પ્રેમનું રહસ્ય
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૧૩
અખિલ કોઇ જવાબ આપવાની સ્થિતિમાં ન હતો. તે સારિકાની સામે બેઠો હતો પણ મન ત્યાં ન હતું. એ વિચારોમાં ગરકાવ થઇ રહ્યો હતો. પોતે સારિકાને થોડા દિવસ પહેલાં જ મળ્યો હોવા છતાં અગાઉથી ઓળખતી હોય એમ વાત કરી રહી છે. એ મને ઓળખતી હશે એટલે જ મિત્રતા વધારી રહી હતી? અગાઉ હું એની સાથે હર્યોફર્યો નથી. એને હજુ નામ અને કામ સિવાય કોઇ રીતે ઓળખતો નથી. એની પાસે ખુલાસો માગવો જ પડશે. હું કયાંક ભેરવાઇ રહ્યો નથી ને? હવે એના મોહપાશમાંથી મનને છોડાવવું પડશે. એ વધારે આગળ વધે એ પહેલાં મારે સંયમથી કામ લેવું પડશે. અખિલે જાતને તૈયાર કરી અને પૂછ્યું:'આપણે ક્યાં મળતા હતા? અને તું ખરેખર કોણ છે? હું તને ઓળખતો નથી.'
અખિલની વાત સાંભળીને સારિકા હસી પડી:'તું મને ઓળખતો નથી તો મારી પાછળ કેમ આવે છે? તું મારી સાથે સમય વીતાવવા કેમ માગે છે? હું તને ગમતી નથી? આ રૂપ ઉપર તો કોઇપણ ફીદા થાય એમ છે.'
અખિલની દ્વિધા અને આશ્ચર્ય ઔર વધી ગયા હતા:'હું તારી પાછળ આવું છું? મને જ ખબર નથી કે તારી સાથે કેમ મિત્રતા કરી રહ્યો છું.'
સારિકા એને સમજાવતી હોય એમ બોલી:'એમાં તારો વાંક નથી. એક ભૂલાયેલો પ્રેમ જ છે જે તને મારી તરફ ખેંચી રહ્યો છે. ભલે તેં લગ્ન કરી લીધા હોય પણ ખરેખર તું તારી પત્નીનો પછી પણ પહેલાં મારો છે...'
'શું વાત કરે છે?' અખિલ ચોંકીને ઊભો થઇ ગયો. તેને થયું કે આ તો 'ન જાન ના પહેચાન, મેં તેરા મહેમાન' જેવી વાત કરી રહી છે. સારિકા કોઇ વાર્તા બનાવીને મારા ગળે પડી રહી છે. તે પોતાનો કોઇ સ્વાર્થ સાધી રહી હોય એવું લાગી રહ્યું છે. તે મારા રસ્તામાં જાણી જોઇને આવી છે. કદાચ એણે જાણીબૂઝીને અમારી સોસાયટીમાં પોતાનું મકાન લીધું છે. હું એક બીજા જ કારણથી એની સાથે ઓળખાણ ઊભી કરી રહ્યો છું ત્યારે એ હું પરિણીત હોવાનું જાણવા છતાં મારો પીછો કરી રહી છે. મારી સાથે દોસ્તી વધારવાનો પ્રયત્ન કરી રહી છે. તે મને કોઇ જાળમાં ફસાવી રહી છે? તેનું વર્તન અજીબ છે. એનો ઇરાદો કળી શકાતો નથી. મેં એની ઓફિસ પર આવીને કદાચ મોટી ભૂલ કરી છે. મારે કુંદનને બોલાવી લેવો જોઇએ?'
'અખિલ, તમે તો ગભરાઇ ગયા છો. બહુ ચિંતામાં પડી ગયા છો. હું તમારી કોઇ દુશ્મન નથી. તમારી સામે મિત્રતાનો હાથ લંબાવી રહી છું. તમે યાદ કરશો તો આપણો સંબંધ યાદ આવી જશે. મને કોઇ ઉતાવળ નથી. તમે સમય લઇ શકો છો...' સારિકાએ શાંત અને સંયત સ્વરે પોતાના વિચાર રજૂ કર્યા.
સારિકાની વાત એને વધારે ગૂંચવણમાં મૂકી રહી હતી. એ સરખો ખુલાસો કરી રહી ન હતી. તે વધુને વધુ રહસ્ય ઊભું કરી રહી હતી. તેની વાત પર વિશ્વાસ મૂકવાનું મુશ્કેલ છે. તેની પાછળ હું જે કારણથી જઇ રહ્યો હતો કે એની સાથે મિત્રતા કરી રહ્યો હતો એ હવે એને જણાવવું જ પડશે. નહીંતર કોઇ મોટી ગેરસમજ થશે તો મારું અને સંગીતાનું લગ્નજીવન જોખમમાં મુકાશે. હું રૂપરૂપના અંબાર જેવી સારિકા સાથે દોસ્તી વધારવાનો પ્રયત્ન કરીને આગ સાથે ખેલી રહ્યો નથી ને? મને એની સાથે દોસ્તી કરવાનું મોંઘું તો નહીં પડે ને?
'કંઇ યાદ આવી રહ્યું છે?' સારિકાએ અખિલને કોઇ જવાબ આપવાને બદલે ગહન વિચાર કરતાં જોઇ ઉત્સુક્તાથી પૂછ્યું.
'હં... મને તો કંઇ યાદ આવતું નથી. અને હું માનું છું કે મારી યાદશક્તિ બહુ સારી છે. હું મારી બાળપણની યાદોને ભૂલ્યો નથી. હું દાવા સાથે કહી શકું છું કે તું મારા જીવનમાં કોઇ કારણથી આવી નથી. તારો ચહેરો એવો છે કે એક વખત જોયા પછી એને ભૂલી શકાય એમ નથી!' અખિલથી છેલ્લે આશય ન હોવા છતાં ફરી એના રૂપના વખાણ થઇ જ ગયા.
'અખિલ, હું તારા જીવનમાં ઘણા સમય સુધી રહી છું. હું મલ્લિકા છું... યાદ આવે છે?' સારિકાએ એની આંખોમાં આંખો નાખી પૂછ્યું.
અખિલ ચોંકી ગયો. તેના કાનમાં 'હું મલ્લિકા છું' શબ્દો અનેક વખત પડઘાયા. મતલબ કે એણે પોતાનું નામ સારિકા હોવાનું ખોટું કહ્યું હતું. તેનું અસલી નામ મલ્લિકા છે. પણ મલ્લિકા નામની કોઇ સ્ત્રીને હું ઓળખતો નથી. શું એ મને પોતાના જુદા જુદા નામ આપીને છેતરી રહી છે? આખરે એનો આશય શુ છે?
ક્રમશ: