Pranay Parinay - 11 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 11

The Author
Featured Books
Categories
Share

પ્રણય પરિણય - ભાગ 11

.


'સમાઈરા, મારા માટે જે કંઈ છે એ કાવ્યા છે સમજી? એને ઘરે જવું છે તો હું પણ રોકાઈ નહીં શકું… જો તારે એન્જોય કરવું હોય તો તું કરી શકે છે.. ઘરે પહોંચીને હું તારા માટે ગાડી મોકલી આપીશ.' વિવાને ઠંડા પણ ધારદાર અવાજમાં કહ્યુ.


વિવાનની વાત સાંભળીને સમાઈરાને લાગી આવ્યું.

'ઓકે તો ચાલો ઘરે.' બોલીને એ ધમ ધમ કરતી બંનેની આગળ ચાલતી થઈ.


'આઇ એમ સોરી ભાઈ, મારે લીધે તમારો મૂડ સ્પોઈલ થયો..' કાવ્યા અફસોસ કરતા બોલી.


'અરે નહીં બચ્ચા.. મારા મૂડ કરતાં તું વધુ ઈમ્પોર્ટન્ટ છે, ચલ આવ..' વિવાન બોલ્યો અને કાવ્યાના ખભે હાથ મૂકીને એને લઈને પાર્કિંગ તરફ ચાલ્યો.


**

પ્રણય પરિણય ભાગ ૧૧


વિવાન બેઉને લઈને ઘરે આવ્યો. સમાઈરા મોઢુ ચડાવીને પગ પછાડતી પોતાના રૂમમાં ગઈ. સમાઈરાનો મૂડ બગડ્યો એટલે કાવ્યાએ અફસોસભરી નજરે વિવાન સામે જોયુ.


'તુ એના પર ધ્યાન જ નહીં દે.' કહીને વિવાને નિ:શ્વાસ છોડ્યો.

કાવ્યાને તેની રૂમમાં બરોબર સુવડાવી અને ગુડનાઈટ કહીને વિવાન પોતાના બેડરૂમમાં ગયો.


વિવાન જેવો રૂમની બહાર નીકળ્યો કે કાવ્યાએ મલ્હારને ફોન લગાવ્યો.


'પિક અપ ધ ફોન મલ્હાર..' કાવ્યા મોબાઈલની સ્ક્રીન સામે જોઈને બોલી.


મલ્હાર તો ડિસ્કોથેકમાં ગઝલ સાથે મસ્તીથી ડાન્સ કરી રહ્યો હતો. એનો ફોન સાઈલેન્ટ મોડ પર હોવાથી કાવ્યાનો કોલ આવે છે એની તેને ખબર ના પડી.


કાવ્યાએ ચાર વાર ફોન લગાવ્યો પણ મલ્હારે ઉઠાવ્યો જ નહીં.


'ડેમ ઈટ..' કહીને કાવ્યાએ મોબાઈલ બેડ પર ફંગોળ્યો.

કાવ્યા બેઉ હાથે પોતાનુ માથું પકડીને બેડ પર બેસીને મલ્હાર સાથેની છોકરી વિષે વિચારી રહી..

'મે એને કયાંક તો જોઇ છે.. ક્યાં જોઈ છે યાદ કેમ નથી આવતું?'

'યસ.. યસ.. એ દિવસે મલ્હારની પાર્ટીમાં.. મતલબ કે મલ્હાર આ છોકરીને ડેટ કરતો હશે? કે પછી આ છોકરી જ મલ્હારની પાછળ પડી હશે? ચીપ ગર્લ..' કાવ્યા વિચાર કરતી કરતી બબડી રહી હતી.

અચાનક કાવયાને થોડું વિચિત્ર ફીલ થવા લાગ્યું. મોળ છૂટવા લાગી. એ છાતી પર હાથ મસળતા ઉભી થઇ, રૂમમાં આંટો માર્યો. એને ઉબકાં આવ્યા. એ બાથરૂમ તરફ દોડી. બાથરૂમમાં જતાંજ એને ઉલ્ટી થઇ.

ઉલ્ટી થયા પછી એને સારુ લાગ્યું. મોઢુ ધોઈને એ પાછી બેડ પર આવી. પાંચ છ મિનિટ પછી એ એકદમ ઝટકાથી ઉભી થઇ, મોબાઈલ લીધો અને ગૂગલ પર કંઈ સર્ચ કરવા લાગી… અને એના ચહેરાનો રંગ ઊડવા લાગ્યો..

