કારુ કોર્પો.
પ્રતિ: જિનેટિક લેબ, હિમાલયન વેલીઝ
તરફથી: અરવિંદ ઉપાધ્યાય, દિલ્હી ખાતે લેબ ચીફ
વિષય: સાચા ભાગીદારો
તમારે તમારા ક્ષેત્રની બહારની બાબતો પર ધ્યાન ન આપવું જોઈએ. તમને મળેલી માહિતી સાચી છે પરંતુ મારી પાસે મહામાનવની સેનાને રોકવાનો બીજો કોઈ રસ્તો નહોતો. સમસ્યા સરળ છે: વિશ્વમાં કોઈ કાયદો અને વ્યવસ્થા નથી રહ્યા. ઉકેલ એના કરતા પણ સરળ છે: વિશ્વને કોઈ એવી વ્યક્તિની જરૂર છે જે એમના ઉપર ફરી કાયદો અને વ્યવસ્થા લાદી શકે.
તમારી જાણકારી ખાતર: અરવિંદ ઉપાધ્યાયનું અવસાન થયું છે અને તમે કારુ સાથે વાત કરી રહ્યા છો - વિશ્વના એકમાત્ર જીવંત દેવતા. બ્રહ્મરાષ્ટ્ર નામની મિસાઇલ, 100 KGS પ્લુટોનિયમ સાથે કૈલાશ લેબ તરફ આવી રહી છે.
જો તમારી પાસે કેટલાક શબ્દો લખવા માટે પૂરતો સમય હોય તો કૃપા કરીને મને જણાવો કે તમે મરી ગયા છો. અને આ ગાંડપણમાં સાચા ભાગીદાર બનવા બદલ આભાર. તમે આ દુનિયાને એક નવો ઈશ્વર આપ્યો છે એ માટે વિશ્વ તમને અનંત સુધી યાદ કરશે.
વિરાટે કાગળ નીચે મુક્યા. એને કંઈ ખાસ સમજ પડતી નહોતી.
"આ લખાણ શું કહે છે?" ચિત્રા એના ચહેરા પર મુઝવણના ભાવ જોઈ એની નજીક આવી.
"મને નથી સમજાતું." વિરાટે કહ્યું.
"તું આ ભાષા નથી સમજી શકતો?" અમરે પૂછ્યું.
"ના." એણે કહ્યું, "ભાષા અજાણી નથી પણ આ લખાણનો કોઈ અર્થ નથી."
"એમાં શું લખ્યું છે?"
"એમાં લખ્યું છે કે કારુએ મનુષ્ય અને પ્રાણીઓનું એકબીજા સાથે શંકરણ કરી એક નવી જાતિ બનાવી છે."
"શેના માટે?"
"લોકોને પ્રલયથી બચાવવા માટે." વિરાટે કહ્યું, "આ પુસ્તક પ્રમાણે."
"અને તને શું લાગે છે?" ચિત્રાએ પૂછ્યું.
"એણે દુનિયા પર શાસન કરવા માટે આ બધું કર્યું છે." વિરાટે કહ્યું, "એણે હિમાલયની લેબમાં કામ કરતાં વૈજ્ઞાનિકોને ગેરમાર્ગે દોર્યા હતા."
"આ પુસ્તક શું છે?" પવને ચિત્રા સામે જોઈને પૂછ્યું.
“હું ક્યાં દેવભાષા વાંચી શકું છું.” ચિત્રાએ એના હાથમા પકડેલા કાગળ વિરાટને આપ્યા.
"અધિકૃત ઈ-મેઈલ્સની હાર્ડકોપીઝ." વિરાટે શીર્ષક વાંચતા કહ્યું.
"એમાં કોઈ કામની જાણકારી છે કે કેમ?"
વિરાટે એમાંથી થોડાંક પાનાં વાંચ્યાં.
"એ પ્રલયની શરૂઆત કેવી રીતે થઈ એ વિશે છે અને એના પ્રથમ તબક્કા પછી દેશ અને દેશના નાગરિકોની હાલત વિશે છે."
એણે ફરી થોડાં પાનાં ફેરવ્યા.
