PAV RAGDO in Gujarati Cooking Recipe by Vijay Ramesh Bhai Vaghani books and stories PDF | પાવ રગડો

Featured Books
Categories
Share

પાવ રગડો

     શિયાળાની કડકડતી ઠંડીમાં બનાવો ગરમા ગરમ પાવ રગડો.ઘણા બધા ભારતીય નાસ્તા અને વિવિધ પ્રકારની ભારતીય ચાટ રગડાની સાથે બહુ જ સરળતાથી બનાવી શકાય છે. રગડા પેટીસ, રગડા સમોસા અને રગડા કટલેસની ચાટ બનાવવા માટે સૂકા લીલા/સફેદ વટાણા માંથી બનેલો ઘટ્ટ અને તીખો રગડો એક મુખ્ય સામગ્રી છે

    તમને જણાવી દઈએ કે પાવ રગડા એ ગુજરાતમાં સૌરાષ્ટ્રનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. તે પાવ, મસાલેદાર રગડા, ચાટ ચટણી અને સેવ અને મસાલા મગફળી સાથે બનાવવામાં આવે છે. તેનો સ્વાદ મીઠો, ખાટો અને મસાલેદાર હોય છે અને તેને નાનાથી લઈને મોટી ઉંમરના લોકો ખાવાનું પસંદ કરે છે

.આજે આપણે બનાવીશું પાઉં રગડો.

રગડા માટેની સામગ્રી:
1.૧ કપ સૂકા લીલા વટાણા/સૂકા સફેદ વટાણા
2.૨ મધ્યમ ડુંગળી, કાપેલી
3.૬ લસણની કળી, કાપેલી
4.૧ ટીસ્પૂન પીસેલાં લીલા મરચાં-આદું
5.૨ નાના બટાકા, બાફેલા અને નાના ટુકડાઓમાં કાપેલા
6.૨ મધ્યમ ટામેટાં, બારીક સમારેલા
7.૧ ટીસ્પૂન ગરમ મસાલા પાઉડર
8.૨ ટીસ્પૂન લાલ મરચું પાઉડર
9.૧ ટીસ્પૂન ધાણાજીરું
10.૧/૪ ટીસ્પૂન હળદર
11.૨ ટીસ્પૂન લીંબુનો રસ
12.૨ ટીસ્પૂન ગોળ અથવા ખાંડ
13.૫-૬ લીમડાનાં પાન
14.૧/૨ ટીસ્પૂન જીરું
15.૧/૪ ટીસ્પૂન હીંગ
16.૧ ટેબલસ્પૂન લીલા ધાણા
17.મીઠું, સ્વાદ પ્રમાણે
18.૧&૧/૨ ટેબલસ્પૂન તેલ 

રગડો બનાવવાની રીત:-

   એક તપેલીમાં પાણીથી સૂકા વટાણા ધોઈ લો અને તેને આખી રાત માટે અથવા ૮ કલાક માટે પાણીમાં પલાળી દો.વટાણામાંથી પાણી કાઢી નાખોં અને તેને એક પ્રેશર કૂકરમાં ૩ કપ પાણી અને મીઠાં સાથે ૪ સીટી થાય ત્યાં સુધી અથવા વટાણા નરમ થાય ત્યાં સુધી મધ્યમ આંચ પર પકાવો. બાફેલા વટાણામાંથી પાણી ન કાઢો; તેનો ઉપયોગ આગળના સ્ટેપમાં જરૂર હોય ત્યારે પાણીની સાથે કરો.

    એક કડાઈમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરો. તેમાં જીરું નાખોં; જ્યારે જીરું ફૂટવા લાગે, ત્યારે તેમાં હીંગ અને લીમડાનાં પાન નાખોં અને લગભગ ૧૦ સેકંડ માટે સાંતળો. તેમાં કાપેલી ડુંગળી નાખોં અને હલ્કી બદામી થાય ત્યાં સુધી સાંતળો. તેમાં કાપેલું લસણ અને પીસેલા લીલા મરચાં-આદું નાખોં અને ૧ મિનિટ માટે સાંતળો.

      તેમાં કાપેલા ટામેટાં નાખોં અને લગભગ ૩ મિનિટ માટે પકાવો. તેમાં ગરમ મસાલા પાઉડર, લાલ મરચું પાઉડર, હળદર અને ધાણાજીરું નાખોં અને ૩૦ સેકંડ માટે પકાવો.તેમાં બાફેલા વટાણા અને બાફેલા બટેટા મેશ કરેલા ને બરાબર મિક્ષ કરો. તેમાં લીંબુનો રસ અને ગોળ નાખોં અને બરાબર મિક્ષ કરો.તેને ઘટ્ટ બનાવવા માટે ચમચાથી થોડા વટાણા મસળો (મેશ કરો). તેમાં ૧&૧/૨ કપ પાણી નાખોં અને બરાબર મિક્ષ કરો.મીઠું, સ્વાદ પ્રમાણે નાખોં અને બરાબર મિક્ષ કરો.

     તેને ધીમી આંચ પર ૮-૧૦ મિનિટ માટે અથવા ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. ગેસ બંધ કરી દો અને કડાઈને ગેસ પરથી નીચે ઉતારો.બારીક સમારેલા લીલા ધાણા  નાખોં અને બરાબર મિક્ષ કરો.તો તૈયાર છે ટેસ્ટી અને ચટાકેદાર રગડો.

     સર્વિગ માટેની સામગ્રી:-

1.લીલી ચટણી

2.આંબલીની ચટણી 

3.લસણની ચટણી 

4.કાપેલા લીલા ધાણા

5.કાપેલી ડુંગળી

6.મસાલા સીંગ

7.ઝીણી સેવ

     હવે એક સર્વિંગ પ્લેટ માં પાઉંના ના ટુકડા કરી તેમાં ઉપર થી તૈયાર કરેલો રગડો નાખો.ઉપરથી લીલી ચટણી, આંબલીની ચટણી અને લસણની ચટણી નાખોં. હવે  મસાલા સીંગ ,કાપેલા લીલા ધાણા, અને કાપેલી ડુંગળીથી સજાવો અને. ઉપરથી  ઝીણી સેવ નાખો.તો તૈયાર છે ટેસ્ટી અને ચટાકેદાર પાઉં રગડો.

  * આ રગડાના ઉપયોગ થી રગડા પેટીસ, સેવ ઉસળ, રગડા પૂરી, રગડા સમોસા, રગડા કટલેસ બનાવવા માટે કરી શકાય છે.

  તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.