(વૈદેહી સાર્થકનાં ઓસ્ટ્રેલિયા જવાથી દુઃખી છે અને સાથે સાથે વિક્રમનો ડર પણ એનાં મનમાં હતો. સાર્થકનાં પૂછવા પર એ કહે છે કે એને ચિંતા છે બીજું કંઈ નહીં. બીજી તરફ સિરાજ ક્યાંક જવા નીકળે છે. સાર્થકે હાયર કરેલ જાસૂસ સિરાજની ગાડી સામે આવીને ઉભો રહી જાય છે જ્યાં સિરાજનો માણસ કાલિયા એને બંદુકે ઉડાવવા તૈયાર થાય છે. તો એક તરફ સાર્થકનાં ઘરેથી નિકળતા જ એક માણસ કોઈને ફોન કરી વૈદેહી અને શિખાનાં એકલા હોવાની માહિતી આપે છે. હવે આગળ)
સાર્થક છેલ્લા અડધા કલાકથી જગન્નાથને ફોન કરી રહ્યો હતો પણ જગન્નાથનો ફોન બંધ આવતો હતો. જગન્નાથ ક્યારેય એનો ફોન બંધ નથી રાખતો જે જાણતો હોવાથી સાર્થકને વધારે ટેન્શન થવા માંડ્યું.
'જગન્નાથનો ફોન આખરે બંધ કેમ આવે છે ? આવું તો ક્યારેય નથી બન્યું ! ક્યાંક સિરાજને ખબર તો નથી પડી ગઈ ને કે મેં એની પાછળ જાસૂસ લગાવ્યો છે ? જો એવું હશે તો...તો સિરાજ વૈદેહીને નુકશાન પહોંચાડવા જરૂર જશે. નહીં...નહીં વૈદેહીને કંઈ નહીં થવું જોઈએ.' સાર્થક વિચારવા લાગ્યો.
"સાર્થક, શું થયું બેટા ? તું પરેશાન છે ? કોઈ વાતનું ટેન્શન છે તને ?" રજનીશભાઈએ સાર્થકનાં ખભે હાથ મૂકીને કહ્યું.
"હં...નહીં તો ! પપ્પા, હજી ચેક ઈન કરવામાં પંદર મિનિટ છે. હું હમણાં આવ્યો." સાર્થકે કહ્યું અને વોશરૂમ તરફ ગયો.
વોશરૂમમાં જઈ એણે ફરીથી જગન્નાથને ફોન લગાડ્યો પણ હજી પણ એનો ફોન બંધ જ આવી રહ્યો હતો.
"ક્યાંક સિરાજ ઘરે પહોંચી ગયો તો...." સાર્થક બબડ્યો.
બે મિનિટ સુધી એને સમજાયું જ નહીં કે શું કરે ? પછી કંઇક વિચારી એણે એનાં ઘરે ફોન કર્યો. રિંગ તો જઈ રહી હતી પણ કોઈ ફોન નહતું ઉપાડી રહ્યું. રિંગ પૂરી થઈ ગઈ પણ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. સાર્થકે બીજીવાર ફોન કર્યો. આ વખતે પણ કોઈએ ઉપાડ્યો નહીં. ત્યાર પછી એણે શિખાનાં મોબાઈલ પર કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી. શિખાનાં મોબાઈલ આઉટ ઓફ સર્વિસ બતાવી રહ્યો હતો.. સાર્થક વારંવાર ફોન લગાડી રહ્યો હતો પણ ન તો શિખાનો ફોન લાગતો હતો કે ન તો લેન્ડ લાઈન પર કોઈ ફોન ઉપાડી રહ્યું હતું.
સાર્થક વૈદેહી અને શિખા કોઈ મુસીબતમાં તો નહીં હોય ને ? એવા વિચારો કરતો હતો ત્યારે જ એની ફ્લાઈટનું અનાઉન્સમેંટ થયું. એકબાજુ એની પત્ની અને બહેનનો જીવ તો બીજી તરફ કંપનીને મળેલી આ ઓફર. સાર્થકે આંખો બંધ કરી અને ક્ષણ વારમાં જ નિર્ણય લઈ લીધો. એ દોડીને ગરિમાબેન અને રજનીશભાઈ પાસે ગયો અને એની બેગ ઉપાડી લીધી.
