વારસદાર પ્રકરણ 87
મંથન ઉભો થયો અને વોશરૂમમાં જઈને બ્રશ વગેરે પતાવી ફ્રેશ થઈ ગયો. આજે ન્હાવાનું તો હતું જ નહીં એટલે એણે હાથ પગ મ્હોં ધોઈ નાખ્યાં અને ફ્રેશ થઈ ગયો.
સવારના ૭ વાગી ગયા હતા એટલે હોસ્પિટલની કેન્ટીનનો ચા વાળો પણ આવી ગયો અને બે કપ ચા અને પેશન્ટ માટે ગરમ ઉપમા મૂકી ગયો.
" તમે જલ્દી જલ્દી ચા નાસ્તો કરી લો. હમણાં નર્સ આવશે એટલે ફરી પાછો બાટલો ચડશે. " કેતા બોલી અને એણે રિવોલ્વિંગ ટેબલ મંથનની સામે રાખીને ચા અને નાસ્તો મૂકી દીધાં.
" અદિતિ સાથે કોઈ વાત થઈ કે નહીં ? એની સાથે રૂમમાં અત્યારે કોણ છે ? " મંથને પૂછ્યું.
" ડોક્ટર હજી વાત કરવા દેતા નથી. એમની સાથે એમનાં મમ્મી સરયૂબા છે." કેતા ખોટું બોલી.
" ઓહ...બિચારી મારી ભૂલના કારણે કેટલી બધી હેરાન થઈ ગઈ !! " મંથન બોલ્યો.
" એમાં તમારો કોઈ વાંક જ નથી સર. બનવા કાળ બનતું જ હોય છે. " કેતા બોલી.
" વીણા માસીના ખોળામાં હતો એટલે અભિષેક આબાદ બચી ગયો. રામ રાખે તેને કોણ ચાખે ? " મંથન બોલ્યો.
" હા સર. વીણા માસીને પણ ખાસ ઈજા થઈ નથી. એ પણ બચી ગયાં. " કેતાએ કહ્યું.
સવારે નવ વાગે અદિતિના શ્વાસ ધીમે ધીમે નોર્મલ થતા ગયા અને એની આંગળીઓ સહેજ સહેજ હાલવા લાગી. એની બાજુમાં બેઠેલી નર્સે તરત ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે એને તપાસી અને વેન્ટિલેશનનું પ્રેશર ઓછું કર્યું.
સવારે ૧૧ વાગ્યે ન્યુરો સર્જને બધાં પોઝિટિવ સિગ્નલ જોઈને વેન્ટિલેશન દૂર કર્યું. શ્વાસ એકદમ નોર્મલ થઈ ગયા હતા. એને એક ઇન્જેક્શન આપી દેવામાં આવ્યું. ૧૧:૩૦ વાગે અદિતિએ આંખો ખોલી. ડોક્ટરે એની સાથે થોડી વાતચીત કરી. એ સંપૂર્ણ ભાનમાં હતી એટલે બધા પ્રશ્નોના એણે સાચા જવાબ આપ્યા.
ડોક્ટરે તરત જ મંથનના રૂમમાં જઈને સારા સમાચાર આપ્યા કે વેન્ટિલેશન દૂર કરવામાં આવ્યું છે અને મેડમ ભાનમાં આવી ગયાં છે. થોડીવારમાં જ એમને પણ રૂમમાં ખસેડવામાં આવશે.
વેન્ટિલેશનના સમાચાર મંથન માટે નવા હતા. એને એ પણ ખબર ન હતી કે અદિતિ હજુ આઈ.સી.યુ માં જ હતી.
ડોક્ટરના ગયા પછી મંથને આશ્ચર્યથી કેતા સામે જોયું.
"સોરી સર... તમારી હાલત નાજુક હતી એટલે ડોક્ટરે તમને કંઈ પણ કહેવાની ના પાડી હતી. હકીકતમાં અદિતિ કોમામાં જતાં રહ્યાં હતાં અને હાલત ખૂબ જ ક્રિટીકલ હતી. એ વેન્ટિલેશન ઉપર હતાં. અભિષેકના નસીબે એ ફરી પાછાં ભાનમાં આવી ગયાં છે. " કેતા બોલી.
મંથન માટે આ સમાચાર નવા અને આઘાતજનક હતા. એ તરત જ ઉભો થયો અને અદિતિને જોવા માટે આઈ.સી.યુમાં ગયો. કોઈએ એને રોક્યો નહીં.
મંથનને જોઈને અદિતિને પણ ખૂબ સારું લાગ્યું. મંથને એના માથે હાથ ફેરવ્યો.
" તમને કેમ છે હવે ? " અદિતિ લાગણીથી બોલી.
"હું તારી ખબર પૂછવા આવ્યો છું અને તું મારી પૂછે છે ! મને તો સારું જ છે." મંથન બોલ્યો.
"મને પણ અત્યારે સારું લાગે છે. અકસ્માત પછી શું થયું એની મને હજુ સુધી કંઈ જ ખબર નથી. આપણે ક્યાં છીએ અત્યારે ? " અદિતિ બોલી.
" પારુલ સેવાશ્રમ હોસ્પિટલ થાણે. " મંથન બોલ્યો.
" સર હવે એમને આરામ કરવા દો. હજુ હમણાં જ ભાનમાં આવ્યાં છે એટલે મગજને વધારે તસ્દી ના પડે એ જરૂરી છે. " નર્સ બોલી.
મંથન થોડી મિનિટોમાં બહાર નીકળી ગયો. એ દરમિયાન કેતાએ પણ સરયૂબા તથા વીણામાસીને સમાચાર આપી દીધા કે અદિતિ ભાનમાં આવી ગયાં છે અને વેન્ટિલેશન હટાવી દેવામાં આવ્યું છે. ફોન કરીને એણે ઝાલા અંકલ શીતલ તર્જની અને મમ્મી પપ્પાને પણ સમાચાર આપી દીધા.
સૌથી વધુ આનંદ સરયૂબાને થયો. એમની આંખોમાંથી આંસુ આવી ગયાં. એમણે તો ચા દૂધની બાધા રાખી હતી. સમાચાર સાંભળ્યા પછી એમણે કેતાને ચા મંગાવવાનું કહ્યું.
અદિતિને બપોરે દોઢ વાગે ડીલક્ષ રૂમમાં ખસેડવામાં આવી. તમામ સ્વજનો ચાર વાગ્યા સુધીમાં આવી આવીને ખબર કાઢી ગયાં.
બીજા દિવસે સવારે ૧૧ વાગે ન્યુરો સર્જન બંનેનું ચેકઅપ કરી ગયા પછી ત્રણેય ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં. અદિતિ મૃત્યુનો જંગ જીતી ગઈ અને ગુરુજીની કૃપાથી એને એક નવી જિંદગી મળી ગઈ.
મંથનના સ્ટાફના તમામ નાના મોટા લોકો મંથનના ઘરે આવીને ખબર પૂછી ગયા. તર્જની ભાઈ ભાભીની સંભાળ રાખવા માટે અને રસોઈ વગેરે કરવા માટે અઠવાડિયા માટે સુંદરનગર રહેવા આવી ગઈ. સરયૂબા પણ બે દિવસ સુધી અદિતિની સાથે જ રોકાયાં.
આ બાજુ નૈનેશની પત્ની પ્રિયાને નવ મહિના પૂરા થઈ ગયા હતા અને ઉપર ૧૦ દિવસ ચડી ગયા હતા. ગાયનિક ડોક્ટરે છેવટે સિઝેરિયનથી ડિલિવરી કરાવવાનો નિર્ણય લીધો.
પ્રિયાને આગલી રાત્રે જ ક્લિનિકમાં દાખલ કરવામાં આવી અને જરૂરી ઇન્જેક્શન પણ આપી દીધું. બીજા દિવસે સવારે ૧૦ વાગે પ્રિયાને ઓટીમાં લીધી. ૧૦:૩૨ કલાકે પ્રિયાએ પુત્ર સંતાનને જન્મ આપ્યો.
કેતા નૈનેશ અને મૃદુલાબેન ક્લિનિકમાં જ હતાં. પુત્ર જન્મના સમાચાર સાંભળીને બધાંએ આનંદ વ્યક્ત કર્યો અને નૈનેશને અભિનંદન આપ્યા. કેતાએ પપ્પાને શીતલને તથા મંથન સરને પણ જાણ કરી.
એ દિવસે સાંજે જ પ્રિયાને રજા આપવામાં આવી. બાળક એકદમ તંદુરસ્ત હતું. પ્રિયાએ ઘરે આવીને દીકરાને તલકચંદના ખોળામાં મૂક્યો. તલકચંદ દાદા બની ગયા હતા અને એક નવો વારસદાર જન્મી ચૂક્યો હતો. એમની ખુશીનો કોઈ પાર ન હતો !
આટલાં વર્ષો પછી એમને પરિવારનું આટલું સરસ સુખ મળ્યું હતું. બધો પરિવાર ભેગો થઈ ગયો હતો અને એમની સેવા કરતો હતો. આજે નવા વારસદારને જોઈને એમનું હૈયું હરખાઈ ઉઠ્યું હતું.
" મારી બધી જ ઈચ્છા પૂરી થઈ ગઈ છે. કલ્પના પણ ન હતી એટલું બધું સુખ મને મળ્યું છે. હવે તો ઉપરવાળો બોલાવી લે તો પણ કોઈ ચિંતા નથી. " તલકચંદ બોલ્યા.
તલકચંદ તો એમ જ બોલ્યા પણ એમના આ શબ્દો જાણે ઉપરવાળાએ સાંભળી લીધા હોય એમ નિયતિએ તથાસ્તુ કહી દીધું. પુત્ર જન્મના ત્રીજા જ દિવસે એમને માસીવ હાર્ટ એટેક આવ્યો અને રાત્રે ઊંઘમાં જ એમના પ્રાણ પંખેરુ ઉડી ગયા.
મૃદુલાબેનને વહેલી સવારે ખબર પડી. એમણે બૂમાબૂમ કરીને બધાંને જગાડી દીધાં. તાત્કાલિક ફેમિલી ડોક્ટરને બોલાવવામાં આવ્યો.
" સોરી... ત્રણ કલાક પહેલા જ એમનું હાર્ટ બંધ થઈ ગયું છે. હી ઈઝ નો મોર." ડોક્ટરે પોતાનો અભિપ્રાય આપી દીધો.
પ્રિયાને બાદ કરીને બાકીના તમામ સભ્યો રડતાં હતાં. મૃદુલાબેને કલ્પાંત કર્યું. કેતા પણ ખૂબ જ રડી પડી. છેવટે હિંમત કરીને નૈનેશ અને કેતાએ શીતલ મંથન અને તલકચંદનાં એક બે સગાંને જાણ કરી. કલાક દોઢ કલાકમાં જ મંથન, અદિતિ, તર્જની, ચિન્મય, રાજન દેસાઈ તથા શીતલ આવી પહોંચ્યાં. બે ત્રણ નજીકનાં સગાં પણ આવી ગયાં.
સ્મશાનયાત્રા શરૂ થઈ અને બે થી અઢી કલાકમાં તલકચંદનો સ્થૂળ દેહ પંચમહાભૂતમાં ભળી ગયો. કંચને સંપત્તિ ભોગવવા માટે એ જ ઘરમાં પુત્ર તરીકે પુનર્જન્મ લઈને પોતાના ખૂનનો બદલો લઈ લીધો !
અકસ્માતની દુર્ઘટનાને દોઢ મહિના જેવો સમય વીતી ગયો અને શિવરાત્રી પણ આવી ગઈ. આ વખતે બધાના આયુષ્યની સુરક્ષા માટે અને ભાવિ દુર્ઘટનાઓ ટાળવા માટે બાબુલનાથ મહાદેવમાં ત્યાંના પુજારી વ્યાસજીને કહીને મંથન અને અદિતિએ રુદ્ર મંત્રોથી બાબુલનાથ ને ગાયના દૂધનો અભિષેક કરાવ્યો. અને એ પછી હોમાત્મક રુદ્રી પણ કરાવી. લગભગ ત્રણ કલાકનો સમય આ રીતે શિવ પૂજામાં ગાળ્યો. મન પ્રસન્ન થઈ ગયું.
શિવરાત્રીની રાત્રી એ આમ તો તાંત્રિક રાત્રી ગણાય છે અને એ રાત્રે જુનાગઢમાં ગિરનારની તળેટીમાં નાગા સાધુઓ દ્વારા ઘણી તાંત્રિક સાધનાઓ થતી હોય છે. આ રાત્રી સિદ્ધિની રાત્રી ગણાય છે.
આપણા શાસ્ત્રોમાં ચાર રાત્રીઓનો ઉલ્લેખ છે. શિવ રાત્રી, દારુણ રાત્રી (હોળી), મોહ રાત્રી (જન્માષ્ટમી) અને કાલ રાત્રી (દીપાવલી). આ તમામ રાત્રીઓમાં શિવરાત્રીનું મહત્વ વધારે છે. આ રાત્રીએ શિવજીના મંદિરોમાં ચારે પ્રહરની પૂજા થતી હોય છે.
મંથનને પણ આજે રાત્રે ધ્યાનમાં બેસી જવાની ઈચ્છા થઈ ગઈ. છેલ્લા કેટલાક સમયથી જે પણ ઘટના ચક્રો બની રહ્યા હતા એનાથી એ થોડોક ડિસ્ટર્બ હતો. અકસ્માતની રાત્રે ગુરુજી સાથે સંવાદ થયેલો પરંતુ એ મંથનને યાદ ન હતો કારણ કે એ સંવાદ સૂક્ષ્મ શરીર સાથે થયેલો.
મંથન ઉંડા ધ્યાનમાં ગયો. ધીરે ધીરે આલ્ફા લેવલથી થીટા લેવલ ઉપર મનની એકદમ શાંત અવસ્થામાં પહોંચી ગયો. ગુરુજીનું અનુસંધાન કરવા માટે ખૂબ જ પ્રાર્થના કરી. છેવટે ગુરુજીનો સંપર્ક થયો અને એમનો હસતો ચહેરો મંથનના માનસપટલ ઉપર દેખાયો.
" ગુરુજી મારું મન અતિ અશાંત છે. તમારી કૃપાથી અદિતિ તો બચી ગઈ છે પરંતુ આટલા ભયંકર અકસ્માતનો મને અગાઉથી સંકેત કેમ ના મળ્યો?" મંથને પૂછ્યું.
" અગાઉથી સંકેત મળ્યો હોત તો તું એ ઘટનાને ટાળી શકત ? જ્યાં આપવા જેવા હોય ત્યાં ગાયત્રી સાધનાના કારણે નિયતિ તને સંકેતો આપતી જ રહે છે. ઘણી બધી ઘટનાઓની તને અગાઉથી જ ખબર પડી જાય છે. તલકચંદના ઘરે પુત્ર જન્મ થશે કે તરત ત્રણ દિવસમાં એમનું મૃત્યુ થઈ જશે એ તને ખબર પડેલી કે નહીં ?" ગુરુજી બોલ્યા.
" હા એ તો મને પ્રિયાના માથે હાથ મૂકતાં જ ખબર પડી ગયેલી. તે દિવસે નૈનેશ ગોળી મારીને ટ્રેનમાં બોરીવલી જઈ રહ્યો હતો એ પણ મને ખબર પડી ગયેલી. " મંથને સ્વીકાર કર્યું.
" તારા પોતાના જીવનમાં આટલી મોટી દુર્ઘટના કોઈ કર્મફળ સ્વરૂપે બનવાની હોય તો એની જાણ કુદરત તને ના કરે.
છતાં અમુક સંકેતો તો મળી જતા હોય છે. અકસ્માતના દિવસે વહેલી સવારે શિરડીમાં તને ધ્યાન બરાબર લાગતું ન હતું. એક જાતનો અજંપો ચાલુ રહેતો હતો. " ગુરુજી કહી રહ્યા હતા.