કાવ્યાએ છેલ્લા થોડા દિવસોથી એને થતી તકલીફના સિમ્પટમ્સ વિશે ગૂગલ સર્ચ કર્યું હતું. અને સર્ચ રિઝલ્ટ એ લક્ષણો પ્રેગનન્સીના હોવાનું કહી રહ્યું હતું.


કાવ્યાએ એની પિરિયડ ડેટ યાદ કરી.. આ બીજો મહિનો એ મિસ કરી ગઈ હતી. એ ખૂબ ગભરાઈ ગઈ.. તેણે પોતાના જ વાળ પકડીને ખેંચ્યા અને જાણે બીજા કોઇને કહેતી હોય તેમ જોરથી બોલી: 'આવી મૂર્ખાઈ તુ કેવી રીતે કરી શકે? તારી ડેટ્સ કેમ ભૂલી શકે?' તેણે પોતાના જ ગાલ પર એક થપ્પડ મારી.

એ ફરીથી માથું પકડીને બેડ પર બેઠી.


'હું તો દર વખતે પિલ્સ લેતી હતી તો પછી પિરિયડ મિસ કેમ થયાં?' એ સ્વગતઃ બોલી.


વિચાર કરતા કરતા કાવ્યાનુ શરીર ધ્રુજી રહ્યું હતું. એને પસીનો છૂટવા લાગ્યો.

એણે ઉભી થઇને ટેબલ પર રાખેલા જગમાંથી પાણીનો ગ્લાસ ભર્યો. એક શ્વાસે એ આખો ગ્લાસ પાણી ગટગટાવી ગઈ.


પાણી પીધા બાદ કાવ્યાનો હાથ અનાયસે પોતાના પેટ પર ગયો. ક્ષણાર્ધ માટે એના ચહેરા પર હળવું એવુ સ્માઈલ આવીને ચાલ્યું ગયું. બીજી ક્ષણે ચહેરા પર સ્માઈલની જગ્યાએ ભય પ્રસરી ગયો.


'ભાઈ… ભાઈને ખબર પડશે તો? અને ડેડને શું કહીશ? માય ગોડ… ડેડ આવે તે પહેલા મારે મલ્હાર સાથે વાત કરી લેવી પડશે અને ભાઈને વિશ્વાસમાં લેવો પડશે.' કાવ્યાનું માથું ફાટફાટ થવા લાગ્યું.. છતાં એ વિચારતી રહી.


**


ગઝલ અને મલ્હારને વાતચીત કરતાં, હસતાં જોઇને નીશ્કાને પણ ખીજ ચડતી હતી. નીશ્કાને મલ્હાર જરા પણ નહોતો ગમતો.

નીશ્કાને બહારગામ જવા માટેની થોડી ઘણી તૈયારી કરવાની હજુ બાકી હતી એટલે સવારે વહેલા ઉઠવાનું હતું. તેથી હવે ઘરે જવા માટે નીકળી જવું પડે તેમ હતું.


'ગઝલ.. ચલ નીકળવાનું છે..' નીશ્કા ગઝલના કાન પાસે જઈને ધીમેથી બોલી.


'હાં આવું..' ગઝલ એને પાંચ મિનિટનો ઈશારો કરીને બોલી અને વળી મલ્હાર સાથે વાતો કરવા લાગી.


'અચ્છા મલ્હાર બાય.. ઘણું મોડું થઈ ગયું છે..હવે અમારે નીકળવું પડશે.' ગઝલએ ખાસ્સી વાર મલ્હાર સાથે વાત કર્યા પછી કહ્યું.


'ઈટ વોઝ નાઈસ ટૂ મીટ યૂ.' મલ્હારે ગઝલને આલિંગતા કહ્યુ.


'યા, સેમ હિયર.. બાય..' ગઝલએ કહ્યુ.


'તારો ફોન નંબર..' મલ્હાર બોલ્યો.


ગઝલએ મોબાઈલ નંબર આપ્યો.


'નાઉ બાય..' ગઝલ બોલી.


'બાય..' મલ્હારે ફરી હગ કર્યું.


