વારસદાર પ્રકરણ 81
" કહું છું હવે તમે થોડો સમય કાઢો એટલે આપણે અમદાવાદ જઈ આવીએ. જયેશભાઈ ના ઘરે દીકરી આવી એને એક વર્ષ પૂરું થવા આવ્યું છતાં આપણે રમાડવા જઈ શક્યા નથી. " અદિતિ બોલી.
" તારી વાત સાચી છે. મારે હવે સમય કાઢવો જ પડશે. કેટલીય વાર વિચાર્યું કે આ શનિ રવિમાં અમદાવાદ આંટો મારી આવીએ પરંતુ બધા શનિ રવિ કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહ્યા." મંથન બોલ્યો.
" હા એટલે જ કહું છું. અત્યારે વેકેશન ચાલે છે. અભિષેકની સ્કૂલ ચાલુ થાય એ પહેલાં આપણે જઈ આવીએ." અદિતિ બોલી.
" ચાલો તો પછી આવતા શનિવારે વહેલી સવારે નીકળી જઈએ. સાંજે ચાર પાંચ વાગ્યા સુધીમાં પહોંચી જઈશું. " મંથન બોલ્યો.
" હા પણ હવે પ્રોગ્રામ બદલતા નહીં. આ શનિવારે ફાઇનલ જ રાખજો. વીણામાસી પણ આપણી સાથે આવશે. સાડા ત્રણ વર્ષથી આપણે અમદાવાદમાં પગ નથી મૂક્યો. એમણે એક બે વાર અમદાવાદ જવાની ઈચ્છા પ્રગટ કરેલી પરંતુ સમય ખેંચાતો જ ગયો. " અદિતિ બોલી.
"તું એક કામ કરજે. જયેશની દીકરી શાલવી માટે એક બે સરસ ફ્રોક લઇ આવજે અને એક બે ટોયઝ પણ. આ ડૉગીનું ટોય બહુ જ સરસ છે. એક ડૉગી લઈ આવજે અને એક બાર્બી ડૉલ ! નાની છોકરીઓને બાર્બીડૉલ વધારે ગમતી હોય છે !!" મંથન બોલ્યો.
અમદાવાદ જવાની બધી તૈયારી શુક્રવારે કરી દીધી ત્યારે મંથન ને એક બીજો વિચાર આવ્યો.
"અદિતિ આપણે કાલે શતાબ્દીમાં જ નીકળીએ. મર્સિડીઝમાં તો રોજ ફરીએ છીએ. હવે ક્યારેક ટ્રેનનો પણ આનંદ માણીએ. અમદાવાદની રીક્ષાનો પણ અનુભવ કરવાનું ફરી મન થયું છે." મંથન બોલ્યો.
" તમારી ઈચ્છા. મને તો ટ્રેનમાં પણ એટલી જ મજા આવે છે. " અદિતિ બોલી.
મંથને તત્કાલમાં શતાબ્દિની ત્રણ ટિકિટ બુક કરાવી દીધી. મુંબઈ સેન્ટ્રલ કરતાં બોરીવલી સ્ટેશન નજીક પડતું હતું એટલે ત્યાંથી જ બેસવાનું નક્કી કર્યું.
બીજા દિવસે સવારે ૬ વાગે જ એ લોકો રીક્ષા કરીને નીકળી ગયાં અને બોરીવલી સ્ટેશને ૪ નંબરના પ્લેટફોર્મ ઉપર પહોંચી ગયાં.
શતાબ્દિમાં એક બાજુ બે સીટ હતી બીજી બાજુ ત્રણ સીટ હતી. બે સીટ ઉપર અદિતિ અને વીણામાસી બેઠાં જેથી અભિષેકનું ધ્યાન રાખી શકાય. બીજી બાજુની ત્રણ સીટોમાં કોર્નરની સીટ મંથનની હતી. એ પછી એક યુવાન હતો અને છેલ્લે વિન્ડો ઉપર એક વડીલ હતા.
