Dhun Lagi - 30 in Gujarati Love Stories by Keval Makvana books and stories PDF | ધૂન લાગી - 30

Featured Books
Categories
Share

ધૂન લાગી - 30





થોડીવાર પછી ફરીથી બધાં હલ્દીની રસમ માટે હોટેલનાં પૂલ સાઇડ એરિયા પાસે આવી ગયાં હતાં. ત્યાં પૂલનાં પાણીમાં ગુલાબની પંખૂડીઓથી અંજલી અને કરણનું નામ લખવામાં આવ્યું હતું. પૂલ સાઈડ એરિયાને પીળાં અને લાલ રંગનાં ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. કરણ અને અંજલી માટે બે કમળ આકારનાં પાત્રો રાખવામાં આવ્યાં હતાં.

હલ્દીની રસમ માટે અંજલી પીળાં રંગનાં લહેંગાચોલીમાં સજ્જ થઈને આવી હતી. તેણે પોતાનાં વાળનો કલાત્મક રીતે ચોટલો વાળીને, તેને ફૂલોથી સજાવ્યો હતો અને આ સાથે ફૂલોનાં આભૂષણો પણ પહેર્યાં હતાં. ખાદીનાં પીળાં રંગનાં કુર્તા અને સફેદ રંગનાં પાયજામા સાથે કાળાં ચશ્મા પહેરીને કરણ હલ્દીની રસમ માટે તૈયાર થઈ ગયો હતો.

સૌપ્રથમ કરણ અને અંજલીને કમળ આકારનાં પાત્રોમાં બેસાડવામાં આવ્યાં. પહેલાં કરણની હલ્દીની રસમ કરવામાં આવી. ત્યારબાદ તેને લગાવેલી હલ્દી અંજલીને લગાવવામાં આવી. હલ્દીનો રંગ લાગતાં જ બંનેનાં વાન પહેલાંથી પણ વધારે ખીલી ઉઠ્યાં હતાં.

હલ્દીની રસમ પૂર્ણ થયાં બાદ કરણ અને અંજલી સંગીત સંધ્યા માટે તૈયાર થવા ગયાં. અંજલીએ સ્કાઈ બ્લ્યુ અને ગ્રે રંગનાં લહેંગાચોલી પહેર્યાં હતાં. આ સાથે તેણે ડાયમંડ જ્વેલરી પણ પહેરી હતી. અંજલી સાથે ટ્વિનિંગ કરવાં માટે કરણે પણ સ્કાઈ બ્લ્યુ અને ગ્રે રંગનાં કુર્તા પાયજામા પહેર્યાં હતાં.

હોટલનાં ટેરેસ પર સંગીત સંધ્યાનું આયોજન થયેલું હતું. સૌથી આગળ ડાન્સ પર્ફોર્મન્સ માટે એક સ્ટેજ લગાવવામાં આવ્યું હતું. જ્યાં ડાન્સ ફ્લોર જેવી વિવિધ રંગોની લાઈટો પણ ગોઠવવામાં આવી હતી. આ સિવાય બધાંને બેસવા માટેની વ્યવસ્થા સ્ટેજની સામે જ કરવામાં આવી હતી. ટેરેસની બધી બાજુએ વ્હાઇટ અને બ્લ્યુ રંગની લાઈટોની સિરીઝ લગાવવામાં આવી હતી, જે સંગીત સંધ્યાનાં આકાશમાં ઝગમગતા તારાઓનું કામ કરી રહી હતી.

સંગીત સંધ્યામાં જતાં પહેલાં અંજલીએ ગૌરીપૂજનની રસમ કરવાની હતી. આ રસમ કરીને અંજલીએ માતા પાર્વતી પાસેથી તેમનાં જેવો વર અને સુખી લગ્નજીવનનાં આશીર્વાદ પણ માંગી લીધાં હતાં.

ગૌરીપૂજનની રસમ કરીને, અંજલી સંગીત સંધ્યા માટે ટેરેસ પર ગઈ. ત્યાં તેનાં પર ફૂલો વરસાવીને તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું.