નીશ્કા ગઝલની નજીક આવીને જરા ભાર દઇને બોલી: 'નીકળશું હવે..?'


'હાં ચલ..' ગઝલ મલ્હાર તરફ હાથ વેવ કરતાં નીશ્કા સાથે ચાલી.


'આ તને અહીં કયારે મળી ગયો?' નીશ્કા મોઢુ બગાડીને બોલી.


'તમે બધા ડાન્સ ફ્લોર પર હતા ત્યારે. હું તો તેની પાર્ટીમાં પણ જઇ આવી. પણ ખરી ફ્રેન્ડશિપ આજે થઈ.' ગઝલ ખુશ થતાં બોલી.


'ગઝલ.. મને આ માણસ બરાબર લાગતો નથી.. મે એની બાબતમાં જે કંઈ સાંભળ્યું છે તેના પરથી કહું છું કે ફ્રેન્ડશિપમાં સંભાળીને આગળ વધજે.' નીશ્કાએ ગઝલને ચેતવી.


'નીશ્કા.. સારો છોકરો છે એ.. જરા પણ ખરાબ હોત તો મારા ધ્યાનમાં આવ્યું જ હોત.. લોકો ખાલી ફોગટ કોઇને પણ બદનામ કરતા હોય છે.' ગઝલ નાકનું ટીચકું ચડાવીને બોલી.


'ખાલી ફોગટ કોઇ કોઈને બદનામ નથી કરતું.. આગ વગર ઘૂમાડો નથી નીકળતો.' નીશ્કા બોલી.


'ઓકે બાબા.. ચલ હવે..' ગઝલ નીશ્કાનો હાથ ખેંચતી બહાર નીકળી.


**


મોડી રાત્રે મલ્હાર ઘરે પહોંચ્યો. ફ્રેશ થઈને બેડ પર પડ્યો અને ફોન ચેક કર્યો. જોયું તો કાવ્યાના ચાર મિસ્ડ કોલ હતા. કોલ બેક કરતા પહેલા તેણે ઘડિયાળમાં જોઈને વિચાર્યુ કે અત્યાર સુધી કાવ્યા જાગતી હશે કે નહીં? થોડું વિચારીને તેણે ફક્ત એક મિસ્ડ કોલ કર્યો. તરત જ કાવ્યાનો ફોન આવ્યો.


'હેલ્લો બાબુ.. તે ફોન કર્યો હતો?' મલ્હારે ફોન ઉપાડીને અવાજમાં મીઠાશ ઘોળતાં પૂછ્યું.


'ચાર વાર.. મલ્હાર ચાર વાર મે ફોન કર્યો.. તે ઉપાડ્યો જ નહીં..' કાવ્યાએ મલ્હારને ખખડાવ્યો.


'આઇ એમ સોરી બેબી.. આજે જ રુદ્રપ્રતાપનો પ્રોજેક્ટ મળ્યો છેને એટલે ઓફિસમાં ખૂબ બીઝી હતો. જસ્ટ હમણાં જ ઘરે આવ્યો.. જોયું તો તારાં મિસ્ડ કોલ હતા.. મને લાગ્યું કે તું કદાચ ઉંઘી ગઈ હોય એટલે જ મેં તને મિસ્ડ કોલ આપ્યો..' મલ્હારે કહ્યું


મલ્હાર હળાહળ ખોટું બોલી રહ્યો હતો એથી કાવ્યાને ભયંકર ગુસ્સો આવ્યો. ફોન પર જ તડફડ કરી નાખવાની ઈચ્છા થઈ પણ અત્યારે આના કરતાં પણ મોટી ઉપાધિ બીજી હતી.


'મારે તને મળવું છે મલ્હાર.' કાવ્યા પોતાના ગુસ્સા પર મહા પરાણે કાબુ રાખતા ફક્ત એટલું જ બોલી.


'ઓફ કોર્સ, એની ટાઈમ માય લવ.' મલ્હાર અવાજમાં પ્રેમ ઘૂંટીને બોલ્યો.


'હં, તો કાલે સવારે મળીએ.' કાવ્યાએ કહ્યુ.


'ઓકે, આઈ વીલ વેઈટ.. ગુડ નાઈટ..' મલ્હાર બોલ્યો.


'ગુડ નાઈટ.' કહીને કાવ્યાએ ફોન મુક્યો.


