શીર્ષક : જીંદગીમાં ન્યુ સ્ટાર્ટઅપ
©લેખક : કમલેશ જોષી
હમણાં એક સ્કૂલ-કોલેજ કાળના મિત્રોએ ગેટ ટુ ગેધર ગોઠવ્યું હતું. પિસ્તાલીસ-પચાસ વર્ષની ઉંમરના એ મિત્રો મળ્યા ત્યારે એક બીજાને ઓળખતા થોડી વાર લાગી. કોઈ ક્લાસ ટુ ઓફિસર હતા તો કોઈ બેંકમાં કેશિયર, કોઈ બિઝનેસમેન હતું તો કોઈ શિક્ષક. બે-ત્રણ કલાકની એ મહેફિલમાં એક સૂર કૉમન હતો: હવે પહેલા જેવી મજા નથી આવતી. લગભગ દરેક વ્યક્તિની આ એક જ ચિંતા હતી કે બાળપણમાં અને યુવાનીમાં જે ઉત્સાહ અને થનગનાટ ભીતરે વહેતો એ જાણે સાવ ઓસરી ગયો હોય એવું લાગે છે. સાંઠે પહોંચીશું ત્યારે તો સાવ અધમુઆ જેવા થઈ જઈશું.
મને સાઠેક વર્ષના એક વડીલ યાદ આવ્યા. એ ઉંમરે એમણે કમ્પ્યૂટર કોર્સમાં ઍડમિશન લીધું હતું. આખું વર્ષ જોરદાર ભણ્યા. વર્ડમાં એમણે આખી એ, બી,સી,ડી બનાવી હતી. કન્ટ્રોલ 'એ' કરવાથી ઓલ સિલેકટ થાય અને 'બી'થી બોલ્ડ, 'સી'થી કોપી અને 'ડી'થી ડાયલોગ બોક્સ ઓફ ફોન્ટ મળે. અમે શિક્ષકો એમના ઉત્સાહ અને જીવંતતાથી ખૂબ ઈમ્પ્રેસ થયા હતા. એમણે કહ્યું કે દર અઠવાડિયે કે મહિને એ નવી વાનગી બનાવતા પણ શીખે છે. ગયા અઠવાડિયે ઈડલી શીખ્યા અને આ અઠવાડિયે સૂકીભાજી વઘારતા આવડી ગઈ. એમના શ્રીમીતીજી પણ આ ઉંમરે કાર ડ્રાઈવિંગના કોર્સમાં જોડાયા હતા. એ પછી બંને જણા મ્યુઝીકનો ક્લાસ જોઈન કરવાના હતા. બધું નક્કી કરી રાખ્યું હતું. એક દિવસ તો એમણે આવનારા છ-બાર મહિનામાં શું-શું નવું-નવું શીખવાના છે એનું લીસ્ટ જ બતાવી દીધું. અમે તો આશ્ચર્યચકિત થઈ ગયા. એમના ચહેરા પર બાળ સહજ નિખાલસતા અને યુવાનો જેવો ખુમાર જોવા મળતો હતો. એમણે એક મસ્ત મંત્ર જેવું વાક્ય કહ્યું : જે અઠવાડિયું કે મહિનો કશું જ નવું શીખ્યા, નવું કર્યા વગરનો જાય છે એ અઠવાડિયું કે મહિનો અમને સૌથી વધુ બોરિંગ, થકાવટભર્યો, બીમાર અને પીડાદાયક લાગે છે.
તમે માર્ક કર્યું? ચાલીસ-પચાસ વર્ષની ઉંમરના પેલા ગેટ-ટુ-ગેધરમાં મળેલા મિત્રોને પણ જિંદગી બોરિંગ લાગવા માંડી હતી. હવે યાદ કરો તમારા બાળપણના અને યુવાનીના દિવસો. શું એ બોરિંગ હતા? ન જ હોય ને ! કેમ કે પહેલા ધોરણથી છેક કૉલેજ સુધી, દર વર્ષે કેટકેટલું નવું-નવું શીખતા? ક, ખ, ગ, એકડો, બગડો જૂના થયા ત્યાં એ,બી,સી,ડી, ઘડિયા, સરવાળા-બાદબાકી અને જા રજા, કર મજા આવ્યા. એ જૂના થયા ત્યાં સાદું-વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, મારી પ્રિય ઋતુ પર નિબંધ અને ગતિ-બળ-વેગ-પ્રવેગનું વિજ્ઞાન આવ્યું. એ જૂના થયા ત્યાં અવયવો-સમીકરણો, કાર્બન ચક્ર, આવર્ત કોષ્ટક, વાસ્કો-દ-ગામા, પ્લાસીનું યુદ્ધ, વિપ્લવ વગેરે નવા આવ્યા. એ જૂના થયા ત્યાં પ્રમેયો, કોસ-સાઈન-કોસેક, ઉધાર, જમા, કાચું-પાકું સરવૈયું, વિશ્વયુધ્ધો, રશિયા-અમેરિકા કોલ્ડવોર આવી પહોંચ્યા. એ જૂના થયા ત્યાં કમ્પની લૉ, શેર-ડીબેન્ચ, મૂડી, શ્રમ, નિયોજકો, ડીમાંડ-સપ્લાયના નિયમો, પંચવર્ષીય યોજનાઓ, ભારતની સમસ્યાઓ નવા આવી પહોંચ્યા. એ જૂના થયા ત્યાં વિન્ડોઝ, વર્ડ, એક્સેલ આવી પહોંચ્યા.
એક તરફ યુવાની પુરબહાર ખીલ્યે જતી હતી અને બીજી તરફ રોજ-રોજ નવું-નવું શીખવા મળતું હતું. બેચલર્સ, માસ્ટર્સ કે ડોક્ટરેટ કર્યા પછી એક સમય એવો આવ્યો કે આપણે ભણવા પર ફૂલસ્ટોપ મૂક્યું. તમે જયારે પણ ભણવાનું છોડ્યું એ આખું વર્ષ યાદ કરો. સાવ કોરું કટ. ન બુક્સ, ન નોટ્સ, ન ટાઈમ-ટેબલ, ન એક્ઝામ, ન રિઝલ્ટ. એવું નહોતું કે એ વર્ષે આપણે કશું નવું નહોતા શીખ્યા.
નોકરી-ધંધામાં લાગ્યા હોઈશું એટલે વાતચીતની, કામકાજની નવી રીતો, નવા વ્યક્તિઓ સાથે સંપર્કો અને સંબંધો બાંધવાની કળા ચોક્કસ આપણે શીખ્યા જ હોઈશું. તેમ છતાં આખું વર્ષ, રોજના પાંચ કલાક વર્ગખંડમાં પિસ્તાલીસ-પિસ્તાલીસ મિનીટના પિરીયડ દરમિયાન શિક્ષકો દ્વારા રોજ નવું નવું પીરસાતું જ્ઞાન-વિજ્ઞાનનું મેનુ આપણા મન-મસ્તિષ્કમાં જે તાજગી, કૂતુહલ, જ્ઞાનભૂખ અને ઉત્સાહ જગાવતા હતા એ ઢગલો રૂપિયા આપતી ઓફિસમાં વીતતા આઠ-નવ કે બાર કલાક પણ નથી આપી રહ્યા.
હવે સમજાયું? સાંઠ વર્ષે પણ પેલા કમ્પ્યૂટર શીખવા આવનાર વડીલ યુવાન હતા કેમ કે એમણે રોજ ચાર-પાંચ કલાક નવું શીખવાની બાળપણની, યુવાનીની આદતને બરકરાર રાખી હતી. એકડા બગડા નહિ તો ઈડલી-ઢોસા, ક-ખ-ગ નહિ તો સા-રે-ગ-મ-પ, કાર્બન ચક્ર નહિ તો કાર-ડ્રાઈવિંગ પણ રોજની પિસ્તાલીસ મિનિટના ત્રણ-ચાર પિરીયડ નવું-નવું શીખતા રહેવાનું ટાઈમ ટેબલ એમને જીવંત રાખી રહ્યું હતું. કો'ક વાર કાર શીખવતો ડ્રાઈવિંગ સ્કૂલનો બાબુ એમનો ટીચર બની જતો તો કો'ક વાર ઊંધિયું શીખવતી વાઈફ એમની પ્રોફેસર બની જતી હતી, કોઈ પિરીયડમાં એમની કોલેજીયન દીકરી એમને ડાન્સના સ્ટેપ શીખવતી માસ્ટર બની જતી તો કોઈ પિરીયડમાં, જલેબી બનાવતા શીખવતો ફરસાણવાળો એનો ગાઈડ બની જતો. શિક્ષકો બદલાયા, સિલેબસ બદલાયા પણ એમની સ્કૂલ બંધ નહોતી થઈ. એટલે જ એ હજુ બાળક જેવા ભૂલ કરતા, ફરી શીખતા, હસતા ખીલતા નિખાલસ રહી શકતા હતા.
વિદ્યાર્થી જીવનના બે મહાસૂત્રો: મારી ભૂલ થઈ ગઈ અને મારે શીખવું છે, જો આત્મસાત થઈ જાય તો સાંઠ શું એંસી-નેવું વર્ષે પણ ચહેરા પર બાળક જેવી નિખાલસતા અને યુવાન જેવી ખુમારી સાથે મસ્ત જીવન જીવી શકાય. આજના રવિવારે મૂકો આ માસ્ટર કે બોસ હોવાનો ફાંકો અને શરુ કરો આજથી જ રસોડા કે કારની ડ્રાઈવિંગ સીટ કે ડાન્સ ફ્લોર એવા કોઈ પ્રેક્ટીકલ ક્લાસરૂમમાં વિદ્યાર્થી તરીકે નવો અભ્યાસ. વાનગી ભલે ગમે તેવી બને જિંદગી ટોપ ગિયરમાં પડી જશે એની મારી ગેરંટી. હેપ્પી સન્ડે.. આવજો.. મિત્રો આપની કમેન્ટ્સનો અમે આતુરતાથી ઇંતજાર કરીએ છીએ હોં.
- kamlesh_joshi_sir@yahoo.co.in