાં.”

આ સાંભળી વસુધાને ગુસ્સો આવી ગયો એનો ચહેરો તમતમી ગયો. એ દાત નીચે હોઠ દાબી ચૂપ રહી પછી બોલી “એ તો સરપંચ કાકાનું કામ છે જોઇએ એ લોકો શું કરે છે પણ એ બાજુની આપણી વાડ....” ત્યાં બુધો બોલ્યો “સારું થયું બહેન તમે આવી ગયેલાં એ બાજુની વાડ પરમદિવસે રાત્રે કોઇએ તાર કાપી નાંખેલાં તાર પણ લઇ ગયાં છે મેં દાદા આવેલાં એમને કહેલું અત્યારે તો મેં આપણી પાસે જે તાર હતાં એ લઇને પાછા બાંધી દીધાં છે અને કાંટા ઝઇડીયા મૂકી દીધાં છે પણ એનો બંદોબસ્ત કરવો પડશે.”

બુધાએ પછી ધીમેથી કહેતાં કહ્યું “બહેન મને તો એ કાળીયા ઉપરજ વહેમ છે એણેજ તારે કાપીને ચોર્યા છે અગાઉ પણ બીજાઓની આ ગુના અંગે ફરીયાદ થયેલી છે એનાં ઉપર એ બહુ દાદાગીરી કરે છે મને પણ ધમકાવતો હતો કે સીધો રહેજે ચાડીઓ ખાધી છે તો અહીં ખેતરમાં તારે રહેવું ભારે પડી જશે.”

વસુધાને ખૂબ ગુસ્સો આવ્યો એણે કાબુ કરીને કહ્યું “બુધાભાઈ તમે ચિંતા ના કરો આનો હું કાયમી બદોબસ્ત કરું છું એની કોઇ દાદાગીરી નહી ચાલે. વસુધાએ કહ્યું હમણાં બે દિવસ બરબાર ધ્યાન રાખજો પરમદિવસે તો આ ખરાબાની જમીન જોવા બધાં આમ પણ આવવાનાં છે” એમ કહી ત્યાંથી પાછી વળી ગઇ અને આકુ બેઠી હતી ત્યાં આવી.

વસુધાએ જોયુ કે આકુ બેઠી બેઠી શેરડીનો ટુકડો રમીલાએ છોલી સાફ કરીને આપેલો એ ચૂસી રહી છે એને હસુ આવી ગયું. “વાહ આકુ તને ભાવે છે ?” આકુએ ચૂસ્તાં ચૂસ્તાં હકારમાં ડોકું ધુણાવ્યું.

વસુધા આકુ સાથે ખાટલામાં બેઠી. એણે બુધાને કહ્યું “ત્યાં બોરનાં ઝાડ છે ત્યાંથી પાકા પાકા બોર ઉતારી લાવો હું ઘરે લઇ જઇશ. બધાને ખૂબ ભાવે છે.” રમલીએ કહ્યું “બેન ચા કે દૂધ ગરમ કરું ? શું પીશો ?”

વસુધાએ કહ્યું “કંઇ નહીં મારે હજી ડેરીમાં ઘણાં કામ છે હું નીકળું છું બુધાભાઇને કહેજો અંદર ડેરીમાં આવી જાય અને બોર વધારે હોયતો ત્યાં છાબડામાં મૂકે જેને ખાવા હોય બધાંય ખાશે.” એમ સૂચના આપી આકુને લઇને ડેરી તરફ આવવા નીકળી એનાં મનમાં કાળીયા ભરવાડની વાતો ફરી રહી હતી એનો શું નિકાલ લાવવો એ મનમાં વિચારી રહી હતી..

***********

રવિવારની સવારે ગુણવંતભાઇ, રમણભાઇ, લખુભાઇ સરપંચ વસુધા - કરસન અને બીજા ગામનાં માણસો ગામનાં પડતર ખરાબાની જગ્યાએ ભેગાં થયાં હતાં. અગાઉ વસુધાએ લખુકાકા ને બધી માહિતી આપી દીધી હતી કે ત્યાં ભુરા ભરવાડનાં છોકરાં કાળીયાએ ભેલાણ કરેલું છે ગેરકાયદેસર કબજો કરી લીધો છે. લધુકાકાએ પ્રાંતઅધિકારી અમે પોલીસને બોલાવી કાળીયા પાસેથી કબ્જો પાછો લઇ ચેતવણી આપીને કહેલું “ફરીવાર આવું કર્યું છે તો તારાં બાપની પાસે જેલનાં સળીયા પાછળ જવું પડશે આ સરકારી ખરાબો છે તારી આગવી જમીન નથી.”

ભુરા ભરવાડનો છોકરો કાળીઓ વસુધા ઉપર ખૂબ ખુન્નસે ભરાયો હતો એનું કશું ચાલ્યું નહીં પ્રાંતઅધિકારી અને ફોજદારે એને ખૂબ ધમકાવેલો.. ભુરો મનોમન કહે... સાલી રાંડ તું હાથમાં આવે એટલી વાર છે તારો તો ટોટો ભીંસી નાંખીશ તને એવી કરી નાંખીશ કે તું કશા કામની નહીં રહે...

ગામનાં બધાં ખરાબામાં ભેગાં થયાં ત્યાં પ્રાંત અધિકારી મોટી ડેરીનાં ચેરમેન ઠાકોરભાઇ એમની સાથે પશુ દવાખાનુ કરવા જે દાન આપવાનાં હતાં એ દાતાઓ પણ આવી પહોંચ્યાં.

ગુણવતંભાઇ અને લખુકાકાએ પ્રાંતઅધિકારીની મદદથી દાતાઓને જગ્યા બતાવી અને સરકાર પાસે કાયદેસર રીતે પશુદવાખાના માટે જગ્યાની માંગણી કરી પછી દવાખાનું ઉભુ કરવા અંગેની કાર્યવાહી સમજાવી.

બધાંજ ખૂબ ખુશ હતાં. દાતાઓએ વસુધા તથા ગામલોકો, સરપંચ સાથે ચર્ચા કરી એમની સંસ્થા દ્વારા દાન પુરુ કરી આપવાની વાત કરી ખાત્રી આપી. વસુધાનો સંઘર્ષ, આગેવાની હેઠળ થયેલાં કામ, ડેરી દૂધ મંડળીની વાતો સાંભળી આવનાર દાતાઓ પણ ખૂબ ખુશ થયાં અને બોલ્યાં “આ ગામમાં પશુદવાખાનું ઉભુ થાય એવું અમે ઇચ્છીએ છીએ.”

બીજા દાતાએ કહ્યું “એમ અહીં ગામલોકો માટે હોસ્પિટલ પણ ઉભી કરીશું આ ગામ અનોખુ છે એનો યશ ગામલોકો તથા દીકરી વસુધાને મળવો જોઇ વસુધાએ હાથ જોડી નીતરતી આંખે બધાનો આભાર માન્યો. ત્યાં બે આંખો વસુધાને દૂર રીતે જોઇ રહી હતી.



વધુ આવતા અંકે - પ્રકરણ-87