Pranay Parinay - 10 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 10

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રણય પરિણય - ભાગ 10

'પણ હવે તારા દિવસો પુરા થયા. માર્કેટમાં રાજ કરવાનો વારો હવે મારો છે.' મલ્હારે ઘમંડ સાથે કહ્યુ.


'ગુડ.. ગુડ, આઈ લાઈક યોર એટીટ્યુડ.. તું ખૂબ આગળ વધીશ..' વિવાને ઠંડકથી કહ્યુ.


'હાં, એ તો મને ખબર જ છે.. એન્ડ થેન્કસ્ ફોર યોર કોમ્પિલમેન્ટસ્.' મલ્હારે કીધું અને વિવાન તરફ એક તિરસ્કૃત દ્રષ્ટિ ફેંકીને બહાર નીકળી ગયો.


જોયું ભાઈ.. કેટલો ઘમંડ છે એને? રઘુ દાંત નીચે હોઠ દબાવતાં બોલ્યો.


'નવી નવી પાંખો આવી છે ભલે ઊડે, ઊડવા દે.. ચાલો આપણે આપણા કામે વળગીએ..' બોલીને વિવાન રઘુ અને વિક્રમ સાથે કોન્ફરન્સ રૂમની બહાર નીકળ્યો.


**

પ્રણય પરિણય ભાગ ૧૦

.


વિવાને ઓફિસમાં આવતાવેંત સૌથી પહેલા પોતાની કંપનીના આઇ.ટી. ડિપાર્ટમેન્ટમાંથી એન્જિનિયરને બોલાવીને પોતાનું લેપટોપ ચેક કરાવ્યું. એને પોતાનું લેપટોપ હેક થયાની શંકા હતી પણ એવું કંઈ ના નીકળ્યું.


વિવાન ચેરને પાછળ ધકેલી માથું ટેકવીને બંધ આંખે વિચાર કરી રહ્યો હતો:

'મારુ લેપટોપ હેક થયું નથી.. ડોક્યુમેન્ટ્સ બધા મારી પાસે જ હતાં.. તો કોણ હોય શકે? અને જે કોઈ હોય તેણે આ કર્યું કેવી રીતે..? કે પછી મલ્હારને એની ટેલેન્ટના લીધે આ પ્રોજેકટ મળ્યો હશે? લેટ્સ સી.. જોઈએ શું થાય છે એ..' વિવાન સ્વગતઃ બોલ્યો.

પછી તેણે આ પ્રોજેક્ટના વિચારો ખંખેરીને બીજા કામમાં મગજ પરોવ્યું.


વિવાનનો આખો દિવસ કામમાં નીકળી ગયો. ઓફિસેથી નીકળવાનો સમય થયો ત્યારે તેના પર કાવ્યાનો ફોન આવ્યો..


'હેલો ભાઇ, શું કરે છે?' કાવ્યાએ ફોનમાં પૂછ્યું.


'ઓફિસમાં છું કંઇક કામ કરું છું.' વિવાન બોલ્યો.


'હાં ભાઈ એ તો મને પણ ખબર છે, પણ તું હમણાં ફ્રી થઈ શકે એમ છે કે નહીં એ બોલ.. '


'તારે કામ શું છે એ જલ્દી બોલ કાવ્યા.. મારી પાસે ટાઈમ નથી.' વિવાન અકળાઈને બોલ્યો.


'અમારે આજે નાઈટ ક્લબમાં જવું છે.' કાવ્યાએ કહ્યુ.


'કઈ ક્લબમાં?' વિવાને પૂછ્યું.


'મૂનલાઈટમાં, ત્યાં ડિસ્કોથેક પણ છેને એટલે.' કાવ્યાએ કહ્યું.


'ઓકે, તો જઇ આવો.. ડિસ્કોમાં જવું હોય એમા પૂછવાની ક્યાં જરૂર છે? મે તમને ક્યારેય ના પાડી છે કે?' વિવાને કહ્યુ.


'ભાઈ.. અમારે તારી સાથે જવું છે.' કાવ્યા બોલી.


'બચ્ચા મને બિલકુલ ટાઈમ નથી.. એક કામ કર રઘુને મોકલું?' વિવાને કહ્યું.


'અરે નહીં નહી.. બિલકુલ નહીં પતિદેવ.. એ ચંપકનું તો કંઈ કામ નથી અમારે..' સમાઈરા વચ્ચે બોલી.


