Dashavtar - 48 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 48

Featured Books
Categories
Share

દશાવતાર - પ્રકરણ 48

          "કારણ કે એને શંકા હતી કે તું જે દેખાય છે એ તું નથી," જગપતિએ હળવા અવાજે કહ્યું.

          "પણ, હું જે છું એ જ છું." વિરાટે કહ્યું, "હું કોઈ ખાસ નથી..." એ વધુ કહેવા માંગતો હતો પણ જગપતિના ચહેરા સામે જોતાં જ તેના શબ્દો ગળામાં અટકી ગયા.

          જગપતિએ એને કશું ન કહ્યું પણ નીરદ સામે જોયું, "તું તારા દીકરાને બચાવવા આ સાવધાની વર્તી રહ્યો છે?" એણે કહ્યું, “તને લાગે છે આ રીતે તું એને દીવાલ પેલી પાર પાછો લઈ જઈશ?”

          "હું દિલગીર છું." નીરદે કહ્યું ત્યારે વિરાટને આશ્ચર્ય થયું કે એના પિતા કેમ માફી માંગે છે, "મારે વધુ સાવચેત રહેવું જોઈએ."

          “માફી માંગવાની વાત નથી, નીરદ.” જગપતિએ હજુ પણ નીરદ સાથે વાત કરતાં કહ્યું. "તમે બધા એવું વર્તન કરી રહ્યા છો જાણે કે તમે શૂન્યો જ નથી." એણે ઉમેર્યું, "મેં વિચાર્યું પણ નહોતું કે તું આવી ભૂલ કરી શકે!"

          "તમે અમારી આટલી ચિંતા કેમ કરો છો?" વિરાટે હિંમત એકઠી કરી પૂછ્યું.

          “મેં મારા વિશે કોઈ પ્રશ્ન ન કરવાની પહેલા જ સુચના આપી છે.” આ વખતે એના અવાજમાં કડકાઈ હતી.

          વિરાટે હકારમાં માથું હલાવ્યું. આસપાસની સુરંગોમાં તમરાં તીણા અવાજે ગીત ગાતા હતા. કેટલીકવાર મિનિટો એમના ગીત ચાલુ રહેતા તો કેટલાક સમય માટે એ અસ્થાયીરૂપે વિરામ લેતા હતા. રાત ઠંડી હતી અને હવા ઘટ્ટ હતી તેમ છતાં વિરાટને લાગ્યું કે હવા પાતળી છે અને એ શ્વાસ નથી લઈ શકતો.

          જગપતિએ ઉમેર્યું, "હું તમને મદદ કરું છું કારણ કે જો નિર્ભયને તમારા વિશે ખબર પડી જશે તો ધર્મસેના હુમલો કરશે અને અહીં કોઈ બચશે જ નહીં."

          "ધર્મસેના કોણ છે?" વિરાટે બીજો પ્રશ્ન કર્યો.

          "મેં કહ્યું કે કોઈ પ્રશ્ન નહીં, છોકરા." પહેલીવાર જગપતિના ચહેરા પર થોડો ગુસ્સો દેખાયો, "મને એ કહે કે તને કોઈ વિચિત્ર સ્વપ્ન આવે છે?"

          જગપતિએ સ્વપ્ન વિશે પૂછ્યું અને વિરાટના હાથ પગ સુન્ન થવા લાગ્યા. એને કેવી રીતે ખબર કે હું વિચિત્ર સપના જોઉ છું? શું હું એના પર વિશ્વાસ કરી શકું?

          "તું મારા પર વિશ્વાસ કરી શકે." જગપતિએ કહ્યું,"હું એ નથી જેનાથી તારે હકીકત છુપાવવી જોઈએ."

          ‘મારે એનો વિશ્વાસ કરવો જોઈએ.’ વિરાટનું હૃદય બોલ્યું. એણે અમારો જીવ બચાવ્યો. હું એના પર વિશ્વાસ કરી શકું છું. એણે કહ્યું, "હા, હું વિચિત્ર સપનાં જોઉં છું."

          "શું દેખાય છે?"