ફોન કર્યા પછી કાવ્યાની મનઃસ્થિતિ વધારે ખરાબ થઈ. એક તો પિરિયડ મિસ થયાનું ટેન્શન હતું. અને એવા સમયે જેના પર સૌથી વધારે વિશ્વાસ મૂકી શકાય એવી વ્યક્તિ જ એની સાથે ખોટું બોલી રહી હતી.


ઇશ્વરે તમામ સ્ત્રીઓમાં અમુક સંવેદનાઓને પારખવાની એક અદ્ભૂત શક્તિ મૂકી હોય છે. એના દ્વારા સ્ત્રીઓને એક અગમ્ય સિગ્નલ મળતું હોય છે. એ વાત અલગ છે કે ક્યારેક સ્ત્રી બિલકુલ સમયસર એ સિગ્નલને પારખી નથી શકતી, મોડી પડે છે. પણ એક વાત ચોક્કસ છે કે સ્ત્રીની અંદરની ઇશ્વરે ગોઠવેલી એ યંત્રણા સિગ્નલ તો જરૂર મોકલે છે. પછી એ સ્ત્રી પર નિર્ભર કરે છે કે એ સિગ્નલને પારખીને એ પ્રમાણે વર્તન કરવું કે પછી એ સિગ્નલને સાવ નજરઅંદાજ કરવું.

કાવ્યાના અંતરમનમાં પણ ક્ષણાર્ધ માટે એ સિગ્નલ ઉદભવીને શમી ગયું. એના હૃદયમાં રહેલા મલ્હાર પ્રત્યેના પ્રેમે બધી શંકા કુશંકાઓને દાબી દીધી. એણે લાઈટ બંધ કરીને ઉંઘવાની કોશિશ કરી. મોડેથી એ ઉંઘી ગઈ.

નીંદરમાં તેણે ઘણી બધી વખત અનાયસ પોતાના પેટ પર હાથ ફેરવ્યો.


**


ગઝલ મલ્હારની યાદમાં પથારીમાં પડી પડખાં ફેરવી રહી હતી. એની સાથેનો ડાન્સ, એનુ આલિંગન.. ગઝલ એ બધુ વાગોળતાં મનમાં મુસ્કુરાઈ રહી હતી.


'મલ્હાર માટે નીશ્કા સારો અભિપ્રાય ધરાવતી નથી. તે ખરેખર સારો છોકરો નહીં હોય? ઘડીભર માટે ગઝલના મનમાં વિચાર આવી ગયો.


'નહીં, નહી એ સારો જ છે. મને તો એના વ્યવહારમાં કંઇ વાંધાજનક લાગતું નથી.. મારી સાથે તો એ હંમેશાં સજ્જન જેવું જ વર્તે છે. નીશ્કા પણ અમસ્તી જ શંકા કરે છે..

લોકોને પણ કોઈની પ્રોગ્રેસથી ઇર્ષા થાય એટલે ગમે તેવી અફવાઓ ઉડાવતાં હોય છે, મારો મલ્હાર એવો નથી.' વિચાર કરતા કરતા ગઝલ ઉંઘી ગઈ.


**


સવારે એક છોકરો ગઝલના ઘરે લાલ ગુલાબનો મોટો બૂકે અને ચોકલેટનું બોક્સ લઇને આવ્યો.


'કોણે મોકલ્યું છે આ?' કૃપાએ છોકરાને પૂછ્યું.


'ઓનલાઈન બુકિંગ હતુ મે'મ.' છોકરાએ એજ ગઇકાલ વાળો જવાબ આપ્યો.


'કમાલ છે.. કોઈ પણ રોજ તમને બૂકે અને ચોકલેટની ડિલિવરી કરવાનું કહે અને તમે નામ ઠામ કશું પૂછ્યા વિના કોઈના ઘરે ડિલિવરી કરવા ચાલ્યા આવો?' કૃપાએ અકળાતા પૂછ્યું.


મે'મ, હું તો ડિલિવરી બૉય છું, તમારે વધારે જાણવું હોય તો અમારા મેનેજર સાથે વાત કરો. એમ કહીને એ કૃપાની સાઈન લઈ, બૂકે અને ચોકલેટ આપીને જતો રહ્યો.


