Pranay Parinay - 9 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 9

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રણય પરિણય - ભાગ 9

ગઝલ ઉદાસ થઈને પોતાના રૂમમાં પાછી ફરી. એણે ફરી એક વાર બધો સામાન ફંફોસ્યો પણ મલ્હારનું કાર્ડ ક્યાંય મળ્યું નહીં એટલે ગઝલનો મૂડ ઓફ્ફ થઇ ગયો તેણે ગુસ્સાથી બધો સામાન આમતેમ ફંગોળી દીધો.


**

પ્રણય પરિણય ભાગ ૯



વિવાન ફ્રેશ થઈને પોતાના લેપટોપ પર કામ કરી રહ્યો હતો. ત્યાં કાવ્યા પોતે તેના માટે કોફી લઈને રૂમમાં આવી.


'ભાઈ તારી કોફી.' કહીને કાવ્યાએ કોફીનો મગ વિવાનના ટેબલ પર મૂકયો.


'થેંક્સ બચ્ચા..' વિવાને મગ ઉંચકતા કહ્યુ.


'શું કરે છે ભાઈ તું?' કાવ્યાએ વિવાનના લેપટોપમાં જોતા પુછ્યું.


'એક સેવન સ્ટાર હોટેલ બનાવવાનો પ્રોજેક્ટ છે, એનુ ટેન્ડર ભરું છું.' વિવાન બોલ્યો.


'અછ્છા.. આજને આજ પતાવવાનું છે કે?' કાવ્યા બોલી.


'હાં, કાલે ઓન ધ સ્પોટ ટેન્ડર ખુલશે અને ત્યાંને ત્યાં જ પ્રોજેક્ટ એલોટ થવાનો છે.' વિવાન કાવ્યાની સામે જોતા બોલ્યો. અને પૂછ્યું : 'તારે કંઈ વાત કરવી છે કે?'


'અમમ.. નહીં.. હા.. મતલબ કંઈક પૂછવું હતું.' કાવ્યાને શબ્દો ગોઠવતા વાર લાગી.


'હાં પૂછને..' વિવાને લેપટોમાં જોતા પૂછ્યું.


'ભાઈ, આપણી પાસે એટલા મોટા મોટા પ્રોજેક્ટ ઓલરેડી છે છતાં તું નવા નવા પ્રોજેક્ટ એડ કરતો જાય છે.. કોના માટે એટલું પ્રેશર લઈને કામ કરે છે? કેટલીયે વાર તો તારે ઓફિસમાં રોકાઈ જવું પડે છે.. શું જરૂર છે એટલું દોડવાની?' કાવ્યાએ લાંબો સવાલ કર્યો.


'ખૂબ સરસ સવાલ કર્યો તે કાવ્વ્યા.. જો બચ્ચા, સફળતાના શિખર પર પહોંચવું એ પ્રમાણમાં સહેલું છે. પણ એ શિખર પર ટકી રહેવું ખૂબ અઘરું છે. અત્યારે માર્કેટમાં આપણું નામ જે જગ્યા પર છે એ નામ ત્યાં ટકાવી રાખવું જરૂરી છે. માર્કેટમાં રોજે રોજ નવા કોમ્પિટિટર્સ આવે છે. જો તમે જરાક ચૂક્યા તો તમારી જગ્યા ગઈ. જો આટલી મહેનત નહીં કરીએ તો શ્રોફ ગૃપ ઓફ કંપનીઝનુ નામ જે આજ આકાશમાં ઝળકી રહ્યું છેને.. એને જમીન પર આવતા વાર નહીં લાગે. અને બીજું, આપણાં આગલા મોટા ભાગના પ્રોજેકટ્સ પૂર્ણતાના આરે છે એટલે મારે આ પ્રોજેક્ટ જોઈએ છે. રહી વાત મારા રાત દિવસ કામ કરવાની, તો એની મને ટેવ પડી ગઈ છે.. ઘરે બેસવાથી હું બોર થઈ જાઉં છું.' વિવાને કાવ્યાને સમજાવી.


'ભાઈ તારા કંટાળો દૂર કરવાનો ઈલાજ તો છે મારી પાસે..' કાવ્યા હસીને બોલી.


'અચ્છા.. શું ઈલાજ છે?' વિવાન લેપટોપમાં આંકડા ભરતા બોલ્યો.


'તારા લગન.. ભાઈ તું લગ્ન કેમ નથી કરી લેતો?' કાવ્યાએ આંખો ઝીણી કરીને પુછ્યું.


લગ્નની વાત નિકળતા જ વિવાનની નજર સામે ગઝલનો ચહેરો તરી આવ્યો.