"સાર્થક, ક્યાં રહી ગયેલો ? તારી ફ્લાઈટનું અનાઉન્સમેન્ટ થઈ ગયું છે. ચાલ ઉતાવળ કર." ગરિમાબેન બોલ્યાં.
"હા જલ્દી ચાલો." સાર્થકે કહ્યું અને એરપોર્ટની બહાર તરફ દોડ્યો.
"સાર્થક, બહાર કેમ જઈ રહ્યો છે ?" ગરિમાબેને પૂછ્યું.
"એની પાસે જઈશું તો ખબર પડશે ને !" રજનીશભાઈએ કહ્યું.
ગરિમાબેન અને રજનીશભાઈને કંઈ સમજાયું નહીં અને તેઓ પણ સાર્થકની પાછળ પાછળ દોડ્યા. સાર્થક સીધો પાર્કિંગમાં ગયો અને ડ્રાઈવરને ગાડી કાઢવા કહ્યું. ડ્રાઈવરે ગાડી કાઢી એટલી વારમાં ગરિમાબેન અને રજનીશભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા.
"સાર્થક, તારી ફ્લાઈટ ટેક ઓફ થવાની તૈયારી છે અને તું બહાર કેમ આવી ગયો ?"
"પપ્પા, પહેલાં ગાડીમાં બેસો. હું તમને રસ્તામાં બધું જણાવું છું." કહેતા સાર્થક ગાડીમાં ગોઠવાયો. એની સાથે ગરિમાબેન અને રજનીશભાઈ પણ બેઠાં. સાર્થકે ડ્રાઇવરને જેટલી બને એટલી સ્પીડમાં ગાડી ભગાવવા કહ્યું.
"તું અમને કંઈ જણાવશે ?" ગરિમાબેનની ધીરજ હવે ખૂટી રહી હતી.
"શિખા અને વૈદેહીનું જીવન જોખમમાં છે." સાર્થકે કહ્યું.
"શું ?" રજનીશભાઈ અને ગરિમાબેન ચોંક્યા.
"પણ એમને કોનાથી જીવનું જોખમ છે ? અને તને કઈ રીતે ખબર પડી ?" ગરિમાબેને પૂછ્યું.
પણ એમનાં પ્રશ્નનો જવાબ આપવાની જગ્યાએ સાર્થકે કોઈને ફોન કર્યો અને જલ્દીથી જલ્દી એનાં ઘરે પહોંચવા કહ્યું. ત્યાર પછી એણે ફરીથી જગન્નાથને ફોન લગાડ્યો. આ વખતે પણ એનો ફોન બંધ આવતો હતો. સાર્થક વારાફરતી જગન્નાથ, શિખા અને ઘરનાં ફોન પર કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યો હતો પણ ન તો જગન્નાથનો ફોન લાગતો હતો, ન તો શિખાનો ફોન લાગતો હતો અને ઘરની લેન્ડ લાઈન પર કોઈ ફોન રીસિવ નહતું કરતું.
"કાશ, મેં વૈદેહીને એક ફોન લઈ આપ્યો હોત." સાર્થક બોલ્યો.
******
આ તરફ સાર્થક, ગરિમાબેન અને રજનીશભાઈનાં ગયા પછી વૈદેહીએ શિખાને થોડીવાર આરામ કરવા માટે કહ્યું.
"ના બાબા ના, મારે હવે આરામ નથી કરવો. તું જા અને થોડીવાર સૂઈ જા. આમપણ આખી રાત તો તને ઊંઘ આવી નહીં હોય." શિખાએ કહ્યું.
"કેમ ? મને કેમ ઊંઘ નહીં આવે ? હું તો ઘસઘસાટ ઊંઘી ગઈ હતી." વૈદેહીએ કહ્યું.
"હા હા, તારી ઊંઘ તારી આંખોમાં દેખાઈ જ રહી છે."
