bhature recipe in Gujarati Cooking Recipe by Vijay Ramesh Bhai Vaghani books and stories PDF | ભટુરા રેસીપી

Featured Books
Categories
Share

ભટુરા રેસીપી

      છોલે સાથે પીરસવામાં આવતાં પ્રખ્યાત ગરમા ગરમ ભટુરા બધા માટે એક આનંદદાયક જમણ ગણાય છે. અને ખાસ કરીને વરસાદના દિવસોમાં તો તેની મજા અનોખી છે. ભટુરા એક ફૂલેલી અને તળેલી રોટી છે જે ખૂબ જ લોકપ્રિય વ્યંજન પંજાબી છોલેની સાથે પીરસવામાં આવે છે. આમ તો ભટુરા પૂરીની જેમ જ બને છે પણ બન્નેમાં ઘણો ફરક હોય છે. ભટુરા મેંદામાંથી બનાવવામાં આવે છે અને તેનાં લોટમાં આથો લાવવામાં આવે છે જેનાંથી તે પૂરીની સરખામણીમાં વધારે નરમ બને છે જ્યારે પૂરી ઘઉંના લોટ અથવા મેંદામાંથી બનાવવામાં આવે છે અને તેનાં લોટમાં આથો લાવવામાં આવતો નથી.

  ભટુરા બનાવવા માટેની સામગ્રી:


1.૨ કપ મેંદો
2.૧ ટેબલસ્પૂન સોજી (રવો)
3.૨ ટેબલસ્પૂન તેલ
4.૪ ટેબલસ્પૂન દહીં
5.૧ ટીસ્પૂન ખાંડ
6.૧/૪ ટીસ્પૂન બેકિંગ પાઉડર
7.તેલ (તળવા માટે)
8.મીઠું, સ્વાદ અનુસાર
9.પાણી જરુરિયાત મુજબ

  ભટુરા બનાવવાની રીત:-

   એક કાથરોટમાં મેંદાને અને સોજીને ચાળી લો. તેમાં ખાંડ, મીઠું, દહીં, બેકિંગ પાઉડર અને ૨ ટેબલસ્પૂન તેલ નાંખો અને બરાબર મિક્સ કરી લો.થોડું થોડું પાણી નાંખો અને નરમ લોટ બાંધી લો.લોટને એક ભીના મલમલનાં કપડાથી અથવા પ્લેટથી ઢાંકી દો અને ૩-૪ કલાક માટે હલ્કી ગરમ જગ્યા ઉપર મૂકી દો. ૩-૪ કલાક પછી તમને દેખાશે કે લોટ થોડો ફૂલીને વધી ગયો છે. તેને ફરીથી મસળી લો.

      લોટને એકસમાન ભાગોમાં વહેંચી લો અને દરેક ભાગમાંથી ગોળા બનાવી લો.એક ગોળાને લો, તેને દબાવીને લૂઓ બનાવો અને તેમાંથી ૫-૬ ઇંચ ગોળાઈની ગોળ પૂરી વણી લો. (જો જરૂર લાગે તો લૂઆને પાટલા ઉપર ચિપકવાથી રોકવા માટે પાટલા ઉપર તેલ લગાવો અથવા સૂકો લોટ છાંટો.) બધા ગોળામાંથી પૂરી વણી લો.

      એક ઉંડા ફ્રાઇંગ પેન (અથવા કડાઈ)માં મધ્યમ આંચ ઉપર તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે ચેક કરવા માટે ગરમ તેલમાં લોટનો એક નાનો ટૂકડો નાંખો અને જો તે રંગ બદલ્યા વગર તરત જ ઉપર આવી જાય તો તેલ બરાબર ગરમ છે. હવે તેલમાં એક વણેલો ભટુરો નાંખો. ૫-૭ સેકંડ પછી તેને ચમચાથી હળવેકથી દબાવો, તેનાંથી તે વચ્ચેથી ફૂલવા લાગશે.

    જ્યારે નીચેની સપાટી આછી સોનેરી થઈ જાય ત્યારે તેને પલટાવો અને બીજી બાજુની સપાટી આછી ભૂરી સોનેરી રંગની થાય ત્યાં સુધી તળો. ભટુરાને મધ્યમ આંચ ઉપર જ તળો.

      જ્યારે ભટુરો તળાઈ જાય ત્યારે તેને એક થાળીમાં મૂકી દો. બાકી ભટુરાને પણ આવી રીતે તળી લો. ગરમ ગરમ ભટુરાને પંજાબી છોલે મસાલાની સાથે પીરસો.

  ભટુરાને છોલે મસાલા, સલાડ અને લસ્સીની સાથે બપોરનાં અથવા રાતનાં ભોજનમાં પીરસો. તેમ છતાં, તમે તેને કોઈપણ અન્ય પંજાબી અથવા ઉત્તર ભારતીય શાકની સાથે પણ પીરસી શકો છો.

ટીપ્સ :-
વધારે પડતા પાતળા અથવા વધારે પડતા જાડા ભટુરા વણશો નહીં. લગભગ ૩-૪ મિમીની જાડાઈ તેનાં માટે બરાબર છે (રોટલીથી થોડા જાડા).
ધ્યાન રાખો કે તેલ વધારે ગરમ હોય નહીં નહિતર ભટૂરાને તેલમાં નાંખતા જ તે ભૂરા રંગનાં થઈ જશે (બળી જશે).

લોટને નરમ બનાવવા માટે દૂધનો ઉપયોગ પણ કરી શકો છો.

જો ભટુરા તાજા અને ગરમા ગરમ ના પીરસવામાં આવે તો તે નરમ અને ચવડા બની જશે.ભટુરા ને તળ્યા પછી તેમાંથી વધારાનું તેલ નિતારી લેવા માટે ભટુરા ને ટિસ્યુ પેપર મૂકવા.

   તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.