વસુધા રણોલી ગામની ગ્રામપંચાયતનાં પ્રાંગણમાં કોઇ રાજકીય ભાષણ નહીં પરંતુ મૃદુભાષામાં ઉત્સાહથી પોતાનાં અનુભવ કહી ગામની બહેનોને વધુ કાર્યક્ષમ દૂધમંડળી બનાવવા ત્થા ડેરી ઉભી કરવા અંગે પ્રેરણા આપી રહી હતી.
ત્યાં એક છોકરીએ વસુધાને પ્રશ્ન કરી લીધો એ સાંભળી વસુધા ક્ષોભમાં મૂકાઇ ગઇ. છોકરીએ પૂછ્યું “વસુધા દીદી તમે એકલા આટલી હિંમત અને કુશળતા ક્યાંથી લાવો છો ? તમને તમારાં પતિ કે મિત્રનો સાથ છે ?”
વસુધા પ્રશ્ન સાંભળી થોડીવાર ચૂપ થઇ ગઇ પછી પૂરા આત્મવિશ્વાસ સાથે કહું "હાં મને મારાં પિતા સમાન શ્વસુર, મારી માતા સમાન સાસુ, મારી સગી બહેન સમાન નણંદ ત્થા ગામની બહેનો અને વડીલોનો ખૂબ સાથ છે. ઇશ્વરે મિત્ર જેવા પતિ મારી પાસેથી છીનવી લીધાં છે છતાં એ સૂક્ષ્મરૂપે સદા મારી સાથે રહે છે”.
વસુધાનો જવાબ સાંભળી પેલી છોકરીએ આદર સાથે કહ્યું “દીદી માઠુ ના લગાડશો પણ તમારાં કપાળમાં રહેલાં મોટાં લાલ ચાંદલાએ મને ગેરસમજ કરાવી. આપણાં સમાજમાં સ્ત્રી વિધવા થયાં પછી ચાંદલો નથી કરતી કારણ કે એનું સૌભાગય નંદવાઇ ચૂકયું હોય છે. પણ તમે તો સમાજ સુધારણાનું પણ કામ કર્યું. જૂના બિનજરૂરી રીવાજો સામે માથું ઉચક્યું કહેવાય.”
છોકરીનાં બોલ્યાં પછી વસુધાએ એનાં પિતા સમાન ગુણવંતભાઇ સામે જોયું ગુણવંતભાઇનાં ચહેરાંનાં ભાવે એનામાં જાણે હિંમત આવી એણે કહ્યું “બહેન તારું નામ શું છે ? પેલી છોકરીએ કહ્યું મારું નામ સ્વાતી... મારો ઇરાદો તમને દુઃખ પહોંચાડવાનો નહોતો ઉત્સુક્તાએ પ્રશ્ન થઇ ગયો..”
વસુધાએ કહ્યું “અરે સ્વાતી એવું કંઇ નથી મને કંઇ ખરાબ નથી લાગ્યું નથી મને ઓછું આવ્યું. જે મારી પરિસ્થિતિ છે એ છેજ એમાં કોઇ ફેરફાર થવો સક્યજ નથી. હું મારાં કપાળમાં મારાં પતિ પિતાંબરજીનું પ્રતિક સમજીને ચાંલ્લો કરું છું એ મારાં મનમાં હૈયામાં જીવંત છે એમની સૂક્ષ્મ શક્તિ મને પ્રેરીત કરે છે હિંમત આપે છે.”
“ સ્ત્રી વિધવા થયાં પછી ઘરનો ખૂણો સંભાળીને બેસી રહે એવું હું માનતી નથી વળી હું એટલી કમનસીબ છું કે ખૂબ નાની વયે વિધવા થઇ છું હજી તો મેં દુનિયા પુરી જોઇ નથી સમજી નથી પણ સહનશીલ પણ એટલી છું કે મને મારાં કુટુંબીઓનો ખૂબ સાથ મળ્યો છે આજે હું એમની પુત્રવધુ નહીં એક પુત્રની જેમ રહું છું જવાબદારીઓ ઉઠાવવાની કોશીષ કરુ છું અને મારાં મહાદેવની મારાં ઉપર કૃપા છે.”
વસુધાનાં બોલી લીધાં પછી બધીજ બહેનો જેટલી હાજર હતી બધીજ ઉભી થઇને તાળીઓ પાડવા માંડી વસુધાએ બે હાથ જોડી આભાર માન્યો... પણ સાથે સાથે એની આંખમાં આંસુ આવી ગયાં જે કોઇનાથી છૂપા ના રહયાં. વસુધાએ કહ્યું “પાપા ચાલો ઘરે મોડું થઇ જશે.” એમ કહી ત્યાંનાં સરપંચ ત્થા વડીલોને નમસ્કાર કરીને બહાર નીકળી ગઇ. ગુણવંતભાઇ બધુંજ સમજીને ચૂપ રહ્યાં પણ મનમાં ને મનમાં વસુધાને શાબાશી આપી રહ્યાં.