'ઓ.. એટલે આ તારો પ્લાન છે એમને?' વિવાન ફોન પર સમાઈરાને ઉદ્દેશીને બોલ્યો.


'હા.. મારો જ પ્લાન છે અને તું જ મને ડિસ્કોથેક લઈ જઈશ..' સમાઈરાએ ફરમાન છોડ્યું.


'મને નહીં ફાવે.. તમે લોકો જાવ.. હું રઘુને મોકલું છું.. એવું લાગે તો વિક્રમને પણ મોકલું.' વિવાને કહ્યું.


'વિવાન... તું નહીં આવે તો હું ઓફિસમાં આવીશ સમજ્યો?' સમાઈરાએ ધમકી મારી.


'તારે જે કરવું હોય તે કર..' કહીને વિવાને ફોન કટ કર્યો.


સવાર વાળી મિટિંગ પછી આખા દિવસનુ કામ, આ બધાને કારણે આમ પણ વિવાનનુ મગજ ખરાબ હતું ઉપરથી સમાઈરાએ માથું ખાધુ એટલે એનું મગજ હજુ વધારે તપી ગયું હતું.

તેણે ટેબલ પરની ફાઈલ જોરથી દૂર ફગાવી. પછી માથું પકડીને બેઠો.

એટલામાં વિક્રમ અને રઘુ અંદર આવ્યા.


'કંઈ તકલીફ છે બોસ?' તેને આવી રીતે બેઠેલો જોઈને વિક્રમે પૂછ્યું.

વિવાને કંઈ જવાબ ના આપ્યો.


'ભાઈ, તમારે ઘરે જવું છે?' રઘુએ ચિંતાતુર આવાજમાં પૂછ્યું.


'ઘરે નથી જવું એટલે તો માથું દુખે છે રઘુ.' વિવાને કહ્યુ.

રઘુ અને વિક્રમ એકબીજાનુ મોઢુ જોવા લાગ્યા.


'શું થયું છે ભાઈ? કંઇ પ્રોબ્લેમ થયો છે?' રઘુએ થોડા નજીક જઈને પુછ્યું.


વિવાને માથું ઉંચું કરીને બેઉની સામે જોયુ પછી બોલ્યો: 'સમાઈરાને મારા જોડે નાઈટ ક્લબમાં જવું છે પણ મારી બિલકુલ ઈચ્છા નથી.'


'ધત્ તેરી.. બસ એટલી જ વાત છે? તો તો પછી તમારો મૂડ બનાવવા માટે મારી પાસે એક મસ્ત ખુશખબર છે.' રઘુ રમતિયાળ હાસ્ય વેરીને બોલ્યો.


વિવાને ભવાં ઉંચક્યા.. રઘુ હજુ પણ હસી રહ્યો હતો.


'હવે મોઢામાંથી બોલીશ કે હસતો જ રહીશ?' વિવાને ચીડાઈને કહ્યું.


'ભાઈ, પેલી કથ્થઈ આંખો વાળી પરી પણ આજે નાઈટ ક્લબમાં જવાની છે.' રઘુ બોલ્યો.


'કથ્થઈ આંખો વાળી પરી કોણ છે?' વિક્રમે નવાઈથી પૂછ્યું.


'ભાઈ સાહેબને એક કથ્થઈ આંખો વાળી છોકરી પસંદ આવી ગઈ છે.' રઘુ વિક્રમ સામે આંખ મિંચકારીને બોલ્યો.


'એવું કંઈ નથી યાર.. ' વિવાન નજર ચોરતાં બોલ્યો.


'અચ્છા..! જો એવું કંઈ નહોતું તો મારી પાસે બે દિવસ ફિલ્ડિંગ શું કામ ભરાવી હતી?' રઘુ લટકો કરીને બોલ્યો.

વિવાન પાસે એનો કોઈ જવાબ નહોતો.


'બોસ, વ્હુ ઈઝ કથ્થઈ આંખો વાળી પરી?' વિક્રમને જિજ્ઞાસા થઈ.


'ગઝલ... ગઝલ કાપડિયા, મિહિર કાપડિયાની સિસ્ટર.' ગઝલનું નામ બોલતી વખતે વિવાનના મોઢે મધ ટપક્યું.


