Varasdaar - 94 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | વારસદાર - 94

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

વારસદાર - 94

વારસદાર પ્રકરણ 94

મંથને ઓખાની ભૂમિ ઉપર ફરીથી ગોપાલદાદાનાં દર્શન કર્યાં અને વાતચીત પણ કરી. છતાં આ બધું અગમ્ય જગતમાં બની ગયું ! હકીકતમાં તો એ હજુ ઓખાના નવી બજાર એરિયામાં નવા બે માળના મકાનના ઓટલા ઉપર માથું ટેકવીને ઉભો હતો !

એ જાગૃત થયો ત્યારે ન તો દરિયો હતો , ન તો વ્યોમાણી માતાનું મંદિર હતું કે ના તો એની સામે ગોપાલદાદા ઉભા હતા !! બે ક્ષણમાં જ આ અનુભવ થઈ ગયો.

હવે એને કેતાની ચિંતા થવા માંડી. શા માટે ગોપાલદાદાએ એને ઠપકો આપવો પડ્યો ? આટલો ચમત્કારિક અને પવિત્ર રુદ્રાક્ષ કેતાની સુરક્ષા માટે ગોપાલદાદાએ ધ્યાન અવસ્થામાં આપ્યો હતો તો એને તાત્કાલિક જ કેતાના કાંડા ઉપર બાંધવાની જરૂર હતી ! એ કેતાના આયુષ્યની આટલી બધી ચિંતા કરે છે તો પછી એ ભૂલી કેમ ગયો ? એણે આટલો બધો વિલંબ કેમ કર્યો ? એ પોતાની જાતને કોસી રહ્યો.

ક્યાં ઓખા, ક્યાં મુંબઈ અને ક્યાં છેક કલકત્તા પાસે પારસનાથ ! અને હવે અત્યારે તાત્કાલિક દોડીને મુંબઈ જવાની પણ જરૂર નથી કારણ કે કેતા તો ત્યાં છે જ નહીં !

એણે મનોમન કેતાના આયુષ્ય માટે ગુરુજીને ફરી પ્રાર્થના કરી અને હોટલ તરફ ચાલવા લાગ્યો. દરિયા કિનારે ફરી વ્યોમાણી માતાના મંદિર પાસે થઈને એ ચાલતો ચાલતો પોતાની હોટલે પહોંચી ગયો.

દ્વારકા જવાનો પ્રોગ્રામ હતો છતાં એણે જમવાનું હોટલમાં જ પતાવ્યું અને મેનેજરે પણ ખૂબ સારી રીતે આગ્રહ કરીને એને જમાડ્યો.

" સાહેબ કોઈ તકલીફ પડી હોય તો માફ કરજો. અને બીજી વાર ફેમિલી સાથે કોઈ વાર પધારજો. " મેનેજર બોલ્યો.

"નહીં નહીં ભાઈ. તમારી સેવાઓ ખુબ જ સરસ છે અને એટલા માટે તો આજે ફરીવાર પણ હું આ જ હોટલમાં આવ્યો." મંથને હસીને જવાબ આપ્યો.

બપોરે ત્રણ વાગ્યાની આસપાસ એક ટ્રેન દ્વારકા જતી હતી એટલે એણે જમ્યા પછી દોઢ બે કલાક આરામ કરવાનું નક્કી કર્યું. મન થોડું બેચેન થઈ ગયું હતું. પોતે જ્યારે સૌરાષ્ટ્રમાં પ્રવાસે હતો ત્યારે અચાનક જ કેતાએ એકદમ સમેત શિખર જવાનો પ્લાન કેમ કર્યો ? અને એણે પ્રોગ્રામ બનાવી દીધો હોય, ટિકિટો પણ આવી ગઈ હોય ત્યારે હું એને ના પણ કેવી રીતે પાડું ? એને સૂચના તો આપી હતી કે એક વર્ષ સુધી તારે બને ત્યાં સુધી મુંબઈ છોડવું નહીં !