'તુ ક્યારે સમાઈરા સાથે લગ્ન કરવાનો છે? એ છોકરી કેટલો બધો પ્રેમ કરે છે તને..!' કાવ્યાએ સમાઈરાની વાત કાઢી.


'સમાઈરા મારી બચપણની ફ્રેન્ડ છે, એનાથી આગળ મેં એના માટે ક્યારેય વિચાર્યું નથી. મારા અને એના વાચારો એકદમ અલગ છે.'


'પણ ભાઇ, એ તને ખરેખર ખૂબ જ પ્રેમ કરે છે. તે જોયું છેને કે એ તારા માટે કેટલી પઝેસિવ છે?'


'હા મને ખબર છે, સાચું કહું તો એની પઝેસિવનેસ મને બિલકુલ પસંદ નથી.. ડૂ યૂ નો એના કારણે મને કેટલુ એમ્બરેસ ફીલ થાય છે?'


'પણ ભાઇ.. તું એનાથી આઘો ભાગે છે એટલે એ પઝેસિવ થાય છે. લગ્ન પછી બધુ બદલી જશે. બાકી બીજો વાંધો શું છે એમા? બ્યુટીફૂલ છે, સ્માર્ટ છે, ડોક્ટર છે હજુ શું ઘટે છે તને?'


'પ્રેમ ઘટે છે. કાવ્યા.. પ્રેમ, હું પ્રેમ નથી કરતો એને.. તે મારી એક ફ્રેન્ડ છે અને એક ફ્રેન્ડ તરીકેની જ લાગણી છે મારી એની જોડે. મારી પત્ની માટેના મારા જે ખ્યાલો છે, એમાં સમાઈરા ફીટ નથી બેસતી.' વિવાને એકદમ સીધુ સટ કહ્યુ.


'પણ ભાઇ એક વાર વિચારજે તો ખરો!' એમ બોલીને કાવ્યા વિવાનની પાછળ જઈને ઉભી રહી.


'મારે આ વાત પર કોઈ ડિસ્કશન નથી કરવી, મને મારુ કામ કરવા દે.' કહીને વિવાને પોતાનું ધ્યાન ટેન્ડરમાં પરોવ્યું.


કાવ્યાએ એક નિશ્વાસ છોડ્યો અને એ વિવાનના રૂમમાંથી નીકળી ગઈ. પણ તેણે નીકળતા પહેલા લેપટોપમાં દેખાતા ટેન્ડરનાં ફોટા પોતાના મોબાઈલમાં લઈ લીધા હતાં.


**

સમાઈરા સવારે વહેલી ઉઠી ગઈ હતી. એ બેડરૂમમાંથી બહાર આવી. જોયું તો ઘરમાં હજુ કોઈ જાગ્યું નહોતું. ફક્ત એક મહારાજ કિચનમાં સવારના નાસ્તા માટેની તૈયારીઓ કરી રહ્યા હતા.

તે આમ તેમ આટા મારતી વિવાનના બેડરૂમ પાસે આવી. તેને અંદર જવાનું મન થયું. તેણે હળવેથી દરવાજો ખોલ્યો.

વિવાન તેના આલીશાન બેડ પર શર્ટલેસ સૂતો હતો. તેણે તો જ્યારથી ગઝલને જોઇ હતી ત્યારથી એ ગઝલના વિચારો કર્યા કરતો હતો. અને અત્યારે ઉંઘમાં પણ ગઝલના સપના જોઇ રહ્યો હતો. તેણે ફક્ત ટ્રેક પેન્ટ પહેર્યું હતું. સમાઈરા શોર્ટ અને સેક્સી નાઈટસૂટમાં હતી.


સમાઈરા વિવાનને જોઈને મનમાં જ હસી. તે અનિમેષ દ્રષ્ટિએ વિવાનના ખુલ્લા દેહ તરફ જોઇ રહી.

તે બુદ્ધિશાળી હતી, વિચક્ષણ અને વિચારશીલ મહિલા હતી. તે એવું માનતી હતી કે સ્ત્રીને પુરુષના શરીરનું આકર્ષણ હોવું, અને એના વિષે બોલવું સ્વાભાવિક છે. એ બાબત વિષે સ્ત્રીઓએ બિલકુલ શરમાવું ન જોઈએ.