'અચ્છા.. એ દિવસે ઓફિસમાં આવી હતી એ જ?' વિક્રમને યાદ આવતા એ બોલ્યો.


'હમ્મ..' વિવાને હકારમાં ડોકું હલાવ્યું.


'નાઈસ ચોઈસ સર.' વિક્રમે વખાણ કર્યા. પછી બોલ્યો: તો તો પછી આ વર્ષે અમને ભાભી સાહેબ મળી જશે..!'


'હા,પાક્કુ મળી જશે.. પપ્પા અને દાદી ગામડેથી આવે એટલે હું જ એમને ખબર આપવાનો છું..' બોલીને રઘુ થોડી ક્ષણ દૂર તાકી રહ્યો. પછી બોલ્યો : 'દાદી કેટલી ખુશ થશે ને ભાઈ?'


'પણ બોસ સમાઈરા મેડમ?' વિક્રમે હળવેથી પૂછ્યું.


'મારી લાઈફમાં કોઈ આવશે તો એ ગઝલ આવશે નહીતો કોઈ નહીં આવે.' વિવાન દ્રઢપણે બોલ્યો.


'અરે વાહ ભાઇ બહું ભારે પ્રણ લીધુ તમે તો..' રઘુ બોલ્યો.

વિવાને ફક્ત સ્મિત આપ્યું.


'હમ્મ.. તો ભાઇ નાઈટ ક્લબમાં જવું છે ને?' રઘુએ મજાકિયા લહેકામાં પુછ્યું.


'હાં જઇશ.. એ કઈ ક્લબમાં જવાની છે?' વિવાન બોલ્યો.


'મૂનલાઈટમાં.' રઘુએ કીધું.


'ઓકે.. તો આજે રાત્રે મૂનલાઈટમાં.' કહીને વિવાને ચેર પરથી કોટ ઉઠાવ્યો અને કેબિનની બહાર નીકળ્યો.

વિક્રમ અને રઘુ પણ ખુશ થતાં એની પાછળ ચાલ્યા.


""

રઘુ અને વિવાન ઘરે પહોંચ્યા. વિવાનને જોઈને સમાઈરા ખુશ થઈ ગઈ.. દોડી ને એણે વિવાનને હગ કર્યું. સમાઈરા આવી રીતે તેને ચીપકે એ વિવાનને બિલકુલ પસંદ નહોતું. પણ એને કહીને કોઈ ફાયદો નહોતો એટલે વિવાને એક નિશ્વાસ છોડ્યો અને તેને અળગી કરી.


'થેન્ક યૂ મારા વર, થેન્ક યૂ.. કે તે મારી વાત સાંભળી.' કહીને સમાઈરાએ વિવાનના હાથમાં હાથ પરોવ્યા.


'તમારે લોકોને ડિસ્કોમાં જવું હતું તો હજુ સુધી તૈયાર કેમ નથી થયા? જા જલ્દી જઈને તૈયાર થા.' કહીને વિવાને એનો હાથ છોડાવ્યો.


'રીયલી ભાઈ..! તુ આવવાનો છે?' કાવ્યા ખૂશ થતા બોલી.


'એટલા માટે તો ઓફિસથી વહેલો આવી ગયો.' કહીને વિવાને કાવ્યાના માથે હાથ ફેરવ્યો.


'થેન્ક યૂ ભાઈ..' કહીને કાવ્યાએ વિવાનને હગ કરી.

વિવાને તેને મીઠી સ્માઈલ આપી અને પોતાની રૂમમાં ગયો.


'જોયુંને કાવ્યા, મારા એક શબ્દ પર તારો ભાઈ કેવો દોડતો ઘરે આવ્યો.. એ પણ મને ખૂબ પ્રેમ કરે છે પણ દેખાડતો નથી.' સમાઈરા બેઉ હાથ પોતાની છાતી પર રાખીને બોલી.


'તારા શબ્દ પર નહીં, તે ઓફિસે જવાની ધમકી આપી હતી એટલે આવ્યો..' કાવ્યા બોલી.


'એ જે કંઈ હોય તે.. પણ પ્રેમ છે એટલે જ આવ્યોને..? આઈ નો, હિ લવ્ઝ મી.. બસ થોડો અડિયલ છે.' સમાઈરા કયૂટ ફેસ બનાવીને બોલી.