મંથન બપોરે ૨ વાગે ઊભો થઈ ગયો અને કપડાં બદલી દ્વારકા જવા માટે તૈયાર થઈ ગયો. આમ તો હોટલથી રેલ્વે સ્ટેશન ચાલતા જઈ શકાય એટલું દૂર હતું છતાં હોટલ ચેક આઉટ કરી ત્યારે બહાર એક રીક્ષા ઉભી જ હતી. એણે મેનેજરની રજા લીધી અને અઢી વાગે રેલ્વે સ્ટેશન પહોંચી ગયો.

ટ્રેન ત્યાંથી જ ઉપડતી હતી એટલે લગભગ ખાલી જ હતી. રિઝર્વેશનની પણ કોઈ જરૂર ન હતી છતાં આજે એણે જનરલ ડબ્બામાં બેસવાનું પસંદ કર્યું. સામાન્ય પબ્લિકની સાથે બેસીને એ દ્વારકા પહોંચી ગયો. સ્ટેશને ઉતરીને પોતાની કપડાંની એર બેગ ખભે ભરાવી દીધી.

સૌથી પહેલાં તો એ રીક્ષા કરીને ચાર વાગે દ્વારકાધીશના મંદિરમાં જ ગયો. મંદિરમાં જરા પણ ભીડ ન હતી એટલે બેગ નીચે ઉતારી ભગવાન શ્રીકૃષ્ણને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. ભાવિ જીવન માટે દિલથી પ્રાર્થના કરી. કેતાના આયુષ્ય માટે પણ એણે ખૂબ પ્રાર્થના કરી.

એક ચક્કર ગોમતી ઘાટે પણ લગાવી દીધું કારણ કે સમય જ પસાર કરવાનો હતો. સાંજનું ખુશનુમા હવામાન હતું એટલે ગોમતી ઘાટથી ચાલતાં ચાલતાં જ એણે બિરલા મંદિર તરફ પ્રયાણ કર્યું. આ જ રોડ ઉપર એણે સાધુ સંતો માટે સંન્યાસ આશ્રમ બનાવેલો હતો અને પોતે એની વ્યવસ્થા જોવા માટે પહેલી વાર આવી રહ્યો હતો.

રસ્તામાં એણે જોયું કે એક જગ્યાએ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. કોઈ યાત્રાળુ દંપત્તિ યુપી બાજુથી દ્વારકા દર્શન કરવા માટે આવ્યું હતું. અને બ્રહ્મકુંડના રોડ ઉપર ચાલતાં ચાલતાં જ અચાનક વડીલને હાર્ટ એટેક આવ્યો હતો અને પડી ગયા હતા. એમનાં પત્ની બિચારાં બૂમાબૂમ કરી રહ્યાં હતાં. એક વટેમાર્ગુએ તો એમ્બ્યુલન્સને ફોન પણ કરી દીધો હતો.

મંથને નજીક જઈને એમના શ્વાસ અને નાડી તપાસ્યાં પરંતુ શ્વાસ બંધ થઈ ગયા હતા. નાડી પણ ધબકતી બંધ થઈ ગઈ હતી. પત્નીએ બિચારીએ રોકકળ ચાલુ કરી દીધી હતી. અજાણ્યા શહેરમાં એના પતિ અચાનક ગુજરી ગયા હતા. એની સાથે બીજું કોઈ ન હતું. એ દંપત્તિ કોઈ યાત્રાળુ લકઝરી બસમાં દ્વારકાધીશનાં દર્શન કરવા આવ્યું હતું પણ બીજા બધા યાત્રાળુઓ અત્યારે છૂટા પડી ગયા હતા અને બધાંએ છ વાગ્યે તીનબત્તી ચોક પાસે ભેગા થવાનું હતું.

હચમચાવી નાખે એવું દ્રશ્ય હતું અને લોકો ભેગા થઈ રહ્યા હતા. હજુ સુધી એમ્બ્યુલન્સ આવી ન હતી. મંથનને પોતાને મળેલી સિદ્ધિ અચાનક યાદ આવી ગઈ. સંજીવની વિદ્યા એને ગોપાલદાદા તરફથી મળી હતી. કોઈની જિંદગી બચાવવાની હતી અને એ મંત્રની સિદ્ધિ પણ ચકાસવી હતી. એ કંઈ બોલ્યો નહીં.