બરાબર ૭:૦૫ કલાકે ટ્રેન ઉપડી. ઘણાં વર્ષો પછી મંથન શતાબ્દિમાં બેઠો હતો. થોડીવારમાં જ પાણીની બોટલ અને ચા આવી ગઈ. દહાણુ ગયા પછી બ્રેડ બટર અને કટલેસના નાસ્તાનો રાઉન્ડ શરૂ થયો. વાપી આવ્યું ત્યાં સુધીમાં તો સવારનો નાસ્તો પણ પતી ગયો.
" ક્યાં અમદાવાદ જઈ રહ્યા છો ? " મંથને બાજુમાં બેઠેલા હેન્ડસમ યુવાનને પૂછ્યું. એની ઉંમર લગભગ ૨૭ ૨૮ આસપાસ લાગતી હતી. થોડી વાતચીત થાય તો સમય પસાર થઈ જાય એ આશયથી મંથને વાત શરૂ કરી.
" હા ઇન્ટરવ્યૂ આપવા માટે અમદાવાદ જઈ રહ્યો છું. " યુવાન મંથનની સામે જોઈને બોલ્યો. મંથન અત્યારે કોઈ ઓફિસર જેવો લાગતો હતો. એક તો એની પર્સનાલિટી પણ સરસ હતી. શ્રીમંતાઈની છાપ એના વ્યક્તિત્વમાં છલકતી હતી !
" મુંબઈ છોડીને છેક અમદાવાદ ? " મંથને કુતૂહલથી પૂછ્યું.
" આજકાલ નોકરીઓ જ ક્યાં છે સાહેબ ? એમબીએ માર્કેટિંગ કર્યું છે. ટોપર રહ્યો છું છતાં અત્યાર સુધીમાં ત્રણ નોકરીઓ બદલી ચૂક્યો છું. પ્રાઇવેટ જોબમાં શોષણ જ થતું હોય છે. અદાણી ગ્રુપની એક જાહેરાત વાંચી હતી એટલે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યો છું. " યુવાન બોલ્યો.
" સેલેરી સારો આપે છે ત્યાં ? કેટલું પેકેજ છે ? " મંથને પૂછ્યું.
" કંઈ જ ખબર નથી સાહેબ. કંપની એ ક્યાં જણાવે છે ? ત્યાં જઈએ ત્યારે ખબર પડે ! " યુવાન બોલ્યો.
" અમદાવાદ જોબ કરો તો તમારે રહેવા માટે મકાન પણ ભાડાનું લેવું પડે ને ? અને હું નથી માનતો કે એ લોકો હેન્ડસમ સેલેરી આપતા હોય ! લગ્ન થઈ ગયાં છે ? " મંથને પૂછ્યું.
" અરે સાહેબ જોબનું જ ઠેકાણું નથી ત્યાં લગ્ન ક્યાં કરું ? અમદાવાદમાં ફોઈ નું ઘર છે એટલે તાત્કાલિક રહેવામાં તો કોઈ વાંધો નથી. પછી શોધવું પડશે. " યુવાન બોલ્યો.
" શું નામ તમારું ? " મંથને પૂછ્યું.
" ચિન્મય શાહ " યુવાન બોલ્યો.
" જૈન છો ? કારણ કે શાહ અટક વૈષ્ણવ વાણીયામાં પણ હોય છે. "
"હા દેરાસર વાસી જૈન છું. અમદાવાદ ઇન્ટરવ્યૂ આપીને મહુડી ઘંટાકર્ણ દાદાનાં દર્શન કરવાની પણ ઈચ્છા છે." ચિન્મય બોલ્યો.
" મુંબઈમાં ક્યાં રહો છો ? પપ્પા શું કરે છે ? સોરી... તમને અંગત પ્રશ્નો પૂછી રહ્યો છું. તમારી ઈચ્છા ના હોય તો જવાબ ના આપશો. " મંથન બોલ્યો.
" મમ્મી કે પપ્પા કોઈ નથી. પપ્પા ૧૫ વર્ષનો હતો ત્યારે જ ગુજરી ગયા. મમ્મી ગયા વર્ષે ગુજરી ગઈ. ભૂલેશ્વર દાદી શેઠ અગિયારી લેનમાં એક માળામાં મારી રૂમ છે. કાલબાદેવી રોડ ઉપર જ મામા મામી રહે છે ત્યાં બે ટાઇમ જમી આવું છું." ચિન્મય બોલ્યો.
" ઓહ... આઈ એમ સોરી. મુંબઈમાં મામા મામી અને અમદાવાદમાં ફોઈ એટલે જમવાનો પ્રશ્ન તો નથી. પરંતુ અમદાવાદમાં મકાનના ભાડાનો ખર્ચ વધી જશે. તમને અહીં સારો પગાર મળતો હોય તો કોઈ વાંધો નથી બાકી તો અમદાવાદ રહેવાનો કોઈ મતલબ જ નથી. " મંથન બોલ્યો.
" હા એ તો છે જ. બે મહિનાથી જોબ વગરનો છું એટલે આ બધી કોશિશ કરું છું. અભ્યાસની કોઈ વેલ્યુ જ રહી નથી. સેલ્સ એન્ડ માર્કેટિંગની જોબમાં ટાર્ગેટ આપવામાં આવે છે. એ પૂરું ના થાય તો ઘર ભેગા ! " ચિન્મય બોલ્યો.
સુરત સ્ટેશન ૯ વાગે આવી ગયું. મંથન નીચે ઉતર્યો. સતત બેસી રહેવાથી પગ અકડાઈ જતા હતા. એણે સ્ટોલ ઉપરથી બે ચા લીધી અને અદિતિ તથા વીણામાસીને આપી. એ પછી નીચે ઉતરીને એણે પણ ચા પી લીધી.
ગ્રીન સિગ્નલ દેખાયું એટલે મંથન ટ્રેનમાં ચડી ગયો. સુરત સ્ટેશન ગયું એટલે ફરી પાછી એણે વાતચીત ચાલુ કરી.
" મારે તમારા જેવા એક માણસની મેનેજર તરીકે જરૂર છે. તમને અહીં અમદાવાદમાં હેન્ડસમ સેલેરી મળતો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. નહીં તો પછી મુંબઈ આવીને મારો સંપર્ક કરજો. આ મારું કાર્ડ છે. " કહીને મંથને ચિન્મયને પોતાનું કાર્ડ આપ્યું.
ચિન્મય તો કાર્ડ સામે જોઈ જ રહ્યો. મંથન મહેતા મુંબઈની બિલ્ડર લોબીમાં એટલું મોટું નામ હતું કે કોઈ ના ઓળખે એ શક્ય જ ન હતું. અદિતિ ટાવર્સ વખતે મંથને જે સતત જાહેરાતો ન્યુઝ પેપરમાં અને ન્યૂઝ ચેનલોમાં કરી હતી ત્યારથી એ છવાઈ ગયો હતો.
" તમારું નામ તો ખૂબ જ જાણીતું છે સર. તમને મળીને ખરેખર આનંદ થયો. કાલે ઇન્ટરવ્યૂ તો આપી જ દઉં છું. પેકેજ કેટલું આપે છે એ પૂછી લઈશ." ચિન્મય બોલ્યો.
ચિન્મયની વાતો સાંભળીને મંથનને પણ પોતાના ભૂતકાળના દિવસો યાદ આવી ગયા. સિવિલ એન્જિનિયરમાં એ ટોપર હોવા છતાં પચીસ ત્રીસ હજારના પગારમાં એ સળિયા અને સિમેન્ટની થેલીઓ ગણતો હતો !
પોતાની શક્તિઓના કારણે મંથન ઘણીવાર વ્યક્તિને જોઈને જ એના ભવિષ્ય વિશે થોડું ઘણું જાણી લેતો હતો. ચિન્મયની ઑરા ઉપરથી એનું ભવિષ્ય ઉજ્જવળ લાગ્યું. અને એટલા માટે જ એણે મેનેજરની પોસ્ટ ઓફર કરી.
