You have changed... in Gujarati Short Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | તમે બદલાઈ ગયા...

Featured Books
Categories
Share

તમે બદલાઈ ગયા...

વાર્તા:- તમે બદલાઈ ગયા
વાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની





ત્રણ વર્ષ પહેલાં મારી સાથે જ બનેલી એક ઘટના રજુ કરું છું. તે સમયનો મારો દસમા ધોરણનો બેચ, એવો બેચ કે જે વિદ્યાર્થીઓ મારી સાથે હું આ શાળામાં જોડાઈ ત્યારથી સાથે જ હતાં. આ વિદ્યાર્થીઓ જ્યારે પાંચમાં ધોરણમાં હતાં ત્યારે હું આ શાળામાં જોડાઈ હતી.


આ શાળામાં જોડાઈ એ પહેલાં મેં બાર વર્ષ સુધી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગણિતની શિક્ષિકા તરીકે કામ કર્યું છે. થોડાં સંજોગોને આધિન તે વર્ષે મેં પ્રાથમિક વિભાગ લીધો હતો. આ બાળકો જ્યારે પાંચમાં ધોરણમાં હતાં ત્યારે હું ધોરણ પાંચ, સાત અને આઠમા ગણિત લેતી હતી. હું અંગ્રેજી માધ્યમમાં ભણાઉં છું, વર્ષોથી. આ વિદ્યાર્થીઓ જેમ જેમ ઉપલા ધોરણમાં જતાં ગયાં તેમ તેમ તેમની સાથે હું ય પ્રમોશન મેળવતી ગઈ. આમ કરતાં કરતાં આ બાળકો ધોરણ પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ એમ પાંચ વર્ષ મારી પાસે મેથ્સ ભણ્યા.


જ્યારે મેથ્સ ભણાવતી હોઉં ત્યારે હું થોડી કડક થઈ જાઉં ક્લાસમાં. જો બધાં વાત કરતાં હોય તો હું સમજાઉં છું એ કોઈ સમજી જ ન શકે. આથી ક્લાસમાં શાંતિ હોય તો જ ભણાવી શકાય. પણ જો હું પ્રાથમિક વિભાગમાં ભણાવતી હોઉં તો થોડી મસ્તી, થોડી પ્રવૃત્તિઓ એમ કરતાં કરતાં રમતાં રમતાં ગણિત કરાવી દઉં. બાળકો કંટાળે પણ નહીં. આમ તો મારા પિરિયડમાં ભાગ્યે જ કોઈ કંટાળે (જાતે જ વખાણી લઉં છું મને😀).

એક વખત જ્યારે આ છોકરાંઓ દસમા ધોરણમાં હતાં ત્યારે ક્લાસ ટેસ્ટ ગોઠવી હતી મેં અને બધાંનાં બહુ જ ઓછાં માર્કસ આવ્યાં હતાં. ટેસ્ટની જાણકારી પંદર દિવસ અગાઉ જ કરી દીધી હતી તે છતાં પણ આવું પરિણામ હતું. હું બરાબર ગુસ્સે થઈ હતી. બહુ ખીજવાઈ હતી બધાંને.

મારું બોલવાનું પત્યું ને એક છોકરો ઉભો થયો અને કહ્યું, "મિસ, આપ તો ઐસે ન થે. આપ તો હમેં કિતના પ્યાર કરતે થે. યુ અલવેઝ લવ્ડ અસ. યુ ગોટ એંગ્રી ઓન અસ. બટ ધેન યુ મેડ અસ ટુ લાફ અલ્સો. નાઉ વૉટ હેપન્ડ ટુ યુ? ગુસ્સા હુએ તો ગુસ્સે મેં હી રહે. અબ હસાઓ હમેં. આપ ક્યા અબ હમેં પ્યાર નહીં કરતે?"


અને હું હસી પડી. ત્યારે મને અહેસાસ થયો કે ભલે હું થોડી કડક સ્વભાવની છું, પણ મારાં બાળકો મને પસંદ કરે છે. હાલમાં આ બધાં કૉલેજનાં પ્રથમ વર્ષમાં છે. દિવાળી વેકેશન પછી બધાં સ્કૂલમાં આવ્યાં હતાં અમને શિક્ષકોને મળવા. મને દસમા ધોરણમાં પ્રવૃત્તિઓ કરાવતી અને એક્સ્ટ્રા ક્લાસ લેતી જોઈને એમણે એટલું જ કહ્યું, "મિસ, આપ અભી ભી વૈસે હી હો. નો ચેંજ ઈન યુ. અપને આપસે જ્યાદા હમેશા બચ્ચોકો ટાઈમ દેતે હો."


બાકીની વાતો ગુજરાતીમાં રજુ કરું છું.

"દર વર્ષે અમને એવું લાગતું હતું કે હવે તો તમે અમને પ્રેમ જ નથી કરતાં. પણ જ્યારે તમને છોડીને ગયાં ત્યારે ખબર પડી કે તમને તમારાં વિદ્યાર્થીઓ કેટલા વ્હાલા છે. તમારો ગુસ્સો પણ અમારાં સારા માટે જ હતો એ હવે સમજાય છે."


આવું દર વર્ષે સાંભળવા મળે છે. ગર્વથી છાતી ગજ ગજ ફૂલે છે. ભલે બાળકોને લાગતું કે ટીચર અમને પહેલાં જેવો પ્રેમ નથી કરતાં, પણ જ્યારે એમને સાચી વાતનો અનુભવ થાય છે ત્યારે જ ખબર પડે છે બાળકોનાં ધોરણ અને ઉંમર પ્રમાણે ટીચરે પોતાનું વર્તન રાખવું પડે.



આભાર.

શાળામાં હોય ત્યાં સુધી ગુસ્સાવાળી, પણ શાળા છોડી ગયાં બાદ પ્રેમ કરનારી અનુભવાયેલી બાળકોની ગણિતની શિક્ષિકા,

સ્નેહલ જાની