'કેવા કેવા માણસો હોય છે.' કૃપા બબડી.


'કોણ છે? કોની સાથે વાતો કરે છે?' મિહિર ઓફિસ જવાની તૈયારી કરતો રૂમમાંથી બહાર આવતા બોલ્યો.


'આ જુઓને! કોઈ ગઝલ માટે રોજ બૂકે અને ચોકલેટ મોકલે છે.' કાવ્યા ટેબલ પર બૂકે મુકતા બોલી.


'એના પર કાર્ડ હશે ને?' મિહિર શર્ટની કફલિંક લગાવતાં બોલ્યો.


'એજ તો.. કાર્ડમાં નામ ઠામ કશું નથી હોતું.. શાયરીઓ લખેલી હોય છે.' કૃપા કાર્ડ દેખાડતા બોલી.


'જોવા દે.' મિહિર બોલ્યો.


"પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી,

બાજી રમીએ અમે અને હા, જીત તમારી."


મિહિરે કાર્ડ વાંચીને પાછું બૂકેમાં મૂક્યું અને ડાઇનિંગ ટેબલ પર આવ્યો.


'વાંચ્યું કાર્ડ?' કૃપાએ પૂછ્યું.


'હમ્મ.. તે ગઝલને પૂછ્યું? કોણ મોકલે છે?' મિહિર બોલ્યો.


'એને પણ કંઈ ખબર નથી.' કૃપાએ કહ્યુ: 'મને ડર લાગે છે.. જૂઓને હમણાં હમણાંથી કેવા કેવા બનાવ બને છે..? ગઝલ સાથે કંઈ ખોટું તો નહીં થાય ને?' કૃપા ચિંતાથી બોલી.


'એવું કંઈ નહીં થાય.. તું ચિંતા ના કર, હજુ એકવાર ગઝલને પુછી લેશુ કદાચ એને કંઈ ધ્યાનમાં આવે તો..' મિહિર કાવ્યાને ધરપત આપતાં બોલ્યો.


'ગુડ મોર્નિંગ ભાઈ, ગુડ મોર્નિંગ ભાભી..' ગઝલ નીચે આવતાં બોલી.


'ગુડ મોર્નિંગ… ગઝલ તારા માટે આજે ફરીથી એક બૂકે આવ્યો છે.' કૃપાએ કહ્યુ.


'વ્હોટ? ક્યાં છે?' ગઝલને આશ્ચર્ય થયું.


'આ જો સામે ટેબલ પર..' કૃપા બૂકે તરફ આંગળી ચીંધીને બોલી.


'પ્રિન્સેસ.., બૂકે કોણે મકલ્યો છે?' મિહિરે ગઝલને પૂછ્યું.


'ખબર નહીં ભાઈ, એના પર નામ જ નથી હોતું કોઈનું.' ગઝલ બોલી.


'ઠીક છે, કાલે બૂકે આવે તો ડિલિવરી નહીં લેતા.' કહીને મિહિર ઓફિસ જવા નીકળ્યો.


મિહિર ગયા પછી ગઝલ બૂકે લઈને ઉપર તેની રૂમમાં ગઈ. દરવાજો બંધ કરીને એણે ચોકલેટ બોક્સ ખોલીને એમાંથી કાર્ડ કાઢ્યું.


"તું ઝરૂખેથી જરા ડોકાય છે,

વિશ્વ આખુ ચાંદનીમાં ન્હાય છે.

જે તરફ તારા મળે પગલાં મને;

ત્યાં જવાનું મન વધારે થાય છે.

જે લખી’તી મે 'ગઝલ' તારા વિશે,

આજ લાખો પ્રેમીઓ એ ગાય છે.

એક તારા રૂપની જોવા ઝલક;

આયખું આખુ’ય વીતી જાય છે."

Sweetheart.


ગઝલ બંને કાર્ડ ફેરવી ફેરવીને જોતા કોણે મોકલ્યા હશે એ વિચારી રહી. એનો વિચાર મલ્હાર સુધી જઈને અટકી જતો હતો. એણે ફિંગર ક્રોસ કરી અને બંને કાર્ડ ગઈકાલ વાળા કાર્ડની સાથે મૂકી દીધા.


**


વિવાન ઓફિસ જવા નીકળ્યો પછી તરત જ કાવ્યા કામને બહાને બહાર નીકળી.