"કારુ બીજું કોઈ નહીં પણ પ્રલય પહેલાનો દેશનો છેલ્લો પ્રધાનમંત્રી હતો." વિરાટે કહ્યું, “એ એક જીવવિજ્ઞાની અને એક સફળ બિજનેસમેન હતો અને વડાપ્રધાન બન્યા પછી એને તમામ સત્તા અને સંપત્તિ પોતાના હાથમાં લેવાની તક મળી હતી. જ્યારે વિજ્ઞાનીકોને પ્રલય આવવાની ખબર પડી ત્યારે એણે તમામ સૈન્યશક્તિ પોતાના હાથમાં લઈ લીધી અને એ પછી કોઈ ચૂંટણી ન થઈ. આવનાર-પ્રલયની ગંભીર પરિસ્થિતિ જાહેર કરીને એ દેશનો બિનસત્તાવાર રાજા બની ગયો.”
એણે ફરી થોડાક પાના ઉલટાવ્યા અને કેટલાક ચિત્રો જોઈને એણે પાનાં ફેરવવાનું બંધ કર્યું.
"આ જુઓ." એણે બધાને ચિત્રો બતાવતા કહ્યું.
"આ કોણ છે?" ચિત્રાએ કહ્યું.
"મહામાનવ." વિરાટે કહ્યું, "માહિતી મુજબ. પરંતુ મને લાગે છે કે આ જ સાચા દેવતાઓ છે."
વિરાટે પુસ્તકને ટેબલ પર મૂક્યું અને એમણે મહામાનવના ચિત્રો તપાસ્યા.
"તું કેવી રીતે કહી શકે કે એ સાચા દેવતા છે?" અમરે પૂછ્યું.
"એ નહીં પણ એમના વંશજો." વિરાટે કહ્યું, “તેઓ હિમાલયન યેતિમાંથી શંકરણ કરવામાં આવ્યા હતા જેથી તેઓ પ્રલયમાં જીવી શકે અને આજકાલ હિમાલયની ખીણોના બરફમાં ફક્ત દેવતાઓ સિવાય કોઈ જીવી શકતું નથી.” વિરાટે ઉમેર્યું, "તમને શું લાગે છે?"
"એ કારુના દુશ્મન કેમ છે?" અમરે પૂછ્યું.
"આપણે એક બેઠકની જરૂર છે." વિરાટે કહ્યું, "રાત્રે જ્યારે જગપતિ આવે ત્યારે."
"ઠીક છે." ચિત્રાએ કહ્યું, "અને ત્યાં સુધી?"
"ત્યાં સુધી આપણે જેટલી માહિતી એકઠી કરી શકીએ એટલી કરીએ." એણે જવાબ આપ્યો.
એ પછી વિરાટ કાગળોની દુનિયામાં ખોવાઈ ગયો. બાકીના જ્ઞાનીઓ એના ચહેરા પર બદલાતા ભાવ જોતા રહ્યા.
સાંજ સુધી એ કાગળો વાંચતા રહ્યા. મધરાતે જગપતિએ દરવાજો ખખડાવ્યો. ચિત્રાએ દરવાજો ખોલ્યો અને બેઠક શરુ થઈ. બેઠકમાં એ જ્ઞાની અને વિરાટ સાથે અન્ય ચાર માણસો હતા. નીરદ, જગપતિ ગુણવતી નામની એક લોક સ્ત્રી અને એનો પતિ નંદન.
"મારે તમને વિગતવાર સમજાવવાની જરૂર પડશે." બધા આરસની પાટલીઓ પર ગોઠવાયા એ સાથે જ વિરાટ બોલ્યો, “આ પુસ્તકો પ્રમાણે પ્રલય કુદરતી હતો. કુદરત સિવાય કોઈ એટલી ભયાનક તબાહી કરી શકે એમ નહોતું. જોકે એનું કારણ માનવની મૂર્ખતા જ હતી. જંગલોના નાશ, પ્રદુષણ અને ઓઝોન પરત નાશ પામવાને લીધે સૂર્ય પ્રકોપ આવ્યો હતો પરંતુ કારુએ એનો ફાયદો ઉઠાવ્યો.”
વિરાટ જરા અટક્યો. એણે ચિત્રા, પવન અને અમર તરફ જોયું પણ કોઈની આંખોમાં કોઈ પ્રશ્ન ન દેખાયો એટલે આગળ કહ્યું, “વૈજ્ઞાનિકોએ પ્રલય વિશે આગાહી કરી હતી. વડાપ્રધાન પાસે એની સામે તૈયારી કરવા માટે વર્ષો હતા. એ સમય દરમિયાન એને એક શ્રેષ્ઠ માણસ મળ્યો જેણે ઘણી સરકારી ગગનચુંબી ઇમારતો બનાવી હતી જે ભારે ધરતીકંપનો સામનો કરી શકતી હતી. એણે પ્રલય સામે ટકી શકે એવી એક ઈમારત બનાવવા માટે એ એન્જિનિયરને કામે લગાડ્યો. આ જ એન્જિનિયરે ટાવરની આસપાસ ચક્રવ્યુહ બનાવ્યો જેથી પ્રલય પછી જો કોઈ સરકાર ન હોય અને કાયદો વ્યવસ્થા કથળી જાય તો પણ દેશની સરકાર એ સુરક્ષિત સ્થળેથી ચલાવી શકાય.”
"સાચા દેવતાઓ કોણ છે?" પવને પૂછ્યું, "તું મુખ્ય મુદ્દો તો ભૂલી જ ગયો."
"હું મુદ્દા પર આવું છું પણ મારે એ માટે થોડીક મિનિટો જોઈશે." વિરાટે આગળ કહ્યું, “સમસ્યા એ હતી કે એન્જિનિયરને કારુની સાચી ઓળખ નહોતી. એ દેશનો વડો બન્યો એ પહેલા દયાળુ માણસ માનવામાં આવતો. એન્જિનિયરે એ ટાવર જેને આપણે આજે મંદિર નામે ઓળખીએ છીએ એ દેશના વડા અને સરકારના માણસોની સલામતી માટે બનાવ્યું હતું જેથી તેઓ પ્રલય પછી દેશને ફરીથી ઊભો કરી શકે. પ્રલય પછી વડાએ પોતાને રાજા તરીકે જાહેર કર્યો પણ લોકો એ સ્વીકારવા તૈયાર નહોતા. પ્રલયમાંથી બચી ગયેલા મોટાભાગના લોકો લોકશાહીમાં માનતા હતા અને એમણે ટાવર પર હુમલો કર્યો અને ટાવર સળગાવી દીધો. એન્જિનિયરે પોતે લોકોને ચક્રવ્યૂહામાંથી પસાર થવામાં મદદ કરી હતી પરંતુ કારુએ એને ટાવરની અંદરના યુદ્ધમાં મારી નાખ્યો હતો.”
"ટાવરના પતન પછી લોકોએ વિચાર્યું કે કારુ મરી ગયો છે પરંતુ વાસ્તવમાં એ મર્યો નહોતો. એ જીવતો હતો. જીવવિજ્ઞાનના વિજ્ઞાની તરીકે નામના મેળવ્યા બાદ એને દેશના વડાનું પદ મળ્યું હતું. એણે એક વાઈરસ વિકસાવ્યો હતો - TNX32 જેની મદદથી એણે પોતાના શરીરને જીવંત રાખ્યુ અને પોતાના નાશ પામેલા અંગો માટે ઉચ્ચ રોબોટિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો.”
“એણે દેવીકાએ પોતાના નામ પરથી રાખેલા પ્રોજેક્ટ દેવતામાં વિકસાવેલા વાઈરસનો DTL01નો ઉપયોગ કરીને બળવાખોરો સામે લડવા માટે એક સેના તૈયાર કરી. એ સેનાએ એના સિપાહીઓને દાનવમાં ફેરવી નાંખ્યા પણ એણે એ દાનવોને દેવિકાના નામ પરથી દેવતા નામ આપ્યું અને આપણે આજે પણ એમને દેવતા તરીકે ઓળખીએ છીએ.”
“દાનવોની સેનાએ લગભગ મોટાભાગના બળવાખોરોને મારી નાખ્યા અને બાકીના ભાગી ગયા. પરંતુ કારુની ધારણા કરતાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ. દેશના દરેક શહેરમાં, દરેક જગ્યાએ બળવો થયો. મોટાભાગની પોલીસ એની વિરુદ્ધ ગઈ. છેવટે એની દાનવ સેનાએ શહેરોનો નાશ કરવા માટે પરમાણું નામના ઘાતક હથિયારનો ઉપયોગ કર્યો. એમણે ઘણા શહેરોને રાખમાં ફેરવી નાંખ્યા.”
