રીપ્લાય આવ્યો ત્યારે આરાધનાએ જણાવ્યું કે, તે જાડેજા સાહેબની છોકરી આરાધના છે.ક્રિશીલ તરલના મેસેજ/કોલની રાહ જોતો ખુબ જ ઉત્સાહિત હતો.તેને આ પ્રમાણે જાડેજા સાહેબની છોકરીનો મેસેજ આવ્યો એટલે તે થોડો અચંબિત થયો.પરંતુ વિવેક ખાતર તેને વાત કરી ખબર અંતર પુછ્યા.
આ બાજુ આરાધના ક્રિશીલનો નંબર મળવાના કારણે અને તેની સાથે વાત કરવા મળી તેના કારણે ખુબ જ ખુશ થઇ ગઈ હતી.તે એ દિવસ પછી તો હવે દિવસમાં ઓછામાં ઓછી એક વાર ગમે તે બહાને મેસેજથી ક્રિશીલ સાથે વાત કરી લેતી હતી.આત્મીય ઇન્સ્ટીટયુટ, રાજકોટ ખાતે અભ્યાસ કરતી બી.ટેક.ની વિધાર્થીની અને રાજકોટ જેવા રંગીલા શહેરમાં જ જન્મથી ઉછરીને મોટી થયેલી અને મગજથી ખુબ જ શાતિર આરાધનાને ગામડાના સાવ સીધાસાદા ક્રિશીલ પર દિલ આવી ગયું હતું.અને આવે પણ કેમ ના? ક્રિશીલ ભલે ગામડાના સામાન્ય ખેડૂત પરીવારનો દિકરો હતો પરંતુ તેનો દેખાવ કોઈ પણ છોકરીને પ્રભાવિત કરવા માટે પુરતો હતો.
શાળા સમયથી જ તે અભ્યાસમાં હોશિયાર અને સાથેસાથે મનમોહન રૂપનો માલિક હોવાના કારણે કોઈ પણ છોકરી માટે તેનું વ્યક્તિત્વ આકર્ષણનું કેન્દ્ર હતું.જો આર્થિક મજબૂરી ના હોત તો એ કદાચ અભ્યાસમાં હોશિયાર હોવાના કારણે એ પણ આજે નીરમા કે એલ.ડી.માં અભ્યાસ કરતો હોત.
આ બાજુ સવારે દેવશીભાઈએ ફરી વાર તરલને આવી રીતે રાતે ઘરે છોકરાને લઇ આવવા માટે ઠપકો આપ્યો.ભલે તેની આવી હાલતના લીધે તે ક્રિશીલને સાથે લઈને આવી હતી.ક્રિશીલની મદદ અને સમર્પણ માટે આભાર માનવાનું તો દુર પણ દેવશીભાઈને પોતાની દિકરી આવી રીતે રાતે કોઈ છોકરાને લઈને આવી તે જરા પણ સહન ન કરી શક્યા.ભલે ક્રિશીલને તે ઓળખતા હતા પણ જમાનાના ખાધેલ હોય તેમને એવા જ વિચાર આવતાં હતા કે કોઈ છોકરો પોતાના હિતના ભોગે આવી રીતે બીજાને મદદ કરે એટલે જરૂર તેની નિયતમાં જ ખોટ હોય? બાકી કોઈ આવી રીતે પોતાનું વ્યક્તિગત નુકસાન થવાનું હોય તો મદદ ના કરે? પરંતુ બીનાબેન ખુબ જ સમજુ હતા.તેઓએ વાત વળતા કહ્યું, હવે લપ મુકો ને તમે.આપણી દિકરી અજાણ્યા શહેરમાં મુશ્કેલમાં મુકાઈ હતી અને ઇયે મદદ કયરી તેમાં બીજા વિચારો કરો મા.તરલ પણ દેવશીભાઈનું આવું વર્તન જોઈ સમસમી ગઈ.તરલ અને ક્રિશીલ જે સમાજમાંથી આવતાં હતા તેમાં છોકરા આટલું ભણે એ જ મોટી ઉપલબ્ધી હતી તો છોકરી માટે તો આ સ્તર સુધી પહોચવું સ્વર્ગ સમાન સપનું હતું.આમ છતાં દેવશીભાઈને પોતાની છોકરી પર વિશ્વાસ હોય અહિયાં સુધી ભણવાની રજા આપી હતી.તરલ તે સારી રીતે જાણતી હતી કે પોતાના મોટા બાપુ કરમશીના કેટલા વિરોધ વચ્ચે પણ દેવશીભાઈએ તેને લેજ સુધી અભ્યાસ કરવાની છૂટ આપી હતી.કરમશીભાઈની બંને છોકરી માંડ સાત ધોરણ ભણેલ હતા.તરલના પપ્પાના વિશ્વાસના કારણે જ આજસુધી તેના પર કોઈ આંગળી ચીંધે તેવું કામ તેને કર્યું ન હતું. પરંતુ ક્રિશીલ માટે તેના મનમાં કોલેજના પ્રથમ વર્ષથી લાગણી હતી.પણ હવે આ બાજુ પપ્પાના ગુસ્સાના કારણે હવે તેને ડર લાગવા માંડ્યો હતો.તરલને ક્રિશીલને દિલથી મળવાની ઈચ્છા હતી અને તરલને તેના રોમરોમમાં આવતાં પુલકિત વિચારો ક્રિશીલ આગળ વ્યક્ત કરી જણાવવું હતું કે તે પણ તેને ખુબ જ પસંદ કરે છે અને તે તેની જીવન સંગીની બનવા તૈયાર છે.
બીજા દિવસે બપોર સુધી બંને જણા એક બીજાના મેસેજની રાહ જોતાં રહ્યા.બપોરે તરલ દેવશીભાઈ વાડીએ ગયા એટલે રિલાયન્સ જીએસએમ પરથી ક્રિશીલને મેસેજ કર્યો.
તરલ:- કાં? સાવ ભૂલી જ ગીયો કે હું?કાં મેસેજ નો કયરો?
ક્રિશીલ:-અરે તરલ, કાં? કેવું હે તને હવે? તારા પગે હારું છે ને?
તરલ:- હા.ઈ તો હવે આરામ છે.પણ આમ મજા જેવું નથી લાગતું.
ક્રિશીલ:-કાં હું થીયું? બીજી કઈ તકલીફ હે શરીરમાં? કે દેવશીભાઈ વઢતા તને?
તરલ:-ના ના ઈ તો એવું કાઈ નથી. પપ્પાનો સ્વભાવ થોડો એવો હે એટલે એ તો બોલી જાય.તું માઠું લગાડ માં.
ક્રિશીલ:-ભલે.હવે તો કે દી મલ્હું? તારો પગ હાજો થઇ જાય પછી યુનીવર્સીટીની પરીક્ષા વખતે જ મલાહે.
તરલ:- કેમ મલવું જોઈહે? નહિ હાલે? (જાણી જોઇને તરલ ટીખળ કરી રહી હતી)
ક્રિશીલ:- મલવું તો જોઈહે જ ને. લે વળી.
તરલ:- સારું હવે વાટ જો. હું હાજી થઇ જાવ એટલે મળીએ આપડે હો.
તરલ સાથે વાત કર્યા પછી ક્રિશીલને ખુબ જ રાહત થઇ અને મનોમન ખુશ પણ થયો કે ચાલો તરલ નારાજ નથી અને મળવાનું કીધું છે એટલે તેનો પ્રતિભાવ પણ હકારમાં જ હશે. (ક્રમશ:)