'હાં બાબા.. હું સમજી ગઈ.. ચલ હવે જલ્દી તૈયાર થઈએ, મોડું થશે તો ભાઈ પ્રોગ્રામ જ કેન્સલ કરી નાખશે.' કાવ્યા બોલી.


'નો, નો.. ચલ ચલ.' કહીને સમાઈરા કાવ્યા સાથે તૈયાર થવા ગઈ.


**


ગઝલની ફ્રેન્ડ નીશ્કાનો બર્થડે હતો અને ચાર દિવસ પછી નીશ્કા આગળના અભ્યાસ માટે બહાર ગામ જવાની હોવાથી નીશ્કાએ તેના બધા ક્લોઝ ફ્રેન્ડ્સને આમંત્રિત કર્યા હતા.. એટલે એનું આખું ગૃપ મૂનલાઈટ ક્લબમાં આવ્યું હતું.

યોગાનુયોગ મલ્હાર પણ તેના ફ્રેન્ડસ સાથે ત્યાં આવ્યો હતો.


'હેય મલ્હાર, જસ્ટ લુક એટ હર.. શું કમાલની છોકરી છે યાર..' મલ્હારનો એક ફ્રેન્ડ ગઝલને જોઇને બોલ્યો. પણ મલ્હારનું ધ્યાન બીજે હતું.


'વ્હુ ઈઝ શી?' મલ્હારના ફ્રેન્ડની ગર્લફ્રેન્ડ ગઝલ સામે જોઈને બોલી.


'આઇ ડૉન્ટ નૉ હર બટ વ્હોટ અ સ્માઈલ એન્ડ હાઉ બ્યૂટીફૂલ આઇઝ..' મલ્હારનો ફ્રેન્ડ વર્ણન કરતાં બોલ્યો.


"બ્યુટીફૂલ આઇઝ" શબ્દો સાંભળીને મલ્હાર ચમક્યો.. એણે તરતજ પાછળ ફરીને જોયું.


'ગઝલ..!' મલ્હાર બબડ્યો.


'તુ એને ઓળખે છે કે?' એના મિત્રએ પુછ્યું.


'નો.. આઈ એમ નોટ.. બટ આઈ એમ ઈન્ટરેસ્ટેડ ઈન હર..' મલ્હારે એના મિત્રને આંખ મારી અને પોતાની જગ્યા પરથી ઉભો થયો, મોઢામાં માઉથ ફ્રેશનરનો સ્પ્રે માર્યો અને ગઝલની બાજુમાં ગયો. ગઝલ તેની એક ફ્રેન્ડ સાથે સોફ્ટ ડ્રિન્કની બૉટલ લઈને બેઠી હતી. બાકીની ફ્રેન્ડસ ડાન્સ ફ્લોર પર એન્જોય કરી રહી હતી.


'હાય..!' મલ્હાર પાછળથી એની નજીક જઇને બોલ્યો.


ગઝલએ પાછળ ફરીને જોયું, મલ્હારને સામે ઉભેલો જોઇને જાણે એનુ સપનુ સાકાર થયું હોય તેમ એ ખુશ થઈ.


'હાય..!' બોલીને ગઝલ એની જગ્યા પરથી ઉભી થઇ.


'તું અહીં?' મલ્હારે પૂછ્યું.


'ઇટ્સ માય ફ્રેન્ડઝ બર્થડે, સો પાર્ટી ટાઈમ..' ગઝલ સ્માઈલ કરતાં બોલી.


'ગ્રેટ..! બટ વ્હાય આર યૂ સીટિંગ હિઅર?' મલ્હારે પૂછ્યું.


'મને ડાન્સનો મૂડ નહોતો અને ફાસ્ટ સ્ટેપ્સ પણ મને નથી ફાવતા એટલે..' ગઝલએ નિર્દોષતાથી ચોખવટ પાડતાં કહ્યુ.


'ઓહ, ઓકે નો પ્રોબ્લેમ.. હું તને બતાવું ચલ.. ઈઝી છે એકદમ.. બસ એક બે સ્ટેપ્સ જ છે, બધા એજ ફોલો કરે છે..આવ તને શીખવાડુ.' મલ્હારે ગઝલનો હાથ પકડીને કહ્યું.


'પણ મને નહીં ફાવે..' ગઝલ થોડા ખચકાટ સાથે બોલી.