“પરમાણુ હુમલાઓએ અનેક શહેરોનો નાશ કર્યો. પ્રલયમાં અડધી માનવ વસ્તી મૃત્યુ પામી હતી અને બાકીનામાંથી મોટાભાગના એ પરમાણું હુમલામાં માર્યા ગયા. દુર્ભાગ્યે વિશ્વનો કોઈ દેશ લોકોની મદદ માટે આવી ન શક્યો કારણ કે પ્રલયે સમગ્ર વિશ્વમાંથી લોકશાહીની હત્યા કરી હતી. પ્રલય પછી પૃથ્વી પર પાણી નહોતું. એની અસરથી મોટાભાગના લોકો મૃત્યુ પામ્યા અને દુનિયાના દરેક સ્થળે અરાજકતા ફેલાયેલી હતી. જોકે પાણી ન રહેવું કારુ માટે આશીર્વાદ બની ગયું હતું. હવે દેશના બાકીના લોકો એના નિયંત્રણમાં હતા કારણ કે દેશમાં ગંગા સિવાય કોઈ નદીમાં પાણી નહોતું. એણે એની દાનવ સેના સાથે એ નદી પર નિયંત્રણ મેળવ્યું અને પોતાને એ નદીનો માલિક અને ભગવાન જાહેર કર્યો.”
“હવે, આ દાનવો પોતાને દેવતા કહે છે. હકીકતમાં પ્રલય પહેલા આકાશમાં વસતા અગોચર તત્વોને લોકો દેવતા તરીકે ઓળખતા હતા. પ્રલય પહેલા પૃથ્વી પર કોઈ દેવતા નહોતા. કારુએ લોકોને ચાર ભાગોમાં વહેંચ્યા. શૂન્યો - જે લોકો બળવાખોર હતા તેથી એણે એમની સાથે બદલો લેવા માટે એક વિશાળ દીવાલ બનાવીને દક્ષિણમાં એમને બંધ કરી નાખ્યા. એ એવા લોકો હતા જેમની પાસે જ્ઞાન હતું તેથી એણે એમની પાસેથી તમામ પુસ્તકો અને જ્ઞાન છીનવી લીધા અને એમને ગુલામ બનાવી દીધા.”
"જે લોકોએ એને ટેકો આપ્યો એમને એની તરફેણ મળી. એણે એમના માટે એક વર્તુળાકાર શહેર બનાવ્યુ. એમને વેપારી કહેવામાં આવે છે અને એમને વેપાર કરવાનો અધિકાર મળ્યો.”
“દાનવ સેનાએ રચનાકર સામે લડેલા તમામ સૈનિકોને મારી નાખ્યા પરંતુ એ સૈનિકોના બાળકોને કેદ કરી લેવામાં આવ્યા. કારુ જાણતો હતો કે એ બાળકો એમના માતા પિતાની જેમ નિર્ભય છે. એમનો ડી.એન.એ. ઉપયોગી હતો તેથી કારુએ એક જૈવિક પ્રક્રિયા તૈયાર કરી જે એમના મનને નિયંત્રિત કરી શકે અને મંદિરની સુરક્ષા માટે એમને બહાદુર અને વફાદાર સૈનિકોમાં ફેરવી શકે. તેઓ નિર્ભય તરીકે ઓળખાય છે.”
“પ્રલય પછી જન્મેલા સામાન્ય લોકો દરેક બાબતથી અજાણ હતા. એમના માટે કારુ ભગવાન અને દાનવો જ સાચા દેવતા હતા. એ લોકો ડરપોક હતા. એમને આજે લોક પ્રજા કહેવામાં આવે છે. હિમાલયની ખીણોમાં છુપાયેલા વાસ્તવિક દેવતાઓ બીજું કંઈ નથી પરંતુ મહામાનવ પ્રોજેક્ટની નિષ્ફળતાનું પરિણામ છે. એકવાર વૈજ્ઞાનિકે પુષ્ટિ કરી કે પ્રોજેક્ટ સફળ છે કારુએ આવા માનવોની સેના બનાવવાનું શરૂ કર્યું પરંતુ માત્ર એના દુશ્મનો સામે ઉપયોગ કરવા માટે. પ્રલય પછી બળવો થયો ત્યારે એણે આ સૈન્ય મોકલ્યું હતું.