"તને બહુ બધી ખબર પડે છે નહીં ! જા હવે, જો તને ઊંઘ નહીં આવતી હોય તો જઈને ફ્રેશ થઈ જા. હું આપણાં બંને માટે ચા બનાવું છું." વૈદેહીએ કહ્યું અને કિચનમાં ગઈ. શિખા પણ ફ્રેશ થવા માટે એનાં રૂમમાં ગઈ. વૈદેહીએ ઘડિયાળમાં જોયું. હજી સાડા ચાર થયા હતાં.
વૈદેહી ચા બનાવવા તપેલી ગેસ પર મૂકી અને ગેસ ઓન કર્યો. હજી એ તપેલીમાં પાણી રેડે એ પહેલાં જ એને બહારની તરફથી કંઇક અવાજ સંભળાયો. એણે એના કાન સરવા કર્યા અને બહાર શાનો અવાજ થઈ રહ્યો છે એ સાંભળવાનો પ્રયત્ન કર્યો. ધ્યાનથી સાંભળ્યા પછી એને સમજાયું કે બહાર કોઈ લડી રહ્યું છે. અત્યારે ઘરનાં બધાં નોકર ઘરની પાછળ એમનાં માટે બનાવવામાં આવેલા સર્વન્ટ કોટેજમાં હતાં અને ત્યાં સુધી મેઈન ગેટ પાસે જે બોલાચાલી થઈ રહી હતી એનો અવાજ પહોંચવુ અસંભવ હતું. વૈદેહી દરવાજો ખોલી બહાર નીકળી. એણે ગેટ પાસે કોઈ ચાર પાંચ છોકરાઓ જોયાં. તેઓ બહાર બેઠેલાં વોચમેનને મારી રહ્યાં હતાં. એ બધાએ મોં પર માસ્ક પહેરેલું હતું. એમને જોઈ વૈદેહીને ધ્રાસ્કો પડ્યો. એ તરત જ ઘરમાં આવી ગઈ અને દરવાજો બંધ કરી બરાબર લોક કરી દીધો. ત્યાર બાદ એ દોડીને કિચનમાં ગઈ અને કિચનની બારી પણ બંધ કરી દીધી અને પોતે શિખાનાં રૂમમાં દોડી ગઈ.
"શિખા...શિખા બહાર..." વૈદેહીનો શ્વાસ ફૂલી રહ્યો હતો.
"વૈદુ, શું થયું ? તું આટલી બધી ગભરાયેલી કેમ છે ?" શિખાએ વૈદેહીને પકડી બેડ પર બેસાડી પણ વૈદેહી તરત જ ઉભી થઈ ગઈ અને બાલ્કનીમાં ગઈ. શિખા પણ એની પાછળ ગઈ. ત્યાંથી મેઈન ગેટ સીધો જ દેખાતો હતો. શિખાએ પેલા છોકરાઓને તો ન જોયા પણ વોચમેનને નીચે પડેલ જોઈ એણે વૈદેહીની તરફ જોઈ પૂછ્યું,
"બાબુકાકાની આવી હાલત કોણે કરી ?"
"ચાર પાંચ ગુંડાઓ મતલબ છોકરાઓ છે. એમણે માસ્ક પહેરેલાં છે. તા...તારો ફોન ક્યાં છે ? જલ્દી સાર્થકને ફોન કર. ના...એક કામ કર તું...તું સર્વન્ટ કોટેજમાં ફોન કર. એ લોકો જલ્દી આવી જશે." વૈદેહીએ કંઇક વિચારીને કહ્યું.
શિખા એનો ફોન શોધવા લાગી. એણે એના બેડ પર, સ્ટડી ટેબલ પર, એની બુક્સમાં બધે ફોન શોધ્યો પણ એને મળ્યો નહીં. શિખા માથે હાથ મૂકીને ઉભી રહી ગઈ. એને આમ જોઈ વૈદેહીએ પૂછ્યું,
"તું આમ કેમ ઉભી છે ? તારો ફોન લાવ અને જલ્દી ફોન કર."
"મ...મારો ફોન તો હોલમાં જ રહી ગયો." શિખાએ કહ્યું.
કંઇક વિચારી વૈદેહીએ શિખાને કહ્યું,
"હું તારો ફોન લઈ આવું છું. તું અહીંયા જ રહેજે."
"નહીં, મને બહુ ડર લાગે છે. તું ક્યાંય નહીં જતી." શિખાએ કહ્યું.