          "એક વિશાળ મંદિર, એક ચક્રાકાર માર્ગ અને એવી ઘણી વિચિત્ર વસ્તુઓ જે હું ક્યારેય સમજી જ નથી શક્યો."

          "તને સપના વિશે જે કંઈ યાદ છે એ બધું જમને કહે." જગપતિએ કહ્યું, "નિર્ભયના એક નેતાએ તને ગુપ્ત રીતે મારવાનો પ્રયત્ન કર્યો હતો. આપણે ખાતરી કરવી પડશે કે એવું ફરી ન બને."

          “મને વધુ ખબર નથી…”

          "હું જાણું છું કે એ યાદ રાખવું મુશ્કેલ છે પરંતુ તારે એ બધું યાદ કરવું પડશે." જગપતિએ કહ્યું, "તારા વિશે કંઈક અલગ છે અને જો તું થોડુંક વધારે યાદ કરી શકે તો આપણે એ શું છે એ જાણી લઈશું."

          "ક્યારેક હું મારી આસપાસ મંદિર ફરતું જોઉં છું, ક્યારેક હું મારી જાતને મંદિરની આસપાસ ફરતો જોઉં છું, ક્યારેક હું જેલમાં હોઉં છું તો ક્યારેક હું મારા જેવા જ માણસને જોઉં છું."

          જગપતિની આંખોમાં કઈંક ન કળી શકાય એવા ભાવ દેખાયા.

          "મને કહો કે આપણે આ વિચિત્ર સપનાઓ દ્વારા કંઈક કેવી રીતે શોધીશું?" વિરાટે પૂછ્યું.

          “આટલું પૂરતું છે.” એણે કહ્યું, “પાટનગરમાં કોઈ તારા મગજને જાણવા માંગે છે,” એણે આંખો ફેરવી, “તારું મગજ, એ તારા મગજમાં જવા માંગે છે અને હું એમને તારાથી દૂર રાખવાની કોશિશ કરી રહ્યો છું."

          વિરાટે અચકાઈને એના પિતા સામે જોયું.

          "તું જગપતિને કંઈ પણ કહી શકે છે." નીરદે કહ્યું, "એ તારા વિશે બધું જાણે છે."

          એ જગપતિને કેટલા સમય સુધી તાકી રહ્યો એ તેને ખબર નહોતી પણ આખરે એ થોડોક સ્વસ્થ થયો અને ફરીથી બોલવાનું શરૂ કર્યું, આ વખતે એ એટલા ધીમા અવાજમાં બોલતો હતો કે જગપતિએ સાંભળવા માટે એની નજીક જવું પડ્યું, “હું… હું કહી શકતો નથી કે મને ખાતરી છે.” એ સહેજ અચકાયો પણ બોલવાનું ચાલુ રાખ્યું, "મને એવું લાગે છે કે હું પહેલા પણ પાટનગરમાં રહેલો છું અને મેં મંદિર જોયેલું છે અને મને લાગે છે કે મેં એ માણસને સ્વપ્નમાં જોયો એ પહેલાં પણ મેં એને જોયો છે." એણે જગપતિ તરફ જોયું, એને આશા હતી કે એટલી માહિતી પૂરતી છે પણ જગપતિએ કહ્યું, "અને?"

          "અને મને લાગે છે કે હું એની સાથે જૂના મિત્ર અથવા જૂના દુશ્મનની જેમ પરિચિત છું. ગમે તેમ પણ અમે એકબીજાને જાણીએ છીએ."

          જગપતિએ વધુ કશું ન પૂછ્યું 

          “હવે હું જે કહું એ ધ્યાનથી સાંભળ,” એણે તેની આંખો બંધ કરી, ફરીથી ખોલી અને નિસાસો નાખ્યો, "શૂન્ય હોવાનો ડોળ કરતો રહેજે. ભલે તારી નજર સામે કોઈ મરતું હોય તું મદદ કરવાનો પ્રયત્ન ન કરીશ." એણે કહ્યું, "હું જે કહું એ તને સમજાય છે?"