બાજુની એક દુકાનમાંથી એણે પાણીની બોટલ ખરીદી અને ખભેથી એર બેગ નીચે ઉતારી. સાઈડમાં ઊભા રહી થોડુંક પાણી એણે પોતાની હથેળીમાં લીધું. ૧૧ વાર મહામૃત્યુંજય મંત્ર બોલ્યો. ગોપાલ દાદાનું તેમજ પોતાના ગુરુજીનું સ્મરણ કર્યું અને મૃત્યુ પામેલા વડીલ પાસે જઈને એમના ચહેરા ઉપર એ પાણી છાંટી દીધું. ચમત્કાર થયો હોય એમ એમના શરીરમાં ચેતનાનો સંચાર થયો. એ વડીલે અચાનક આંખો ખોલી દીધી અને પોતાના હાથ પગ પણ હલાવ્યા !!

અરે !! વડીલ તો ભાનમાં આવી ગયા ! બધાના જીવમાં જીવ આવ્યો. લોકો પણ આશ્ચર્ય પામી ગયા. મંથનની સિદ્ધિની તો કોઈને ખબર ના પડી પણ લોકોએ માન્યું કે ચહેરા ઉપર પાણી છાંટવાથી જ આ ભાઈ ભાનમાં આવી ગયા. એમનાં પત્ની તો બિચારાં એટલાં બધાં ગળગળાં થઈ ગયાં કે ના પૂછો વાત ! આકાશમાં જોઈને એમણે બે હાથ જોડ્યા.

"ભાઈસાબ આપને યે બહોત અચ્છા કામ કિયા. પતા નહીં આપને કૈસે ઉનકો બચા લિયા ! મેરે લિયે તો યે એક ચમત્કાર હી હૈ. ભગવાન આપકો ભી લંબી ઉંમર દે. " પ્રૌઢ ઉંમરનાં માજી બોલ્યાં.

એ પછી પાંચેક મિનિટમાં એમ્બ્યુલન્સ પણ આવી ગઈ અને એ વડીલને રૂટિન ચેક અપ કરીને હાર્ટમાં કોઈ પ્રોબ્લેમ નથી એવું ગ્રીન સિગ્નલ પણ આપી દીધું. બીપી વગેરે બધું નોર્મલ થઈ ગયું હતું !

પરંતુ મંથન માટે તો ખરેખર આ એક મોટો ચમત્કાર જ હતો. જિંદગીમાં પહેલીવાર એણે કોઈની જિંદગી પોતાની સિદ્ધિથી બચાવી હતી ! ખરેખર તો એ વડીલ મૃત્યુ પામી જ ગયા હતા. પોતાના થકી આજે બહુ મોટું કામ થઈ ગયું હતું. કાશ આ પૂણ્યનું કામ કેતાની જિંદગી બચાવી લે !

મંથને એર બેગ ફરી પાછી ઊંચકી લીધી અને ચાલતો ચાલતો મહેતા સેવા સદન સંચાલિત સંન્યાસ આશ્રમ પહોંચી ગયો. લોકેશન બહુ જ સરસ હતું. ત્રણેક સન્યાસીઓ ત્યાં રોકાયેલા હતા. નહાવા ધોવા જમવાની બધી જ વ્યવસ્થા હતી. અંદર ૧૦ ઓરડિયો બનાવેલી હતી. પાણી માટે એક ખૂણામાં ચોકડી અને એની બાજુમાં ડંકી હતી. બીજી તરફ રસોડું હતું. મેનેજર જેવો લાગતો ૩૫ ૪૦ વર્ષનો એક યુવાન ટેબલ ખુરશી લઈને બેઠેલો હતો. બે છોકરાઓ પણ ત્યાં કામ કરતા દેખાયા.

" કેવો ચાલે છે ભાઈ આ આશ્રમ ? " મંથને પેલા યુવાન સાથે વાત કરી.