****************
ઘરે આવીને વસુધા જમવા બેઠી પણ મનમાં વિચારો પીછો નહોતાં છોડતાં... મનમાં થયું મારી, સ્થિતિ માટે હું કેટલી જવાબદાર ? મારી આકુને ઉછેરવા સાથે મારે હજી ઘણાં કામ કરવાનાં છે ? લોકોનાં મોઢે ગરણાં ક્યાં બંધાય ? હજી આગળ જતાં લોકો ઘણું બોલશે પૂછશે મારે સંકોચ કરવાની કે ડરવાની ક્યાં જરૂર છે ?
સરલાએ વસુધાને પીરસેલી થાળી સાથે ચૂપ બેસી રહેલી જોઇ એણે કહ્યું “વસુ પાપાએ મને બધુંજ કીધુ પણ તેં સરસ જવાબ આપ્યાં. હવે વિચારો ના કરીશ.. શાંતિથી જમીલે... અમે તારાં સાથમાં છીએ આપણે તો ઉપાડેલાં કામ કરવાનાં છીએ.”
વસુધાએ સરલાની સામે જોઇને કહ્યું... “સરલા સાચી વાત કહું ? મને એ છોકરીએ પ્રશ્નો કર્યા ગમ્યાં... કોઇ છોકરી કે બહેન હશે એમને પ્રેરણા મળે સે બાકી આપણો સમાજ વિધવાને શાંતિથી જીવવા પણ ના દે.”
વસુધાને બોલતી સાંભળી દિવાળી ફોઇએ કહ્યું “વસુ દીકરા તારી વાત સાચી છે હું માંડ 23 ની હોઇશ અને રંડાપો આવેલો. હું એટલી નાની મને કંઇ સમજ નહોતી પડતી. ઘણીનો પ્રેમ શું એની પણ સમજ ન હોતી અને હું કેટલી હેરાન થઇ છું મારું મન જાણે છે. એક સ્ત્રી તરીકે આપણાં કેટલાં અરમાન હોય એ આપણનેજ ખબર હોય મેં જીવતાં મારી જાતને મારી નાંખેલી”.
“તેં સમાજને જાહેરમાં આજે જે સંદેશ આપ્યો છે ખૂબ સારું કર્યું છે. સ્ત્રી જાતની કોઇ સમાજમાં કિંમતજ નથી એ ઢસરડા કરવા અને સામાજીક માન્યતાઓથી અન્યાય સહેવાજ જાણે સર્જાઇ છે. એમાં તે આ નવો પ્રગતિશીલ ચીલો પાડયો એ જરૂરીજ હતો.”
ભાનુબહેને કહ્યું “વસુ તું મારી પુત્રવધુ થઇને આવેલી પણ મારી દીકરીજ છે. તારી પાત્રતા ખૂબ ઊંચી છે. અમે જૂનવાણી માણસો ક્યારેક ભૂલ કરી બેસીએ છીએ પણ અંતે અમે સ્ત્રી છીએ તને તો સાવ નાની ઊંમરે રંડાપો..”. એમ કહેતાં કહેતાં આંખો ભીની થઇ ગઇ. “પણ તું હિંમતથી આગળ વધજે અમે બધાં તારાં સાથમાં છીએ.”
“વસુ મને તારાં પાપા એ બધી વાત કરી છે શું પૂછાયું તે શું જવાબ આપ્યા. એક પુરુષ તરીકેની મર્યાદામાં તારી સાથે ચર્ચા નથી કરી પણ મને એટલું કીધુ વસુ આપણી દીકરી છે અને એનાં જેવી પુત્રવધુ મેળવી મારું ખોરડું ગૌરવ લે છે.”
વસુધાએ કહ્યું “માં મને મારી જનેતા એ જ શીખવ્યુ છે મારામાં સંચિત સંસ્કાર છે મારાં ભણતરે મને જે ભણાવ્યું છે એ પ્રમાણે મારાં વિચારો છે મારે પણ એકની એક દીકરી છે કાલે ઉઠીને એનાં જીવનમાં એને કોઇ અગવડ કે કષ્ટ કોઇ રીતે ના આવે એનો ખ્યાલ રાખીને જીવું છું.”
બધી વાતમાં સમાપન પછી બધાં જમીને પોત પોતાનાં રૂમમાં ગયાં. વસુધા આકુને લઇને ઉપર એનાં રૂમમાં આવી.
વસુધાએ આકુને સુવાડી. ખબર નહીં આકુ આજે સુવાડી એવી ઊંધી ગઇ. વસુધાને ક્યાંય સુધી ઊંધ ના આવી પેલી છોકરીનાં પૂછેલાં પ્રશ્નોનાં વિચારોમાં એ આગળ વધી ગઇ.
પરણીને આવી ત્યારે દૂર દૂર સુધી આવો વિચાર નહોતાં આવ્યાં કલ્પના પણ નહોતી કે મારી આવી સ્થિતિ આવશે જે ચાંદલો સૌભાગ્યની નિશાની છે એનાં પર પ્રશ્ન થશે. મારાં પીતાંબર મારાં હૃદયમાં જીવે છે એમનો સાથ છે હું શા માટે ચાંદલો ના કરું ?”
વધુ આવતા અંકે - પ્રકરણ-85