વસુધા આકુને લઇને રૂમમાં આવી ગઇ. એણે આકુને સુવાડી એની સામે જોઇ રહી. આકુને પેટમાં હવે સારું હતું એ કાલી ઘેલી ભાષામાં લવારો કરી રહી હતી. વસુધાએ કહ્યું “આકુ બેટા તને સારું છે જોઇને મન હવે હાંશ કરે છે. તને કંઇ થાય છે મારું હૃદય ઉકળી ઉઠે છે અશાંત થઇ જાય છે. જોને આજે મારે તને બાઇક પર લઇને દોડવું પડ્યું. ગામમાં ડોક્ટરનું દવાખાનું નથી.. કોઇ અચાનક બિમાર પડે સારવાર લેવા ક્યાં દોડવું ?”
વસુધાએ કહ્યું “તું કાલુ કાલુ બોલવા લાગી થોડું થોડું ચાલવા લાગી મોટી થઇ રહી છે મારી લાડકી. જો તારાં પાપા જોઇ રહ્યાં છે તને એમ બોલી બારીની બહાર જોવા લાગી. એની આંખમાં ફરી આંસુ ઉભરાયાં પણ તરતજ લૂછી નાંખ્યાં મનોમન બોલી હું આમ ઢીલી નહીં થઊં. બધો સામનો કરીશ ગાડી, બાઇક બેઉ શીખી લઇશ.”
“મારે આજે આમ કરશનભાઇને સાથે લઇને જવું પડ્યું. મને ખબર છે માં ને ગમ્યું નથી પણ હું શું કરું ? દવાખાને પાપાએ જોઇ જાણ્યુ કે હું આમ બાઇક પર આવી એમને પણ અંદર અંદર નથી ગમ્યું મને ખબર છે પણ શું બોલે ? સ્થિતિજ એવી હતી પણ કાલથીજ શીખવા માંડીશ ફોઇને ટકોર કરીશ આકુને પચે નહીં એવું ખવરાવે નહીં. ત્યાં ભાગોળે બેઠેલો કોઇએ કંઈક મજાક પણ કરી હતી.”
વસુધા મનોમન સંકલ્પ કરીને સૂવા આડી પડી ત્યાં બારણે ટકોરા પડ્યાં.. વસુધાએ કહ્યું “ખૂલલું જ છે સરલાબેન આવો”. સરલા અને ભાવેશકુમાર બંન્ને અંદર આવ્યાં સરલાએ કહ્યું “શું ભાણી આકુને હવે તો સારું છે ને ? વાહ મારી ઢીંગલી તો ડોળા કાઢી જુએ અને હસે છે.’
વસુધાએ કહ્યું “સરલાબેન ડેરીએ કાલે જવું પડશે બે દિવસથી ગઇ નથી આકુએ અડદનો કાચો લુવો ખાધો એમાં તબીયત બગડી મેં કહ્યું છે માં તે આવુ ના ખવરાવો”.
સરલાએ કહ્યું “હાં મને માં એ કહ્યું... તે ટકોર કરી છે એ પણ કહ્યું ફોઇને પણ પસ્તાવો થાય છે રડતાં હતાં કે મારાં લીધે આકુની તબીયત બગડી.”
વસુધાએ કહ્યું “ઠીક છે ઘરડું માણસ છે પણ આટલાં અનુભવી આવી ભૂલ કરે ? ઠીક છે પણ અગત્યની વાત એમ કહીને ભાવેશ સામે જોઇને કહ્યું કુમાર મને અને સરલાને ગાડી શીખવા લઇ જજો આટલું કામ કરજો મારે કોઇ બીજાને નથી કહેવું મારી વિનંતી છે...” ત્યાં ભાવેશે કહ્યું “અરે વસુધા એ શું બોલી ? વિનંતી ? હું જરૂર તમને બંન્નેને લઇ જઇશ... ડેરીનું કામ જોઇ બધુ સમજાવીને.. બધું કામ ચાલુ થઇ જાય પછી પાપા ડેરીએજ હોય છે ત્યારે તમને લઇ જઇશ ડ્રાઇવીંગ સ્કૂલમાં બંન્નેનો પ્રવેશ કરાવીને બંન્નેને શીખવી દઇશ મને પણ ગમશે તું અને સરલા શીખી જાવ તો કેટલું સારુ ?”
વસુધાએ કહ્યું “ખૂબ ખૂબ આભાર બાઇક તો હું જાતેજ શીખી લઇશ. હું ઘરેથી દુષ્યંતને બોલાવી લઇશ એ પણ શીખી ગયો છે મને શીખવી દેશે. સાયકલ તો મને બરાબર આવડે છે હવે બધુ શીખવી લેવું છે. કોઇને કહેવું નહીં. કોઇની નજરમાં આવવું નહી.. આપણું આત્મસન્માન રહે અને સ્વાવલંબી થવાય. “
સરલા વસુધાની સામે જોઇ રહી બોલી "વાહ વસુધા તું તો બધામાં પારંગત થવા માંગે... પણ કંઇ ખોટું નથી હું પણ તારી સાથે રહી બધુ શીખી લઇશ”.
વસુધાએ કહ્યું “સરલાબેન આ સમયની માંગ છે હવે શીખવુંજ પડશે. આપણને જ કામ આવશે”. આકુનાં લવારા ચાલું હતાં. ભાવેશે કહ્યું “એને ઊંઘવું નથી લાગતું ચાલ આપણે જઇએ નહીતર વાતો સાંભળ્યાં કરશે ઊંઘશે નહીં.”. સરલાએ હસીને કહ્યું “સાચીવાત છે” એમ કહી આકુને વહાલ કરીને એ લોકો ગયાં.
*************
ડેરી હવે ધમધોકાર ચાલુ થઇ ગઇ હતી એમાંથી બનતી બધી પ્રોડક્ટ હમણાં મોટી ડેરીમાંજ ખપત થઇ જતી હતી. દૂધમંડળીમાં એકઠું થતું દૂધ બધુ વસુધાની ડેરીમાં ભરાતું હતું બધું નિયમિત ચાલી રહેવું....
વસુધા અને સરલા પણ ભાવેશ સાથે સીટીમાં ગાડી શીખવા નિયમિત જતાં હતાં આજે ઘણાં દિવસ થયાં બંન્ને જણાંએ RTO માં ટેસ્ટ આપી લાઇસન્સ પણ લઇ લીધુ હતું આજે તો ભાવેશની કાર બંન્ને જણાંએ એક પછી એક ચલાવીને ઘર સુધી આવ્યાં હતાં.
ભાનુબહેને વધાવીને કહ્યું “હાંશ મારી બંન્ને દીકરીઓને કાર આવડી ગઇ એ જરૂરત ઉભી થઇ તો શીખાઇ ગયું નહીંતર હજી કોઇને ને કોઇને મદદ માટે બોલાવવા પડત.” વસુધાએ કહ્યું “આકુ નિમિત્ત બની અને બંન્નેને આવડી ગઇ..”
*******************
અવંતિકાએ વસુધા-વસુમાનું ચોપડીમાં આ પ્રકરણ વાંચ્યું એને વિચાર આવ્યો વાહ વસુમાએ કાર પણ શીખી લીધી કહેવું પડે. મને પણ શીખવી છે. સાયકલ તો આવડે છે પણ ક્યારેક જરૂર પડે કાર આવડવી હોવી જોઇએ. મોક્ષને કહું મને પણ શીખવી દો. ઘરમાં સાધન છે તો એનો ઉપયોગ કરવો પડે. એ ઉઠીને આંગણમાં આવી....
“મોક્ષ... મોક્ષ..”. મોક્ષે કહ્યું અવુ કેમ બૂમ પાડે શું થયું ?” અવંતિકાએ કહ્યું “કંઈ થયુ નથી પણ મારે ગાડી શીખવી છે તમે શીખવશો ?”
મોક્ષે આશ્ચર્યથી પૂછ્યું “અચાનક કાર શીખવાનો વિચાર કેમ આવ્યો ? શું થયું ?” અવંતિકાએ કહ્યું “તમને ખબર છે મોક્ષ ? ઘરમાં સાધન હોય એ ઘરની છોકરીઓ સ્ત્રીઓએ શીખવુ જોઇએ ગમે ત્યારે તાત્કાલિક સંજોગોમાં જરૂર પડે એ ચલાવી શકે.”
મોક્ષે કહ્યું “અવુ તારી વાત તો સાચી છે પણ અચાનક આજેજ વિચાર આવ્યો એટલે પૂછુ છું. ચોક્કસ વસુધા વસુમામાં વાંચ્યુ લાગે છે” એમ કહીને હસ્યો.
અવંતિકાએ હસતાં કહ્યું “ઓહ તમને ખબર પડી ગઇ ? હાં એમાંજ વાંચ્યુ એમની દીકરી આકુ બિમાર પડી અને એમણે એમનાં પતિનાં મિત્રને બાઇક પર લઇ જવા કહ્યું દવાખાને અને એમાં... એમને થયું લોક વાતો કરે ગામનાં મોઢે ગરણું બંધાય નહીં કોણ શું બોલે એનાં કરતાં હુંજ શીખી જઊ.”
"જબરી બાઇ છે એકદમ સ્વમાની અને સ્વાવલંબી છે ઘરમાં કાર, બાઇક, ટ્રેક્ટર બધુ છે એમને માત્ર સાયકલ આવડતી હતી પણ હવે બધુ શીખી ગયાં મને પણ વાંચીને વિચાર આવ્યો કે મારે પણ શીખ્યું જોઇએ કોણ જાણે ક્યારે એવી જરૂરત આવી પડે ?”
મોક્ષે હસતાં હસતાં કહ્યું “વાહ વાત તો લાખ રૂપિયાની છે હું સંમત છું કાલથીજ તને અમારી યુનિર્વસીટીનાં ગ્રાઉન્ડમાં લઇ જઇને શીખવી દઇશ પછી તારું લાઇસન્સ લઇ લઇશું પછી ચિંતા નહીં.”
“બાઇક શીખવી હોય તો ચાલ અત્યારેજ શીખવું સાયકલ તો આવડેજ છે ને ? આવી જા.. હાં અંદરથી બાઇકની ચાવી લઇ આવ”. અવંતિકા એકદમ ખુશ થઇ ગઇ.. એ ઉત્સાહમાં ચાવી અંદર લેવા ગઇ.
આગળ આવતા અંકે - પ્રકરણ-81