ચંદ્રમૌલીજી પવિત્ર વાતાવરણમાં ઉત્સવની સફળતા-આનંદ વચ્ચે કોઇ અગમ્ય આગાહી કરી રહ્યાં હોય એમ લાગી રહેલું. રુદ્ર રસેલ પોતે સમજી ના શક્યા કે પિતાતુલ્ય શ્વસુર આજે કેમ આવું ભયજનક ઉચ્ચારણ કરી રહ્યાં છે ? એનું શું કારણ છે ? આટલી પવિત્ર તપોભૂમી છે અહીં સાક્ષાત મહાદેવ, માં પાર્વતી એમનાં સાથમાં રુદ્રનારાયણ, શેષનારાયણ હોવાનાં અંદેશા છે અહીં હિમાલયની પહાડીયોમાં રહેલી ગુફાઓ, મઠમાં તપોનિષ્ઠ સર્વશ્રેષ્ઠ ઋષિઓ રહે છે કેટલાય કાળથી અહીં પૂજા ચાલે છે. સનાતન ધર્મનાં ધરોહર હિમાલયની નિશ્રામાં રહીએ છીએ છતાં શેનો ભય ? પણ ચંદ્રમૌલીજીનાં છેલ્લા વાક્યે એમને સંતોષ અને હૈયાધારણ થઇ.
ચંદ્રમોલીજીએ કહ્યું “કાળચક્ર એનું કામ કરે છે અને કરશે પણ અહીં દેવી છે તો બધુ સલામત છે.” એ સાંભળી બધાં અંદરને અંદર ચોંકી ગયાં. "દેવી છે" કોણ ? દેવમાલિકા શું આ દીકરીનો જન્મ ચોક્કસ કારણથી થયો છે હજીતો હમણાં યુવાનીમાં પગ મૂક્યો છે એનાં જીવનનો સમયકાળ પ્રેમ અને આનંદમાં વિતી રહ્યો છે વીતવો જોઇએ.
ત્યાં ચંદ્રમૌલીજીએ કહ્યું “મારાં આ વિધાનથી ચોંકવાની જરૂર નથી.. કાળચક્રમાં બધાં સમાયેલાં છીએ... કાળ કોઇને છોડતો નથી પણ એમાંય જ્યારે કોઇ અદભૂત જીવ જન્મ લે અને એની હાજરી નોંધાવે પછી કાળક્રમે એનાં યોગ્ય સમયે એનો પરચો થાય છે”.
દેવમાલિકા આશ્ચર્યથી બધુ સાંભળી રહી હતી એને નાનાજીનાં વાક્યો સાંભળી કંઇ સમજાતું નહોતું પણ દેવી નાં ઉલ્લેખે એનાં કાન, આંખ, સાંભળવા તત્પર થયાં.
દેવે દેવમાંલિકા તરફ જોયું અને જાણે કંઈ એ મનમાં કંઇ વિચારી રહ્યો. એનાં મનમાં કોઇ ખાસ પૃથ્યકરણ ચાલી રહેવું. જ્યારથી દેવમાલિકાને જોઈ છે ત્યારથી અત્યાર સુધીનાં એનાં બોલ, સંવાદ, કાર્ય બધુ મનમાં તોલી રહ્યો હતો.
રુદ્ર રસેલે કહ્યું “ તમે અને માતાજી હવે વિશ્રામ કરો. હું આ મહેમાનોને એમનાં ઉતારે લઇ જઊં છું એમની સાથે થોડીવાર બેઠો છું બાકીનું કામ માણસો અને અધિકારીઓ નીપટાવી લેશે”.
ચંદ્રમૌલીજીએ કહ્યું “એ લોકોનાં આગમન પછી મારી પૂર્ણાહૂતિ અને પૂજા સમાપન પછીજ મને વિચાર આવ્યા”.
“એમાં પણ કોઇ વિધી વિધાન મને સમજાય છે આનાં ઉપર વધુ ચર્ચા જરૂરી નથી અમે લોકો પણ હવે વિશ્રામ કરીશું.” ત્યાં સેવકોને બોલાવી માં પિતાજીને મહેલ જેવા બંગલામાં લઇ જવા માટે સૂચના આપી.
*************
રુદ્ર રસેલ અને એમનાં પત્નિ સૂરમાલિકા રાયબહાદુર ફેમીલીને એમનાં ઉતારે લઇ આવ્યા જે સૌથી ઊંચી ટૌચ પર બનાવેલ અંલકૃત મકાન હતું જે દેવને ખૂબ ગમી ગયેલું. દેવ, આકાંક્ષા અને દેવમાલિકા મકાનની અગાશી તરફ ગયાં અને બંનેનાં માતાપિતા મકાનમાં આરામ માટે ગયાં.
દેવ હવે ઉપરની અગાશી પર આવી વડીલોથી છૂટા પડ્યા પછી થોડી હળવાશ અનુભવી રહેલો. બધાની સામે ખૂબ વિવેકપૂર્ણ અને મર્યાદામાં રહેવું પડતું હતું.
દેવે કહ્યું “દેવી તમારાં નાનાજી ખૂબ જ્ઞાની અને તપસ્વી લાગે છે આવાં સ્વર્ગ જેવા તમારાં સામ્રાજ્યમાં કશું નકરાત્મક હોઇજ ના શકે બલ્કે રહીજ ના શકે. પણ તમારો એટલે કે દેવીનો ઉલ્લેખ કરી બધો યશ તમને આપી દીધો...”
આકાંક્ષાએ કહ્યું “દેવ.. એ એમની દોહીત્રી છે એમની નજર સામે જન્મથી લઇ અત્યાર સુધી ઉછર્યા હોય એમણે ઉછેર કર્યો હોય સંસ્કાર સંચિત કર્યા હોય.. દેવીની બધી ખાસ વાતો કે ખાસીયત એ લોકોજ જાણતાં હોય ને..”.
દેવે કહ્યું “આકુ તું તો એકદમ સનાતની બની ગઇ મને એમ કે US ગયાં પછી તું બદલાઇ ગઇ હોઇશ બધાં પાશ્ચાત્ય સંસ્કારો તારામાં...
દેવમાલિકાએ કહ્યું “શ્રીમાન દેવ.. તમારો જન્મ જયાં થયો હોય તમારાં જીન્સમાં તમારાં લોહીમાં જે જન્મ જાત સંસ્કાર હોય એ કદી ઉજાગર થયા વિના રહીજ ના શકે કોઇપણ સ્થળ વાતાવરણની અસર તમારાં ઉપર જરૂર થાય પણ તમારી અસલીયત કદી મૃતપાયઃ નથી થતી.”
દેવે કહ્યું “આઇ એગ્રી... તમારી વાત સાચી છે જુઓને હું અહીં આવ્યો છું ત્યારનો આ વાતાવરણની અસરમાં છું મને અહીં બધુજ ખૂબ સુંદર જણાય છે અહીંનો માહોલ, વાતાવરણ લોકો પર મને મોહ આવી ગયો છે”.
આવું સાંભળી આકાંક્ષા અને દેવમાલિક બંન્ને ખડખડાટ હસી પડ્યાં. દેવે કહ્યું “અરે હું સાચું કહું છું.”
“અહીં આવીને ભલભલાં મોહી જાય એવી જગ્યા છે. અને જુઓ હવે સાંજ પડવા આવી છે. કુદરતે પાછું એનું રૂપ બદલવા માંડ્યુ દૂર ક્ષિતિજ સુધી નજર જાય છે નભ જાણે કેસરીયા રંગે રંગાઇ ગયું છે.. ઊંચા ઊંચા બર્ફીલા પહાડો સોનાની જેમ ચમકી રહ્યાં છે.. આભમાં તારાં ટમટમતાં હમણાં જોવા મળશે. અહીં કોઇ જાતનું પ્રદુષણ નથી એટલે મોડી રાત્રે તો તારા ગણી શકાતાં હશે.”
દેવ કુદરત ઉપર નિબંધ વાંચતો હોય એમ બોલી રહેલો ત્યાં દેવમાલિકાએ કહ્યું “તમે તો કવિ બની ગયાં સંધ્યાએ હજી થોડું રૂપ બદલ્યું. તમે તો કવિતાની જેમ બોલવા લાગ્યાં. સાચુ કહુ અહીની સવાર-બપોર સાંજ ખૂબ સુંદરજ હોય છે પણ રાત્રી... મને રાત્રી બધાંજ પ્રહર કરતાં વધુ સુંદર અને આકર્ષક લાગે છે.”
આકાંક્ષાએ કહે ”દેવી એક પ્રશ્ન કરુ ?” દેવમાલિકાએ કહ્યું “શ્યોર પૂછોને મને ગમશે. જેટલાં પ્રશ્ન કરશો એટલું મને એવુ થશે તમે મારી નીકટ આવ્યાં છો.” એમ કહીને હસી.
આકાંક્ષાએ કહ્યું “અહીંથી કુદરત આ ધરા, વનસ્પતિ ફૂલ, છોડ વૃક્ષો, ઝરણાં, પહાડ, નદી ખરેખર સુંદર છે છતાં એઝ અ હ્યુમનબીઇંગ તમારે કોઇ સહેલી મિત્રની જરૂર નથી પડતી ? ક્યારેકતો બહારની દુનિયા જોવા સમજવાની ઇચ્છા નથી થતી ? કાયમ આવા એકાંતમાં કેવી રીતે જીવી શકાય ? એજ વૃક્ષો, એજ પહાડો, નદી અને બધું એનું એજ...”
દેવ માલિકાએ કહ્યું “તમે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો. હું પણ તમારી જેમ માણસ છું જીવનની દરેક ઊંમરમાં મિત્ર, સહેલી બધાની જરૂર પડેજ છે. પણ એની વાત કરતાં પહેલાં ખાસ અગત્યની માહિતી આપી દઊં.”.
દેવ અને આકાંક્ષા ખૂબ ગંભીરતાથી દેવીને સાંભળી રહેલાં. દેવ માલિકા સસ્મિત વદ ને પણ ગંભીર થઇ ગઇ એણે કહ્યું “આકાંક્ષા આ પૂરી શ્રૃષ્ટિ છેને એ જીવંત છે જડ નથી આજ વૃક્ષો, ઝરણા, આકાશ ધરા, પહાડો, તારાં, ચંદ્રમાં બધાંજ પળ પળ પોતાનું રૂપ બદલે છે મેં એમની સાથેજ સમય કાઢ્યો છે પળ પળ એમની સાથે એમનાંજ ખોળામાં જીવી છું. ઉછરી છું. એમને હું ખૂબ સારી રીતે જાણું છું...”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-71