એકાએક તેને એમ બી બી એસ ના ત્રીજા વર્ષના સાઈક્રિયાટ્રિના પ્રોફેસરની વાત યાદ આવી:

"સ્ત્રીના દુઃખનું રહસ્ય તેના પોતાના અંકુશો છે. પરાપૂર્વથી લદાયેલા અને સ્ત્રીસહજ સ્વીકાર પામેલા 'લજ્જા’ અને ‘સંસ્કૃતપણા’ના ખ્યાલો સ્ત્રીની માનસિક વિટંબણાઓ છે! તે અબોલ રહે છે તેથી સંસ્કૃત તો લાગે છે. પણ સંસ્કૃતપણાના દેખાવ ખાતર તેણે આત્માના આનંદને કુંઠિત કરવો પડે છે. સ્ત્રીઓ પણ પુરુષના સૌંદર્યને જોવા ઇચ્છતી જ હોય છે. પણ પુરુષના સૌદર્યને શબ્દોમાં આકારવું એ સ્ત્રી માટે મુશ્કેલ હોય છે, જેટલી સહેલાઈથી પુરુષ સ્ત્રીના દેહલાલિત્યનું વર્ણન કરી શકે છે તેટલી સહેલાઈથી સ્ત્રી તે કરી શકતી નથી. કેમ જાણે સ્રીઓએ એવો સંયમ રાખવાનો ઠેકો ન લીધો હોય!"


પ્રોફેસર ભગવાન શ્રીકૃષ્ણના પરમ ઉપાસક હતા. શ્રીકૃષ્ણને પ્રેમ કરતાં. શ્રીકૃષ્ણના આકર્ષણની જ્યારે તે વાત કરતા ત્યારે હંમેશાં કહેતા: "આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા... અદ્ભુત રીતે તેમાંથી સૂરો છવાતા. તેનો નાદ, તેના સૂરો સાંભળી ગોપીઓ દોડી આવતી... ગોપીઓ જ નહિ ગાયો પણ ધસી આવતી... પ્રકૃતિ સ્થિર થઈ જતી.. બંસરી તો હજારો લોકોએ વગાડી છે. ના૨દ જેવા મહર્ષિ પણ વીણા અદ્ભુત રીતે બજાવતા... પણ ના૨દ વિશે આવી વાયકા નથી. નારદની વીણા સાંભળવા કોઈ ગોપી દોડતી નહી. તો શું હતું એ બંસીમાં..! આજે પણ બંસી બજે છે... તેના અદ્ભુત બજવૈયા આ દેશમાં છે. હજારો રૂપિયા ખર્ચીને લોકો તેને સાંભળવા જાય છે... પણ ગાય લઈને જતી ગોવાલણ બધું જ વિસરીને ત્યાં જતી નથી... કેમ આમ?" પ્રોફેસર પ્રશ્ન પૂછતા અને જવાબ પણ પોતે જ આપતા:

"તેનું કારણ વાંસળી ન હતી.. તેના સૂરો ન હતા. પણ ભગવાન શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ હતું. જે વાંસળીમાંથી સૂરો રેલાતા તે વાંસળીને ધરતા અધરો હતા. શ્રીકૃષ્ણનું સૌંદર્ય હતું... તેની પુરુષોત્તમતા હતી. એ યોગેશ્વર હતા અને છતાં સર્વોત્કૃષ્ટ પ્રેમી હતા. એ યોદ્ધા હતા અને છતાં એમનામાં સારથિ બનવાની નમ્રતા હતી. તે ગોવર્ધન હતા છતાં એ યુદ્ધમાં દાવપેચ ખેલી જાણતા હતા.. તેમનામાં એક પરમ પુરુષના સર્વ ગુણો હતા. શ્રીકૃષ્ણ પૌરુષ-સંપન્ન હતા. અને જ્યાં પૌરુષ-સંપન્ન હોય ત્યાં સ્વાભાવિક આકર્ષણ હોય.."


સમાઈરાનાં હોઠ પર સ્મિત આવ્યું. નિષ્ફિકર સૂતેલા વિવાન સામે એ જોઈ રહી.. વિવાન ખરેખર રૂપાળો પુરૂષ હતો. તેના કાળા ઘટ્ટ વાળ, તેનુ સીધુ રોમન નાક, તેના બરછટ લાલ હોઠ, કોઇ સ્ત્રીને પણ ઇર્ષા આવે તેવી લાંબી-ઘાટી પાંપણ.. હોવા જોઈએ એના કરતાં વધુ રતુંબડા એના કાન, કથ્થઈ બેઝ પર ગુલાબી રંગનું મિશ્રણ કર્યું હોય તેવો એનો ચહેરો, પહોળા ખભા, સ્નાયુબદ્ધ બાહુ, તેની પૌરુષ સભર છાતી, પાતળી કમર. તેના ચહેરા કે શરીર પર સ્હેજ પણ ચરબીનો થર નહોતો. તેનુ આખુ શરીર 'એનેટોમી'ના ઉત્તમ નમૂના જેવું સુદ્રઢ હતું.