વડોદરા આવી ગયું હતું. દરેક સ્ટેશન ઉપર મંથન બે મિનિટ માટે પણ નીચે ઉતરી જતો. વડોદરા જાય એટલે તરત જ જમવાનું લંચ આવી જતું.
વેઇટર લંચની ડીશ લઈને આવ્યો એટલે ચિન્મયે ના પાડી.
"અરે કેમ તમે લંચ પ્લેટ ના લીધી ? અહીં જમવાનું ખરેખર સારું મળે છે." મંથન બોલ્યો.
" મારે ફોઈના ત્યાં જમવાનું છે. ગઈ કાલે રાત્રે જ વાત થઈ ગઈ છે. પોણા વાગે તો અમદાવાદ આવી જશે. " ચિન્મય બોલ્યો.
"અરે જમી લો ને ભલા માણસ. ઘરનું તો રોજ ખાઈએ છીએ. આજે મેનુ પણ સારું છે. " મંથને લંચ પેકેટ ખોલીને કહ્યું.
" થેન્ક્સ સર. પરંતુ ફોઈએ મારા માટે સ્પેશિયલ રસોઈ બનાવી હોય એ બગડે ને ? " ચિન્મય બોલ્યો.
" તમારી ઈચ્છા. મારાથી તમને વધુ કંઈ કહી શકાય નહીં બાકી અહીં જમી લીધું હોત તો સારું હતું ! છેવટે દાળ ભાત ખાઈ લો. થોડી ભૂખ બાકી રાખવાની. " મંથન હસીને બોલ્યો અને એણે જમવામાં મન પરોવ્યું.
ઘણા વર્ષો પછી ચિન્મય અમદાવાદ આવી રહ્યો હતો. ભૂખ તો લાગી હતી પણ ફોઈબાએ ભત્રીજા માટે ખાસ રસોઈ બનાવી હોય અને પોતે ના જમે એ સારું ન લાગે ! એટલે એણે ભૂખ્યા રહેવાનું જ પસંદ કર્યું.
નડિયાદ આવતાં જ મંથનને શીતલની પહેલી મુલાકાત યાદ આવી ગઈ. સારું થયું એણે પત્ની તરીકે શીતલની પસંદગી ના કરી. આજે જે પણ આધ્યાત્મિક પ્રગતિ એ કરી શક્યો છે એની પાછળ અદિતિ નો પણ સાથ સહકાર છે. એણે મંથનને ક્યારેય પણ રોક્યો કે ટોક્યો નથી !
પોણા વાગે શતાબ્દિ એક્સપ્રેસ એના નિર્ધારિત સમયે અમદાવાદ પ્લેટફોર્મ ઉપર એન્ટર થઈ ગઈ. અમદાવાદ સાથે મંથનની ઘણી બધી યાદો સંકળાયેલી હતી.
મંથન કાલુપુર સ્ટેશન ઉતરીને કુલીને સામાન ઉપડાવી સ્ટેશનની બહાર નીકળ્યો અને દરીયાપુર વાડીગામ જવા માટે રીક્ષા કરી લીધી. વાડીગામ પહોંચીને સીધી રીક્ષા અંબિકા વિજય હોટલ લઈ લીધી.
" અરે જયેશ... બાલુને મોકલને જરા. આ સામાન તારા ઘર સુધી લઈ જવો પડશે. " મંથન રીક્ષામાંથી નીચે ઉતરીને બોલ્યો.
" મંથન !!! તું ક્યારે આવ્યો ? મને અગાઉથી જાણ ના કરાય ? અને આજે રીક્ષામાં કેમ ? " જયેશ આશ્ચર્યથી બોલ્યો.