" જી સાહેબ. આશ્રમ તો સારો ચાલે છે. અધિક મહિનો અને શ્રાવણ મહિનો હોય ત્યારે અહીં ભીડ વધારે હોય છે બાકીના દિવસોમાં છૂટક છૂટક સાધુઓ આવતા હોય છે. તમે કોણ ? " યુવાન બોલ્યો.

" હું મંથન મહેતા. મુંબઈથી આવું છું." મંથન બોલ્યો.

" અરે શેઠ તમે !! " પેલો તો બોલીને ઉભો જ થઈ ગયો ! તરત જ સાહેબને પોતાની ખુરશી બેસવા માટે આપી. એ નામથી તો ઓળખતો જ હતો.

"બેસો બેસો... મારે કંઈ કામ નથી હું તો જાઉં છું. અમસ્તો જ દ્વારકા આવ્યો હતો તો આશ્રમ જોવાની ઈચ્છા થઈ. " મંથન બોલ્યો.

" સાહેબ ઠંડુ મંગાવું કે ચા મૂકાવું ? પહેલીવાર પધાર્યા છો ! " યુવાન બોલ્યો. એ એજ્યુકેટેડ લાગતો હતો.

" તમે તમારે આરામથી બેસો. હું હવે સીધો હોટલ ઉપર જ જાઉં છું. અહીં કોઈ તકલીફ હોય તો મને જણાવો. સેવામાં કોઈ કસર થવી ન જોઈએ. અને આપણા આશ્રમના એકાઉન્ટમાં પૈસા તો પૂરતા છે ને ? " મંથન બોલ્યો.

" હા સાહેબ અત્યારે તો બેલેન્સ છે. બેંકનો બધો વહીવટ હું જ કરું છું. " યુવાન બોલ્યો.

" શું નામ તમારું ? " મંથને પૂછ્યું.

" જી સાહેબ... જયંતિ દાવડા મારું નામ. " યુવાને નમ્રતાથી જવાબ આપ્યો.

" સારુ એક ચેક લખી આપું છું. તમે કાલે ભરી દેજો. " કહીને મંથન ખુરશી ઉપર બેઠો અને એણે પોતાની બેગમાંથી ચેકબુક કાઢીને પાંચ લાખ રૂપિયાનો ચેક આશ્રમના એકાઉન્ટના નામનો લખી આપ્યો.

જયંતિ દાવડા તો મંથન શેઠને બસ જોઈ જ રહ્યો. એણે તાત્કાલિક એક છોકરાને ફટાફટ મોકલીને શેઠ માટે કોલ્ડ્રિંક્સ મંગાવ્યું.

" આજે તો પીવું જ પડશે શેઠ. તમે આશ્રમમાંથી કંઈ પણ લીધા વગર જાઓ એ મારા માટે યોગ્ય નથી. " કહીને જયંતિએ મંથનને પેપ્સીની બોટલ ખોલીને આપી.

મંથને હસીને પ્રેમથી સ્વીકાર કર્યો અને કોલ્ડ્રિંક્સ પી લીધું.

એ પછી આશ્રમ માટે જરૂરી સૂચનાઓ આપીને ઉભો થયો અને બહાર નીકળી એક રીક્ષાને ઉભી રાખી અને આ વખતે દ્વારકા બીચ તરફ આવેલા ગાયત્રી ગેસ્ટ હાઉસ તરફ લેવાની એણે સૂચના આપી. રાજન દેસાઈએ આ વખતે આ ગેસ્ટ હાઉસની ભલામણ કરી હતી.

રાત્રે ૮ વાગે બહાર નીકળ્યો અને જમવા માટે શ્રીનાથ ડાઇનિંગ હોલ જ પસંદ કર્યો. એ ચાલતો ચાલતો જ તીન બત્તી ચોક સુધી આવી ગયો. જમ્યા પછી વળતી વખતે એણે રીક્ષા કરી લીધી.