વિરાટે એક વિરામ પછી કહ્યું, "મહામાનવની સેનામાં દરેક માનવીય લાગણી હતી તેથી એમણે કારુના બળવાખોરોને મારવાના આદેશ ન સ્વીકાર્યો કર્યો અને એનાથી વિપરીત એ સેનાએ બળવાખોરો સાથે સંધિ કરી અને કારુની વિરુદ્ધ ગઈ.”
એ પછીનો એક કલાક વિરાટે જગપતિ સાથે વિતાવ્યો. એણે એ પ્રયોગશાળાઓ વિશે ઘણું બધું કહ્યું. જગપતિએ વિરાટને કેટલાક વધુ પુસ્તકો આપ્યા જે એને માઉન્ટ મેર નજીકના ખંડેર શહેરમાંથી મળ્યા હતા. એણે કહ્યું કે પ્રલય પહેલા આ શહેર સૌથી મોટા શહેરોમાંનું એક હતું.
*
દિવસ પસાર થઈ ગયા. છઠ્ઠા દિવસે વહેલી સવારે જગપતિએ દરવાજો ખખડાવ્યો.
"અહીંનું કામ પૂરું થઈ ગયું છે. કાલે તમે દીવાલની પેલી તરફ જવા રવાના થશો."
વિરાટે દરવાજો ખોલતાં જ જગપતિએ સમાચાર આપ્યા. જગપતિનો દીકરો વજ્ર એની સાથે હતો. એ એના પિતા જેવો મજબૂત માણસ હતો. એ વિરાટની જ ઉંમરનો યુવાન હતો. એના સ્નાયુઓ લોખંડી હતા પણ એનો ચહેરો દેખાવડો હતો. એના કપડાં એમના પરિધાન મુજબના હતા અને એની કમરબંધ પર વળાંકવાળી તલવાર હતી. એનો હાથ એની મૂઠ પર હતો જાણે એ કોઈ પણ ક્ષણે એ બહાર ખેંચવા માટે તૈયાર હોય.
"નમસ્કાર." એણે વિરાટને શુભેચ્છા પાઠવી, "તને મળીને આનંદ થયો."
"તો તું મને તાલીમ આપીશ?"
"હા, જો હું કોઈ રીતે દીવાલની એ તરફ આવી શકું તો." એ હસ્યો. વિરાટને એનું સ્મિત અને બહાદુરી બંને ગમ્યા.
"હું આશા રાખું છું કે તું દીવાલની અમારી તરફ આવવામાં સફળ રહીશ."
“હું પણ એ જ આશા રાખું છું.” હજુ પણ એના ચહેરા પર હળવું સ્મિત હતું. વિરાટને આશ્ચર્ય થયું કે શું એણે આ પહેલાં ક્યારેય કોઈ શૂન્ય સામે આ રીતે સ્મિત કર્યું હશે?
"તું માઉન્ટ મેર પાસેના ખંડેર શહેરમાંથી મળેલા જ્ઞાનના પુસ્તકોમાંથી શું શીખ્યો?" નિર્ભય સેનાનાયકે પૂછ્યું.
"ઘણું બંધુ."
"જેમ કે..."
"જેમ કે કારુ માણસ નથી."
"તો પછી ભગવાન છે?"
"એ ભગવાન પણ નથી."
"તો પછી એ શું છે?"
“એ એક કૃત્રિમ દેવ છે. એક યા બીજી રીતે એ પોતાની જાતને જીવંત રાખવામાં સફળ રહ્યો હતો અને જો હું ખોટો નથી તો એના જીવનનું રહસ્ય એ બાળકોમાં છુપાયેલું છે જેનું એ દર વર્ષે અપહરણ કરે છે.” વિરાટને છેલ્લા પાંચ દિવસમાં જે જાણવા મળ્યું એ કહ્યું.
નિર્ભય સેનાનાયકે કહ્યું, "હજુ ઘણું જાણવાનું બાકી છે. વજ્ર અને એક નિર્ભય તમારી સાથે આવશે. એ તમને દેવતાઓના જાદુઈ શસ્ત્રો સિવાય દરેક વસ્તુ માટે તાલીમ આપશે.”