          વિરાટે માથું હલાવી કહ્યું, "હા." તેમ છતાં બીજા શબ્દો એની અંદરથી ઉછળતા હતા. પાણીની કેનાલમાં ઉછળતા પાણીની જેમ એ શબ્દો ઉછળતા હતા. એ શબ્દો હ.તા ‘હું ચુપચાપ મારા લોકોને મરતા કેવી રીતે જોઈ શકું?’

          “બીજા શૂન્યોનું અનુકરણ કરો. હંમેશા હરોળમાં પાછળ રહો. બીજા જે કરે એ કરો. એવું કંઈ ન કરો જે તમને બીજા કરતા અલગ બનાવે. આ વિશે કોઈની સાથે વાત ન કરો, તમારા લોકો સાથે, તમારા મિત્ર કે કોઈની પણ સાથે નહીં." જગપતિએ સૂચના આપીં.

          વિરાટે મૌન સેવ્યું. એની પાસે કહેવા માટે કંઈ જ નહોતું. વિરાટ જગપતિ વિશે વધુ જાણવા માંગતો હતો પણ એને સવાલો કરવાની ના કહેવામાં આવી હતી.

          "નીરદ, તારે વિરાટનું ધ્યાન રાખવું પડશે. હું એને સુરક્ષિત જોવા માંગુ છું."  જગપતિએ નીરદ સામે જોયું.

          “હું મારાથી બનતા બધા પ્રયત્ન કરી રહ્યો છું." નીરદે કહ્યું, "પણ મને ખબર નથી કે હું કેટલો સમય કરી શકીશ."

          વિરાટને લાગ્યું જાણે એના પિતાના શબ્દો આસપાસના અંધકાર પર તરે છે. મારા પિતા મને સુરક્ષિત રાખી શકશે કે કેમ એને લઈને કેમ દુવિધામાં છે? એને સવાલ થયો.

          "હું તને મદદ કરીશ." જગપતિએ કહ્યું, "જ્યારે તને મારી જરૂર પડશે ત્યારે હું ત્યાં પહોચી જઈશ."

          એ પછી વિરાટે જગપતિને તેના પિતા સાથે હાથ મિલાવતો જોયો.

          જગપતિ ફરી વિરાટ તરફ ફર્યો, "મારાથી ડરવાની કે કશું છુપાવવાની જરૂર નથી." એણે વિરાટના ખભા પર હાથ મૂકીને કહ્યું, "હું તારો રક્ષક છું અને તને સુરક્ષિત જોવા માંગુ છું."

          વિરાટે માત્ર માથું હલાવ્યું. એની આંખો જગપતિના ચહેરાને જોઈ રહી હતી અને એનું મન જગપતિ કોણ છે અને એ શા માટે એની મદદ કરી રહ્યો છે એ જાણવા મથી રહ્યું હતું.

*

          જગપતિની ચેતવણી પછી વિરાટ એના લોકોની જેમ વર્તવા લાગ્યો. એણે એવું બધું ટાળ્યું જે નિર્ભય સિપાહીઓના મનમાં શંકાને જન્મ આપે. એના માટે કામ નિયમિત બની ગયું.  છેલ્લા પંદર દિવસથી એ તેના પિતા સાથે સુરંગમાં કામ કરતો હતો. એ એમને સોંપાયેલ સુરંગમાં જતા અને શક્ય એટલી ઝડપથી કામ કરતા. 

          નીરદ કહેતા કે એ એક સારો તાલીમી છે. એણે ધાર્યા કરતાં વધુ ઝડપથી પાઇપનું કામ શીખી લીધું હતું. એ ટૂલ્સ - રેન્ચ અને બ્રશ અને ટ્યુબ અને ગુંદરનો ઉપયોગ કરવામાં સારો હતો. એ કામ સરળ નહોતું. બાકીના શૂન્યોને એ શીખતા મહિના લાગી જતા અને છતાં અમુક જ એ કામમાં પાવરધા બની શકતાં.

          મોટા ભાગના શૂન્યો રોજ આઠ કલાક કામ કરતા હતા. એમનું કામ પૂરું કરીને એ ભેગા મળીને વાતો કરતા અથવા આરામ કરતા. વિરાટ અહીં એક મહત્વપૂર્ણ મિશન પર આવ્યો હતો. એ તેના લોકોને મદદ કરવા માટે ત્યાં હતો. જ્યારે બીજા લોકો ફક્ત કામ પર જ ધ્યાન આપતા ત્યારે વિરાટ દરેક નાની વિગતો પર ધ્યાન આપતો જે ઉપયોગી થઈ શકે એમ હોય. એણે વોશર, બોલ્ટ, વાયરના ટુકડા, એના ટૂલ બેલ્ટમાં જે કંઈ હતું એનો ઉપયોગ કરવાનું શીખી લીધું હતું – એનો ઉપયોગ કેવી રીતે કરવો અને ક્યાં કરવો એ હવે જાણતો હતો. 

          ગુરુ જગમાલ સાચા હતા. દીવાલની આ તરફ ઘણી રસપ્રદ બાબતો હતી. એણે જોયું કે એ જેને જાદુ કહેતા હતા એ માત્ર વાયર બોલ્ટ અને ધાતુથી બનેલી વસ્તુઓ હતી. દીવાલ આ પારના લોકો એને ટેકનોલોજી કહેતા.

          વિરાટે સુરંગોમાં ઘણા દુર્લભ જીવ જોયા જે એણે દીવાલની પોતાની તરફ ક્યારેય જોયા નહોતા. એ જોખમી નહોતા. નીરદ કહેતા કે એ આંધળા કીડા છે – એ બિલકુલ હાનિકારક નથી. પંદરમાં દિવસે વિરાટ અને નીરદ ત્રીજી સુરંગમાં કામ કરતાં હતા.

          "હું રિપેરિંગ કામ કરું છું." નીરદે કહ્યું, "તારે સુરંગની તપાસ કરવી જોઈએ."

          "હા." વિરાટે જવાબ આપ્યો, "કદાચ આપણે કંઈક મેળવી શકીએ."

          સાતમી ટનલ પછી એમને કંઈ મહત્વનું મળ્યું નહોતું. પણ વિરાટને આશા હતી કે એ સુરંગમાંથી કંઈક મળશે. એને આશા હતી કે એ ગમે તે સમયે કોઈ સુરંગમાં એને કંઈક તો કામની માહિતી મળશે. જો તસ્કરો માહિતી મેળવી શકતાં હોય તો હું કેમ ન મેળવી શકું? આજે એને લાગ્યું કે એને કંઈક મળશે. એ સુરંગના બીજા છેડા તરફ ચાલવા લાગ્યો. એના પગમાં દુખાવો ન થાય ત્યાં સુધી એ ચાલ્યો. એવું લાગતું હતું કે સુરંગ અનંત સુધી લાંબી અને અંધકારથી ભરેલી છે પણ એણે ચાલવાનું બંધ ન કર્યું. એની આંખો બાજ માફક આસપાસ જોતી હતી અને એની બધી ઇન્દ્રિયો શિકારી જાનવર જેવી સર્તક હતી. એકાએક એની ટોર્ચનું અજવાળું એક દરવાજા પર પડ્યું. એ નજીક ગયો. એણે જોયું કે દરવાજો સિંગલ ડોર છે.

          જો એમાં ઝેરી વાયુ હશે તો? કદાચ જ્વલનશીલ વાયુ પણ હોઈ શકે? એણે વિચાર્યું અને દરવાજાના દરેક ઇંચ પર ટોર્ચની લાઈટ ફેરવી. એને દરવાજાની ઉપરની કિનાર પર શબ્દો દેખાયા: પાર્થ પુસ્તકાલય. એણે ઉત્સાહથી દરવાજો ખોલ્યો. અંતે નસીબ એની વ્હારે આવ્યું હતું. એ અંદર ગયો. બધી દીવાલો પર ટોર્ચ લાઈટ ફેરવી પણ ત્યાં કશું જ નહોતું. દીવાલો સપાટ અને પથ્થરોથી બનેલી હતી. એક ખૂણામાં લાકડાનું નહીં પણ ધાતુનું ટેબલ હતું.  એણે પાસે જઈને ડ્રોઅર ખોલવાનો પ્રયત્ન કર્યો પણ એ ડ્રોઅર અટકી ગયું હતું. નીરદ સાચા હતા. એ તેનું કામ ખૂબ સારી રીતે શીખ્યો હતો અને એનો પુરાવો એનું મન એને ડ્રોઅરને કેવી રીતે ખોલવું એ સૂચના આપતું હતું. એણે ડ્રોઅર અને ફ્રેમની વચ્ચે એક નાની છરીની બ્લેડ ભીડાવી. એના કપાળ પર પરસેવો વળવા લાગ્યો ત્યાં સુધી એ બારીકાઇથી ડ્રોઅર પર કામ કરતો રહ્યો અને અંતે ડ્રોઅર થોડાક ઇંચ ખુલ્યું.

          ડ્રોઅર આખું બહાર ન આવે ત્યાં સુધી એ એને હળવા હાથે આમ તેમ હલાવતો રહ્યો. કેટલીક વધુ મિનિટોની મથામણ બાદ ડ્રોઅર ખુલી ગયું. એમાં કેટલાક સિક્કા હતા. એ સોના કે ચાંદીના નહોતા. એ કોઈ ચમકતી ધાતુના હતા. વિરાટને આશ્ચર્ય થયું કે આવી મામુલી ધાતુમાંથી કોઈએ સિક્કા કેમ બનાવ્યા હશે? એણે એક સિક્કો હાથમાં લીધો અને આમતેમ ફેરવી જોયો. એની ઉપર ત્રણ સિંહ હતા, તળિયે એક ઘોડો અને બળદ હતો અને એનું કેન્દ્ર એક ચક્ર હતું. એની નીચે લખેલું હતું – ‘સત્યમેવ જયતે’

          એને આશ્ચર્ય થયું કે પોતે આ અજાણી ભાષા કેવી રીતે વાંચી શક્યો? એ કઈ ભાષા છે એ પણ જાણતો નહોતો પણ એ એને વાંચી અને સમજી પણ શક્યો. એને એ શબ્દોનો અર્થ સમજાયો. કોઈ જૂની યાદ જેમ એના મને કહ્યું કે એનો અર્થ છે સત્યનો હંમેશાં વિજય થાય છે. એણે ડ્રોઅરમાં તપાસ કરી પણ ત્યાં સિક્કા સિવાય કશું જ નહોતું. એણે સિક્કો લીધો, તેની ટુલ-બેગમાં મૂક્યો અને નીરદ પાસે પાછો ગયો.

          "તને કશું મળ્યું?" નીરદે પૂછ્યું.  નીરદ પાઇપનું કામ કરતા હતા. એ પાઈપની એક તરફ ગુંદર લગાવી એને રિપેર કરતા હતા.

          "હા." એણે કહ્યું, "એક સિક્કો."

          "એક સિક્કો, આપણે સિક્કાનું શું કરીએ?"

          "એ પ્રલય પહેલા રાજ કરતા રાજાઓનો છે."

          "એ આપણા માટે કોઈ કામનો નથી કેમકે આપણે સિક્કા પરની ભાષા વાંચી શકતા નથી તો શું..."

          "હું એ વાંચી શકું છું."  વિરાટે એમને વચ્ચે જ અટકાવતા કહ્યું.

          "તું એક વિચિત્ર ભાષા વાંચી શકે છે જે તેં તારા ગુરુ પાસેથી શીખી જ નથી?"  નીરદે પૂછ્યું. એના ચહેરા પર નવાઈના ભાવ હતા.

          "હા." એણે કહ્યું.

          "મને એ સિક્કો બતાવ."

          વિરાટે સિક્કો ટુલબેગ બહાર કાઢી નીરદના હાથમાં આપ્યો.

          "આ તો દેવભાષા છે." એણે શબ્દો પર આંગળી ફેરવતા કહ્યું.

          “તો પછી હું દેવભાષા વાંચી શકું છું.”

          નીરદે વિરાટના મોં પર હાથ મૂકીને કહ્યું, “ધીમે બોલ.”

          "કેમ?"

