Repentance - Part 2 in Gujarati Moral Stories by Payal Chavda Palodara books and stories PDF | પશ્ચાતાપ - ભાગ 2

Featured Books
Categories
Share

પશ્ચાતાપ - ભાગ 2

પશ્ચાતાપ (ભાગ-૨)

            આગળ આપણે જોયું તેમ, મનોજભાઇ અને સેવંતીબેને તેમના એકમાત્ર દીકરા અનુજને વિદેશમાં ભણવા માટે મોકલ્યો. તે વિદેશમાં જ સ્થાયી થઇ ગયો અને સારી નોકરી પણ મેળવી લીધી હતી. હવે તે ઘરે આવવાનો હતો પણ સાથે એક સરપ્રાઇઝ લઇને. તેના માતા-પિતા બંને એનાથી અજાણ ન હતા કે સરપ્રાઇઝ શું હતી ? અનુજ તેની થનારી પત્ની સાથે ઘરે આવે છે. મનોજભાઇ અને સેવંતીબેન તેના વહુના ઘર વિશે પૂછે છે. તેમાં તેમને જાણવા મળે છે કે, તેના માતા નથી અને પિતાએ તેની માતાની હયાતીમાં બીજી કોઇ સ્ત્રી સાથે લગ્ન કરી દીધા હતા. આ વાત જાણીને મનોજભાઇ અને સેવંતીબેન થોડા ગંભીર થઇ જાય છે. હવે આગળ..........................

               અનુજની વાત સાંભળી મનોજભાઇ અને સેવંતીબેન થોડા તણાવમાં આવી જાય છે. તેઓ વાતને બીજે લઇ જાય છે અને સેવંતીબેન કહે છે કે, ‘અનુજ એ વાત મૂકી દે હવે. સ્મીતા હવે આપણા ઘરની વહુ બનવાની છે એને અહી હું દીકરીની જેમ જ રાખીશ.’ એમ કરીને તેઓ જમવાની તૈયારીનું કહી ત્યાંથી ઉભા થઇ જાય છે. પછી બધા સાથે જમવા બેસે છે અને થોડી ઘણી વાત કર્યા પછી પોતપોતાના રૂમમાં જતા રહે છે. સ્મીતા તેના મામાને ત્યાં રોકાવાની હોય છે. આથી અનુજ તેને મામાને ત્યાં મૂકવા જાય છે.  

રાતે મનોજભાઇ અને સેવંતીબેન રૂમમાં આવે છે ત્યારે બંને ચિંતિત હતા. સેવંતીબેન અને મનોજભાઇ તો એકબીજા સામે જોઇ જ રહ્યા. તેઓ બંને ભૂતકાળમાં સરી પડયા અને તેમને ભૂતકાળમાં જે ભૂલ કરી હતી એ યાદ આવી ગઇ. મનોજભાઇ એ તેમની પહેલી પત્ની શારદાની હયાતીમાં અને બે બાળકો હોવા છતાં સેવંતીબેન સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન પછી પણ તેઓએ તેમની પહેલી પત્ની પ્રત્યે કોઇ ફરજ નીભાવી ન હતી. તેમની પહેલી પત્ની મનથી મક્કમ થઇને તેના બે બાળકો સાથે અલગ રહેવા જતી રહી. એ વખતમાં ના સેવંતીબેને તેમને રોક્યા કે ના મનોજભાઇએ અને દયાનો તો ભાવ જ નહી. સેવંતીબેનના પહેલા લગ્ન હતા પણ મનોજભાઇનાઆ બીજા લગ્ન હતા. સેવંતીબેન પહેલેથી જ મનોજભાઇની પહેલી પત્ની વિશે જાણતા હતા.  

મનોજભાઇ વાતની શરૂઆત કરે છે, ‘હું જે વિચારું છું તું પણ એ જ વિચારે છે ને?’ સેવંતીબેન હા કહીને કહે છે કે, ‘હા આપણે બહુ મોટી ભૂલ કરી છે. આપણે આપણા સ્વાર્થ ખાતર શારદાની જીંદગી અને તેના બાળકોની જીંદગી નર્ક બનાવી દીધી. એ તો આપણી પાસે આવી હતી અને કરગરી પણ હતી કે, તેમના બાળકોને થોડી ભણવામાં મદદ કરો. એ સીવાય તેમને કંઇ જ જોતું નથી. પણ આપણે તેમને ધૂતકારીને બહાર કાઢી મૂકયા. આપણે તો પાછળથી પણ તેમની દરકાર ન કરી. શું કરતાં હશે તે બાળકો ? કેટલી મૂશ્કેલીમાં હશે તે?’’

મનોજભાઇ કહે છે કે, ‘વાત તો તારી સાચી છે. પ્રેમમાં અંધ થઇને મે મારા બાળકોનું પણ ના વીચાર્યુ. તેમના પ્રત્યેની મારી ફરજથી પણ હું દૂર રહ્યો. સ્મીતાની આંખમાંથી વાત કરતી વખતે જે આંસુ આવ્યા ત્યારે જ મને એ વાતનો એહસાસ થયો કે મારા બાળકો પણ આ રીતે દુખી થયા હશે અને હવે એ ભૂલ આપણે સુધારી પણ શકીએ તેમ નથી.’ સેવંતીબેન કહે છે કે,    ‘આપણે તે ભૂલ સુધારી તો નથી શકતા પણ આપણે સ્મીતાને સારી રીતે રાખીએ તો કદાચ ભગવાન પણ આપણને માફ કરી દે.’

મનોજભાઇ કહે છે કે, તારી વાત તો સાચી છે પણ આપણે શારદાનો સંપર્ક સાધીને તેની પરિસ્થિતિ વિશે જાણકારી લઇએ તો ?’ સેવંતીબેન કહે કે, ‘એકદમ સાચી વાત. આ જ થઇ શકે હવે તો.’ બીજા દિવસે તેઓ શારદાની જાણકારી મેળવવા પ્રયાસ કરે છે.

શું તેમને શારદાની જાણકારી મળશે ? મળ્યા પછી શારદાની પરિસ્થિતિ કેવી હશે ? કે તે હવે મનોજભાઇને યાદ જ કરવા નથી માંગતી?

( વધુ આવતા પ્રકરણે ભાગ-૩ માં)

-  પાયલ ચાવડા પાલોદરા