'અરે ના કેમ ફાવે..! હું છું ને?' કહેતાં મલ્હાર ગઝલને ડાન્સ ફ્લોર તરફ દોરી ગયો.


મલ્હારે તેને બેઝિક સ્ટેપ્સ શીખવ્યા, ગઝલએ ફટાફટ કેચ અપ કરી લીધા. અને તે રીઘમમાં ડાન્સ કરવા લાગી.. ધીમે ધીમે તેને ફાવી ગયું. અને મજા પણ આવવા લાગી.


'જોયું? મે કીધું હતું ને કે તને ફાવી જશે! યૂ આર ડૂઈંગ પરફેક્ટ..' મલ્હાર બોલ્યો. ગઝલ ખુશ થઈને હસી.


'બ્યુટીફૂલ સ્માઈલ.' મલ્હાર બોલ્યો.


'થેન્કસ્.' ગઝલએ કહ્યું.


પછી મલ્હારે ગઝલ સાથે ડાન્સ કરવાનુ શરૂ કર્યું. ગઝલને પણ તો એ જ જોઈતું હતું. બંને મસ્તીથી ડાન્સ કરવા લાગ્યા.

થોડી વારમાં વિવાન, સમાઈરા અને કાવ્યા પણ એન્ટર થયાં.

વિવાને ચોતરફ નજર ઘુમાવી, એની નજર ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતી ગઝલ પર પડી. ગઝલને જોઇને વિવાનનો ચહેરો ખીલી ઉઠ્યો. મલ્હારની પીઠ વિવાન તરફ હોવાથી ગઝલ સાથે કોણ છે એ વિવાનને દેખાતું નહોતું.

આ ડિસ્કોથેક કાવ્યાની ફ્રેન્ડ આરોહીના બોયફ્રેન્ડનો હતો.

આરોહી લગભગ રોજ સાંજે અહીં આવતી એ કાવ્યાને ખબર હતી. દસ બાર દિવસથી કાવ્યા એને મળી નહોતી એટલે આજે અહીં હોય તો મળી લઉં અને થોડી વાર વિવાન અને સમાઈરાને પણ સાથે ડાન્સ કરવાનો મોકો મળે, એ લોકો સમય વિતાવી શકે એમ વિચારીને કાવ્યા આરોહીના બોયફ્રેન્ડ યશની કેબિન તરફ ગઈ.


'અરે કાવ્યા, તું એ બાજુ કેમ જાય છે?' સમાઈરા એને જતા જોઈને બોલી.


'અમસ્તા આ સાઈડ જાઉં છું, તમે લોકો ડાન્સ ફ્લોર પર જવા માગતા હોય તો જાવ.. હું આવું જરા.' કાવ્યા બોલી.


'અરે બચ્ચા, તું પણ આવને.. ' વિવાને કાવ્યાને કહ્યુ.


'નહીં ભાઈ તમે જાવ.. હું આવું થોડી વારમાં.' કાવ્યા બોલી.


'આર યૂ ઓલ રાઈટ?' વિવાને થોડી ચિંતા સાથે પૂછ્યું.'


યા.. યા, આઈ એમ ઓલ રાઈટ, આઈ વીલ જોઈન યૂ ઈન અ વ્હાઇલ.. યૂ બોથ પ્લીઝ ગો એન્ડ એન્જોય.' કાવ્યા બોલી.


'પતિદેવ, ચાલો આપણે ડાન્સ કરીએ..' સમાઈરા વિવાનનો હાથ પકડીને બોલી.


'ડોન્ટ કૉલ મી પતિદેવ, નહિતર હું નહીં આવું..' વિવાન ચીડાયો.


'ઓકે, નહીં કહું બસ..' સમાઈરા હોઠ વંકાવીને બોલી.


'ગુડ.. ચલ.' ગઝલ સાથે ડાન્સ કરવા મળશે એમ વિચારીને વિવાન સમાઈરાને લઈને ડાન્સ ફ્લોર તરફ જઈ રહ્યો હતો ત્યાં એના મોબાઈલ પર વિક્રમનો ફોન આવ્યો.


'એક મિનિટ..' વિવાને ઊભા રહીને ફોન ઉપાડ્યો.