વિવાન ગઝલનાં સપનામાં ખોવાઈને વહેલી સવારની નિંદ્રા માણી રહ્યો હતો.

સમાઈરા હળવેથી તેના બેડ પર ગઈ અને એની બાજુમાં આડી પડી. એણે વિવાનની ઉઘાડી પીઠ પર અત્યંત મુલાયમ રીતે પોતાની એક આંગળી ફેરવી. વિવાનને ગલી પચી થઇ. એની સ્કીન હળવી ધ્રુજી, પણ એ હજુ નિંદ્રામાં જ હતો. સમાઈરાએ ફરીવાર મોરપીંછ જેવી સુંવાળપથી એની પીઠ પર આંગળી ફેરવી.


વિવાનના ધ્યાનમાં અને સપનામાં તો ગઝલ રમતી હતી એટલે અત્યારે પણ એજ તેની બાજુમાં હોય તેવો તેને ભાસ થતો હતો. એ ઉંઘમાંજ 'આઇ લવ યૂ' એવા અસ્પષ્ટ શબ્દો બોલ્યો.

સમાઈરાને લાગ્યું કે એ તેની માટે જ બોલ્યો. તેણે એના હોઠ પર આંગળી ફેરવી અને પોતાના હોઠથી એકદમ હળવી પપ્પી લીધી.


વિવાનના સપનામાં આ બધું ગઝલ કરી રહી હતી. એટલે એના હોઠ પર સ્મિત ફરકી ગયું.

સમાઈરાએ ધીમે ધીમે વિવાનના પેટથી લઇને છાતી પર આંગળી ફેરવી અને વિવાનની કાનની બૂટ ઉંચી કરીને ત્યાં ચૂમી ભરી.

એથી વિવાનને તેના પરફ્યુમની ખુશ્બુ આવી. એની ઉંઘ ઉડી ગઈ અને આંખો ખુલી. સમાઈરાને પોતાની આટલી નજીક જોઈને એ ચોંકી ઉઠ્યો.

સમાઈરા ખિલખિલાટ હસી પડી.


'વ્હોટ ધ હેલ આર યૂ ડૂઈંગ હિઅર?' વિવાન ગુસ્સાથી બોલ્યો.


'કેમ, હું તારી બાજુમાં આવી એ તને ગમ્યું નહીં?' સમાઈરા વિવાનના સ્નાયુબધ્ધ બાવડાં પર હાથ ફેરવતાં એકદમ માદક અવાજમાં બોલી.


'દૂર હટ સમાઈરા..' વિવાને ગુસ્સામાં કહ્યુ.


'બિલકુલ નહીં.. કેટલા દિવસ પછી મેં તને આમ જોયો.. કેટલા ટાઈમ પછી હું અહીં ઘરે આવી છું, અને તું મને દૂર જવાનું કહે છે? હું નહીં જાઉં.' સમાઈરા બોલી.


'સમાઈરા પ્લીઝ ટ્રાઈ ટૂ અંડરસ્ટેન્ડ, કોઈ જોઈ જશે તો ખરાબ લાગશે.. તુ જા મારા બેડરૂમમાંથી..'


'પતિદેવ, થોડા સમયમાં આ રૂમ મારી પણ થવાની છે એટલે તને મારી બાજુમાં સૂવાની ટેવ પાડવા માટે હું અહીં આવી છું.' સમાઈરા વિવાનના ચહેરા પર આંગળી રમાડતાં બોલી.


'સ્ટોપ ઇટ સમાઈરા દૂર ખસ..' વિવાન સમાઇરાના હાથને ચહેરા પરથી દૂર કરતાં બોલ્યો.


'અહંઅ.. ' કહીને એ વિવાનના ચહેરા પર ઝૂકી એના હોઠ વિવાનના હોઠને ટચ થવાની તૈયારીમાં હતા.. વિવાને જોરથી પોતાની આંખો બંધ કરી અને ઝટકાથી એને દુર કરી.

'દૂર રહે સમાઇરા.. ધીમે ધીમે કરતાં તું હવે વધારે પડતાં ચેન ચાળા કરવા લાગી છે. મે તને કેટલી વાર કીધું છે કે આવી રીતે નજીક આવવુ અને તારુ આમ જબરદસ્તી ચીપકવાનું મને જરાય પસંદ નથી. હવે આપણે મોટા થઈ ગયા છીએ. સમાઈરા ગ્રો અપ.' વિવાન બેડ પરથી નીચે ઉતરીને ટીશર્ટ પહેરતા બોલ્યો.


