Service to the country and patriotism is possible even without going to the border. in Gujarati Motivational Stories by I AM ER U.D.SUTHAR books and stories PDF | દેશ સેવા અને દેશભક્તિ, સરહદ પર ગયા વિના પણ શકય છે.

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

દેશ સેવા અને દેશભક્તિ, સરહદ પર ગયા વિના પણ શકય છે.

શું ખરેખર દેશ સેવા કરવા અને પોતાની દેશભક્તિ  સાબિત કરવા સરહદ પર જવાની જરૂર છે? ના એવું જરૂરી નથી દેશસેવા કરવા તેમજ પોતાની દેશભક્તિ સાબિત કરવા સરહદ પર જવાની જરૂર નથી. આજે આપણા દેશની દરેક વ્યક્તિ પોતાને એક સાચો દેશભક્ત ગણે છે. અને કયારેક તે સાચો દેશભક્ત છે તેમ સાબિત કરવાનો પણ પ્રયત્ન કરે છે, ક્યાં  ખબર છે?  ઘરે બેઠા બેઠા સગાં કે  મિત્રો સાથેની ચર્ચામાં પાનનાં ગલ્લે, ઓફિસ વગેરે જગ્યાએ આજનો આપણો આ સામાન્ય નાગરિક  ઘરમાં કે ઓફિસમાં બેઠા બેઠા પણ દેશના અર્થશાસ્ત્રીઓને, સૈન્યના વડાને, વડાપ્રધાનને, રાષ્ટ્રપતિને સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશને મનો મન સલાહ આપતો હોય છે કે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ વગેરે ઘણીવાર આવી ચર્ચાઓ પોતાના સગાં સંબંધીઓ કે તેના મિત્રો વચ્ચે પણ કરીને તે પોતે જ્ઞાની અને દેશભક્ત છે તેમ સાબિત કરવાનો પ્રયત્ન કરતો હોય છે. પણ દેશના એક નિષ્ઠાવાન નાગરિક તરીકે પોતાને જે  કરવાનું છે તે ન કરી શકવાના તેની પાસે એક હજાર બહાના હોય છે. તેઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા નથી પણ બીજા લોકો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા નથી તેનો તેઓ અફસોસ ચોક્કસપણે કરતાં હોય છે.

 


ઘણી વાર આવું જોતાં એક વાત કહેવાની ઈચ્છા ચોક્કસપણે થાય કે, એવું જરૂરી નથી કે દેશસેવા ફકત સરહદ પણ જઈને જ થઈ શકે, ચૂંટાઈને ધારાસભ્ય કે સંસદસભ્ય બનીને જ થઈ શકે, આર્થિક રીતે ધનવાન હોય તો જ થઈ શકે દરેક સામાન્ય નાગરિક પોતાના ઘરે રહીને, સામાન્ય નોકરી કે ધંધો કરીને પણ દેશ સેવા કરી શકે છે,બસ જરુરી છે દેશ પ્રત્યેની સાચી ભાવના સાચુ વર્તન અને નિષ્ઠાની.

 