"આપણે એમના જાદુનું રહસ્ય જાણવું જોઈએ." વિરાટે કહ્યું, "ત્યાં સુધી આપણે એમને નહીં જીતી શકીએ."
“હા, મને ખબર છે પણ આપણે કેવી રીતે કરી શકીએ? કહેવાય છે કે કારુએ પ્રલય પછી જાદુના બધા પુસ્તકો બાળી નાખ્યા છે. હવે માત્ર એની પાસે જ જાદુઈ શસ્ત્રો છે.”
“ક્યાંક એક નકલ હોવી જોઈએ. બસ આપણે એ શોધવાની જરૂર છે.”
"સાચા દેવતાઓ એને વર્ષોથી શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ એ શોધી શક્યા નથી. જો કોઈ નકલ હોય તો એ મંદિરની અંદર હોવી જોઈએ.”
"શું એવું કોઈ પુસ્તક છે જે આપણને મંદિર વિશે વધુ માહિતી આપે?"
"ના, પણ હું મંદિર વિશે કોઈ પણ બીજા નિર્ભય કરતાં વધુ જાણું છું કારણ કે મારા પિતા ત્યાંના સુરક્ષા કર્મી હતા."
"કારુ મંદિરમાં જ કેમ રહે છે?"
"એવું કહેવાય છે કે મંદિર પોતે પણ જીવંત છે. કારુ એની સાથે બંધાયેલો છે. એ મંદિરને કારણે જ એ જીવંત છે. જો આપણે એને અલગ કરીશું તો એ મરી જશે.”
"મંદિર કેવી રીતે જીવંત હોઈ શકે?" વિરાટના અવાજમાં આશ્ચર્ય હતું.
“ખબર નથી પણ એ છે. મારા પિતાએ મંદિર તોડવાની કોશિશ કરતા લોકોને મરતા જોયા છે. કહેવાય છે કે માત્ર કારુ જ મંદિર તોડી શકે છે.”
"માત્ર કારુ જ મંદિર તોડી શકે?" વિરાટને નવાઈ લાગી, "પણ એ શા માટે એવું કરે?"
"ખબર નથી પરંતુ જો આપણે એને મંદિર છોડવા મજબુર કરી શકીએ તો એ મંદિરને તોડી નાખશે કારણ કે એ ક્યારેય એનું રહસ્ય છતું નહીં થવા દે." એણે કહ્યું, "આ બધી બાબતો પછી કેમકે સૌથી મહત્વની તાલીમ છે."
"હું એકલો શું કરી શકું?"
"બળવો. માત્ર નિર્ભય સિપાહીઓ જ જૈવિક પ્રક્રિયાની અસર હેઠળ છે. લોક પ્રજા ભય હેઠળ છે જો એ જાણશે કે ભવિષ્યવાણીનો શૂન્ય એમની વચ્ચે આવી ગયો છે તો એ લોકો ભયમુક્ત બનશે અને ફરીથી એવો જ બળવો થશે જે પ્રલય પછી ક્યારેય નથી થયો.”
"ઠીક છે, તો પછી મને અને મારા લોકોને તાલીમ આપો. દીવાલની પેલી તરફ ઘણા જ્ઞાની શૂન્યો છે જે મને આ યુદ્ધમાં સાથ આપી શકે એમ છે." વિરાટે કહ્યું, “બસ આપણે એ જ્ઞાનીઓને શોધવા પડશે.”
“શોધવા પડશે?” વજ્રએ પ્રશ્ન કર્યો, “તમારા લોકોમાં પણ કેમ એમને શોધવાની જરૂર પડે?”
“ઘણા શૂન્યો જ્ઞાની છે પરંતુ એ ક્યારેય પોતાની જાતને જ્ઞાની તરીકે જાહેર નથી કરતા કારણ કે શૂન્ય લોકો માને છે કે પ્રલય માટે જ્ઞાનીઓ જવાબદાર છે અને જો જ્ઞાની હશે તો ફરી પ્રલય આવશે.”
"તો પછી પ્રલયને ફરીથી આવવા દો." જગપતિ હસ્યો, "પ્રલય કારુના શાસનથી વધુ ભયંકર ન હોઈ શકે."