'ડેમ ઇટ.. અત્યારે જ ફોન આવવાનો હતો કે..' સમાઈરા બબડી. એને મુશ્કેલી થી મોકો મળ્યો હતો. એ થોડા દિવસો માટે જ ઈન્ડિયા આવી હતી એટલે સમાઈરા બને તેટલો ક્વોલીટી ટાઈમ વિવાન સાથે પસાર કરવા માંગતી હતી.


અંદર ખૂબ ઘોંઘાટ હોવાથી વિવાન ફોન પર વાત કરતા કરતા બહાર ગયો. સમાઈરા પગ પછાડતાં સાઈડની સીટ પર જઇને બેઠી.

કાવ્યાએ મેનેજરની કેબીનમાં જઈને આરોહીના બોયફ્રેન્ડ યશ વિશે પુછ્યું.


'સર તો બે દિવસ માટે આઉટ ઓફ ટાઉન છે મે'મ.' મેનેજરે જણાવ્યું.


'અને આરોહી આવી છે કે?' કાવ્યાએ પુછ્યું.


'આરોહી મે'મ તો આજે નથી આવવાના.' મેનેજર બોલ્યો.

'ઓકે થેન્કસ..' કહીને કાવ્યા સીટિંગ એરીયા તરફ પાછી આવી.

એણે જોયું તો ત્યાં સમાઈરા ઉદાસ ચહેરે એકલી બેઠી હતી.


'શું થયું..' કાવ્યા સમાઈરાનો ઉતરી ગયેલો ચહેરો જોઈને બોલી.


'યાર આ દુનિયામાં બધા મારા પ્રેમનાં દુશ્મનો છે.. એ લોકો વિવાનને જરાક માટે પણ રેઢો નથી મૂકતાં.. એક મોકો મળ્યો હતો ત્યાં વિક્રમનો બચ્ચો ટપક્યો... એને પણ અત્યારે જ ફોન કરવો હતો? આખો દિવસ તો ભેગા હોય છે..' સમાઈરાએ બળાપો કાઢ્યો..


'રીલેક્સ બેબી.. ફોન પતે પછી જજો ને.. ઘણો સમય છે આપણી પાસે.' કાવ્યા એને શાંત પાડતા બોલી.


'સમય જ તો નથી કાવ્યા મારી પાસે.. આ જોને.. લોકો અહીં કેટલા મસ્ત એન્જોય કરી રહ્યા છે..! ખાસ કરીને પેલુ કપલ જો..' સમાઈરા ડાન્સ ફ્લોર તરફ આંગળી ચીંધીને બોલી. કાવ્યાએ એ દિશામાં જોયું. મલ્હાર ઓતપ્રોત થઈને ગઝલ સાથે ડાન્સ કરી રહ્યો હતો.


'કેટલું મસ્ત કપલ છે ને..!? જસ્ટ લાઇક ધે આર મેઇડ ફોર ઈચ અધર..' સમાઈરાએ કહ્યુ.


મલ્હારને બીજી છોકરી સાથે ડાન્સ કરતો જોઇને કાવ્યા અંદરથી ઉકળી ઉઠી. વળી સમાઈરા એ લોકોના પેટ ભરીને વખાણ કરી રહી હતી..

ઉપરથી ગઝલ હતી પણ એટલી સુંદર.. એટલે કાવ્યાને મલ્હાર કરતા પણ વધુ ગુસ્સો ગઝલ ઉપર આવતો હતો.

ગુસ્સે ભરાયેલી કાવ્યા ઉભી થઇને કંઈ બોલ્યા વગર સડસડાટ ડિસ્કોથેકમાંથી બહાર નીકળી ગઈ.


'હવે આને શું થયું?' બબડીને સમાઈરા પણ ઉભી થઇ.

'કાવ્યા.. શું થયું કાવ્યા?' બોલતી સમાઈરા પણ એની પાછળ પાછળ ચાલી.

બરાબર ત્યારે જ વિવાન ફોન કટ કરીને અંદર આવી રહ્યો હતો. તેને કાવ્યા ગુસ્સાથી બહાર આવતાં દેખાઈ.. પાછળ સમાઈરા એને બોલાવતા આવી રહેલી દેખાઈ.


'વ્હોટ હેપન્ડ કાવ્યા?' વિવાને કાવ્યાની સામે આવીને પુછ્યું.


'ભાઈ, મારે ઘરે જવું છે.' કાવ્યા બોલી.


