વાર્તા:- મને આ લગ્ન મંજૂર નથીવાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
સંગીતાને કંઈ જ સમજાયું નહીં. બધાં એને ઘુરી ઘુરીને જોઈ રહ્યાં હતાં. એ કૉલેજથી ઘરે આવી ત્યારે ઘરે મહેમાન બેઠેલાં હતાં. લગભગ દસેક જણાં હશે. એણે બહુ ધ્યાનથી નહીં જોયું, અને ફટાફટ પોતાનાં રૂમમાં જતી રહી. પણ એટલું જરૂરથી નોંધ્યું કે ત્યાં બેઠેલાં દરેક જણાં એને જ જોઈ રહ્યાં હતાં અને જેવી એ ત્યાંથી બીજા રૂમમાં ગઈ કે તરત જ બધાંએ અંદર અંદર ગુસપુસ ચાલુ કરી દીધી.
હજુ તો સંગીતા રૂમમાં માંડ પહોંચી હશે ને એની મમ્મી પણ ત્યાં પહોંચી ગઈ. સંગીતાને કહ્યું, "ફટાફટ હાથ પગ ધોઈ લે અને અહીંયાં આવી જા. આ મારી સાડી છે, જે તુ તારા કૉલેજનાં પ્રોગ્રામમાં પહેરીને ગઈ હતી તે. હું તને પહેરાવી દઉં છું. તને જોવા માટે છોકરાવાળા આવ્યા છે."
અને સંગીતા તો અવાક્ થઈને એની મમ્મીને જોતી જ રહી ગઈ. "પણ મમ્મી, હું તો હજુ કૉલેજનાં બીજા વર્ષમાં છું. તને અને પપ્પાને તો ખબર છે કે મારે પી. એચ. ડી. કરી કૉલેજનાં પ્રોફેસર બનવું છે. તમે લોકો મારું નક્કી કરી દો અને સાસરેવાળાએ મને આગળ ભણવા જ ન દીધી તો? મારું તો સપનું અધૂરું જ રહી જાય ને!"
"પણ હવે આ લોકો આવી જ ગયાં છે તો તૈયાર થઈ જા. વાતચીત કરી લે. નહીં પસંદ પડે તો ના પાડી દેજે." આખરે વાતને વધુ આગળ નહીં વધવા દેવા માટે સંગીતા કમને તૈયાર થઈને ગઈ. એને તો છોકરાનું નામ પણ ખબર ન હતી. છોકરાએ તો એને ફોટા પરથી જ પસંદ કરી લીધી હતી. આમ પણ એ ખૂબ દેખાવડી હતી.
સંગીતા અને એ છોકરો જ્યારે એકબીજા સાથે વાતચીત કરવા અલગ બેઠા ત્યારે ખબર પડી કે એ છોકરો અબજોપતિ કુટુંબમાંથી આવે છે. આથી જ સંગીતાનાં પપ્પાને આ લગ્નમાં વધુ રસ છે. એમને પોતાની દીકરીનું સુંદર ભવિષ્ય એ ઘરમાં દેખાય છે. વધુ વાત કરતાં ખબર પડી કે એ છોકરો સંગીતા કરતાં પંદર વર્ષ મોટો છે, પણ દેખાવમાં એ બહુ મોટો લાગતો ન હતો.
બધાંનાં ગયાં પછી સંગીતાએ ધરાર ના પાડી દીધી આ છોકરા સાથે લગ્ન કરવાની, પણ એનાં પિતાએ કોઈનું ન સાંભળ્યું. આખરે કૉલેજનું બીજું વર્ષ પત્યું અને તરત જ એનાં એ છોકરા સાથે લગ્ન થઈ ગયા. ત્યારબાદ એનું રિઝલ્ટ આવ્યું અને એ આખી કૉલેજમાં પ્રથમ આવી. એણે જ્યારે ત્રીજા વર્ષ માટે કૉલેજની ફી ભરવાનાં પૈસા માંગ્યા ત્યારે એનાં પતિએ ઘસીને ના પાડી દીધી. એણે એનાં પપ્પાને ફોન કરીને કહ્યું. તો એમણે એમ જ કહ્યું કે સાસરેવાળા જેમ કહે એમ જ કરવાનું. આખી રાત સંગીતા રડી.
ભરપૂર સુખ સાહ્યબી હતી અને એનો પતિ પણ એને ખૂબ પ્રેમ કરતો હતો. પણ સંગીતા પોતાની જાતને સોનાનાં પાંજરામાં પુરાયેલ પક્ષી જેવો અનુભવ કરતી હતી.
શું આ જ સમાજની માનસિકતા છે? પૈસાદાર ઘરમાં દીકરી જાય એટલે એ સુખી જ થાય? કદાચ મધ્યમવર્ગના ઘરમાં સંગીતા પરણીને ગઈ હોત પણ એની પસંદ મુજબ એને ભણવા મળ્યું હોત તો એ વધારે ખુશ રહી શકતે. મારા મત મુજબ તો જેટલું મહત્ત્વ કન્યાદાનનું છે એટલું જ જો દીકરીનાં ભણતરનું થઈ જાય તો ભવિષ્યમાં અચાનક આવી પડેલી આફત સામે દીકરી હિંમત ન હારી જાય.
પોતાનાં પતિની નોકરી છૂટી જાય કે અકસ્માતે પતિનું નિધન થઈ જાય તો એનું ભણતર કે કૌશલ્ય જ એને ઊભી કરી શકે. એણે કોઈનાં ઓશિયાળા થઈને ન જીવવું પડે કે ન તો પોતાનાં બાળકોને હેરાન થતાં જોવા પડે. દીકરીને કરિયાવરમાં પેટીઓ ભરીને કપડાં, ઘરેણાં, પૈસા આપવાને બદલે એને એનાં ભણતરની ડિગ્રીઓ આપો. એ જીવનભર સ્વમાનભેર જીવી શકશે.
આભાર.
સ્નેહલ જાની