'હું પણ એજ કહુ છું પતિદેવ આપણે મોટા થઈ ગયા.. હવે આપણે મોટા લોકો કરે એવું બધું કરવાનું હોય.' કહીને સમાઈરાએ દાંત વડે પોતાનો નીચલો હોઠ ચાવ્યો.


'શટ અપ સમાઈરા..'


'હું તારી થનાર વાઈફ છું. જ્યારે મને વાંધો નથી તો તને શું પ્રોબ્લેમ છે? આપણે બંને મેચ્યોર છીએ.. થોડું ઘણું તો ચાલે..' સમાઈરાએ વિવાનને પાછળથી બથ ભરતાં કહ્યું.


'શટ ધ હેલ અપ સમાઈરા, આઈ ડોન્ટ લાઇક યૂ.. તને આટલી એવી વાત કેમ સજાતી નથી.? લાઈફ પાર્ટનરની નજરે મેં કદી તને જોઇ નથી અને લગ્ન માટે પણ તું મને બિલકુલ પસંદ નથી. તું મારી બચપણની મિત્ર છે, અને તને હું એક સારી મિત્ર જ ગણું છું. એથી વિશેષ કંઈ નહી.' વિવાને સીધા, સરળ અને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું.


'અને મેં પણ તને કેટલી વાર કીધું છે કે મારા સિવાય તારા જીવનમાં બીજુ કોઈ જ આવી શકવાનું નથી.' સમાઈરા વિવાનના ગળામાં હાથ ભરાવતા બોલી.


'ઓ ગોડ.. સમાઈરા, યૂ આર ડિસ્ગસ્ટિંગ..' વિવાન ધુંધવાઈ ઉઠ્યો. તેણે પોતાના ગળા પરથી સમાઈરાના હાથ છોડાવ્યા, તેને હડસેલો મારીને ગુસ્સામાં બાથરૂમમાં ઘુસ્યો.


'માય ગોડ.. કેટલો ચીડાય છે મારો વર.. બટ આઈ લવ હિમ..' સમાઈરા સ્વગતઃ બબડી અને રૂમની બહાર નીકળી.


વિવાને ધૂંધવાટમાંજ શાવર ચાલુ કર્યો અને દિવાલ પર હાથ રાખીને શાવર નીચે ઉભો રહ્યો. ગુસ્સો શાંત પાડવા તેણે આંખો બંધ કરી અને ઉંડા ઉંડા શ્વાસ લીધા. આંખો બંધ કરતાં જ ગઝલનો લાવણ્યભર્યો ચહેરો એના મનમાં ઉપસ્યો, તેની ઓફિસના સ્યૂટમાં ગભરાઈને તેની સાથે ચીપકી ગયેલી ગઝલ યાદ આવી. અને એનો ગુસ્સો આપોઆપ ઓગળી ગયો. એના ચહેરા પર સ્માઈલ આવી.

વિવાને જ્યારથી ગઝલને જોઇ હતી ત્યારથી બીજી કોઈ છોકરી માટે નહોતો એણે વિચાર કર્યો કે નહોતી કોઈને ટચ કરી. હવે તેને ફક્ત ગઝલને જ વફાદાર રહેવું હતું તથા ફકત અને ફક્ત ગઝલને જ પોતાના જીવનમાં અર્ધાંગીની તરીકેનું સ્થાન આપવું હતું.


**

ગઝલ આજે ફરી વહેલી સવારની મીઠી નીંદરમાં તેના હંમેશા વાળા પેલા સપનામાં ખોવાઈ ગઈ હતી. પણ આજે રાજકુમારના ચહેરા સામે ફૂલોનો બૂકે હતો, અને તે હાથમાં ચોકલેટ્સ લઈને ઉભો હતો. ગઝલએ તેની નજીક જઈને બૂકે હટાવવાનો પ્રયત્ન કર્યો. તેણે હાથ વડે બૂકે બાજુમાં ખસેડ્યોજ હતો કે એનો અલાર્મ વાગ્યો.

એ ઝબકીને સફાળી જાગી. આજે પણ એનું સપનુ અધુરું રહી ગયું. ખીજવાઈને તેણે અલાર્મ બંધ કર્યો.


'કોણ હશે તે બૂકે મોકલનાર..? હે ભગવાન એ મલ્હાર જ હોય તો સારું.' એવું બબડીને તેણે આંખો બંધ કરી અને મલ્હારની યાદોમાં ખોવાઈ..