આમ તો દેશસેવા કરવા માટે એક નહીં એક હજાર પ્રકારના કામ કે વર્તનો આપણે કરીને સાબિત કરી શકીએ છે કે હું આ દેશનો સારો, નિષ્ઠાવાન નાગરિક છું. સામાન્ય વ્યક્તિ હોય કે પછી કોઈ મોટી મહાનુભાવ હસ્તી મુળ છે તો દેશના નાગરિક જ અને દેશમાં રહેતા તમામ નાગરિક એક સમાન જ ગણાય. આમ છતાં કર્મ, વિચારો અને વર્તન થકી દેશમાં બે પ્રકારના નાગરિક વસે છે. એક ઉચ્ચ નાગરિક અને બીજો છે નિમ્ન નાગરિક હવે ઉચ્ચ કે નિમ્ન નાગરિક શું ? ઉચ્ચ નાગરિક કોને કહીશું અને નિમ્ન નાગરિક કોને ? તો જે નાગરિક પોતાના હક્ક કરતાં પોતાની ફરજને વધારે પ્રાધાન્ય આપે છે તે છે ઉચ્ચ નાગરિક અને જે નાગરિક પોતાની ફરજ કરતા પોતાના હકકને વધારે પ્રાધાન્ય આપે છે તે છે નિમ્ન નાગરિક હવે નક્કી આપણે જાતે જ કરવાનું છે કે, આપણે નિમ્ન નાગરિક થવું છે કે પછી ઉચ્ચ ? ઉચ્ચ નાગરિક પોતાના દરેક વર્તન પહેલાં વિચારે છે કે, મારા આ વર્તનને કારણે અન્ય કોઈને નુકશાન તો નહી થાય ને ? અન્યને કોઈ મુશ્કેલી તો નહીં પડે ને ? જયારે સામે છેડે નિમ્ન નાગરિક પોતાના ફાયદા માટે બીજાને થતાં નુકશાન કે તકલીફ વિશે વધારે વિચારતો નથી પોતાને અનકુળ હોય તે જ કામ પહેલા કરે છે ભલેને પછી બીજા લોકો મુશ્કેલીમાં કેમ ના મુકાય ? બીજાને તકલીફ કેમ ના પડે ? કેટલાક લોકો તો કાયદો કે નિયમ તોડવા માટે ગૌરવ પણ અનુભવે છે. અને આ રીતે કાયદો કે નિયમ તોડી બીજાને મુશ્કેલીમાં મુકી તથા બીજાને નુકશાન કરી પોતે‘ મેળવેલા ફાયદાની વાતો પોતાના મિત્ર વર્તુળમાં કરીને પોતાની બડાશ હાંકી પોતાની જાતને બીજા કરતાં હોશિયાર સાબિત કરવાનો પ્રયત્ન કરે છે.

 