દ્વારકાનું એનું કામ પતી ગયું હતું. હવે બીજો કોઈ પ્રોગ્રામ હતો નહીં એટલે મુંબઈ ભેગા જ થવાનું હતું. ફ્લાઇટ પકડવી હોય તો કાલે સવારે જામનગર પહોંચી જવું પડે. એણે તત્કાલ ગૂગલ દ્વારા જામનગરથી મુંબઈની ફલાઇટની ટિકિટ ઓનલાઇન બુક કરાવી દીધી.

જામનગરથી બપોરે ૧૨:૫૫ કલાકે ફ્લાઈટ ઉપડતું હતું જે લગભગ ૩ વાગે મુંબઈ પહોંચતું હતું. સવારે આરામથી જામનગર પહોંચી જવાશે.

સવારે ચાર વાગ્યે એ ઉઠી ગયો. બે કલાક સુધી ઊંડું ધ્યાન કર્યું. ગુરુજીનું અનુસંધાન કરવા માટે પણ ખૂબ જ કોશિશ કરી. પરંતુ હમણાંથી ગુરુજીનો સંપર્ક થઈ શકતો ન હતો !

બે કલાક પછી એ ઉભો થયો. નાહી ધોઈને ગાયત્રીની ૧૧ માળા કરી. અને પછી ચા નો ઓર્ડર આપ્યો.

ચા પાણી પીને સવાર સવારમાં રીક્ષા કરીને ફરીથી એ દ્વારકાધીશનાં દર્શન કરી આવ્યો. આટલે દૂર સુધી વારંવાર અવાતું નથી એટલે જેટલી વાર આ કૃષ્ણ કનૈયાનાં દર્શન થાય એટલું સારું એવી જ એની ભાવના હતી. અહીં શ્રીકૃષ્ણની ચેતના પ્રત્યક્ષ હતી એવો પણ એણે અનુભવ કર્યો.

સવારે ગેસ્ટ હાઉસમાં જ એણે ગરમાગરમ ફાફડા મરચાં અને ચટણી નો નાસ્તો કરી લીધો.

સવારે ૯:૩૦ વાગે રિસેપ્શન કાઉન્ટર ઉપર કહીને એણે ગેસ્ટ હાઉસ ઉપર જ ટેક્સી બોલાવી લીધી અને જામનગર એરપોર્ટ જવા માટે પ્રયાણ કર્યું.

બપોરે ૧૨ વાગે એરપોર્ટ ઉપર પહોંચી પણ ગયો. બોર્ડિંગ પાસ લઈ સિક્યુરિટી ચેક વગેરે પતાવી ફ્લાઈટમાં બેસી ગયો. ૧ વાગે ઉપડેલું ફ્લાઈટ બપોરે ત્રણ વાગે મુંબઈ લેન્ડ થયું.

એણે જામનગરથી જ સદાશિવને ફોન કરી દીધો હતો એટલે મર્સિડીઝ એને રિસીવ કરવા મુંબઈ એરપોર્ટ ઉપર આવી ગઈ હતી. સાન્તાક્રુઝ એરપોર્ટ થી કલાકમાં તો એ સુંદરનગર ઘરે પણ પહોંચી ગયો. જામનગરથી નીકળતાં પહેલાં જ સવારે એણે રસોઈ માટે અદિતિને વાત કરી દીધી હતી.

" સૌથી પહેલાં તમે હાથ પગ ધોઈને જમવા બેસી જાઓ. બપોરના ચાર વાગી ગયા છે. ભૂખ પણ લાગી હશે. " અદિતિ બોલી અને એણે ડાઇનિંગ ટેબલ ઉપર જમવાનું પીરસી દીધું.

" ઘરનું એટલે ઘરનું. આ ટેસ્ટ બહાર હોટલમાં ક્યાંય ના મળે." મંથન બોલ્યો. અદિતિએ આજે કારેલાનું ભરેલું શાક બનાવ્યું હતું. ચણાના લોટથી ભરેલું દરેક શાક મંથનને ખૂબ જ ભાવતું હતું !

" કેતાબેન તો સમેતશિખર યાત્રાએ ગયાં છે. આજે સવારે પણ એમનો ફોન હતો. રોજ એક વાર તો મારી સાથે વાત કરે જ છે. " અદિતિ બોલી.

