" કૉલેજ કેમ્પસ "ભાગ-59
પરી નાનીમાને વળગી પડી અને કહેવા લાગી કે, " નાનીમા સૉરી ફરીથી કદી હું આ રીતે તમને કહ્યા વગર ક્યાંય નહીં જવું બસ, આટલી વખત મને માફ કરી દો મારે મારી મોમ સાથે થોડા દિવસ રહેવું છે તો મને અહીંયા અમદાવાદમાં રહેવા દો ને ? "
નાનીમા: ના, હવે તને વધારે અહીંયા રાખવાનું મારું મન જરાપણ માનતું નથી.
પરી: બે ચાર દિવસ તો રહેવા દો નાનીમા. હજુ આપણે એક બે વખત મોમને મળવા જઈશું પછી હું બેંગ્લોર ચાલી જઈશ બસ..!!
પરી અમદાવાદમાં વધુ રહેવા માટે ખૂબ આજીજી કરી રહી હતી પરંતુ નાનીમા પરીને તેના કહેવા પ્રમાણે અહીં રહેવા દેવા માટે બિલકુલ તૈયાર નહોતા. તેમની સમજમાં એક વાત ચોક્કસ આવી ગઈ હતી કે પરી જો અહીંયા રહેશે તો તેની સાથે કંઈપણ અજુગતું બની શકે છે અથવા તો તે નક્કી કોઈ છોકરાના લફરામાં પણ ફસાઈ શકે છે માટે તેને અહીંથી બેંગ્લોર મોકલી દેવી તે જ વધુ યોગ્ય છે અને નાનીમાએ મક્કમતાથી પરીને કહ્યું કે, " ના બેટા, તારી મોમને મળવા માટે તું ફરીથી પાછી બેંગ્લોરથી અહીં આવજે પણ અત્યારે તો તું બેંગ્લોર જ ચાલી જા અને પરીએ નાનીમાને એક રિક્વેસ્ટ કરી કે, પહેલાં એક વખત આવતીકાલે આપણે મારી મોમને મળી આવીએ નાનીમા પછી હું બેંગ્લોર ચાલી જઈશ. ઓકે નાનીમા ? અને પરીએ બરાબર બે દિવસ પછીની પોતાની બેંગ્લોરની રિટર્ન ટિકિટ બુક કરાવી લીધી.
બીજે દિવસે સવારે જ પરીએ પોતાની મોમ માધુરીને મળવા જવા માટે નાનીમાને કહ્યું અને તેમને લઈને હોસ્પિટલમાં પોતાની મોમને મળવા માટે ગઈ.
પરી પોતાની મોમની નજીક જઈને બેઠી અને પોતાના વહાલભર્યા હાથથી પોતાની મોમને ગાલ ઉપર અને આખા શરીર ઉપર પંપાળવા લાગી અને તેને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરતાં બોલવા લાગી કે, " મમ્મા, આંખો ખોલને મમ્મા... હું તારી લાડલી તારી પરી તને મળવા માટે આવી છું.. મારી સામે તો જો મમ્મા.. હું કેવી લાગું છું તે તો જો મમ્મા..મારી સાથે વાત તો કર મોમ..મારે તારી સાથે ઘણીબધી વાતો કરવી છે.. બાળપણથી અત્યાર સુધીની એકે એક વાત મારે તને કહેવી છે.. આંખો તો ખોલ મોમ.. આંખો ખોલીને મારી સામે જો મોમ અને આટલું બોલતાં બોલતાં તે રડવા લાગી અને પોતાની મોમને ચોંટી પડી તેને આમ નિર્દોષ ભાવે કાકલૂદી કરીને રડતાં જોઈને નાનીમા પણ રડવા લાગ્યા અને તેને પોતાની મોમથી થોડી છૂટી પાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા અને સમજાવવા લાગ્યા કે, " બેટા એક દિવસ તારી મોમ ચોક્કસ બોલશે અને તારી સામે પણ જોશે અને તારી સાથે વાતો પણ કરશે તું આટલું બધું મન ઉપર ન લઈ લઈશ અને પરી પોતાની મોમ સામે જોવા લાગી કે, મોમના શરીરમાં કોઈ ચેતના આવે છે તેનાં હાથ પગ અને આંગળીઓમાં કોઈ મૂવમેન્ટ જોવા મળે છે પરંતુ તેની મોમ માધુરી કોઈ જ રીએકશન આપતી નથી તેથી પરી નિરાશ થઈ જાય છે અને નિસ્તેજ બનીને એકીટશે પોતાની મોમની સામે જોયા કરે છે એટલામાં તો નાનીમા તેને કહે છે કે, " ચાલો બેટા આપણે જઈશું હવે ઘરે ? " અને પરીની ઈચ્છા ન હોવા છતાં પણ તેણે પોતાની મોમ માધુરીને છોડીને જવું પડે છે પણ જતાં જતાં પણ તે પોતાની મોમને કહી રહી હતી કે, " મોમ, હું જલ્દીથી પાછી આવીશ તને મળવા માટે અને તને સાજી કરીને મારી સાથે બેંગ્લોર લઈ જઈશ " અને આમ ખૂબજ દુઃખી હ્રદયે પરી પોતાની મોમને છોડીને નાનીમાના ઘરે જવા માટે નીકળે છે.
નાનીમાના ઘરે જઈને તેણે પોતાનું પેકિંગ કરવાનું શરૂ કર્યું અને એટલામાં તેને યાદ આવ્યું કે તેણે પોતાની લાડકી નાની બહેન કવિશા માટે તો કંઈજ ખરીદી કરી નહીં અને તરતજ તેણે આ વાત નાનીમાને કરી અને નાનીમાએ તેને ખરીદી કરવા જવા માટે છૂટ આપી તેણે ઓલા કેબ બુક કરાવી અને તે આલ્ફાવન મોલમાં ખરીદી કરવા માટે ગઈ. હજુ તો ત્યાં પહોંચી જ હતી ત્યાં આકાશનો ફોન આવ્યો...એક વખત..બે વખત.. ત્રણ વખત ઉપરાઉપરી આકાશ તેને ફોન કર્યા કરતો હતો અને તે ફોન કાપતી હતી છેવટે તેણે ફોન ઉપાડ્યો તો આકાશે તેને મળવા આવવા માટે ખૂબ જીદ કરી અને છેવટે તે તેને મળવા માટે આલ્ફાવન મોલમાં આવી પણ પહોંચ્યો. પરીએ તેને જણાવ્યું કે પોતે બે જ દિવસમાં બેંગ્લોર જઈ રહી છે તો આકાશે તેને તેની પાછળ પાછળ પોતે પણ બેંગ્લોર આવશે તેમ કહી રહ્યો હતો. પરી તેને પોતાની પાછળ બેંગ્લોર નહીં આવવા માટે કહી રહી હતી અને જો તે બેંગ્લોર આવશે તો પણ પરી તેને બેંગ્લોરમાં મળવા માટે ઈન્કાર કરી રહી હતી. હવે આગળ શું થાય છે ? પરી બેંગ્લોર પહોંચી જાય છે ? આકાશ તેની પાછળ પાછળ બેંગ્લોર પહોંચી જાય છે ? પરી તેને મળવા માટે જાય છે કે નહિ.
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
5/1/23