"પણ શિખુ, આપણે કોઈને તો હેલ્પ માટે બોલાવવું જ પડશે ને !" વૈદેહીએ રૂમની બહાર નીકળી કહ્યું અને દોડીને હોલમાં ગઈ. એણે હોલમાં ગોઠવેલા કાઉચ પર જોયું પણ શિખાનો ફોન ત્યાં નહતો. એ બધે ફોન શોધી રહી હતી ત્યારે જ એને કોઈ દરવાજો તોડવા પ્રયત્ન કરી રહ્યું હોય એવો અવાજ આવ્યો. એણે હોલમાં બધે નજર ફેરવી લીધી. શિખાનો ફોન ડાયનિંગ ટેબલ પર હતો. વૈદેહીએ જલ્દી જલ્દી ફોન લીધો અને સીડીઓ ચઢવા લાગી પણ ત્યાં સુધીમાં દરવાજો ખુલી ચુક્યો હતો. વૈદેહી દોડીને રૂમમાં ગઈ એ પેલાં માણસોએ જોઈ લીધું હતું.
તેઓ તરત જ વૈદેહી પાછળ દોડ્યા. વૈદેહીએ રૂમ લોક કરી દીધો હતો તેથી તેઓ દરવાજો ઠોકી રહ્યાં હતાં. વૈદેહીએ શિખાને ફોન આપ્યો. શિખાએ સર્વન્ટ કોટેજ ફોન લગાવ્યો પણ સાડા ચાર વાગ્યામાં કોઈ જાગતું ન હોય એ સ્વાભાવિક હતું. બે ત્રણ વખત ફોન કર્યા પછી કોઈએ ફોન ઉપાડ્યો. શિખાએ એમને મદદ માટે બોલાવ્યા. ત્યાર પછી એણે અપૂર્વને ફોન કર્યો અને જલ્દી આવવા માટે કહ્યું. શિખા સાર્થકનો નંબર ડાયલ કરવા જતી જ હતી કે ડર નાં માર્યા એનાં હાથમાંથી ફોન પડી ગયો અને તૂટી ગયો.
******
સિરાજ એક મોટી બિલ્ડિંગની ઉપર બનાવવામાં આવેલ હેલિપેડ પર પહોંચી કોઈકની રાહ જોઈ રહ્યો હોય એવું એનાં હાવભાવ પરથી લાગી રહ્યું હતું.
"એક તો એ પાગલ ભિખારીનાં કારણે પહેલાથી જ મોડું થઈ ગયું છે અને હવે આ લોકો મોડું કરી રહ્યા છે." સિરાજ ગુસ્સામાં બળબડ્યો.
"ભાઈ, પણ તમે આમ અચાનક જઈ ક્યાં રહ્યાં છો અને કેમ ?" કાલિયાએ પૂછ્યું.
"પેલા સાલા માં####નાં કારણે ભાઈને આ શહેર છોડીને ભાગવું પડી રહ્યું છે. એણે સીબીઆઈને ભાઈનાં વિરુદ્ધ પુરાવા મોકલી આપ્યાં છે. સીબીઆઈનાં લોકો ગમે ત્યારે ભાઈને દબોચી શકે છે." સિરાજની જગ્યાએ અબ્દુલે કહ્યું.
"તો ભાઈ, તમે આટલી આસાનીથી એને છોડી દેશો ?" કાલિયાએ કહ્યું.
"સિરાજ કોઈનું ઉધાર રાખતો નથી. પહેલાં તો મેં ખાલી પેલી આઈટમ વૈદેહીને જ મારી સાથે લઈ જવાનો વિચાર કર્યો હતો પણ હવે એની બેન પણ મારી સાથે આવશે અને બંનેને હું એવી જગ્યાએ મોકલી દઈશ કે એ સાર્થક તો શું પણ એનો બાપ પણ એમને શોધી નહીં શકે." સિરાજ બોલ્યો.
સિરાજ જે કંઈ બોલી રહ્યો હતો એ બધું કોઈ સાંભળી રહ્યું હતું અને એ તરત જ એકશનમાં આવ્યું.
વધુ આવતાં ભાગમાં.....