એજ સમયે નીચેથી ભાભીનો જોરદાર અવાજ આવ્યો: "ગઝલલઅઅઅઅઅ…"


'અરે યાર…આ ભાભી પણ છે ને… કોણ જાણે મારા સપના સાથે એને શું દુશ્મની છે..? બરાબર મોકા પર જ સાદ પાડે..' એમ બોલીને ગઝલ ઉભી થઇને બાથરૂમમાં ગઈ.


**


ફોનમાં મેસેજ ટોન વાગ્યો એટલે મલ્હારની નીંદર ઉડી. તેણે આંખો ખોલી, હાથ લાંબો કરીને મોબાઈલ લીધો. સ્ક્રીન પર કાવ્યાના સાત મેસેજ અનરીડ બતાવતા હતા. એ ઝડપથી બેઠો થયો. મોબાઈલનો લોક ખોલીને મેસેજ જોયાં. અને ખુશ થઈને પોતાનો જ નીચલો હોઠ દાંત નીચે દબાવ્યો.


કાવ્યાએ એના ભાઈના ટેન્ડરના ફોટો મલ્હારને મોકલાવ્યા હતા. અને નીચે 'આઇ લવ યૂ' લખીને કિસિંગના ઈમોઝી મોકલાવ્યા હતા.


'આઇ લવ યૂ ટૂ કાવ્યા.. બસ તું મને આવો જ આંધળો પ્રેમ કરતી રહે, અને તારા ભાઈના ટેન્ડર્સ લીક કરતી રહે.' કહીને મલ્હારે અટ્ટહાસ્ય કર્યું.


પછી એણે એક નંબર ડાયલ કર્યો અને સૂચના આપી: 'હું હમણાં તને અમૂક ફોટો મોકલુ છું, તેના ફિગર્સ અને આપણાં ફિગર્સ ચેક કર અને ડિફરન્સ કાઢીને ફટાફટ એક નવું ટેન્ડર તૈયાર કર..' એમ કહીને મલ્હારે બીજી થોડી સૂચનાઓ આપી. ફોન મુકીને એ બાથરૂમમાં ગયો


**

હોટેલ પેરેડાઈઝનાં કોન્ફરન્સ રૂમમાં નાના મોટા લગભગ તમામ બિઝનેસમેન હાજર હતા.

વિવાન, મિહિર અને મલ્હાર પણ હતાં.

રુદ્રપ્રતાપ જરીવાલાનો એક ડ્રીમ પ્રોજેક્ટ આજે કોના નસીબમાં જશે એની તાલાવેલી સૌ કોઈને હતી.


ચાર ચાર બોડીગાર્ડસ્ વચ્ચે રૂઆબથી ચાલતા રુદ્રપ્રતાપ જરીવાલા કોન્ફરન્સ રૂમમાં દાખલ થયા. તેને જોઇને પોતપોતાની ખૂરશી પરથી ઉભા થઈને બધાએ એમને રિસ્પેક્ટ આપ્યું.


'થેન્ક યૂ વેરીમચ એવરીબડી પ્લીઝ બી સિટેડ..' એમ કહીને રુદ્રપ્રતાપ પોતાની ચેરમાં બેઠા. એ બેઠા પછી બધા પોતપોતાની ખુરશીમાં બેઠા. અને નાનકડી સ્પીચ પછી ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ.


'લેડીઝ એન્ડ જેન્ટલમેન, તમને બધાને ખબર છે કે ભવ્ય સેવન સ્ટાર હોટેલ બનાવવાનો આ મારો ડ્રિમ પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટની બાબતે બધી જાણકારી તમને પહેલેથી જ આપી દેવામાં આવી છે અને એ પ્રમાણે તમે ટેન્ડર્સ ભર્યા છે. પણ તમારા બધા માટે મારી પાસે એક સરપ્રાઈઝ છે.. દોસ્તો.. તમારામાંથી જે કોઈ પણ આ પ્રોજેકટ જલ્દી અને વ્યાજબી ખર્ચે બનાવી આપશે… તેમને મારા નેક્સ્ટ ચાર પ્રોજેક્ટ પણ આપવામાં આવશે.'

બધાએ તાળીઓ પાડીને રુદ્રપ્રતાપની વાત વધાવી લીધી.

પછી વારાફરતી બધાએ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું અને પોતપોતાના ટેન્ડર સબમિટ કર્યા.

