શીર્ષક : કન્યા પધરાવો સાવધાન
©લેખક : કમલેશ જોષી
હમણાં એક લગ્ન પ્રસંગમાં જવાનું થયું. લગ્ન વિધિ દરમિયાન ગોર મહારાજે જયારે મોટા અવાજે ‘કન્યા પધરાવો સાવધાન’ કહ્યું ત્યારે સૌ કોઈ જે દિશામાંથી કન્યાને એના ભાઈઓ પોતાના હાથની હથેળીઓ પાથરી પાથરી એના પર પગલી પડાવતા લાવી રહ્યા હતા એ દિશામાં માનભેર તાકી રહ્યા. મને મારો કોલેજ કાળનો એક ભારે ટીખળી અને જિજ્ઞાસુ સ્વભાવનો મિત્ર યાદ આવી ગયો. એ હંમેશા અવનવા પ્રશ્નો પૂછી અમારા ગ્રુપના તમામ મિત્રોના ભેજાનું દહીં કરી મુકતો. એક મિત્રના સિસ્ટરના લગ્ન પ્રસંગે અમે સૌ સ્વયં સેવક તરીકે વિવિધ કામગીરીમાં રોકાયેલા હતા ત્યારે ગોર મહારાજે કહેલું ‘કન્યા પધરાવો સાવધાન!’ સાંભળી એ ચોંકી ઉઠેલો.
‘સાવધાન..! સાવધાન કેમ?’ એણે ધીમા અવાજે ચાલુ કરેલું. ‘સાવધાન અને વિશ્રામ તો પી.ટી.ના દાવ કરતી વખતે સ્કુલમાં અને એન.સી.સી.ની પરેડ કરતી વખતે કોલેજમાં અપાતો કમાંડ છે. આ ગોર મહારાજ કોને સાવધાન થવાનું કહે છે?’ કહી એણે જાનૈયાઓ અને માંડવીયાઓ પર એક નજર દોડાવેલી. સૌ પોતપોતાની મસ્તીમાં બેઠા હતા. સહેજ હસીને એ બોલેલો ‘ગોર મહારાજનો ઓર્ડર સાંભળી આ કોઈ સાવધાન કેમ નથી થતું?’ અમે સૌ હસી રહ્યા હતા. એ ઈચ્છતો હતો કે સ્કુલ કોલેજમાં જેમ ‘સાવધાન’ સાંભળી વિદ્યાર્થીઓ પગથી માથા સુધીના તમામ સ્નાયુઓ ખેંચીને, એકદમ ટટ્ટાર, કડક ઉભા રહી જાય એમ તમામ મહેમાનોએ ઉભા થવું જોઈએ. એ પછી તો લગ્ન વિષયક બે-ચાર જોક સંભળાવી એણે અમને સૌને બહુ હસાવ્યા. એણે બહુ પૂછ્યું એટલે અમે કોલેજીયન મિત્રોએ અમારી બુદ્ધિ મુજબ સાવધાનનો અર્થ સમજાવેલો કે લગ્ન પ્રસંગમાં કન્યા પધારે એટલે હવે મેઈન વિધિ શરુ થવાની હોય, એટલે સૌ કોઈ વાતચીતમાં ડૂબેલા ન રહે એ માટે ગોર મહારાજ ‘ચુપ રહો, શાંતિ જાળવો’ જેવા લીસા અને બેઅસર શબ્દોને બદલે ‘સાવધાન’ જેવો થોડો ખતરા સૂચક શબ્દ બોલી સૌનું ધ્યાન ફરજીયાત ખેંચવા પ્રયત્ન કરતા હશે એટલે એ શબ્દ વાપર્યો હશે. એ મિત્ર માથું ખંજવાળવા માંડ્યો પણ એના ગળે વાત નહોતી ઉતરી.