સમાઈરાએ એને જતા જોઈ એટલે 'ક્યાં જાય છે?' એમ પૂછ્યું, કાવ્યાને એને અત્યારે કંઈ કહેવાનું ઠીક ન લાગતા એ ઉડાઉ જવાબ આપીને નીકળી.


કાવ્યાએ સૌથી પહેલા એક મેડિકલ સ્ટોર્સ પાસે ગાડી ઉભી રાખી. ચહેરા પર માસ્ક લગાવ્યું અને ગાડીમાંથી નીચે ઉતરી. મેડીકલમાંથી પ્રેગનન્સી કીટ લીધી. પછી ગાડી મોલમાં લીધી.

પાર્કિંગમાં ગાડી મૂકીને માસ્ક વ્યવસ્થિત કરીને તે

મોલની અંદર ગઈ.

ત્યાંથી સીધી વોશરૂમમાં જઈ કીટ વાપરીને પ્રેગનન્સી ટેસ્ટ કર્યો. ટેસ્ટ પોઝિટિવ આવ્યો.


કાવ્યા હવે ખૂબ ગભરાઈ ગઈ. એના હાથ પગ પાણી પાણી થઇ ગયાં. લગભગ દસેક મિનિટ સુધી તે એમ જ સૂનમૂન થઇને ટોયલેટ સીટ પર બેસી રહી.

જ્યારે બીજી સ્ત્રીઓનો અવાજ આવવા લાગ્યો ત્યારે એ ભાનમાં આવી. કીટ પર્સમાં મૂકી ટોઈલેટમાંથી બહાર આવી. વોશ બેસિન પર જઈને મોઢું ધોયું. ચહેરો સરખો કર્યો. ફરીથી માસ્ક લગાવ્યું અને મોલની બહાર નીકળી.


તેણે ગાડી સીધી મલ્હારના ફાર્મહાઉસ પર લીધી. ફાર્મહાઉસ પહોંચતા સુધીમાં ત્રણ ચાર વાર એણે પોતાના પેટ પર હાથ ફેરવ્યો.

ફાર્મહાઉસ પર મલ્હાર તેની રાહ જ જોઇ રહ્યો હતો.

કાવ્યા અંદર આવતા જ મલ્હારે તેને ગળે લગાવી.


'હજુ તો બે જ દિવસ થાયા છે આપણે મળ્યા એને. એટલો બધો મિસ કરતી હતી મને?' મલ્હાર એના ગળા પર હોઠ ફેરવતાં બોલ્યો.


'મલ્હાર આપણે લગ્ન ક્યારે કરીશું?' કાવ્યા સીધી મુદ્દા પર આવી.

કાવ્યાના મોઢે લગ્ન શબ્દ સાંભળીને મલહારનાં હોઠ કાવ્યાના ગળા પર જ થીજી ગયાં.

બે ત્રણ સેકંડ એમ જ વિતી.


'આ સમય વાતો કરવાનો નથી માય લવ..' મલ્હાર કાવ્યાની ગરદન પર પોતાનો ચહેરો ઘસતા બોલ્યો.


'મલ્હાર પ્લીઝ.. આઈ વૉન્ટ એન આન્સર.. આપણે લગ્ન ક્યારે કરીશું? તારે રુદ્રપ્રતાપનો પ્રોજેક્ટ જોઈતો હતો એ મેં તને મેળવી દીધો. હવે માર્કેટમાં પણ તારુ નામ જાણીતું થઈ ગયું છે… હવે આપણે આપણી રિલેશનશિપ વિષે ઘરમાં કહી દેવું પડશે.' કાવ્યાના અવાજમાં છૂપો ગભરાટ હતો.


મલ્હાર કાવ્યાથી અળગો થયો.


'કાવ્યા.. બેબી, મને પણ હંમેશાં એવું લાગે છે કે આપણે આવી રીતે ચોરીછૂપીથી મળવાને બદલે છેડેચોક, એકબીજાના ઘરે બધાને કહીને મળવું જોઈએ… પણ મને બીક તારા ભાઈની લાગે છે.. જો તેણે આપણી રિલેશનશિપ માન્ય ના રાખી તો જે છે એ પણ ટળશે.. અને તને ખબર છે કે હું તને મળ્યા વગર રહી શકતો નથી.' એમ કહીને મલ્હારે ફરી કાવ્યને બાહોંમાં લીધી.


