(અંબાલાલે કાંતુને આદેશ આપતા કહ્યુ."તોડી નાખ બારણુ") હવે આગળ વાંચો.
" આ તારા દાદાનુ દોલતનગર નથી અંબાલાલ કે તું કોઈના પણ ઘરના બારણા તોડી નાખે."
એક રોફદાર અને પડકાર ભર્યો સ્વર અંબાલાલના કાને અથડાયો.એણે એ સ્વરની દિશામાં પોતાની ગરદન ફેરવી. તો ત્યાં હાથમાં કડીયાળી ડાંગ લઈને એણે જીગ્નેશને ઉભેલો જોયો.એની સાથે હાથમાં ડાંગ લઈને સોમનાથ અને રહેમાનને પણ ઉભેલા જોયા.
ચકોરી ના કાને પણ જીગ્નેશનો જોશ ભર્યો જોરદાર અવાજ અથડાયો.
"આ તારા દાદાનુ દૌલતનગર નથી અંબાલાલ"
અને એ રોફદાર અવાજ સાંભળતા જ ચકોરીની ઓસરી ગયેલી હિંમતમાં જાણે નવો પ્રાણ ફૂંકાયો.બાથી અળગી થતા એ હરખભેર બોલી.
"બા..બા..જીંગો આવી ગયો બા.."
અને જીગ્નેશના પડકાર નો જવાબ પડકાર રૂપે આપતા અંબાલાલે કહ્યુ
"તને હજી મારી તાકાતનો અંદાજ નથી છોકરા.હું કોઈ પણ ગામમાં જઈને મારું ધાર્યું પાર પાડી શકું એમ છુ."
"હવે હોશિયારી મારવા ની રહેવા દે.તને તો મેં તારા ગામમાં જ નહી. તારા જ ઘરમાં ઘૂસીને મારી મારીને અધમૂવો કરી મૂક્યો હતો યાદ છે કે ભૂલી ગયો?" જીગ્નેશ દાઢમાં બોલ્યો.તો અંબાલાલે એના કટાક્ષ નો જવાબ આપતા કહ્યુ.
"ના.ના.જરાય નથી ભુલ્યો.અને આજ હુ એનુ સાટુ વાળી ને જવાનો છોકરા. તને અધમુવો નહીં.પણ પૂરોમુવો કરીને અને ચકોરીને અહીંથી લઈને જવાનો. સમજયો."
અને પછી કાંતુને સંબોધતા કહ્યુ.
"જા કાંતુ.આ લબરમુછીયા ને પૂરો કરો."
અંબાલાલ નો હુકમ થતાં જ કાંતુ અને એના સાથીઓ જીગ્નેશ તરફ હાથમાં હથિયારો લઇને ઘસ્યા.અને સીતાપુર ગામમા ધીંગાણું શરૂ થઈ ગયુ.
અંબાલાલના ચાર પહેલવાનો હાથમાં ખુલ્લા હથિયારો સાથે જીગ્નેશ તરફ ઘસી ગયા. પણ સ્ફૂર્તિલો અને ડાંગ ફેરવવામાં એક્કો એવો જીગ્નેશ પોતાની ડાંગ લઈને એ ચારેય ઉપર તૂટી પડ્યો હતો અને એને રહેમાન અને સોમનાથનો પણ સાથ મળ્યો હતો.
ત્યાં અંબાલાલ ના બીજા દસબાર માણસો ભરેલી એક બીજી ગાડી પણ ત્યાં આવી પહોંચી એ લોકો પાસે પણ કોઈની પાસે લાઠી તો કોઈની પાસે લોખંડના સળિયા એવા હથિયારો હતા.રમેશને પણ જ્યારે જાણ થઈ કે જીગ્નેશ નું યુદ્ધ ચાલી રહ્યું છે તો એ પણ એના દોસ્તોને લઈને જીગ્નેશની મદદે દોડી આવ્યો. અને સીતાપુર ગામના જુવાનોને જ્યારે ખબર પડી કે ઠેઠ દૌલતનગર થી ગુંડાઓ આપણા ગામની કન્યાને ઉપાડી જવા આવ્યા છે.અને જીગ્નેશ.રમેશ રહેમાન એ લોકો નો સામનો કરી રહ્યા છે.તો એ લોકો પણ જે હાથમા આવ્યુ એનુ હથિયાર બનાવીને દોડી આવ્યા.સીતાપુર ગામ જાણે રણ સંગ્રામ બની ગયુ.
જીગ્નેશ ઘણી જ બહાદુરીથી અંબાલાલ ના માણસોને ઠમઠોરી રહ્યો હતો. રહેમાને પણ બરાબરની બહાદુરી દેખાડી હતી. રમેશ અને એના ભાઈબંધો પણ અંબાલાલના માણસોને ઝૂડી રહ્યા હતા.
અંબાલાલ ના માણસો સીતાપુર ગામના માણસોની ઝીંક નો જીલી શક્યા.કેટલાક માર ખાઈને બેભાન થઈને જમીનદોસ્ત થયા.તો કેટલાક મુઠીયો વાળીને નાસવા લાગ્યા હતા.
હવે જ્યારે અંબાલાલે જોયું કે હવે તો અહીંથી હેમખેમ નીકળી જવામાં જ ભલાઈ છે તો એ ચૂપચાપ બધાનુ ધ્યાન ચૂકવીને પલાયન થવા ગયો.પણ ત્યાં અચાનક કેશવ ત્યા આવી પોહચયો. અને એનો કાઠલો ઝાલીને બોલ્યો.
"ભાગો છો ક્યાં અંબાલાલ શેઠ? તમારે તો હજુ ઘણો માર ખાવાનો બાકી છે." આમ કહીને કેશવ એક લાકડી લઈને અંબાલાલને જુડવા માંડ્યો. અંબાલાલને મારતા મારતા કેશવે જીગ્નેશને ગોતવા નજર ફેરવી.જીગ્નેશ ઘણા પરાક્રમ થી લડી રહ્યો હતો.ત્યા કાંતુ બિલ્લી પગે હાથમા છરો લઈને બરાબર જીગ્નેશની પાછળ પોહચી ગયો હતો.અને લાગ જોઈને એણે જીગ્નેશની પીઠ પર વાર કરવા છરો ઉંચો કર્યો.પણ કેશવે તરત દોડીને કાંતુનો હાથ ઝાલી લીધો.કાંતુ તાકાતમા કેશવ કરતા તો ક્યાય બળિયો હતો.એણે એકજ ઝાટકે પોતાનો છરા વાળો હાથ કેશવના હાથ માથી છોડાવ્યો અને જે છરો એ જીગ્નેશની પીઠ પર મારવા ઈચ્છતો હતો. એ છરો એણે કેશવના પેટમા ઉતારી દીધો.અને
"હે પ્રભુ... "
નો ચિત્કાર કરતો કેશવ જમીન ઉપર પેટ પકડીને બેસી ગયો.
વધુ આવતા અંકે