આખા લગ્ન દરમિયાન એણે અમારી પાસે દલીલો કરેલી. સાવધાન શબ્દ તો સતર્ક, ચોક્ક્ન્ના, રેડી ટુ એટેક પોઝીશન સૂચવતો શબ્દ છે. કોઈ હાઈવે પરના વળાંક પહેલા ‘સાવધાન, આગે ખતરનાક મોડ હૈ’ કે કોઈ થાંભલા પર લગાવેલા હાઈ વોલ્ટેજ ડબ્બા પર ‘સાવધાન’ શબ્દ વાંચતા ત્યારે ‘જો થોડી પણ ગફલત કરી તો કોઈ જીવલેણ ઘટના બની શકે એમ છે’ એવું ચોક્કસ સમજાઈ જાય. પણ લગ્ન પ્રસંગમાં ‘કન્યા મંડપ મધ્યે પધારે’ એમાં ‘સાવધાન..’ શું કામ? લગ્ન તો ખુશીનો પ્રસંગ છે, યુદ્ધ થોડું છે? એમાં જીવ જવાનો ખતરો થોડો છે? એ કબુલ કે માંડવીયા અને જાનૈયાઓ વચ્ચે થોડી ફટાણાબાજી, મીઠી નોકઝોક થતી હોય પણ એ તો આજકાલ સૌ ખુશીખુશી સ્વીકારતા અને માણતા થયા છે. ફિલ્મ હમ આપકે હૈ કૌન આવ્યા પછી તો વરરાજાના જૂતા ચોરવા અને બદલામાં પાંચસો કે હજાર રૂપિયાની લેવડ દેવડ કરવી એ તો જાણે યુવા વર્ગની સૌથી પ્રિય વિધિ હોય એટલી હદે સ્વીકારાઈ ગયું છે. નાના મોટા સૌ આ વિધિમાં રાજીખુશીથી જોડાય છે. સાસુમા વરરાજાનું નાક પકડે એ પણ હવે ‘વટ’નો સવાલ રહ્યો નથી. આજકાલ તો વર-કન્યા પણ એટલા બધા સ્પષ્ટ હોય છે કે એક બીજાના સુટ-બુટ, દાગીનાથી શરુ કરી લગ્ન મંડપમાં થનારી વિધિઓનું પણ મિનિટ ટુ મિનિટ આયોજન કરતા થઈ ગયા છે, એટલે ક્યાય કશું જ કંટ્રોલ બહાર હોય કે અણધાર્યું બને એવી સંભાવનાઓ નહિંવત નહિં ઝીરો જ થઈ ગઈ છે. તેમ છતાં ગોરમહારાજ ‘સાવધાન’ શબ્દ બહુ ભાર પૂર્વક કેમ બોલતા હશે?
આખરે બ્રેક ટાઈમમાં એ જિજ્ઞાસુ મિત્રે પેલા ગોર મહારાજને જ વિવેકપૂર્વક ‘સાવધાન’નું રહસ્ય પૂછી લીધું. એમણે આપેલો જવાબ અમે સૌ કોલેજીયનોને સૌથી વધુ લોજીકલ લાગ્યો. ધ્યાનથી વાંચો.
આપણે ઘણી વખત બહાર ગામ ગયા હોઈએ ત્યારે એક-બે કે પાંચ દિવસ વીતે એટલે ઘર યાદ આવવા લાગે. મમ્મીના હાથની રસોઈ અને પપ્પાની છાતીની હુંફ, શેરી-ગલીના મિત્રો જ નહિ ઝાડવા, કુતરા, બિલાડા પણ આપણને યાદ આવવા લાગે. હોસ્ટેલમાં કે વિદેશ ભણતા ઘણા છોકરાઓ રૂમમાં એકલા બેસી મમ્મી-પપ્પાને યાદ કરી રડતા હોય છે. કેટલાકની તો તબિયત બગડી જતી હોય છે તો કેટલાક ભણવાનું છોડી ભાગી આવતા હોય છે. બહારગામ ગયેલા આપણે પણ સાતમા કે આઠમા દિવસે તો ઘર ભેગા થવા અધીરા બની જઈએ છીએ. જયારે લગ્ન પ્રસંગ એક એવો પ્રસંગ છે જેમાં દીકરી હોસ્ટેલમાં બે-પાંચ વર્ષ ભણવા કે હિલ સ્ટેશન પર આઠ દસ દિવસ ફરવા નથી જતી, છેક જિંદગીના છેલ્લા શ્વાસ સુધીની સફર પૂરી કરવા, કાયમને માટે મમ્મી-પપ્પા, ઘર-ફળિયું, શેરી-ગલી, સખી-સાહેલીઓને છોડીને જાય છે. એનો મુંઝારો કેટલો હશે? ‘આ તો રીવાજ’ છે એમ કહી દેવાથી શું એ મુંઝારો, એ ઊંડે સુધી ઉતરી ગયેલી યાદો-આદતો-સંવેદનાઓના મુળિયાની પકડ ઢીલી થઈ જાય ખરી? એક આંગણે ઉગેલા છોડને પણ જો બીજા આંગણે વાવવામાં આવે અને જો એને વાતાવરણ કે પાણી કે માવજત માફક ન આવે તો છોડ ઉછરતો નથી, સુકાઈ જાય છે, મૃત્યુ પામે છે. તો વિચાર કરો કે જિંદગીના બબ્બે દાયકાઓ સુધી કોઈ એક આંગણે ઉછરેલી દીકરીને બીજા આંગણે લઈ જતા હોઈએ ત્યારે કેટલી હદ સુધીની ‘સાવધાની’ની જરૂર પડતી હશે? લગ્નમંડપ નીચે જયારે દીકરી આવે છે ત્યારે ગોર મહારાજ એટલે જ માંડવીયાઓ અને જાનૈયાઓને ‘સાવધાન’ કરે છે. શું તમે પુરતી તૈયારી કરી લીધી છે નવા છોડને ઉછેરવાની?