મલ્હાર અને વિવાનના પ્રેઝન્ટેશન સૌથી સારા હતા. હવે ટેન્ડર ખોલવાનો વારો હતો. જેની કિંમત એકદમ વ્યાજબી હોય તેને પ્રોજેક્ટ મળવાનો હતો. વિવાન પોતે ભરેલી પ્રાઈસ પર મુસ્તાક હતો.


રુદ્રપ્રતાપ જરીવાલાએ એક પછી એક ટેન્ડર તપાસ્યા પછી એક નિર્ણય પર આવ્યા અને એની જાહેરાત કરવા ઉભા થયા.


'સો, લેડીઝ એન્ડ જેન્ટલમેન.. હુ આ મારો ડ્રિમ પ્રોજેક્ટ ઉપરાંત આગળના બીજા ચાર પ્રોજેક્ટ રાઠોડ ગૃપને આપવાની ઘોષણા કરુ છું.. આ સાથે મારે એ પણ કહેવું જોઈએ કે શ્રોફ ગૃપ અને રાઠોડ ગૃપની કિંમતોમાં સાધારણ ફરક જ હતો. શ્રોફ ગૃપ જરાક માટે આ પ્રોજેક્ટ ચૂકી ગયું છે. રાઠોડ ગૃપના સી.ઈ.ઓ. શ્રી મલ્હાર રાઠોડને આ પ્રોજેક્ટ મેળવવા માટે કોન્ગ્રેચ્યુલેશન્સ.. અને હું શ્રોફ ગૃપનાં મેનેજીંગ ડિરેક્ટર શ્રી વિવાન શ્રોફને એના ભવિષ્યના પ્રોજેક્ટ માટે શુભકામનાઓ આપુ છું... એન્ડ ગુડલક મિ. મલ્હાર, કોન્ગ્રેચ્યુલેશન્સ વન્સ અગેઈન.. આઈ હોપ કે તમે મારી અપેક્ષાઓ પર ખરા ઉતરશો...' રુદ્રપ્રતાપ જરીવાલા બોલ્યા.


'ડોન્ટ વરી મિ જરીવાલા, તમારો આ ડ્રીમ પ્રોજેક્ટ કરવો એ મારુ પણ સપનું હતું. હું તમને ખાતરી આપું છું કે આ તમારો ડ્રીમ પ્રોજેક્ટ સમયસર અને તમારી અપેક્ષા પ્રમાણે પુરો કરી આપીશ.' મલ્હાર રુદ્રપ્રતાપ સાથે હાથ મિલાવીને બોલ્યો.

મિટિંગ પુરી થઈ. બધા બિઝનેસમેન મલ્હાર સાથે હાથ મિલાવીને તેને અભિનંદન આપીને એક એક કરીને બહાર નીકળી રહ્યા હતા.


આ વખતનું ટેન્ડર અને પ્રેઝન્ટેશન વિવાને પોતે તૈયાર કર્યું હતું અને છતાં પ્રોજેક્ટ એના હાથમાંથી છટકી ગયો હતો એ વાતનુ એને આશ્ચર્ય થતું હતું. એ આઘાત પચાવવાની કોશિશ કરતો વિવાન પોતાની ખુરશીમાં બેઠો રહ્યો. રઘુ અને વિક્રમ બંને પણ બાજુમાં ઉભા રહીને એ જ વિચારતા હતા.


'હું કહેતો હતો ને બોસ.. કંઇ તો લોચો છે.' વિક્રમ વિવાનને ઉદ્દેશીને બોલ્યો.


'પણ આવું બને જ કેમ વિક્રમ? ટેન્ડર મે પોતે તૈયાર કર્યું છે અને બધા ડોક્યુમેન્ટ મારી પાસે જ છે. તો પછી લીક થવાનો તો સવાલ જ નથીને?' વિવાન બોલ્યો.


'આઇ ડોન્ટ નો વ્હાય સર, પણ મને સ્ટ્રોંગ ફીલિંગ આવે છે કે આપણામાંથી કોઈ તો ફૂટેલું છે.' વિક્રમ બોલ્યો.


'વિક્રમ ની વાત સાચી છે ભાઈ, હવે તો મને પણ એવું જ લાગે છે. આપણે જલ્દી આના પર અંકુશ નહીં લાવીએ તો વાત હાથ બહાર જતી રહેશે.' રઘુ હાથ મસળતા બોલ્યો.


'રઘુ, હવેથી બધા પર નજર રાખવી પડશે.' બોલતા વિવાનની આંખમાં ભયંકર ઠંડક આવી ગઈ. એ રઘુએ જોયું, ઉપરાંત વિવાને 'બધા' શબ્દ પર જે ભાર આપ્યો એના પરથી રઘુ સમજી ગયો કે બધા મતલબ બધા જ, એમાં સ્ટાફની સાથે હવે ઘરનાં સભ્યો પર પણ નજર રાખવાની હતી.


