(કેશવ બાપુના ચરણસ્પર્શ કરી પોતાના પાપોનુ પ્રાયશ્ચિત કરવા સીતાપુર જવા રવાના થયો.) હવે આગળ વાંચો..
માસીએ જ્યારે કહ્યુ કે.ચકોરી સીતાપુર એના બાપુના ભાઈબંધ કિશોર પૂજારીના ધરે હોવી જોઈએ. ત્યારે અંબાલાલ પોતાના માણસો સાથે સીતાપુર જવા તૈયાર થયો.
અંબાલાલશેઠ.એના ચાર અલમસ્ત સેવકો સાથે સીતાપુર પહોંચ્યો. સીતાપુર ગામમાં દાખલ થતા જ સૌથી પહેલા રહેમાનનુ ગેરેજ એમને દેખાયુ. ગેરેજ પાસે ગાડી ઉભી રાખીને મેઘલાએ મોટરની બારીમાથી હાંક મારી.
"એય જુવાન.પૂજારીનું ઘર કઈ તરફ આવેલું છે.?"
ઇકો ગાડીનું બોનેટ ખોલીને એમાં શું ખરાબી છે એ રહેમાન શોધી રહ્યો હતો. ત્યાં એના કાને મેઘલાનો પ્રશ્ન ટકરાયો. એણે બોનેટમાંથી માથું ઊંચું કર્યું અને મેઘલા તરફ જોઈને કહ્યુ.
"સીધે સીધા ચાલ્યા જાવ.ગામ શરૂ થતા જ જમણા તરફ નુ પાંચમુ ઘર પૂજારીકાકા નું છે."
રહેમાને જેવું બોલવાનું પૂરું કર્યું કે તરત મેઘલાએ મોટર આગળ દોડાવી. હવે રહેમાનનું ધ્યાન મોટરમાં બેસેલા પાડા જેવા પહેલવાનો ઉપર પડ્યુ.અને એને વહેમ પડ્યો કે જીગ્નેશ કહેતો હતો કે તેણે ચકોરીને દૌલતનગર ના કોઈ અંબાલાલશેઠના ચુંગુલથી છોડાવી હતી. એ આધેડ વયનો શેઠ ચકોરી ને પરણવા માંગતો હતો.તો આ લોકો અંબાલાલના માણસો તો નહીં હોય ને? કિશોરકાકાને ત્યા પહેલા તો ક્યારેય આવા લોકો આવ્યા ન હતા. હોય નો હોય આ અંબાલાલના જ ગુંડાઓ હોવા જોઈએ.જે ચકોરીને શોધતા શોધતા અહીં સુધી પહોંચ્યા લાગે છે. અને હું પણ સાવ મુરખાની જેમ આ લોકોને સાચે સાચું સરનામું કહી દીધું. મારે ઝટ જઈને જીગ્નેશને આ બાબતની જાણ કરવી પડશે.એણે ખુણામાં પડેલી પોતાની સાયકલ કાઢી અને રમેશ ની વાડી તરફ મારી મૂકી.
કિશોર પૂજારીના ઘરની બરાબર સામે મેઘલાએ મોટર ઉભી રાખી. બરાબર એ જ વખતે ચકોરી ઘરની બાહર વાસણ ઉટકવા માટે સુંડલામાં વાસણ લઈને નીકળી.અને એ નીચે સુંડલો મુકવા જતી હતી ત્યા.મેઘલાએ બરાબર ઘરની સામે મોટર ઉભી રાખી. અને ચકોરીની નજર સીધી મોટરમાં બેસેલા અંબાલાલ ઉપર પડી.અને એની છાતીમાં ધ્રાસકો પડ્યો.
"હે ભગવાન આ લોકો તો અહીં સુધી આવી પહોંચ્યા."
એ ઝડપથી સૂંડલો લઈને પાછી ઘરમાં ચાલી ગઈ. અને અંદરથી કડી વાસી દીધી.ગીતામાંએ એને આમ અચાનક ગભરાયેલી જોઈને પૂછ્યુ.
"શું થયું બેટા?આમ અચાનક દરવાજો કેમ વાસી દીધો?"
ગભરાયેલી ચકોરી બાને વળગીને આક્રંદ કરતા બોલી.
"બા.. બા. ઓલો અંબાલાલ આય સુધી આવી પહોંચ્યો છે."
"કોણ અંબાલાલ?"
બાએ પૂછ્યુ.
"જે તારી સાથે જબરજસ્તી પરણવા માંગતો હતો એ?"
"હા બા એ જ"
ચકોરી કંપતા સ્વરે બોલી.
ચકોરીને દોડીને ઘરમાં જતા અંબાલાલે જોઈ લીધી હતી.એટલે એણે દરવાજાને બહારથી ખખડાવતા મોટેથી બરાડ્યો.
"દરવાજો ખોલ ચકોરી.હુ તારો થનારો ધણી અંબાલાલ તને લેવા આવ્યો છુ."
ચકોરી ગભરાટમાં બાને વધુ જોરથી વળગતા બોલી.
"બા હવે શું થશે?"
"હિંમત રાખ દીકરા.ઈશ્વર ઉપર વિશ્વાસ રાખ એ તને ઉની આંચ નહી આવવા દે."
બાએ ચકોરીને સાંત્વના આપતા કહ્યુ. બહારથી અંબાલાલનો ફરી ચેતવણી આપતો સુર સંભળાયો.
"હું ત્રણ સુધી ગણું છું ચકોરી.જો તે દરવાજો ના ખોલ્યો તો અમે દરવાજો તોડીને અંદર આવીશુ અને તને તો લઈને જ જઈશુ.તો દરવાજો તોડાવીને આ ગરીબ પૂજારીનું શા માટે નુકસાન કરાવે છે.સીધી રીતે બહાર આવી જા ને."
ચકોરી અને બા બંને ચૂપ જ રહ્યા એક શબ્દ પણ બોલ્યા વિના.જરા વારની શાંતિ પછી ફરી અંબાલાલ નો ઘોઘરો સ્વર સંભળાયો.
"ચકોરી.ભલી થઈને દરવાજો ઉઘાડ"
અંબાલાલે બહાર ઉભા ઉભા થોડીક ક્ષણ વધુ પ્રતીક્ષા કરી. પણ પછી એને લાગ્યુ કે ચકોરી દરવાજો ઉઘાડે એમ નથી. તો એણે કાંતુને સત્તાવાહી સ્વરે આદેશ આપતા કહ્યુ.
"કાંતુ. તોડી નાખ બારણુ."
વધુ આવતા અંકે.