Swarg ni Mulakat - 1 in Gujarati Short Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સ્વર્ગની મુલાકાત - 1

Featured Books
Categories
Share

સ્વર્ગની મુલાકાત - 1


પ્રકરણ : ૦૧ - ગુલમર્ગ તરફ
સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા

શ્રીનગરનાં ઠંડાં, ઘેનભર્યાં વાતાવરણમાંયે સવારનાં પાંચ વાગ્યાનું એલાર્મ રણકી ઉઠતાં હેલી અને નિમય એક આંચકા સાથે જાગી ગયાં. અલબત્ત, આંચકો સુખદ જ હતો. ૭૦-૮૦નાં દશકની હિન્દી ફિલ્મોમાં માણેલાં એ બરફાચ્છાદિત પહાડો અને જીવંત બરફવર્ષામાં મોજ કરતાં રૂપકડાં ફિલ્મી કલાકારો, તે બેયને જીવનમાં ક્યારેક, પણ જરૂરથી, પૃથ્વીનાં અને ખાસ તો ભારતનાં સ્વર્ગ સમા કાશ્મીરની મુલાકાત લેવાં લલચાવતાં. આજે તેમની આ ઇચ્છા પૂરી થનાર હતી. હેલીએ નિમયને 'ગુડમોર્નિંગ' કહ્યું અને તેમની વચ્ચે સુતેલી દીકરી, રીયાનાં કપાળ ઉપર હેતથી હાથ ફેરવ્યો. નિમયે વળતું જવાબી સ્મિત આપ્યું અને રીયાએ ઓઢેલ બ્લેન્કેટ થોડો વ્યવસ્થિત કર્યો. ઠંડી તો રાત કરતાં પણ વધુ કાતિલ જણાતી હતી.

હૂંફાળાં બ્લેન્કેટ પાથરેલી પથારી છોડવાનું કામ ઘણું હિંમત માંગી લે તેવું હતું છતાંયે હેલીએ ધીમે રહીને ઓછાડમાંથી પોતાનો એક પગ જમીન ઉપર સરકાવ્યો જે હાઉસબોટનાં તે ઓરડાની લાકડાની સપાટી ઉપર બિછાવેલ ગાલીચાને અડ્યો. રાત્રે હંમેશા પાતળાં, કોટનનાં કુર્તા અને પાયજામામાં જ સૂવા ટેવાયેલી હેલીનાં પગમાંયે ઊનનાં મોજાં જોઈ નિમય હસવું ન રોકી શક્યો. હેલીએ થોડાં છોભીલાં પડતાં કહ્યું, "આપણે ત્યાં તો અગિયાર - બાર ડિગ્રી જેટલું તાપમાન બે-ત્રણ દિવસ પણ માંડ રહે છે. અહીં તો આવ્યાં ત્યારથી ૪ ડિગ્રીથી ઉપર તાપમાન જ નથી જતું?" નિમય મહામહેનતે ઓછાડ કાઢી પથારીમાંથી નીચે ઊતર્યો પણ, પગની પાની ખુલ્લી થતાં જ ટાઢનું લખલખું શરીરમાં વ્યાપી ગયું. તેની ધ્રુજતી હડપચીને લીધે તેનાં શબ્દો અસ્પષ્ટ ઉચ્ચારણ સાથે હવામાં બરફનાં ચોસલાંની માફક બહાર નીકળ્યાં," સાચે જ હેલી, આપણે તૈયાર કેવી રીતે થઈશું? અને આ બચુકડી રીયા તો અહીં બરફની પરી બનાવવા કેટલી આતુર છે? તેનું શું થશે?" હેલીએ નિમયની ધ્રુજતી દાઢીએ પોતાની શાલનો છેડો લગાડી દીધો અને બોલી, "આપણે બહુ પાણી નહીં અડકીએ. ઝડપભેર તૈયાર થઈ જઈએ પછી, રિયાનું શરીર તો હૂંફાળાં પાણીવાળાં નેપકીનથી જ લૂછી લઈશ. તેને નવડાવવાની જરૂર નથી. વળી, હાફિઝભાઈએ કહ્યું હતું કે આજે તો કોઈ મંદિરે પણ નથી જવાનું, એટલે ચાલશે ને?'" "હા, હા. તું કહે તો આપણને પણ ચાલશે ને? આટલી ઠંડીમાં તો ગરમ પાણી પણ બરફ બની માથામાં વાગશે." હેલીએ આંખો કાઢી. બાજુનાં ટેબલ ઉપરથી ટૂથબ્રશ, પેસ્ટ અને નહાઈને પહેરવાનાં કપડાં ઊપાડ્યાં અને જલ્દીથી ગાલીચો પાથરેલાં બાથરૂમમાં તૈયાર થવાં જતી રહી.