'મલ્હાર પ્લીઝ.. તું દર વખતે આવું બોલીને મારી વાત જ ઉડાવી દે છે.. પણ આજે તારે કહેવું જ પડશે કે તુ મારી સાથે ક્યારે લગ્ન કરીશ? ભાઈની વાત છોડ, મારી ખુશી માટે એ કંઇ પણ કરશે. એ તને પણ સ્વિકારશે.' કાવ્યાએ મલ્હારનો હાથ હાથમાં લેતા કહ્યું.


'કરીશુને કાવ્યા.. થોડા સમયમાં કરીશું.' મલ્હાર પોતાનો હાથ છોડાવીને બેડ પર જઇને બેઠો. એણે સિગરેટ સળગાવી.


'મલ્હાર.. તારા આવા ગોળ ગોળ જવાબો સાંભળીને હું કંટાળી ગઈ છું. ક્યારે લગ્ન કરીશ એ બોલ.. આનાથી વધારે હું રાહ જોઈ શકું તેમ નથી. મને ઓલરેડી બે મહિના થઈ ગયા છે.' કાવ્યા બોલી.


'મતલબ?' મલ્હારે મુંઝવણભર્યા અવાજે પૂછ્યું.


'આઇ એમ પ્રેગનન્ટ મલ્હાર..' કાવ્યા એની નજીક જતાં બોલી.


'વ્હોટઙઙઙઙડ…' મલ્હાર જાણે વિજળીનો કરંટ લાગ્યો હોય તેમ તેની જગ્યાએ જ ઊછળ્યો. એના હાથમાંથી સિગરેટ ઉડીને દૂર ફર્શ પર પડી.


'હા મલ્હાર, હું પ્રેગનન્ટ છું. મને હજુ હમણાં જ ખબર પડી. હવે આપણા પાસે જાજો સમય નથી મલ્હાર.. થોડા વખતમાં મારુ પેટ પણ દેખાવા લાગશે. પછી છુપાવવું ઇમ્પોસિબલ થશે. બધાને આપણી ભૂલની ખબર પડે એ પહેલાં જ આપણે સંબંધ જાહેર કરી દઈએ.. એમાં જ આપણી અને આવનાર બાળકની ભલાઇ છે.' કાવ્યા મલ્હારને ગળે લગાવતા બોલી.


'પણ આ કેવી રીતે પોસિબલ છે કાવ્યા? તું તો દર વખતે પિલ્સ લેતી હતી ને?' મલ્હાર હજુ આંચકો પચાવી નહોતો શક્યો.


'હા, હું દર વખતે ભૂલ્યા વગર પિલ્સ લેતી હતી. પણ ક્યારેક ક્યારેક પિલ્સ કામ નથી કરતી. મને પણ પહેલા આઘાત લાગ્યો હતો… પણ હવે જે થઈ ગયું તે થઈ ગયું… મારે આ બાળક જોઇએ છે. મલ્હાર તું બોલને આપણે લગ્ન ક્યારે કરીશું?'


'એક મિનિટ કાવ્યા એક મિનિટ..' મલ્હાર કાવ્યાની સામે હથેળી ધરીને થોભવાનો ઈશારો કરીને બોલ્યો. એનું શયતાની મગજ હવે ઝડપથી વિચારવા લાગ્યું હતું.


'લગન બગનની વાત પછી.. પહેલાં તો આ બાળકનું શું કરવું એ વિચારવું પડશે.' મલ્હાર સપાટ અવાજમાં બોલ્યો.


'વ્હોટ ડૂ યૂ મિન?' બોલતાં કાવ્યાનો હાથ અનાયસ પેટ પર ગયો.


'મારે આ બાળક નથી જોઇતું કાવ્યા.. મારી ફેમિલી આ બાળકને કદી નહીં સ્વીકારે. તારે એબોર્શન કરાવવું પડશે.' મલ્હાર ભાવવિહીન અવાજમાં બોલ્યો.


મલ્હારના મોઢે એબોર્શન શબ્દ સાંભળીને કાવ્યના પગ નીચેથી જમીન ખસી ગઈ. એનો બીજો હાથ પણ પેટ પર ગયો. એની આંખોમાં આંસુ આવી ગયા.