*
પદ્માની ઝૂંપડી આસપાસ થતાં અવાજોએ એની ઊંઘ ઉડાડી દીધી. એ પલંગની એક બાજુ સુતી હતી. એની મા એની બાજુમાં સુતી હતી. એ બાળપણ જેમ આજે પણ મા સાથે જ ઊંઘતી. માએ એને બાળપણમાં હૂંફ આપી હતી. હવે માને એની જરૂર હતી. ઊંઘમાં એની મા એને જૂના દિવસો જેવી લાગતી. પદ્માએ પોતાની આંગળીઓ લંબાવી અને માના ગાલ પર ફેરવી. એણે એની માને જોવા માટે આંખો ખોલી. એની મા એક તરફ ટૂંટિયુંવાળીને સુતી હતી.
જ્યારે પદ્મા નાની હતી ત્યારે એની મા એને કહેતી, “પદ્મા, તારો ચહેરો ફૂલ જેવો સુંદર છે અને તારી આંખો કમળની પાંખડી જેવી છે માટે તારું નામ પદ્મા રાખ્યું છે.” પદ્માને ખબર નહોતી કે કેવી રીતે પણ એના માતાપિતા દેવભાષાનો એક શબ્દ જાણતા હતા. દેવભાષામાં કમળને પદ્મ કહેવાય છે જેના પરથી એમણે દીકરીનું નામ પદ્મા રાખ્યું હતું.”
પદ્માએ ખાટલામાંથી બહાર નીકળતા પહેલા માના કપાળ પર ચુંબન કર્યું અને ઝૂંપડીનો દરવાજો ખોલ્યો. મોટે ભાગે એમની શેરી ખાલી રહેતી. જ્યાં એ રહેતી હતી ત્યાં વધુ ઝૂંપડીઓ નહોતી અને તેથી જ એ શેરીમાં ક્યારેય ભીડ ન જોવા મળતી પણ આજે શેરી લોકોથી ઉભરાઈ રહી હતી. બધાની આંખોમાં જિજ્ઞાસા, આશ્ચર્ય અને ભય ડોકિયું કરતાં હતા.
પદ્માને એના લોકો પર દયા આવતી. મોટાભાગનો સમય એ ડરમાં રહેતા અને આજે એ ભય બધાના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. પદ્મા એનો અર્થ જાણતી હતી : ટ્રેન આવી રહી હતી. એમણે સ્ટેશને વીજળીનું અજવાળું જોયુ હશે અથવા કદાચ નિર્ભયઓની ટુકડી એમના મશીનો પર આવી ગઈ હશે. પદ્માના ઝૂંપડી લગભગ છેડા પર હતી. માત્ર થોડીક ઝૂંપડી પછી અર્ધ-વેરણ વિસ્તાર શરુ થઈ જતો અને ત્યાંથી સ્ટેશન સુધી પહોંચવા માટે એક કલાક ચાલવું પડતું.
એ શેરીમાં પહોંચી. શેરીમાં ચાલતી એક સ્ત્રી એની પાસે ઊભી રહી અને બોલી, "ટ્રેન આવી રહી છે." એણે પદ્માને એ રીતે જોઈ જાણે કે પદ્મા એના માટે અજાણી હોય. "ટ્રેન આવી રહી છે." વૃદ્ધ સ્ત્રીએ પાગલની જેમ એના શબ્દોનું પુનરાવર્તન કર્યું. પદ્મા ઝૂંપડીમાં પાછી ફરી અને એના કપડાં બદલે ત્રિલોકનું પાટલુન અને જૂનો શર્ટ પહેર્યો. એ એમના પરિધાનની વિરુદ્ધ હતું પરંતુ એ ઘણીવાર ત્રિલોકના કપડાં પહેરતી. એનાથી એને પિતાના પ્રેમનો અહેસાસ થતો. જ્યારે પદ્મા એના પિતાના જૂના કપડા પહેરતી ત્યારે એને એવું લાગતું હતું કે એના પિતા એની સાથે છે. પદ્માએ એના પિતાના જૂના જોડા પહેર્યા. આજે એને જોડાની જરૂર હતી. આજે એને દીવાલની આ તરફ બધે ફરવું હતું - એની પાસે સાંજ સુધીનો સમય હતો. એ આજનો દિવસ એના પિતાનો સાથ અનુભવવા માંગતી હતી.
ક્રમશ: