Varasdaar - 82 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | વારસદાર - 82

Featured Books
  • నిరుపమ - 7

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 20

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 6

                         మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్...

  • నిరుపమ - 6

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 19

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

Categories
Share

વારસદાર - 82

વારસદાર પ્રકરણ 82

" ફોઈબા... મારો ઇન્ટરવ્યૂ કેન્સલ થઈ ગયો છે. આ લોકો પણ છેક છેલ્લી ઘડીએ જાણ કરે છે. છેક અમદાવાદ નો ધક્કો મારે ખાવો પડ્યો ! રિટર્ન ટિકિટ હું લઈને જ આવ્યો છું એટલે આજે રાત્રે ૯ વાગ્યાની લોકશક્તિમાં હું નીકળી જઈશ. અહીં સુધી આવ્યો છું તો ઘંટાકર્ણદાદાનાં દર્શન કરવા અત્યારે જઈ રહ્યો છું. સાંજે સુખડીથી પેટ ભરાઈ જશે એટલે રાત્રે સીધો સ્ટેશન જ જઈશ." ચિન્મય બોલ્યો.

" ફઈના ઘરે આવ્યો છે તો એમને એમ થોડું જવાય ? તું તો હજી મારા ઘરે જમ્યો પણ નથી. આજનો દિવસ રોકાઈ જા. જીગ્નેશને પણ તું ક્યાં મળ્યો છે ? બિચારો તને કેટલો યાદ કરે છે ? તું બારોબાર જતો રહે તો એને દુઃખ ના થાય ? " ફોઈબા લાગણી ઉભરાઈ જતી હોય એમ વાત કરતાં હતાં પરંતુ ચિન્મય એમને ઓળખી ગયો હતો !

"ના ફઈબા. મેં દર્શનની બાધા રાખી છે અને રાતની ટિકિટ પણ છે એટલે રોકાવાય એવું નથી. અત્યારે ચાર વાગ્યાની મહુડીની સીધી બસ છે. દોઢ કલાકમાં પહોંચી જાય છે. ત્યાંથી છ વાગે એક બસ ઉપડે છે જે સાડા સાત વાગે અમદાવાદ આવી જાય છે. હું નીકળું હવે. જય જિનેન્દ્ર ! " કહીને ફરીથી ચરણસ્પર્શ કરી ચિન્મય પાણી પીવા પણ રોકાયો નહીં. બપોરે પણ એણે ફોઈના ઘરનું પાણી પીધું ન હતું.

ચિન્મયે નિર્ણય લઇ લીધો હતો કે હવે કોઈ ઇન્ટરવ્યૂ આપવો જ નથી ! માનો કે સિલેક્શન થઈ જાય તો પણ અહીં રહેવાનો મોટો પ્રશ્ન હતો. પંદર વીસ હજારથી ઓછા ભાડામાં અહીં મકાન ના મળે. અને મમ્મી પપ્પાના ગયા પછી ફોઈબા તો સાવ બદલાઈ ગયાં હતાં. વાત થઈ હતી છતાં પણ મારા માટે રસોઈ ના બનાવી !!

ચિન્મય સોસાયટીમાંથી બહાર નીકળ્યો અને રીક્ષા કરીને સીધો ગીતામંદિર બસ સ્ટેશન પહોંચી ગયો. મહુડીની બસ ઉભી જ હતી.

મહુડી પહોંચીને એણે દિલથી દાદાનાં દર્શન કર્યાં અને ૧૦૧ રૂપિયાની સુખડી પણ ચડાવી. સુખડી અહીંથી બહાર લઈ જવાતી નથી એટલે એણે પેટ ભરીને સુખડીનો પ્રસાદ જમી લીધો. અહીંની સુખડી ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હતી !

છ વાગ્યાની બસ હતી એટલે એ વધારે રોકાયો નહીં અને ડેપોમાં જઈને બસમાં બેસી ગયો. બસમાં બેસીને એણે મંથન મહેતાને ફોન લગાવ્યો.

"જય જિનેન્દ્ર સર. હું ઘંટાકર્ણદાદાનાં દર્શન કરવા મહુડી આવ્યો છું અને હવે નીકળી રહ્યો છું. લગભગ સાડા સાત વાગે અમદાવાદ પહોંચી જઈશ. રાત્રે નીકળવાની ઈચ્છા હતી પરંતુ રિઝર્વેશન નથી. આવતીકાલે બપોરે શતાબ્દિમાં મુંબઈ જવા માટે નીકળી જઈશ. હું ત્રણ ચાર દિવસ પછી તમારો કોન્ટેક્ટ કરીશ. મને તમારી ઓફર મંજૂર છે. " ચિન્મય બોલ્યો.

"જય જિનેન્દ્ર ભાઈ ! તમારે ટેન્શન કરવાની કોઈ જરૂર નથી. નવરંગપુરા સીજી રોડ ઉપર હોટલ ક્લાસિક ગોલ્ડ છે. ત્યાં ૨૦૩ નંબરનો રૂમ તમારા માટે મેં બપોરે જ બુક કરાવી દીધો છે. ઓનલાઇન પેમેન્ટ પણ કરી દીધું છે. તમે રિસેપ્શન કાઉન્ટર ઉપરથી ચાવી લઈ લેજો." મંથન બોલ્યો.

"અરે સર... તમે તો ત્રિકાળજ્ઞાની છો કે શું ? તમને આ બધી ખબર કેવી રીતે પડી જાય છે ? અને તમે મારો રૂમ પણ બુક કરાવી દીધો એ તો ખરેખર મારા માટે અનબિલિવેબલ છે. " ચિન્મય આશ્ચર્યથી બોલ્યો.

" મારી કંપનીના ભાવિ મેનેજરનું મારે ધ્યાન તો રાખવું જ પડે ને ? તમે એક સજ્જન વ્યક્તિ છો. તમારા ફોઈબાના ત્યાં તમને જમવાનું મળવાનું નથી એ હું જાણતો જ હતો. તમે સુખડીથી પેટ ભરી લીધું એ પણ મને ખબર પડી. આજે રાતની ટ્રેન પણ તમને મળી શકે એમ નથી એટલે રહેવાની વ્યવસ્થા કરી આપી." મંથન હસીને બોલ્યો.

ચિન્મયને મંથનનું વ્યક્તિત્વ આકર્ષી ગયું. એની જિંદગીમાં પહેલીવાર આવી વ્યક્તિ એને મળી હતી જે પોતાનું આટલું ધ્યાન રાખતી હતી ! સગાં ફોઈબામાં જે લાગણી ન હતી તે આ મંથન સરને થઈ આવી હતી !!

અમદાવાદ આવ્યું એટલે ચિન્મય ઇન્કમટેક્સ ઉતરી ગયો અને ત્યાંથી રીક્ષા કરીને ક્લાસિક ગોલ્ડ હોટલ પહોંચી ગયો. રિસેપ્શન કાઉન્ટર ઉપર જઈને એણે પોતાનું નામ આપ્યું એટલે તરત જ રજીસ્ટરમાં એની સહી કરાવીને રિસેપ્શનિષ્ટે ૨૦૩ રૂમની ચાવી આપી દીધી. એરીયા અને હોટલ બન્ને ખરેખર સરસ હતાં !

મંજુલાબેને ધૂળ ઝાપટી, કચરા પોતાં કરીને મંથન અને વીણામાસીનાં મકાન ચોખ્ખાં કરી દીધાં. બંને ઘરે માટલાં વીછળીને સાંજે તાજું પાણી પણ ભરી દીધું. બંને મકાન રહેવા લાયક બનાવી દીધાં !

અદિતિએ શિલ્પાની દીકરી શાલવી માટે જે ભારે ડ્રેસ અને ડૉગી લીધા હતા તે શાલવીના હાથમાં આપ્યા. જમ્પિંગ ડૉગી જોઈને શાલવી ખૂબ જ ખુશ થઈ ગઈ. શિલ્પાને પણ અદિતિએ કરેલો વ્યવહાર ખૂબ સારો લાગ્યો.

સાંજનું જમવાનું જયેશના ઘરે જ હતું. શિલ્પાની ઈચ્છા તો મહેમાનો માટે સાંજે શ્રીખંડ પુરી જ બનાવવાની હતી પરંતુ અદિતિએ એ પ્રોગ્રામ સવારે બનાવવાની વાત કરી. અત્યારે માત્ર ભાખરી શાક અને ખીચડી બનાવવાનું સૂચન કર્યું.

પુનિતપોળમાં મંથને નાનપણથી યુવાની સુધીના દિવસો પસાર કર્યા હતા એટલે આ જગ્યા એને પોતીકી લાગતી હતી. સાંજે એ અદિતિને લઈને રિક્ષામાં માધુપુરાનાં અંબાજીનાં દર્શને પણ જઈ આવ્યો. દરિયાપુરનો વિસ્તાર ખૂબ જ ટ્રાફિકવાળો અને રીક્ષાઓના ઘોંઘાટ વાળો હતો. એના પ્રમાણમાં સુંદરનગર એકદમ શાંત વિસ્તાર હતો !

આખી પોળમાં ખબર પડી ગઈ હતી કે મંથન અને અદિતિ આવ્યાં છે એટલે સાંજના ટાઈમે પાડોશીઓ પણ એક પછી એક મંથનને મળવા માટે જયેશ ના ઘરે આવી ગયાં હતાં. અભિષેકના હાથમાં યથાશક્તિ રકમ પણ મુકતાં હતાં. પોળનું આ એક કલ્ચર હતું !

તોરલની મમ્મી રંજનબેને તો મંથન અદિતિને સવારે ચા પાણી પીવાનું આમંત્રણ પણ આપ્યું હતું !

જમી કરીને મંથન અને અદિતિ રાત્રે ૯ વાગે પોતાના ઘરે સૂવા માટે ગયાં. આ ઘરની બધી જ યાદો મંથનને તાજી થઈ. કેટલા ગરીબીના દિવસો એણે આ ઘરમાં ગુજાર્યા હતા !

મંથનને સવારે ઊઠીને એક વિચાર આવ્યો એટલે એણે જયેશના ઘરે ચા પીતાં પીતાં વાત કરી.

"જયેશ મારી ઈચ્છા છે કે આજે સાંજે પોળમાં જમણવાર રાખીએ. આખી પોળને જમાડીએ. એક પણ ઘર બાકી રહેવું ન જોઈએ. લોકોને કહેવાનું કે દીકરાનો જન્મ થયો છે એના માનમાં આ જમણવાર છે. તું પેલા રૂપાજીનો કોન્ટેક્ટ કર " મંથન બોલ્યો.

" આજે સાંજે તો હવે શક્ય ન બને મંથન. કારણ કે એના માટે રૂપાજીને આગલા દિવસથી જ બધી તૈયારીઓ કરવી પડે. એટલે તારે જમણવાર જો રાખવો જ હોય તો કાલે સાંજે જ રાખી શકાય. આમ પણ કાલે શનિવાર છે. " જયેશ બોલ્યો.

" ઠીક છે. તો પછી રૂપાજીને કહીને ફાઈનલ કરી દે. આ સિઝનમાં શિખંડ પૂરીનો જમણવાર વધારે સારો રહેશે." મંથને કહ્યું.

એ પછી સવારે સાડા આઠ વાગે મંથન અને અદિતિ રંજનબેનના ઘરે ચા પાણી પીવા માટે ગયાં. કાંતિલાલ પણ ઘરે જ હતા. બંને જણાંએ હસીને મંથન અને અદિતિનું ભાવભીનું સ્વાગત કર્યું. ચાની સાથે ગરમાગરમ બટેટાવડાની ડીશ પણ રંજનબેને બન્નેને આપી.

" તમે સવાર સવારમાં આટલી બધી ધમાલ શું કામ કરી ? હું ક્યાં મહેમાન છું ? " મંથન બોલ્યો.

" ત્રણ ચાર વર્ષ પછી તમે લોકો આવો છો. ખરેખર તો જમવાનું આમંત્રણ આપવું જોઈએ. " કાંતિલાલ બોલ્યા.

" તોરલનું કેમ ચાલે છે હવે ?" મંથને પૂછ્યું.

" તોરલ મજામાં છે. હિતેશકુમાર પણ હવે સુધરી ગયા છે. બસ એક સંતાનની ખોટ છે." કાંતિલાલ બોલ્યા.

"કેટલીક વસ્તુઓ ઈશ્વરને હાથ છે અંકલ. ઘણીવાર ત્રણ ચાર વર્ષ પછી પણ સંતાન થતાં હોય છે. તમારી તોરલ આટલાં વર્ષો પછી હવે પ્રેગનેન્ટ થઈ છે ! " મંથન બોલ્યો.

"શું કહ્યું !! તોરલ પ્રેગનેન્ટ છે ? તમને ક્યાંથી ખબર ? એનો ફોન આવ્યો હતો ? " રંજનબેન આશ્ચર્યથી બોલ્યાં.

"અરે માસી.. તોરલ મને શું કામ ફોન કરે ? સૌથી પહેલાં તો એ મમ્મી પપ્પાને જણાવે ને !! " મંથન હસીને બોલ્યો.

"તો પછી તમને કેવી રીતે ખબર પડી ? તોરલે તો હજુ સુધી મને કંઈ કહ્યું નથી." રંજનબેન બોલ્યાં.

" બસ મને એવું લાગે છે. મને તોરલે કંઈ કહ્યું નથી." મંથન બોલ્યો.

ગુરુજીની અસીમ કૃપાથી અને આખું જીવન ગાયત્રી પુરશ્ચરણ કરનાર ઓખાવાળા ગોપાલદાદાના આશીર્વાદ થી મંથન ઘણું બધું જાણી શકતો હતો.

"તમારા મોઢામાં ઘી સાકર ! તમે આવ્યા છો એની જાણ મેં એને કરી જ છે. એ આજે મળવા આવવાની જ છે." રંજનબેન બોલ્યાં. મંથનની વાતથી એ બહુ જ ખુશ હતાં. ભગવાન કરે મંથનની વાત સાચી પડે !!

"તમે માસી એને આવતી કાલે સાંજે આવવાનું કહો. કારણ કે આવતી કાલે સાંજે આપણે અભિષેકના જન્મ નિમિત્તે પોળમાં જમણવાર રાખ્યો છે. એ બેઉ જણાંને જમવાનું પણ કહી દેજો." મંથન બોલ્યો.

મંથન ઉઠવાની તૈયારી કરતો હતો ત્યાં સવિતા માસી પણ લંગડાતી ચાલે આવ્યાં.

"અરે મંથન તું અહીં બેઠો છે ? હું તો તારા ઘરે જતી હતી. આ તો તારો અવાજ સાંભળ્યો. ચા પીવા બોલાવવા આવી છું. " સવિતા માસી બોલ્યાં.

રંજનબેન સાથેની બધી વાતચીત પતી ગઈ હતી એટલે મંથન અને અદિતિ તરત ઊભાં થયાં.

" માસી કેમ આટલાં લંગડાં ચાલો છો ? " રસ્તામાં મંથન બોલ્યો.

" અરે ભાઈ આ બળ્યો વા જો ને ! ઢીંચણ કામ જ નથી કરતા !!" સવિતા માસી ચાલતાં ચાલતાં બોલ્યાં.

મંથન અને અદિતિએ સવિતામાસી ના ઘરે પણ ચા પી લીધી. સવિતામાસીએ અભિષેકના હાથમાં ૨૧ રૂપિયા મૂક્યા અને આશીર્વાદ આપ્યા !

એ પછી ઘરે પહોંચીને મંથને ચિન્મયને ફોન કર્યો.

" કેમ ઊંઘ બરાબર આવી હતી ને ?" મંથને પૂછ્યું.

"અરે સર હોટલ બહુ જ સરસ છે. સવારે ૮ વાગે ચેક આઉટ ટાઈમ હોય છે એટલે આજના પૈસા ભરવા હું કાઉન્ટર ઉપર ગયો તો જાણવા મળ્યું કે આજનું પેમેન્ટ પણ તમે કરી દીધેલું છે." ચિન્મય આભારની લાગણીથી બોલ્યો.

" હા એ તો ગઈકાલે જ બે દિવસનું પેમેન્ટ કરી દીધેલું. હવે સાંભળો મેં ફોન એટલા માટે કર્યો છે કે તમારી બાજુમાં જ સાસુજી ડાઇનિંગ હોલ છે એટલે તમે ત્યાં જમી લેજો. ત્યાં રાજપુરોહિત છે. એમને મારું નામ દેજો. એ પૈસા નહીં લે. " મંથન બોલ્યો.

આ વ્યક્તિ મારા માટે કેટલું બધું વિચારે છે ! કેટલી સંભાળ રાખે છે !! ચિન્મય ગદગદ થઈ ગયો.

ચિન્મય બપોરે ૧૨:૩૦ વાગે જમવા ગયો ત્યારે જમીને એણે કાઉન્ટર ઉપર બેઠેલા રાજપુરોહિતને મંથન મહેતાનું નામ આપ્યું.