અમે સૌ કોલેજીયનો તો અવાક બની ગયેલા. મસ્તી મસ્તીમાં પુછાયેલા પ્રશ્ન પાછળ કેટલી બધી મોટી વાત છુપાયેલી હતી! હમણાં લગ્નની પચ્ચીસમી વર્ષગાંઠ ઉજવતા એક મિત્રના ખુશખુશાલ વાઈફે મસ્ત વાત કરી: લગ્નના છ મહિના પહેલા જ મારા સાસુ-સસરાએ મારા મમ્મી પપ્પા પાસેથી મારી પસંદ-નાપસંદનું લીસ્ટ તૈયાર કરાવી લીધું હતું. પિયરે મને સંગીતનો શોખ હતો, તો સાસરે સાસુએ સંગીત ક્લાસ શોધી રાખ્યો હતો, પિયરે હતું એવું જ હાર્મોનિયમ સસરાજીએ વસાવી લીધું હતું, મારી ફેવરીટ ડીશ દાળઢોકળી હતી એટલે સાસરે અઠવાડિયે એક દિવસ દાળ ઢોકળી કમ્પલસરી બનવા લાગી. મને ટીવીમાં ગુજરાતી નાટક જોવા ગમતા એટલે સાસરે આખો પરિવાર દર અઠવાડિયે ગુજરાતી નાટક જોતો થઈ ગયો. મારે આગળ ભણવું હતું તો મારા હસબન્ડે મને પીએચ.ડી. કરાવ્યું. પિયરે મને ગાર્ડનીંગનો શોખ હતો તો અહીં અગાસી પર અમે પચાસ કુંડા વાવ્યા છે. સમજોને કે સાસરે આવીને હું પિયર જેટલી જ, કહોને કે એનાથી પણ વધુ ખીલી છું. હું ખુશ એટલે મારા પિયરીયા પણ ખુબ ખુશ. બોલતી વખતે એમની આંખો સહેજ પલળી.
મિત્રો, આજકાલ લગ્ન વ્યવસ્થા ઉપર લોકો પ્રશ્નાર્થ ચિહ્ન લગાડતા થઈ ગયા છે. છુટા રહેતા, છુટા છેડા લીધેલા, એક ઘરમાં રહી સતત ઝઘડતા કપલ્સની સંખ્યા વધતી જાય છે. એ બધા પાછળ પેલી ગોર મહારાજ દ્વારા મોટા અવાજે અપાતી ‘સાવધાન’ની વોર્નિંગની અવગણના બહુ મોટું કારણ હોય એવું તમને નથી લાગતું?
ખેર, મેરેજીસ આર મેડ ઇન હેવન એ વાક્ય પર શ્રદ્ધા રાખી આ અઠવાડિયા દસ દિવસમાં તમે જે લગ્ન પ્રસંગ એટેન્ડ કરવા જવાના છો ત્યાં ગોર મહારાજનું પેલું ‘સાવધાન’ વાળું વાક્ય ચોક્કસ સાંભળજો અને બંને પરિવારો સાચા અર્થમાં ‘સાવધાન’ થઈ નવ દંપતીની પુરેપુરી સાર સંભાળ લે એવી ‘એમના કુળદેવી અસીમ કૃપા કરે’ એવી પ્રાર્થના ચોક્કસ કરજો.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)