          "નિર્ભય સિપાહીઓ અને મોટાભાગના દેવતા પણ આ ભાષા નથી વાંચી શકતા નથી." એણે સિક્કો પાછો આપ્યો.

          "કેમ?"

          “કારુએ આ ભાષા પર પ્રતિબંધ મૂક્યો છે. કોઈ લોક, કોઈ વેપારી, કોઈ નિર્ભય અથવા બીજા કોઈને એનો ઉપયોગ કરવાની મંજૂરી નથી અને બીજા કોઈ એને વાંચી પણ નથી શકતા.”

          "તો હું કઈ રીતે વાંચી શક્યો?”

          "બીજી ભવિષ્યવાણી."

          "શું?"

          "બીજી ભવિષ્યવાણી મુજબ એવું કહેવામાં આવે છે કે જે શીખ્યા વિના દેવભાષા વાંચશે એ મંદિરનું પતન કરશે."

          "મને બીજું કંઈ મળ્યું નથી." વિરાટે વાત બદલાવતા કહ્યું કેમકે એને એ ભવિષ્યવાણી અને એવી અંધશ્રદ્ધાની વાતો પસંદ નહોતી.

          "ચિંતા ન કર." એના પિતાએ કહ્યું, “આ વખતે આપણી સાથે ત્રણ તસ્કરો છે. એ કંઈક શોધી કાઢશે."

          "ત્રણ તસ્કરો?"

          “હા.” નીરદે કહ્યું, "ચાલ, હવે થોડુક પાઈપોનું સમારકામ પણ કરી લઈએ. ફરી કોઈને શંકા થાય એવું નથી કરવાનું.”

એમણે એ સુરંગમાં તમામ પાઈપોનું સમારકામ કર્યું અને કેટલાક કલાકો પછી સુરંગ છોડી દીધી. પછી એમણે બીજી સુરંગની મુલાકાત લીધી પરંતુ ત્યાં કોઈ પાઇપ નહોતી. એ બંને આગળની સુરંગમાં ગયા અને કામના કલાકો પૂરા થાય ત્યાં સુધી ત્યાં અમુક પાઈપોનું સમારકામ કર્યું.

          "મારા સૂવાના ઠેકાણે આજે રાતે કોઈ તસ્કરને મોકલજે." સાંજના ભોજન દરમિયાન નીરદે એક શૂન્યને કહ્યું.

          એ શૂન્ય હકારમાં માથું હલાવી ચાલ્યો ગયો.

          "તમે તસ્કર વિશે કોઈને કેવી રીતે કહી શકો?" વિરાટે ભોજન પછી એ સૂતા હતા ત્યારે એની ટૂલબેગને ઓશિકા જેમ માથા નીચે દબાવતા પૂછ્યું.

          "એ પોતે જ તસ્કર હતો." નીરદે કહ્યું.

          "શું? તો પછી તમે એને તસ્કરને મોકલવાનું કેમ કહ્યું?"

          "તસ્કરને ક્યારેય તસ્કર કહીને ન બોલાવાય." નીરદે કહ્યું, "જો કોઈ સાંભળે તો એ તેના માટે જોખમી છે."

          વિરાટ સમજી ગયો કે જો એના પિતાના શબ્દો કોઈએ સાંભળ્યા હોય તો પણ એ એને મજાક સમજોત કેમકે એના પિતાએ કહ્યું હતું કે મારા સુવાના ઠેકાણે તસ્કરને મોકલજે. એમનું સુવાનું ઠેકાણું એવી જગ્યા હતી જ્યાં ચોરવા લાયક કંઈ પણ નહોતું.

          એ પછી વિરાટના વિચારો સિક્કા તરફ વળ્યા. અંતે કામના થાક અને સુરંગોમાં કરેલી રઝળપાટે એના તન મન પર કાબુ મેળવી લીધો અને એની આંખો ઘેરાવા લાગી.

          રાત એને સ્વપ્નલોકમાં તાણી ગઈ ત્યાં સુધી એ પોતે દેવભાષા કેમ વાંચી શક્યો એ વિશે જ વિચારતો રહ્યો.

ક્રમશ: