Age: Only one digit in Gujarati Motivational Stories by SHAMIM MERCHANT books and stories PDF | ઉંમર: માત્ર એક અંક

Featured Books
Categories
Share

ઉંમર: માત્ર એક અંક


જોગર્સ પાર્કમાં ચાલીસ મિનિટ ચાલ્યા પછી, જ્યારે વૃદ્ધ દંપતી શ્વાસ લેવા બેઠા, ત્યારે પદ્મિનીએ તેના પતિને ઉત્સાહપૂર્વક કહ્યું. “પ્રભુનો આભાર કે હવે તમે નિવૃત્ત થઈ ગયા! તમને ખબર છે પાર્થ, હું ક્યારની આ દિવસની રાહ જોઈ રહી હતી."

પાર્થે એક ઊંડો નિસાસો લીધો અને આસપાસ નજર નાખી. યુવાન લોકો જોરશોરથી કસરત કરી રહ્યાં હતાં, જે હવે તેના બસની વાત નહોતી. તે હસી પડ્યો. “કેમ? શું હવે તને વર્લ્ડ ટૂર પર જવું છે?" તેણે મજાક કરી અને વધુ હસ્યો. બંને વચ્ચે, તેની પત્નીનો ઉત્સાહ એક અલગ સ્તરનો હતો. પચાસ વટાવ્યા પછી પણ, તે એ બધું અનુસરતી હતી જેમાં તેનું હ્રુદય વસતું હતું; જેમ કે ટૂંકી વાર્તાઓ લખવી અને સિતાર વગાડવું. તે બંનેમાં માહિર હતી.

પદ્મિનીએ રમતિયાળ રીતે તેનો હાથ થપથપાવ્યો અને કહ્યું, “અરે...ના બાપા ના! પાર્થ, તમે જાણો છો ને કે હું હંમેશથી આપણું પોતાનું ખાવાપીવાનું બિઝનેસ ચાલુ કરવા માંગુ છું? એ યોગ્ય સમય આવી ગયો છે. તમે નિવૃત્ત થઈ ગયા છો અને હવે તમને ફૂરસદ જ ફૂરસદ છે. તો ચાલો શ્રી ગણેશ કરી નાખીએ!"
પાર્થ ચોંકી ગયો. લગભગ ચાલીસ વર્ષ સુધી એક કંપનીમાં કર્મચારી તરીકે કામ કર્યા પછી, તેની નવરાશને માત્ર એક મહિનો થયો હતો અને આ નિવૃત્તિ હમણાંથી જ ખૂબ કંટાળાજનક લાગી રહી હતી. પણ એક નવો વ્યવસાય?? તે તેના વિશે ઘણો શંકાસ્પદ હતો અને તેણે પત્ની સામે મનનો ડર વ્યક્ત કર્યો. “પદ્મિની, નવો ધંધો? આ ઉંમરે? હું ૬૦ વર્ષનો છું. શું ખરેખર કે પછી તું મજાક કરી રહી છે?"

પદ્મિનીએ તેના હાથ પર હાથ મૂક્યો અને ટિપ્પણી કરી, “પાર્થ પુરુષોત્તમ સાહેબ! ઉંમર માત્ર એક અંક છે. તમે જેવું મહેસુસ કરશો, એટલો જ બુઢાપો લાગશે."
પાર્થે માથું હલાવ્યું અને વળતી દલીલ કરી, “પદ્મિની, આ ફિલોસોફિકલ વાતો ફક્ત પુસ્તકો અને અવતરણોમાં સારી લાગે, વાસ્તવિક જીવનમાં નહીં. તદુપરાંત, નવો ધંધો શરૂ કરવાની શું જરૂર છે? આપણા છોકરાઓ ખૂબ સારું કમાય છે."

અલબત્ત પદ્મિનીએ હાર ન માની. તેણે ફરી શરૂ કર્યું, “પાર્થ, તમે કર્નલ હાર્લેન્ડ સેન્ડર્સ વિશે સાંભળ્યું છે ને? તેમણે સેનામાંથી નિવૃત્તિ લીધા પછી ૬૫ વર્ષની ઉંમરે કે.એફ.સી (KFC) શરૂ કર્યું! કહેવાની જરૂર નથી, આપણે બધા જાણીએ છીએ, આજે કે.એફ.સી (KFC) ની શાખાઓ વિશ્વ ભરમાં ફેલાયેલી છે. પાર્થ, મને લાગે છે કે મનુષ્યને જીવનના અંત સુધી મહત્વાકાંક્ષી હોવું જોઈએ. આપણે શા માટે બચ્ચાઓ પર નિર્ભર રહીએ?

પાર્થ લાંબા સમય સુધી તેની પત્ની તરફ જોતો રહ્યો. આ ઉંમરે પણ તેને ઉમંગી જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. તે જરા પણ પોતાની ગતિ ધીમી કરવા તૈયાર નહોતી. કૃતજ્ઞતાપૂર્વક, ભગવાને તેમને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ આપ્યો હતો અને તે તેનો મહત્તમ ઉપયોગ કરવા માટે તત્પર હતી. તેનો ઉત્સાહ ચેપી હતો, પરંતુ પાર્થ હજી તેના પરસ્પર વિરોધી વિચારોમાં ગૂંચવાયેલો હતો. "તારા મનમાં શું છે પદ્મિની?"

પતિના પ્રશ્નથી આશાવાદી બની, પદ્મિનીએ આતુરતાથી જવાબ આપ્યો, “એક ફૂડ ટ્રક ભાડે લઈએ, સ્વાદિષ્ટ નાસ્તા બનાવીને વેચીશું, ફાસ્ટ ફૂડ જેવું કંઈક. બીજું, તે એક ફૂડ ટ્રક છે એટલે મ્યુનિસિપલની પરવાનગી લઈને તેને સ્કૂલ અથવા કોલેજની બહાર ઊભી રાખી શકીએ, જે યુવાનોને આકર્ષિત કરશે."

"હ....!!" પાર્થે ઊંડો નિસાસો ભર્યો અને થોડીવાર મનોમન મંત્રણા કરી. પદ્મિનીની યોજના અતિશય રસપ્રદ હતી, પરંતુ તેને એકમાત્ર ફિકર હતી, શું તેઓ આ ઉંમરે ભાગાદોડી કરી શકશે? જ્યારે પદ્મિનીએ તેની ચિંતા સાંભળી, ત્યારે તેને શાંત પાડતા કહ્યું, "બોજારૂપ કાર્યો કરવા માટે આપણે લોકોને નિયુક્ત કરીશું, પરંતુ આખા વ્યવસાયનું આયોજન, વાનગીઓ અને સંચાલન કરવાની સમગ્ર પ્રક્રિયા આપણી રહેશે."

પાર્થે સ્મિત કર્યું અને પદ્મિની વધુ પ્રોત્સાહિત થઈ. તે પાર્થની સામે આવીને ઊભી રહી અને તેના ખભા પર હાથ મૂકતાં, પ્રેમથી બોલી, “પાર્થ, નિવૃત્તિ અને પાછલું જીવન આનંદદાયક અથવા નિરાશ બંને હોઈ શકે છે, પરંતુ જો આપણી પાસે કોઈ ઉદ્દેશ્ય હોય, તો સમયની કોઈ સીમા નથી અને ઉંમર માત્ર એક અંક છે. સૌથી અગત્યનું, આપણને એકબીજાનો આધાર તો છે જ. આપણી શારીરિક અને માનસિક સહનશક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કેમ ન કરીએ?"

મિત્રો અને કુટુંબીજનોએ વૃદ્ધ દંપતીની ધગશને સલામ કરતા, બધી રીતે સંપૂર્ણ મદદ કરી. છ મહિના પછી, તેઓએ તેમની સુંદર અને રંગીન કેટરિંગ ટ્રકનું ઉદ્ઘાટન કર્યું. પુરુષોત્તમ પરિવારે ગર્વની સાથે તેનું નામ રાખ્યું; ‘ફન ફૂડ’!

શમીમ મર્ચન્ટ, મુંબઈ.
______________________________

લેખિકાની નજરે

નમસ્કાર મિત્રો,
જ્યારે જીવન ઉત્સાહથી છલકતું, ભાવનાઓ ઊંચી અને મહત્વાકાંક્ષાઓ સ્થાને હોય, ત્યારે ઉંમર ખરેખર માત્ર એક સંખ્યા બનીને રહી જાય છે. કોઈ સીમાઓ તમને નવી ઊંચાઈ સુધી પહોંચતા રોકી શકશે નહીં. ઉંમર માત્ર એક બહાનું છે. જો તમે ખરેખર કંઈક નોંધપાત્ર હાંસલ કરવા માંગતા હો, તો જરૂર પ્રયત્ન કરજો, પછી જુઓ, પૂરું આસમાન ઓછું પડશે!
______________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on instagram

https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=