" અરે ભાઈ ભૂતકાળના દિવસો યાદ આવી ગયા એટલે જાણી જોઈને ટ્રેનમાં આવ્યો. શતાબ્દિમાં અમે લોકો જમીને જ આવ્યાં છીએ એટલે હાલ પૂરતી જમવાની કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી. " મંથન બોલ્યો અને એણે રિક્ષાવાળાને પૈસા ચૂકવ્યા.
બાલુની સાથે વીણામાસી અને અદિતિ જયેશના ઘરે ગયાં જ્યારે મંથન હોટલ ઉપર રોકાઈ ગયો.
" કેટલા વર્ષે તું આવ્યો ? તું તો અમદાવાદને સાવ ભૂલી જ ગયો છે. " જયેશ બોલ્યો.
"મારા વતનને કેવી રીતે ભૂલી શકાય ?
લગભગ ચારેક વર્ષનો સમય થઈ ગયો. ધંધામાં વધુ પડતો બીઝી થઈ ગયું છું. આ વખતનો પ્રોગ્રામ અદિતિના કહેવાથી જ બન્યો છે. તારી દીકરીને રમાડવાની એને બહુ જ હોંશ છે. " મંથન બોલ્યો.
" તું આવે છે તો કેટલું સારું લાગે છે ! ચાલ બાલુ આવી જાય એટલે આપણે પણ ઘરે જઈએ. શિલ્પાને મળી લે. પછી એવું હશે તો હોટલ ઉપર આવતા રહીશું. " જયેશ બોલ્યો.
બાલુ આવી ગયો એટલે જયેશ પણ ગલ્લો છોડી મંથનને લઈને પુનિત પોળમાં પોતાના ઘરે ગયો.
શિલ્પા આ બધાંને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. લગભગ ચાર વર્ષ પછી અદિતિ અને શિલ્પા એક બીજાંને મળી રહ્યાં હતાં. બંનેના ખોળામાં બાળકો રમતાં થઈ ગયાં હતાં.
મંથન અને અદિતિએ જયેશના પિતા રસિકલાલ ગુજરી ગયા એનું દુઃખ વ્યક્ત કર્યું. જયેશની મમ્મીની ખબર પણ પૂછી.
"હું તમારા બધાં માટે જરા ચા મૂકી દઉં. " શિલ્પા ઊભી થઈ.
" ચા રહેવા દો શિલ્પા. અમે લોકો ટ્રેનમાં હમણાં જ જમ્યાં છીએ." અદિતિ બોલી.
" તમે જરા મંજુલાબેનને બોલાવી લાવો ને. બંને ઘર સાફ કરાવી દેવાં પડશે. " મંથને શિલ્પાને કહ્યું.
શિલ્પા મંજુલાબેનના ઘરે જઈને કહી આવી. મંથનનું નામ પડતાં જ બધું કામ છોડી એ આવી ગયાં. મંથન અદિતિ અને વીણાબેનના એમણે ખબર પૂછ્યા અને બંને ઘરની ચાવીઓ લઈને એ ગયાં.
ટ્રેનમાંથી ઉતરીને ચિન્મયે ગુરુકુલ રોડ વિશ્રામનગર જવા માટે રીક્ષા કરી. લગભગ અડધા કલાકમાં જ એ પહોંચી ગયો.
" કેમ છો ફઈ બા ? " ઘરમાં દાખલ થતાં જ ચિન્મય બોલ્યો અને ફોઈબા ના ચરણ સ્પર્શ કરી વંદન કર્યાં.
" હા આવ ભાઈ. તારાં મામા મામી મજામાં ને ? " ફોઈબા બોલ્યાં.
" હા.. બધાં મજામાં ! " ચિન્મય બોલ્યો.
"ટ્રેનમાં જમીને આવ્યો ને ? જીગ્નેશ કહેતો હતો કે શતાબ્દિમાં તો જમવાનું મળે જ છે. એટલે પછી તારા માટે કંઈ બનાવ્યું નહીં. થોડો આરામ કરવો હોય તો બેડરૂમમાં સુઈ જા. ઇન્ટરવ્યૂ તો હજુ કાલે છે ને ? " ફોઈબા બોલ્યાં.