'જી ભાઈ, સમજી ગયો.. તમે બિલકુલ ચિંતા નહીં કરો. આપણા હાથમાંથી એક ટેન્ડર જ ગયું છેને.. ખેલ તો હવે શરૂ થશે..' રઘુએ મલ્હાર તરફ વેધક દ્રષ્ટિ ફેંકતા કહ્યું.


મલ્હાર બીજા બિઝનેસમેનથી ઘેરાયેલો હતો. બધા ગયા પછી એ વિવાન પાસે આવ્યો.


'અરે ભાઈ વિવાન, તું મને અભિનંદન નહીં આપે?' મલ્હાર ખંધુ હસીને બોલ્યો.


વિવાને પોતાના કપાળ પર બે આંગળી ઘસી અને ઉભો થયો.


'કોન્ગ્રેચ્યુલેશન્સ મલ્હાર..' વિવાન બેઉ હાથ પોતાના ખિસ્સામાં રાખીને એકદમ શાંતિથી ઠંડા અવાજમાં બોલ્યો.


'થેન્ક યૂ.' મલ્હાર હસીને બોલ્યો. પછી ઉમેર્યું : બાય ધ વે, મને આ ટેન્ડર મળી ગયું એટલે માર્કેટમાં હવે હું તારી બરાબરીમાં ઉભો રહીશ.' મલ્હારના અવાજમાં ઘમંડ છલકાઈ રહ્યો હતો.


'તારા ને મારા વચ્ચે ક્યારેય કોમ્પિટિશન થઇ જ ના શકે મલ્હાર.. તું હજુ માર્કેટમાં પાપા પગલી માંડે છે અને મેં ઘાટ ઘાટના પાણી પીધા છે. પાછલા ઘણા સમયથી હું માર્કેટ પર રાજ કરું છું.' વિવાને કહ્યુ.


'પણ હવે તારા દિવસો પુરા થયા. માર્કેટમાં રાજ કરવાનો વારો હવે મારો છે.' મલ્હારે ઘમંડ સાથે કહ્યુ.


'ગુડ.. ગુડ, આઈ લાઈક યોર એટીટ્યુડ.. તું ખૂબ આગળ વધીશ..' વિવાને ઠંડકથી કહ્યુ.


'હાં એ તો મને ખબર જ છે.. એન્ડ થેન્કસ્ ફોર યોર કોમ્પિલમેન્ટસ્.' મલ્હારે કીધું અને વિવાન તરફ એક તિરસ્કૃત દ્રષ્ટિ ફેંકીને બહાર નીકળી ગયો.


'જોયું ભાઈ.. કેટલો ઘમંડ છે એને?' રઘુ દાંત વચ્ચે હોઠ ચાવતાં બોલ્યો.


'નવી નવી પાંખો આવી છે ભલે ઊડે, ઊડવા દે.. ચાલો આપણે આપણા કામે વળગીએ..' બોલીને વિવાન રઘુ અને વિક્રમ સાથે કોન્ફરન્સ રૂમની બહાર નીકળ્યો.

.

.

ક્રમશઃ


**

.

મિત્રો, આ નવલકથાના પ્રકરણ ૭ અને ૮ થોડા ટૂંકા હતા કારણ કે લગાતાર ટાઈપિંગ કરવાથી આંગળીઓના દુઃખાવાને લીધે ડોકટરે મને એક અઠવાડિયાના આરામની સલાહ આપી હતી. એટલે અગાઉથી લખેલા એક પ્રકરણનાં બે અલગ અલગ ભાગ કરીને પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

મિત્રો, તમારા અઢળક પ્રેમ અને આશિર્વાદના લીધે મારી આંગળીઓમાં હવે રાહત છે. એટલે આજથી પ્રકાશિત થનારા બધા પ્રકરણો પુરેપુરા પ્રકાશિત થશે.


બીજુ કે, આ વાર્તા હવે રંગ પકડતી જાય છે.. આગળના પ્રકરણોમાં નવા ટ્વિસ્ટ અને ટર્નસ્ આવશે. સાથે હસી-મજાક પણ ચાલશે. તો હવે આગામી પ્રકરણો વાંચવાનુ ચૂકશો નહીં અને આજનું પ્રકરણ કેવું લાગ્યું એ જરૂરથી કહેશો.


❤ તમારી કોમેન્ટ્સ અને રેટિંગની પ્રતીક્ષામાં ❤