શીર્ષક : છેલ્લો દિવસ
©લેખક : કમલેશ જોષી
જીંદગીમાં બે દિવસો સૌથી વધુ અગત્યના છે. એક જિંદગીનો પહેલો દિવસ અને એક છેલ્લો દિવસ. એક આપણી જન્મતિથિ અને બીજી આપણી પુણ્યતિથી. વિચિત્રતા એ છે કે આ બંને દિવસો આપણી લાઈફના સૌથી વધુ ઈમ્પોર્ટન્ટ દિવસો હોવા છતાં આપણે એ દિવસે કશું જ નથી કરી શકતા, કશું જ એટલે કશું જ નહિ. દરેકની જિંદગીમાં છેલ્લો દિવસ આવવાનો જ છે એ નિશ્ચિત જ છે છતાં કોણ જાણે કેમ એની કોઈ તૈયારી કે ચિંતા જેવું કશું જ આપણને સુઝતું નથી. શું જીવનના છેલ્લા દિવસ માટે કોઈ તૈયારી કરી શકાય ખરી?
અમે પ્રાથમિકમાં ભણતા ત્યારે સાતમાં ધોરણના ‘છેલ્લા દિવસે’ અમારા ક્લાસને ફુગ્ગાઓ અને લાલ-લીલી-પીળી કાગળની પટ્ટીઓથી અમે શણગારતા. વિદ્યાર્થીઓ પાસે દસ-દસ કે વીસ-વીસ રૂપિયા ઉઘરાવી ‘ભેળ’ બનાવતા. તે દિવસે બોર્ડ પર સરસ ચિત્ર દોરતા અને ડબલ અક્ષરે ‘વિદાય સમારંભ’ એવું લખતા. બોર્ડ પાસે જ પાંચ-સાત ખુરશીઓ ગોઠવતા. એ દિવસે બે-ચાર શિક્ષકો અને પ્રિન્સિપાલ સાહેબ ખુદ અમારા ક્લાસમાં આવી બેસતા. સૌ અમને શિખામણ આપતા, "ભણી, ગણીને આગળ વધજો. નિશાળમાં તોફાન કર્યા એવા જીવનમાં ન કરતા." હસતા-હસતા વાતો થતી અને છેલ્લે સૌની આંખ ભીંજાઈ જતી. અમે સાહેબોને પગે લાગતા, માફી માંગતા અને એ અમને આશીર્વાદ આપતા.
કોલેજમાં છેલ્લો દિવસ ‘સરસ્વતી વંદના’થી શરુ કરી ‘ડાંસ’, ‘જોક્સ’, ‘સાહેબોની મિમિક્રી’, કોલેજના અને સાહેબોના વખાણ, યાદગાર દિવસોનું લીસ્ટ, ‘સોરી..ભૂલ-ચૂકની માફી’, કેટલીક કબૂલાત, આંખોમાં આંસુ અને નાસ્તા પાર્ટી સાથે ઉજવાતો. નોકરીનો છેલ્લો દિવસ બોસ અને સહકર્મીઓના સુખદ-દુ:ખદ અનુભવોના વર્ણનો, શાલ ઓઢાડી કે ટ્રોફી કે કવર જેવું કંઈ આપી અને લંચ કે ડીનર પાર્ટી સાથે સંપન્ન કરવામાં આવતો હોય છે.
પણ જિંદગીના છેલ્લા દિવસનું શું?
એક મિત્રે કહ્યું: દરેક ‘છેલ્લો દિવસ’ છેલ્લા દિવસે જ આવે એવું ન પણ બને, ક્યારેક છેલ્લો દિવસ અધવચ્ચે આવી જાય એવું પણ બને. મને આશ્ચર્ય થયું. છેલ્લો દિવસ વચ્ચે કેવી રીતે આવે? એણે સમજાવ્યું: પ્રાઈવેટ કંપનીઓમાં તો મંદીના સમયે રોજ સવારે ‘ક્યા કર્મચારીનો આજે છેલ્લો દિવસ છે’ એવું ઓફિસના નોટીસબોર્ડ પર લીસ્ટ મૂકી દેવામાં આવતું હોય છે. બિચારો કર્મચારી રૂટિન મુજબ ઉઠે, તૈયાર થઈ બસમાં બેસી હોંશે-હોંશે ઓફિસે પહોંચે ત્યાં ખબર પડે કે આજની સાંજ ઓફિસમાં છેલ્લી સાંજ છે. મને એક કડવો પ્રશ્ન થયો: અધવચ્ચે જેની નોકરી છુટી હશે એ લોકોનો છેલ્લો દિવસ સેલીબ્રેટ થતો હશે ખરો? શું છેલ્લો દિવસ સેલીબ્રેટ કરવા જેવી ઘટના છે કે રોદણાં રડવા જેવી?
એક મિત્રે કહ્યું: દરેક અંત સાથે એક આરંભ જોડાયેલો હોય છે અને દરેક આરંભ સાથે એક અંત. એકત્રીસમી ડિસેમ્બર એટલે વર્ષનો ‘છેલ્લો દિવસ’ પણ તોય દુનિયા આખીમાં એકત્રીસમી ડિસેમ્બરની છેલ્લી મિનિટની, છેલ્લી સેકન્ડ સુધી લોકો નાચ-ગાન, ડિસ્કો-પાર્ટી અને ધૂમ-ધડાકા કરી ‘સેલિબ્રેશન’ કરતા હોય છે. શા માટે? કેમ કે એ જ આખરી ક્ષણ પછી નવા વર્ષનો પહેલો દિવસ શરુ થતો હોય છે. એવી જ રીતે દીકરીના લગ્નનો દિવસ એટલે પિયરીયામાં એનો ‘છેલ્લો દિવસ’. તેમ છતાં આ પ્રસંગમાં આટલી બધી ધામધૂમ શા માટે? કેમ કે લગ્નનો દિવસ પિયરીયામાં ભલે ‘છેલ્લો દિવસ’ હોય, પણ સાસરિયામાં તો ‘પહેલો દિવસ’ છે ને? એક દેશમાં થતો ‘સૂર્યાસ્ત’ એટલે બીજા દેશમાં થતો ‘સૂર્યોદય’. દરેક અસ્તની સાથે ઉદય પણ જોડાયેલો હોય છે.
તો શું જિંદગીના અંત એટલે કે ‘છેલ્લા દિવસ’ સાથે પણ સામે છેડે કોઈ ‘પહેલો દિવસ’ કે ‘આરંભ’ ખરેખર જોડાયેલો હશે? એ શું હશે? આ જન્મ જે આપણે જીવી રહ્યા છીએ એનો ‘પહેલો દિવસ’ પણ આપણા પાછલા જીવનનો ‘છેલ્લો દિવસ’ જ નહિ હોય? આ છેડે આ જન્મનાં ‘પહેલા દિવસે’ આપણા આ જન્મના મમ્મી-પપ્પાએ આપણા ઉપર કેટલું બધું વહાલ વરસાવેલું? બરોબર ત્યારે જ પેલા છેડે ગયા જન્મના ‘છેલ્લા દિવસે’ આપણે અનેક મિત્રો, પરિચિતો, સગાં, સ્નેહીઓને છોડીને આવ્યા હોઈશું ને? ફરતે ઉભેલા મિત્રો, સગા, સ્નેહીઓ તરીકે આપણે ઘણી જગ્યાએ હાજરી આપી ચૂક્યા છીએ, જઈ રહેલા વ્યક્તિની સારમાણસાઈ કે ઉણપ કે પછી શું - એવું આપણે વિચારતા હોઈએ છીએ. પણ સૌને છોડી જઈ રહેલો વ્યક્તિ પોતે આખરી ક્ષણોમાં શું વિચારતો હશે?
આજે નથી આપણો પહેલો દિવસ કે નથી છેલ્લો દિવસ. આજ તો આપણે ક્યાંક વચ્ચે છીએ. નક્કી નથી, ટર્મિનેશન લેટર ક્યારે મળે. આવતી કાલેય મળે, આવતા વર્ષેય મળે અને આવતા દશકેય મળે. પ્રશ્ન એ છે કે આપણો બોસ એટલે કે કૃષ્ણ કાનુડો આપણી સર્વિસ, મહેનત, ઈમાનદારી અને પ્રમાણિકતાથી ખુશ છે કે નહિ? એક વડીલે મોટી વાત કરી: જોબ સેટીસ્ફેકશન. શું તમે પોતે તમને સોમાંથી સો માર્ક આપશો ખરા? પ્રશ્ન તમારી અને ઈશ્વરની વચ્ચેનો છે. આણે આમ કર્યું અને તેણે તેમ કર્યું નહિ, ઈશ્વરે તમને જેટલું વળતર આપ્યું છે એની સાપેક્ષે તમે તમારી પૂરેપૂરી કેપેસિટીથી જીવ્યા છો ખરા?
દોસ્તો, દરેક વર્ષની એકત્રીસમી ડિસેમ્બર, દરેક અઠવાડિયાનો રવિવાર, દરેક દિવસનો ચોવીસમો કલાક અને દરેક કલાકની સાઠમી મિનિટ સહેજ અમથું રોકાઈને ‘પાછળ’ ફરીને જોઈ લેવા માટેની હોય છે. આપણે પોતે ખુશ તો છીએ ને? ઈશ્વર અને આપણી વચ્ચેના કમિટમેન્ટ મુજબ બધું ચાલે તો છે ને? જો જવાબ ‘યેસ’ હોય તો વિશ્વાસ રાખજો આપણી છેલ્લી ક્ષણો ખુદ કૃષ્ણ કાનુડો પુષ્પક વિમાનમાં આવી આપણી સાથે ‘સેલીબ્રેટ’ કરશે.
- kamlesh _joshi_sir@yahoo.co.in