શું કહેવું આ ફોઈબા ને !! હજુ ગઈ કાલે તો પોતે મારા માટે રસોઈ કરશે એવી ફોન ઉપર વાત થઈ હતી અને આજે અનુમાન પણ કરી લીધું કે મેં ટ્રેનમાં જમી લીધું હશે ! મંથન સર કેટલો બધો આગ્રહ કરતા હતા !! પોતે એમની વાતની ધરાર અવગણના કરી.
" હા માસી હું જમીને જ આવ્યો છું. મારે થોડું કામ છે એટલે હું જરા બહાર જઈને એકાદ કલાકમાં આવું છું. " કહીને ચિન્મય બહાર નીકળી ગયો.
ભૂખ કકડીને લાગી હતી. નાનપણમાં પોતાના પિતા જીવતા હતા ત્યારે આ જ ફોઈબા અવારનવાર ભાઈના ત્યાં ધામા નાખતાં હતાં. મને ફોન ઉપર પૂછવા જેટલો પણ વિવેક ના કર્યો કે હું ટ્રેનમા જમીને આવવાનો છું કે નહીં !
બહાર નીકળીને એ ચાલતો ચાલતો સુભાષચોક સુધી આવ્યો. આજુબાજુ ક્યાંય રેસ્ટોરન્ટ દેખાતી ન હતી. એણે એક દુકાનવાળાને પૂછ્યું.
"જમવા માટે આટલામાં કોઈ ગુજરાતી ડાઇનિંગ હોલ કે પંજાબી રેસ્ટોરન્ટ છે ? " ચિન્મય બોલ્યો.
" આટલામાં તો નથી. તમે રીક્ષા કરીને હિમાલયા મોલ જતા રહો. બહુ દૂર નથી. ત્યાં તમને જમવાનું મળશે. " પેલા વેપારીએ કહ્યું.
ચિન્મયે સુભાષચોકથી રીક્ષા કરી લીધી અને હિમાલયા મોલ પહોંચી ગયો. ત્યાં બીજા માળે એક સરસ ડાઇનિંગ હોલ હતો ત્યાં જમી લીધું.
જે ફોઈબા વર્ષો પછી આવેલા પોતાના ભત્રીજાને જમાડી પણ શકતાં નથી એ મને થોડા મહિના માટે એમના ત્યાં રાખશે ? મા બાપ ગયા પછી શું સંબંધો આટલા બધા વિસરાઈ જતા હશે !! અમદાવાદમાં ઇન્ટરવ્યૂ આપવાનો શું મતલબ છે ?
ચિન્મયે ખિસ્સામાંથી મંથનનું વીઝીટીંગ કાર્ડ કાઢ્યું અને મંથનને ફોન જોડ્યો.
"સર તમારી સલાહ માની હોત તો આજે મારે ડાઇનિંગ હોલમાં જમવું ના પડત ! ફોઈબાએ તો માની જ લીધેલું કે હું શતાબ્દિમાં જમીને આવીશ એટલે મારી રસોઈ જ ના બનાવી. હવે તો ઇન્ટરવ્યૂ આપવાની મારી ઈચ્છા પણ મરી પરવારી છે ! " ચિન્મય બોલ્યો.
" મને તો ખબર જ હતી. એટલા માટે તો વારંવાર આટલો આગ્રહ કરતો હતો ! છેવટે ખાલી દાળ-ભાત ખાવાની પણ સલાહ આપી હતી !! ચિંતા કરવાની જરૂર નથી. ત્રણ-ચાર દિવસ પછી મુંબઈમાં મારો કોન્ટેક્ટ કરજો. " મંથન બોલ્યો.
શું મંથન સરને ખબર હતી કે મને ઘરે જમવાનું મળવાનું નથી !! એટલા માટે એ મને આટલો બધો આગ્રહ કરતા હતા ? - ચિન્મય આશ્ચર્યથી વિચારી રહ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)