સંગીત સંધ્યાની શરૂઆત થઈ. આશ્રમનાં બાળકોએ કરણ અને અંજલી માટે ડાન્સ રજૂ કરીને, તેમનું દિલ જીતી લીધું. ત્યારબાદ અનન્યા, કૃણાલ વગેરેનાં ડાન્સ પર્ફોર્મન્સ રજૂ થયાં. અંતે કરણ અને અંજલીએ રોમેન્ટિક ડાન્સ રજૂ કર્યો, તેમને જોઈને બધાં ખુશખુશાલ થઈ ગયાં. સંગીત સંધ્યાની પૂર્ણાહુતિ થઈ. બધાં પોતાનાં રૂમમાં જઈને સૂઈ ગયાં

અંજલી અને અનન્યા તેમનાં રૂમમાં જઈને મેકઅપ કાઢી રહ્યાં હતાં.

"અનુ! આટલાં ધૂમધામ ભરેલાં દિવસ પછી, મારામાં તો જરા પણ એનર્જી બચી નથી." અંજલીએ કહ્યું.

"હા અક્કા! કલ્યાણમ્ નું મૂહુર્ત વહેલું તો નીકળ્યું, પણ બધાં ખૂબ થાકી ગયાં હશે. આપણે અહીંયા આ બધી રસમો 1 અઠવાડિયાં પહેલાં જ શરૂ થઈ જાય છે, પણ જલ્દી જલ્દીમાં બધું એક જ દિવસમાં થઇ ગયું. હવે તો મારામાં પણ એનર્જી બચી નથી." અનન્યાએ કહ્યું.

"ખબર નહીં, કાલે સવારે કઈ રીતે ઉઠીશ!"

"તો કલ્યાણમ્ કેન્સલ કરાવી દઈએ?" અનન્યા મસ્તી કરતાં બોલી.

"ના, ના. કલ્યાણમ્ તો કાલે જ થશે." અંજલી બોલી.

આ સાંભળીને અનન્યા હસવા લાગી.

"તારો પણ સમય આવશે, ત્યારે હું તને કહીશ." અંજલીએ કહ્યું.

"એ ત્યારે જોયું જશે. પણ તમારે આજ કરતાં કાલે વધારે ધૂમધામ કરવાની છે. કાલે તમે વધારે થાકી જશો."

"હા, ઉપરથી કાલે સાંજે તો મુંબઈની ફ્લાઈટ પણ છે." આમ કહીને અંજલી ઉદાસ થઈ ગઈ.

"અક્કા! આજે તો આ છેલ્લી વખત તમે મારી સાથે સૂઈ રહ્યાં છો. કાલે તો તમે મુંબઈ ચાલ્યાં જશો, પછી તો હું અહીંયા એકલી થઈ જઈશ." અનન્યાએ કહ્યું.

"મમ્મી પપ્પા ગયાં પછી, તું ક્યારેય મારાં વગર રહી નથી. તો હવે કેમ રહી શકીશ?" આમ કહીને અંજલી અનન્યાને ભેટીને રડવા લાગી. અનન્યા પણ ભાવુક થઈને રડવા લાગી.

થોડીવાર અંજલીને ભેટીને રડ્યાં પછી, અનન્યા તેનાથી અલગ થઈને બોલી "બસ કરો હવે! થોડાં આંસું કાલે વિદાય માટે પણ રાખી દો. વળી, જો આંસુ ખૂટી જશે, તો લોકો કહેશે કે અંજલીને મુંબઈ જવાની ખુશી છે એટલે તે રડતી નથી." આમ કહીને અનન્યા હસવા લાગી. અનન્યાની વાત સાંભળીને અંજલી પણ હસી પડી.

"ચાલ! હવે સૂઈ જઈએ. સવારે વહેલું પણ ઉઠવાનું છે." અંજલીએ કહ્યું.

"Ok." આમ કહીને અનન્યાએ રૂમની લાઇટ બંધ કરી દીધી અને તેઓ સૂઈ ગયાં.


_____________________________



બધી રસમો થયાં પછી, કરણ અને અંજલીનાં કલ્યાણમ્ ની રસમ થશે, તો તમે પણ સામેલ થશોને તેમની ખુશીમાં?

માણવા માટે વાંચતાં રહો... ધૂન લાગી