" મહેતા સાહેબના મહેમાન એટલે મારા પણ મહેમાન ! તમારે પૈસા દેવાના હોય જ નહીં ! રોકાવાના હો તો સાંજે પણ જમવા પધારજો. " રાજપુરોહિત બોલ્યા.

"થેન્ક્સ અંકલ. પરંતુ શતાબ્દિમાં હું મુંબઈ જઈ રહ્યો છું." ચિન્મય બોલ્યો અને ત્યાંથી નીકળી ગયો.

એ દિવસે સાંજે છ વાગે મંથન તરફથી પુનિતપોળમાં ભવ્ય જમણવાર યોજાઈ ગયો. શિલ્પાનાં મમ્મી પપ્પાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તો તોરલ અને હિતેશ પણ આવ્યાં હતાં. શ્રીખંડ, પુરી, બટેટાનું રસાવાળું શાક, પાતરાં, કઢી અને ભાત ! મંથન પોતે આગ્રહ કરી કરીને લોકોને જમાડતો હતો !

પોળ સિવાય મંથનના કેટલાક જાણીતા બે ચાર મિત્રો પણ આવીને જમી ગયા. જેમાં રફીકનો પણ સમાવેશ થતો હતો. આખા વાડીગામમાં જમણવારની ચર્ચા ચાલી. બધાંએ દિલથી અભિષેકને આશીર્વાદ આપ્યા.

તોરલ અને હિતેશે એક સુંદર ભારે ડ્રેસ અભિષેકને આપ્યો. તોરલે એને તેડીને ખૂબ રમાડ્યો. જાણે કે આખું માતૃત્વ છલકાવી દીધું. અભિષેક પણ એને ઓળખતો હોય એમ ડાહ્યો ડમરો થઈને તોરલ સાથે રમતો હતો.

તોરલ આજે ખુશ હતી. એણે ઘરે આવીને તરત જ મમ્મીને સારા દિવસો રહ્યાના સમાચાર આપ્યા.

" મમ્મી છેલ્લા દોઢ મહિનાથી હું ટાઈમમાં નથી. ગઈકાલે ટેસ્ટ કરાવ્યો તો પોઝિટિવ આવ્યો છે. તું હવે નાની બનવાની છે !! " તોરલ બોલી ત્યારે રંજનબેનને મંથન યાદ આવી ગયો. એમણે પણ ખૂબ જ ખુશી વ્યક્ત કરી.

અમદાવાદમાં બે દિવસ ક્યાં પસાર થઈ ગયા એની ખબર પણ ના પડી. બધાંને મળી લીધું હતું અને જયેશની બેબીનો વ્યવહાર પણ થઈ ગયો હતો.

"આપણે કાલે બપોરની શતાબ્દિમાં નીકળી જઈએ અદિતિ. કારણ કે હવે અહીં રોકાવાનો કોઈ મતલબ નથી. " રાત્રે મંથન બોલ્યો.

" તમારી જેવી ઈચ્છા. મને તો અહીંયા પણ સારું લાગે છે. કેટલાં બધાં પ્રેમાળ માણસો છે આજુબાજુ !! આપણા મુંબઈમાં આવું જોવા ના મળે. " અદિતિ બોલી.

" તારે હજુ વધુ રોકાવાની ઈચ્છા છે ? તો તને મૂકીને જાઉં. તું અને માસી પાછળથી આવજો. " મંથન બોલ્યો.

" ના રે ના આ તો જસ્ટ વાત કરું છું ! આપણે કાલે શતાબ્દિમાં નીકળી જઈએ. " અદિતિ બોલી.

અને મંથને આવતીકાલ શતાબ્દિની ત્રણ ટિકિટ તત્કાલમાં લઈ લીધી. એણે વીણા માસીને પણ રાત્રે જ વાત કરી દીધી.

બીજા દિવસે સવારે જયેશના ઘરે જ જમી લીધું. અદિતિના કહેવાથી આજે માત્ર દાળ ભાત શાક અને રોટલીનો જ પ્રોગ્રામ બનાવ્યો હતો.

બપોરે દોઢ વાગે રીક્ષા કરીને મંથન અદિતિ અને વીણામાસી કાલુપુર સ્ટેશન જવા માટે રીક્ષામાં નીકળી ગયાં. શતાબ્દિ અઢી વાગે ઉપડતી હતી.

આ વખતે ત્રણે ત્રણ સીટો બાજુ બાજુમાં જ આવી હતી. એટલે વીણા માસી વિન્ડો પાસે બેઠાં અને બાકીની બે સીટો ઉપર મંથન અને અદિતિ ગોઠવાઈ ગયાં.

ટ્રેન સમયસર સ્ટાર્ટ થઈ ગઈ. આ ટ્રેન રાત્રે લગભગ ૮:૩૦ વાગે બોરીવલી પહોંચતી હતી. આખીય ટ્રેન એર કન્ડિશન્ડ હતી. ઉનાળાના કારણે હોય કે ગમે તેમ પરંતુ એસી ખૂબ જ ઓછા ટેમ્પરેચર ઉપર સેટ કર્યું હતું. ઠંડીથી ધ્રુજારીનો અનુભવ થતો હતો. વીણા માસીએ તો અંદરથી શાલ કાઢીને ઓઢી લીધી.

"બોલ આજે તારે શું ખાવાની ઈચ્છા છે ? " નડીયાદ ગયું પછી મંથન હસતાં હસતાં બોલ્યો.

" વળી પાછા તમે રાજનભાઈના રવાડે ચડી ગયા ? " અદિતિ બોલી.

" રવાડે ચડી જવાની વાત જ નથી અદિતિ. મારે પણ માઈન્ડ પાવરનું ટેસ્ટિંગ કરવું છે. જે વસ્તુ રાજન કરી શકતો હોય એ હું કેમ ના કરી શકું ? " મંથન બોલ્યો.

અદિતિ થોડીવાર તો વિચારમાં પડી ગઈ.

" ભરૂચની ખારી સિંગ ખાવાની મારી ઈચ્છા છે. પરંતુ મારી કન્ડિશન એક જ કે તમારે ખરીદવાની નહીં. આ કોચમાં બેઠેલો કોઈપણ પેસેન્જર આપણને આપે એ પણ નહીં ગણવાનું. કોઈ અજાણી વ્યક્તિ જ મને ખારી સિંગ આપે તો તમારો માઈન્ડ પાવર સાચો !" અદિતિએ કહ્યું.

" મંજૂર. આજે હવે મારી તાકાત પણ જોઈ લે. " કહીને મંથન પાંચ મિનિટ માટે ઊંડા ધ્યાનમાં જતો રહ્યો.

" બસ હવે પ્રતીક્ષા કરો. તને આજે ખારી સિંગ ખાવા ચોક્કસ મળશે અને એ પણ અજાણી વ્યક્તિ દ્વારા. " મંથન બોલ્યો.

વડોદરા ગયા પછી ભરૂચ સ્ટેશન પણ આવી ગયું. ખારી સિંગ લઈને ફરનારા ફેરિયાઓ હાથમાં ખારી સિંગનાં પેકેટ લઈને દરેક કોચ પાસે ફરતા હતા. એક ફેરિયો મંથનના ડબ્બામાં પણ ચડ્યો.

" એઈ..ખારી સિંગ.. ખારી સિંગ... ભરૂચની ખારી સિંગ... " ફેરિયો પોતાના અલગ અંદાજમાં વેચી રહ્યો હતો.

આગળની સીટોની બે ત્રણ લાઈનમાં ચાર પાંચ પેસેન્જરોએ એને બોલાવ્યો અને ખારી સિંગ લીધી. એક બહેન પાસે છૂટા પૈસા ન હતા. ફેરિયો એમની સાથે રકઝક કરી રહ્યો હતો ત્યાં ટ્રેન ઉપડી. ફેરિયો સિંગ વેચવાનું છોડીને પાછળના દરવાજા તરફ દોડ્યો.

દોડતાં દોડતાં અઢીસો ગ્રામનું ખારી સિંગનું એક પેકેટ કોર્નર માં બેઠેલી અદિતિના ખોળામાં પડ્યું. ખારી સિંગવાળાનું એ તરફ ધ્યાન જ ન હતું. એ તો દરવાજો ખોલીને ઝડપથી નીચે પણ ઉતરી ગયો. ગાડીએ સ્પીડ પકડી લીધી હતી.

"હવે શાંતિથી ખારી સિંગ જમો. " મંથન હસીને દલીચંદની સ્ટાઇલમાં બોલ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)