આવા લોકો જે નિયમ કે કાયદાનો ભંગ કરે છે તે જ સરકાર કે સમાજ માટે સૌથી વધારે ફરિયાદ કરતાં હોય છે. આવા લોકોને બીજાની જ ખામી દેખાય છે. જયારે પોતાની ખામી જોવા માટેનો તેમની પાસે સમય જ હોતો નથી. અને હોય જ ક્યાથી? બીજાની ખામીઓ શોધવામાંથી  ઊંચા આવે તો પોતાની ખામી દેખાય ને ! તેઓને હંમેશા બીજાની જ ખામી દેખાય છે. જેમ કે સમાજ આવું નથી કરતો, કોર્પોરેશન આમ નથી કરતું, સરકાર આ નથી કરતી વગેરે, પરંતુ પોતે શું કરે છે, સમાજ, કોર્પોરેશન કે સરકાર દ્વારા અપાતા આદેશો/સુચનાઓનું તેઓ પોતે કેટલું પાલન કરે છે ? તે પાલન માટે તેઓ શું કરે છે ? તે  વિચારવાનો તેમની પાસે સમય કે પોતાની ભુલો, ખામીઓ,  શોધવાની તેમની પાસે દ્રષ્ટિ આવડત અને નિષ્ઠા જ નથી અને એટલે જ આવા દોષિત માણસોને બીજાના જ દોષ દેખાય છે અને આ રીતે બીજાના દોષ કાઢીને પોતાના દોષ છુપાવવાનો કે દબાવવાનો પ્રયત્ન કરે છે. સરકાર હોય કે સમાજ તે ગમે તેટલા નિયમો બનાવશે અને તેના પાલન માટે ઘણીવાર કડક વલણ પણ અપનાવશે પણ  જયાં સુધી તે વ્યક્તિ/નાગરિકમાં નિષ્ઠા નહી હોય ત્યાં સુધી તે નિયમનું પાલન નહિ જ કરે એટલે કે નિયમ પાલન માટે નિષ્ઠા વધારે અગત્યની છે. જેમ એક શિક્ષક જો કાયદાનું પાલન યોગ્ય રીતે ન કરે તો પોતાના વિદ્યાર્થીઓને કાયદાનું યોગ્ય પાલન કરવાનું કેવી રીતે શીખવશે? માતા- પિતા જ જો કાયદો તોડે તો તેનાં સંતાનો પણ તેમની પાસેથી જ શીખવાના. પોતાના સંતાનોને સાચી અને સારી સમજ આપવાની શીખવવાની તેઓ ભવિષ્યમાં એક સારા નિષ્ઠાવાન નાગરિક બને તે રીતે તેમનું ઘડતર કરવાની જવાબદારી તેના વાલીની જ છે પોતાના સંતાનને થયેલા અન્યાય સામે જેટલો ઉત્સાહ રાખી તેનો વિરોધ કરે છે તેટલો જ ઉત્સાહ પોતાના સંતાન દ્વારા થયેલ અન્યાય સામે પણ બતાવે અને તે સુધારવાનો પ્રયત્ન કરે તો આ શકય છે. પોતાના સંતાનો દ્વારા થયેલી ભુલો છુપાવવાની જગ્યાએ તેને સુધારવાની કોશિશ કરવી જોઈએ હકીકતમાં દરેક વાલીએ એક આદર્શ માતા-પિતા થવું જોઈએ. એકવાર વિચાર કરી જુઓ સમાજમાં એવી કઈ બાબત છે જેનાથી તમારા મિત્રો, સ્વજનો અને તમારી આસપાસનાં તમામ લોકોને તમારા માટે ગૌરવ થાય? તમારા સંતાનને તમારા માટે ગૌરવ હોવું કે તમારું સંતાન તમારા માટે ગૌરવ હોય? સમાજ કે દેશનો એક આદર્શ નાગરિક બનવા માટેનું આ પ્રથમ પગથિયું છે. જો દેશનો દરેક નાગરિક આદર્શ અને નિષ્ઠાવાન હશે તો તેને પોતાની દેશભક્તિ સાબિત કરવાની કોઈ જરૂર નથી.

 


ઘણા લોકોનાં મોઢે એવું સાંભળ્યું હશે કે ફલાણો દેશ આપણા કરતાં આગળ છે, ફલાણા દેશમાં આવું છે તેવું છે. કાશ આવું આપણા દેશમાં હોત તો કેટલું સારું આ બધું કંઈ એમજ નથી થતું થવા પાછળ જે તે દેશની સરકારનો જેટલો ફાળો હોય છે તેટલા જ પ્રમાણમાં તેમના નાગરિકોનું પણ યોગદાન હોય છે. જે તેમના પોતાનામાં રહેલી દેશ પ્રત્યેની નિષ્ઠા છે. આપણે પણ આવું જોઈ કહી તો દઈએ કે હું પણ એક શ્રેષ્ઠ નાગરિક છું. હું પણ એક દેશભક્ત છું પણ ખાલી આવું બોલવાથી દેશભક્ત નથી થઈ જવાતું તે માટે આપણે પોતે પણ કંઈક કરવું પડે પરદેશમાં ફરવાં જાઓ ત્યારે જે તે દેશના કાયદા અને નિયમોનું કેવું લાંબુ લીસ્ટ બનાવી નાખો છો ત્યાં આપણાથી કોઈ કાયદો તુટી ના જાય તેની ખૂબ કાળજી રાખો છો, જયાં ત્યાં કચરો ના નાખતાં કચરો તેની યોગ્ય જગ્યાએ જ નાખો છો. સ્વચ્છતાનું પણ ધ્યાન હોઈ છે. તે દેશના દરેકે દરેક નિયમોનું યોગ્ય રીતે પાલન કરી લો છો. આવું કયારેય પણ પોતાના દેશમાં રહી કર્યું છે ખરૂં? કયારેય આટલી કાળજી પોતાના દેશના નિતિ નિયમો પ્રત્યે રાખી છે? જો આપણે સાચા અર્થમાં દેશના સારા નાગરિક હોઈએ અને આપણામાં સાચો દેશપ્રેમ હોય તો આપણે આ વિશે પહેલા વિચાર કરવો જોઈએ. 

આપણા દેશની બે જ મુખ્ય સમસ્યા છે એક ટ્રાફિક અને બીજી સ્વચ્છતા અને જો આ બન્ને સમસ્યાને થોડા  ઘણાં અંશે પણ હળવી બનાવવા આપણે ફાળો આપીએ તો આપણે પણ દેશસેવા જ કરી રહ્યા છીએ હવે આના માટે કાંઈ બીજાના ઘરે કચરો સાફ કરવાની કે ચાર રસ્તા ઉપર ઉભા રહી જામ થયેલા ટ્રાફિકને હટાવવાની જરૂર નથી, આ બધું તો થાય જ છે અને જે લોકોને તે કામ માટે રોકવામાં આવ્યા છે તેઓ કરે જ છે, બસ તમે પોતે તમારા ઘરમાં સોસાયટીમાં શાળા કોલેજમાં કે જાહેર જગ્યા પર ગંદકી ન કરશો અથવા થતી અટકાવી સ્વચ્છતા જાળવો, ઘરમાં નાના બાળકોમાં નાનપણથી જ આ બાબતે ટેવ કેળવો. તથા રસ્તા પર વાહન ચલાવતી વખતે ડ્રાઈવીંગના તમામ નિયમોનું પાલન કરી અન્યને કોઈ મુશ્કેલી ના પડે કે તમારા લીધે ટ્રાફિક જામ ના થાય તે રીતે વાહન ચલાવો, બસ આટલું કરશો તો પણ એક દેશસેવા જ છે. આ બન્ને સમસ્યાઓ પરદેશમાં જોવા મળતી નથી તેનું એક જ કારણ છે તેમનાં નાગરિકોમાં સ્વયંશિસ્ત છે. શું આપણે પણ આવી સ્વયંશિસ્ત ના દાખવી શકીએ ? શું આપણે આ સમસ્યા ઉકેલીને દેશ ભક્તિ ના બતાવી શકીએ? જો દરેક નાગરિક યોગ્ય રીતે નિયમ પાલન સહ વાહન ચલાવે તો ચાર રસ્તા તો ચાર રસ્તા પર ટ્રાફિક સંચાલન માટે પોલીસની જરૂર  ખરી? ફકત પોલીસ ઉભેલી હોય તો જ નિયમ પાલન કરવાનું આપણે માત્ર ને માત્ર આપણું જ વિચારી એ છીએ  ને પછી ટ્રાફિક જામ કે અન્ય સમસ્યા માટે કોર્પોરેશન અને  પોલીસ  પર દોષ નો ટોપલો ઢોળવાનો. સૌને ઘરેથી મોડા નીકળી વહેલા પહોંચવું છે. પણ ઘરેથી પાંચ મિનિટ વહેલાં નીકળી રસ્તા પર ધીમી ગતિથી વાહન  ચલાવવામાં એ પાંચ મિનિટનો ઉપયોગ કરે તો તે પણ એક દેશસેવા જ છે.

 


દેશમાં આવી તો કેટલીયે સમસ્યાઓ રહેલી છે જેમાંની મોટા ભાગની સમસ્યાઓને ઉકેલ આ જ રીતે નાગરિકો પાસે જ રેહલો છે. સરકાર તો ફકત નિયમો બનાવી શકે પણ તેનું પાલન કરવાની ફરજ તો આપણા સૌની એટલે કે નાગરિકોની જ છે. તો ચાલો આવી મહત્વની ફરજોનું યોગ્ય રીતે પાલન કરી દેશસેવા કરીએ અને એક સાચા અર્થમાં દેશભક્ત બનીએ......