" અને બીજી વાત એ કે આ અકસ્માત અદિતિ માટે થયેલો તારા માટે નહીં. તને બચાવી લેવા તો તને ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું જ હતું. આટલી બધી સ્પીડમાં તારી ગાડી બંધ પડેલી ટ્રકની પાછળ ભટકાઈ ગઈ છતાં તને એવી કોઈ ખાસ ઈજા થઈ જ ન હતી. કેતા માટે થઈને અદિતિનું મૃત્યુ નિશ્ચિત હતું પરંતુ અકસ્માતની રાત્રે તારા સૂક્ષ્મ શરીરે મને ખૂબ જ પ્રાર્થના કરી હતી એટલે બ્રહ્માંડને અને શિવને પ્રાર્થના કરીને અદિતિનું આયુષ્ય લંબાવી દેવામાં આવ્યું છે. " ગુરુજી બોલતા હતા.
" પરંતુ કેતા આ જન્મમાં તને પામી શકતી ન હોવાથી એણે ફરી બીજો જન્મ લેવો પડશે. એટલું જ નહીં હવે અદિતિના બદલે એનું જીવન ગમે ત્યારે સમાપ્ત થઈ જશે. હવે હું એને બચાવી શકું તેમ નથી. " ગુરુજી બોલ્યા.
" ગુરુજી મને કેતા પ્રત્યે એટલી જ લાગણી છે. અદિતિ ના મળી હોત તો હું એની સાથે જ લગ્ન કરવાનો હતો. હું એના પ્રેમને પણ સમજી શક્યો છું. પરંતુ પત્નીને વફાદાર હોવાથી હું એને કોઈ રિસ્પોન્સ નથી આપતો. મારે ખાતર થઈને એણે આજ સુધી લગ્ન નથી કર્યાં એ પણ મને ખબર છે. " મંથન બોલતો હતો.
"ગુરુજી કેતાને કંઈ થશે તો મૃદુલાબેન સાવ એકલાં થઈ જશે. માંડ માંડ મેં આ પરિવારને ભેગો કર્યો હતો. કેટલા દિવસો પછી સુખના દિવસો આવ્યા હતા. કંચનના વેર ભાવને કારણે તલકચંદે જીવ ગુમાવવો પડ્યો. હવે કેતા પણ ચાલી જાય તો મૃદુલાબેન એકદમ તૂટી જશે. કેતાને બચાવવાનો કોઈ ઉપાય કરો ગુરુજી !! " મંથન બે હાથ જોડીને દુઃખી હૃદયે બોલ્યો.
" આજે શિવરાત્રી છે. આજે શિવની ચેતના એકદમ જાગૃત છે અને હું અત્યારે ગિરનારની તળેટીમાં બેસીને પ્રત્યક્ષ એમની ચેતનાને અનુભવી રહ્યો છું. સમગ્ર વિશ્વમાં અત્યારે શિવ ચૈતન્ય વ્યાપ્ત છે. આજની તારી પૂજા અને હવનથી શિવજી પ્રસન્ન થયા છે. આપણી વાતચીત દરમિયાન મને એમના તરફથી કેટલાક સંકેતો મળ્યા છે. " ગુરુજી કહી રહ્યા હતા.
"કેતાના નામનો સંકલ્પ આપીને દર વર્ષે સવા લાખ મહામૃત્યુંજય મંત્ર શ્રાવણ મહિનામાં તું કરાવતો રહેજે તો એક એક વર્ષનું આયુષ્ય એનું લંબાતું જશે. મૃત્યુલોક આખો શિવજીના કંટ્રોલમાં છે એટલે એમની કૃપા થાય તો જ આયુષ્ય લંબાઇ શકે. " ગુરુજી કહી રહ્યા હતા.
"જો કોઈ શ્રાવણમાં આ મંત્ર અનુષ્ઠાન ભુલાઈ જશે અથવા રહી જશે તો એ પછીના એક વર્ષમાં એનું જીવન સમાપ્ત થઈ જશે. એટલે દરેક વર્ષે યાદ રાખીને તારે શ્રાવણમાં આ અનુષ્ઠાન કરાવવું પડશે." ગુરુજીએ પોતાની વાત પૂરી કરી.
"જી ગુરુદેવ. શ્રાવણ મહિના સુધી કેતાને કંઈ પણ ન થાય એવા આપ આશીર્વાદ આપો અને આજે શિવરાત્રીએ અમારા વતી શિવજીને ખાસ પ્રાર્થના કરજો. શ્રાવણ મહિનામાં સવાલક્ષ મહામૃત્યુંજય મંત્ર હું કેતા માટે જરૂર કરાવી દઈશ." મંથન બોલ્યો.
"હું તને રુદ્રાક્ષનો એક મણકો આપું છું. આ રુદ્રાક્ષ સિદ્ધ કરેલો છે અને એ શિવજીનો પ્રસાદ છે. એ કેતાની સુરક્ષા કરશે. એને જમણા હાથના કાંડામાં હંમેશા બાંધી રાખવાનો રહેશે. એ હશે ત્યાં સુધી એના દેહ સાથે કોઈ દુર્ઘટના નહીં બને. હવે તારો જમણો હાથ લાંબો કર. " ગુરુજી બોલ્યા.
મંથને ધ્યાન અવસ્થામાં જ પોતાનો જમણો હાથ લાંબો કર્યો. બીજી જ ક્ષણે એના હાથમાં રુદ્રાક્ષનો એક મણકો આવી ગયો અને એ સાથે જ ગુરુજી અદ્રશ્ય થઈ ગયા.
મંથન ધીમે ધીમે ધ્યાનમાથી બહાર આવ્યો. એને તમામ સંવાદ યાદ હતા. એણે ગુરુજી તરફથી મળેલા દિવ્ય રુદ્રાક્ષને કપાળે અડકાડ્યો અને પછી શિવજીના આ પ્રસાદને પોતાના પૂજા રૂમના મંદિરમાં મૂકી દીધો. આ રુદ્રાક્ષ કેતાના જમણા હાથે મારે જ બાંધવો પડશે.
એ સવારે જ મંથન બજારમાં જઈને મજબૂત કાળો દોરો લઈ આવ્યો અને રુદ્રાક્ષમાં પરોવી દીધો. એણે બપોરે કેતાને ફોન કર્યો.
" કેતા આજે સાંજે સાત વાગે જરા સુંદરનગર આવી જજે ને ? " મંથને કહ્યું.
"કંઈ કામ હતું સર ? અદિતિની તબિયત તો સારી છે ને ? " કેતા આશ્ચર્યથી બોલી.
" હા અદિતિ તો મજામાં છે. અને કામ વગર તો તને આટલે દૂર સુધી ના જ બોલાવું ને !" મંથન બોલ્યો.
" ઠીક છે સર હું પહોંચી જઈશ." કેતા બોલી.
અને એ દિવસે મંથન સાંજે વહેલો ઘરે આવી ગયો. કેતા સાંજે પોણા સાત વાગે મંથનની સામે હાજર થઈ ગઈ.
મંથન પુજા રૂમમાં જઈને રુદ્રાક્ષ લઈ આવ્યો.
" જો આ રુદ્રાક્ષ ગઈકાલે શિવરાત્રીના દિવસે મને મળેલો છે. એ સિદ્ધ કરેલો છે અને શિવજીના પ્રસાદ સ્વરૂપ છે. હું તારા જમણા કાંડામાં બાંધી દઉં છું. કોઈપણ સંજોગોમાં આ રુદ્રાક્ષને કાઢવાનો નહીં અને જીવની જેમ જતન કરવાનો. " મંથન બોલ્યો.
આજ્ઞાંકિત બાળકની જેમ કેતાએ હસીને પોતાનો જમણો હાથ આગળ કર્યો. મંથને મનમાં મહામૃત્યુંજય મંત્ર બોલીને બે ત્રણ આંટી મારી રુદ્રાક્ષને કેતાના જમણા હાથના કાંડામાં બાંધી દીધો.
એક કામ તો પતાવી દીધું. હવે કેતાના આયુષ્ય માટે મહામૃત્યુંજય જાપ કરાવવા શ્રાવણ મહિના સુધી રાહ જોવાની હતી !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)