'તું તો એવી રીતે બોલે છે કે જાણે તારે આ બાળક સાથે કોઈ સંબંધ જ ન હોય.. તારુ બચ્ચુ છે આ મલ્હાર..' કાવ્યા આંખોમાં આંસુ સાથે બોલી.


'આ બાળક મારુ જ છે, આપણું જ છે એ હું સમજુ છું કાવ્યા.. વાત એ નથી.. વાત એ છે કે આ બાળક આપણા લગ્ન પહેલાંનુ છે. આપણી ફેમિલી, આ સમાજ એ બાળકને સ્વીકારશે નહીં. બધા એને અનૈતિક સંબંધના પરિણામ તરીકે જોશે. હરામી કહીને બોલાવશે એ મંજુર હશે તને?' મલ્હારે કહ્યુ.



'એટલે જ.. એટલે જ તો હું તને કહું છું કે આપણે જેમ બને એમ જલ્દી.. રાધર આજે જ લગ્ન કરી લઈએ..' કાવ્યા બોલી.


'સમજી લે આપણે લગ્ન કરી પણ લઈએ.. છતાં મારા ઘરવાળાં આ બાળકને કે પેટમાં બાળક સાથે તને સ્વીકારી લે એની કોઈ ગેરંટી નહીં.'


'મતલબ?' કાવ્યા બોલી.


'કાવ્યા… લોકો ભલે ગમે એટલાં એકવીસમી સદીના બણગા ફૂંકે કે અમે સુધરી ગયા છીએ.. પણ આપણાં પુરુષપ્રધાન સમાજની માનસિકતા હજુ પણ અઢારમી-ઓગણીસમી સદીની જ છે. કમસેકમ મારી ફેમિલીની માનસિકતા હું ઓળખું છું. મતલબ કે જે છોકરીએ લગ્ન પહેલાં જ બધી મર્યાદાઓ ઓળંગી લીધી હોય એવી છોકરીને એટલે કે તને મારા ઘરવાળા પુત્રવધૂ તરીકે નહીં સ્વીકારે અને હું પણ મારી ફેમિલીના વિરોધમાં નહીં જઈ શકું..' મલ્હાર જવાબદારીમાંથી હાથ ઉંચા કરી લેતો હોય તેમ બોલ્યો.


'તું વિરોધમાં જઈ શકીશ નહીં? અને હું? હું તો મારા ભાઈના વિરોધમાં ગઈને? કોના માટે? આપણાં પ્રેમ માટે જ ને? અરે! હું આપણા માટે, મારી પુરી ફેમિલીના વિરોધમાં જવા તૈયાર છું. તારા માટે થઈને બધાં સાથે સંબંધો તોડી નાખવા તૈયાર છું. અને તું કહે છે કે તું તારા ઘરનાની વિરોધમાં નહીં જઈ શકે?' કાવ્યાનો અવાજ ઉંચો થઈ ગયો. એના ચહેરા પર લોહી ધસી આવ્યું.


'આમ જો કાવ્યા, તું શાંતિથી વિચાર કર..' મલ્હારે બેઉ હાથમાં કાવ્યાનો ચહેરો લીધો અને બોલ્યો: 'એબોર્શન કરાવીને તરતજ આપણે લગ્ન કરી લઇશું.. વધારેમાં વધારે શું થશે? આપણે ગુપચુપ લગ્ન કરીશું એટલે મારા ઘરના મારાથી નારાજ થશે એટલું જ ને? કદાચ મારી સાથે થોડા દિવસો બોલશે નહીં.. પણ સમય વીતવા સાથે બધું થાળે પડી જશે..' મલ્હાર બોલ્યો.


'નો મલ્હાર.. પ્લીઝ ટ્રાઈ ટૂ અન્ડરસ્ટેન્ડ.. આ આપણું પહેલું બાળક છે, દુનિયામાં આવતા પહેલા જ તું એને મારી નાખીશ?' બોલતાં કાવ્યા રડી પડી.

.

.

ક્રમશઃ

.

.

**

વ્હાલા વાચકો, આપને નવલકથાનો આ ભાગ કેવો લાગ્યો એ જરૂર જણાવશો.



❤ તમારા પ્રતિભાવની પ્રતિક્ષામાં.. ❤