" હા એ અહીંથી નીકળી ત્યારે ૧૦ દિવસની મારી રજા લીધી હતી. એણે આટલે બધે દૂર જવાની જરૂર ન હતી." મંથન બોલ્યો.

" હા પણ બિચારાં કોઈક દિવસ તો જાય ને ? કહેતાં હતાં કે મમ્મીની ખૂબ જ ઈચ્છા હતી અને પહેલીવાર એમણે મારી પાસે કંઈક માગ્યું હતું એટલે હું ના ન પાડી શકી. " અદિતિ બોલી.

" હમ્....જેવી પ્રભુની ઈચ્છા !" મંથન બોલ્યો.

સમ્મેતશિખરજી જૈનોનું સૌથી મોટું પવિત્ર તીર્થ ગણાય છે અને અહીં ૨૦ તીર્થંકરોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. દરેક જૈન મુનિનું એક સ્વપ્ન હોય છે કે એક વાર અહીંની યાત્રા કરવી. શિખરજીનાં દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે એવી પણ જૈનોમાં લાગણી હોય છે. બારે માસ યાત્રાળુઓ આવતાં હોય છે. ગુજરાતમાં જેમ પાલીતાણાનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ આ તીર્થનું પણ છે.


૧૦ કિલોમીટર પર્વતીય લાંબા રસ્તા ઉપર બે કિલોમીટર સુધી વાહનો જાય છે એ પછી ચાલતાં જ ઉપર ચડવું પડે છે. અથવા તો પછી ડોલીની વ્યવસ્થા કરવી પડે છે. દરેક ટોક ઉપર વંદન કરી કરીને આગળ વધવાનું હોય છે. જૈન તીર્થંકર પાર્શ્વનાથ ભગવાને પણ અહીં મોક્ષ પ્રાપ્ત કર્યો હતો એટલે આ સ્થળનું નામ પારસનાથ પણ ગણાય છે.

સંઘનો ઉતારો વિમલ ભવનમાં રાખ્યો હતો અને ખૂબ જ સરસ ધર્મશાળા હતી. રોજ અલગ અલગ જગ્યાનું આયોજન થતું હતું.

ભાવિકોએ ખૂબ જ ભાવથી પરિક્રમા માત્ર પાંચ દિવસમાં પૂરી કરી. મુંબઈથી નીકળ્યા ને સાત દિવસ થઈ ગયા હતા. હજુ બીજા ત્રણ દિવસ પછીની ટ્રેન હતી એટલે કેટલાક યાત્રાળુઓએ આટલે દૂર સુધી આવ્યાં જ છીએ તો ગંગાસાગરનાં પણ દર્શન કરી લઈએ એવી ઇચ્છા વ્યક્ત કરી.

ગંગાસાગર પ્રયાગરાજની જેમ હિંદુઓ માટે એક પવિત્ર સ્થળ છે જ્યાં બંગાળના અખાત સાથે વિશાળ હુગલી નદીનું મિલન થાય છે !

જે વૃદ્ધ લોકો હતા તે પારસનાથમાં ધર્મશાળામાં જ રોકાઈ ગયા અને ૧૪ યાત્રાળુઓ બીજા દિવસે સવારે ટ્રેન પકડીને હાવડા સ્ટેશને પહોંચી ગયા. જેમાં કેતા અને એની મમ્મી પણ હતાં !

હાવડા સ્ટેશનથી વેસ્ટ બેંગાલ ટુરીઝમની બસમાં બધા યાત્રાળુઓ કચુબેરીયા ઘાટ ઉપર પહોંચી ગયા અને ત્યાંથી ફેરી કરીને ગંગાસાગરના બીચ ઉપર પહોંચી ગયા.

દૂર દૂર સુધી દેખાતો વિશાળ દરિયા કિનારો ખૂબ જ મનમોહક હતો ! ધીમે ધીમે પૂનમ નજીક આવી રહી હતી એટલે દરિયામાં ભરતી પણ સારી હતી !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)