'અરે પણ કાવ્યા, આપણે હજુ હમણાં જ તો આવ્યા..' સમાઈરા બોલી.


'ભાઈ, મારે અત્યારે ને અત્યારે જ ઘરે જવું છે.' કાવ્યા ગુસ્સાથી બોલી.


'હા.. ઓકે, પણ થયું શું એ મને કહીશ?' વિવાને ચિંતિત સ્વરે પુછ્યું.


'ભાઈ.. આઈ એમ નોટ ફીલિંગ વેલ.. પ્લીઝ ચલને અહીંથી જઈએ..' કાવ્યા રડમસ અવાજે બોલી.


'ઓકે કમ.' વિવાને કહ્યુ. ગઝલને મળ્યાં વિના જવાનું એને થોડુ આકરુ લાગ્યું પણ વિવાન માટે એની બહેન વધારે મહત્વની હતી. જેના માટે તેણે ક્યારેય પોતાના સુખનો વિચાર નહોતો કર્યો.


'એય.. હેલો.. ઓકે શું ઓકે? એને ઘરે જવું હોય તો ભલે જતી.. આપણે આવ્યા છીએ તો થોડું એન્જોય કરીએને.. કાવ્યા તુ ડ્રાઈવર સાથે જતી રહે ઓકે? કમ વિવાન..' સમાઈરા વિવાનનો હાથ પકડતાં બોલી.


'સમાઈરા.. કાવ્યા નહીં રોકાય તો હું પણ નહીં રોકાઉં.' મલ્હાર બોલ્યો.


'ધિસ ઈઝ નોટ ફેર વિવાન.. હું થોડા દિવસો માટે તો આવી છું, આજે એટલા સમય પછી માંડ આપણને સાથે ટાઈમ સ્પેન્ડ કરવા મળ્યો છે અને એમાંય તું ના પાડી રહ્યો છે?' સમાઈરા ફરિયાદ કરતાં બોલી.


'ભાઈ, તમે બંને રોકાઈ જાવ.. તમે એન્જોય કરો. હું ડ્રાઈવર સાથે જતી રહું છું.' કાવ્યા બોલી. પોતાને લીધે બધાની મજા બગડી રહી હોવાથી કાવ્યા ગિલ્ટી ફીલ કરી રહી હતી.


'નો વે..' વિવાન બોલ્યો.


'અરે! પણ..' સમાઈરા કંઇ બોલવા ગઈ. વિવાને એને અટકાવી.


'સમાઈરા, મારા માટે જે કંઈ છે એ કાવ્યા છે સમજી? એને ઘરે જવું છે તો હું પણ રોકાઈ નહીં શકું… જો તારે એન્જોય કરવું હોય તો તું કરી શકે છે.. ઘરે પહોંચીને હું તારા માટે ગાડી મોકલી આપીશ.' વિવાને ઠંડા પણ ધારદાર અવાજમાં કહ્યુ.


વિવાનની વાત સાંભળીને સમાઈરાને લાગી આવ્યું. 'ઓકે તો ચાલો ઘરે.' બોલીને એ ધમ ધમ કરતી બંનેની આગળ ચાલતી થઈ.


'આઇ એમ સોરી ભાઈ, મારે લીધે તમારો મૂડ સ્પોઈલ થયો..' કાવ્યા અફસોસ કરતા બોલી.


'અરે નહીં બચ્ચા.. મારા મૂડ કરતાં તું વધુ ઈમ્પોર્ટન્ટ છે, ચલ આવ..' વિવાન બોલ્યો અને કાવ્યાના ખભે હાથ મૂકીને એને લઈને પાર્કિંગ તરફ ચાલ્યો.

.

.

ક્રમશઃ

.

**


મિત્રો, આ નવલકથા માટે તમારા તરફથી ખૂબ સારા સારા રેટિંગ મળી રહ્યાં છે. તમારો ભરપુર પ્રેમ આ નવલકથાને મળી રહ્યો છે, એ મારા માટે ઘણી ગર્વની વાત છે. બસ આવી રીતે તમારો પ્રેમ વરસાવતા રહેશો અને મારો ઉત્સાહ વધારતાં રહેશો. અને કોમેન્ટ્સ કરીને આપનો પ્રતિભાવ જણાવતા રહેશો. 🙏


❤ તમારી કોમેન્ટ્સ અને રેટિંગની પ્રતિક્ષામાં ❤