અહીં બેસિનનાં અરીસા ઉપર અંગ્રેજી અને હિન્દીમાં મોટાં અક્ષરે સૂચના લખેલ હતી," નીચે ગાલીચા ઉપર પાણી ઢોળાયું તો ૩૦૦ રૂપિયા દંડ ભરવો પડશે." આખી હાઉસબોટ લાકડાંની બનેલ હતી અને કિમતી સામાન અને ગાલીચાઓથી સજાવાયેલ હતી. વર્ષ ૨૦૦૭માં તેની કિંમત, માત્ર હાઉસબોટની કિંમત ત્રણ કરોડ રૂપિયા હતી. હાફિઝભાઈએ જ જણાવ્યું હતું. બ્રશ કરતાં કરતાં હેલીથી થોડું મલકી જવાયું. પણ, બેસિનનાં નળનાં પાણીનાં સ્પર્શે તેનું હાસ્ય થીજાવી દીધું. બને તેટલી ત્વરાથી તે બોઈલરનાં ગરમ પાણીમાં નહાઈને બહાર આવવાની ઉતાવળમાં હતી. અહીં મઝાનું વિશાળ બાથટબ હતું જે શહેરનાં તેનાં ઘરમાં તો સ્વપ્નવત્ જ હતું. પણ, અહીં તેની મઝા માણવાનો વિચાર પણ પોતાની જાત સાથે ક્રૂરતાભર્યો લાગી રહ્યો હતો. ઘરે રોજ સવારે લગભગ સવા કલાકે બાથરૂમની બહાર નીકળતી હેલી અહીં સત્તરમી મિનિટે બાથરૂમની બહાર હતી. અહીં હાઉસબોટમાં ફોન નહોતો અને મોબાઈલ ફોન એટલાં સુલભ નહોતાં બન્યાં કે હાઉસબોટનાં માલિક પાસે પણ હોય. તે નિમયને ફ્રેશ થવાનું કહી હળવેકથી ઓરડાનું બારણું ખોલી હાઉસબોટની પેન્ટ્રીમાં સરકી ગઈ.

હાફિઝભાઈનાં પત્ની મરિયમ, ત્યાં બધાં માટે કેસર, તજ, ઈલાયચી અને ચાની પત્તી નાખીને સુગંધીદાર કહાવો ઉકાળી રહ્યાં હતાં. તે કહાવાની ગરમાટો ભરેલી સુગંધ હવામાં ભળીને તાપમાનને થોડું ઊંચું કરવાનો ભરચક પ્રયાસ કરી રહી હતી. મરિયમે હેલીને કહાવાનાં ગરમાવા જેવું જ હૂંફાળું સ્મિત આપ્યું. હેલીનો થીજી ગયેલો મિજાજ પણ થોડો રમતિયાળ થવા લાગ્યો. એટલામાં મરિયમનાં સાસુ, શગુફ્તાબાનુ તેમનાં બે મહિનાનાં ગુલાબનાં ગોટા જેવાં પૌત્ર, બિલાલને તેડીને આ મહેમાનોને સવાર - સવારમાં નાસ્તો પીરસવા આવી ગયાં. તેમની પાછળ તેમનો નાનો દીકરો કમાલ અને તેની પત્ની રૂહમા હતાં. તે બંનેએ ફટાફટ તાસકો ગોઠવવા માંડી. હેલીએ નાનકડા બિલાલ તરફ વહાલથી હાથ લંબાવ્યાં. શગુફ્તાબાનુએ હળવેકથી બિલાલને હેલીનાં હાથમાં આપી દીધો. હેલી તેને રમાડતા રમાડતાં બેઠકખંડના આલિશાન, દસ બાય સાત ફૂટનાં લાકડાંની કલાત્મક કોતરણીવાળી ફ્રેમમાં જડેલાં અરીસા સામેનાં અદ્ભુત કોતરણીવાળાં સોફા ઉપર જઈને બેઠી. ત્યાં તો પરિચિત કોલાહલ સંભળાવા લાગ્યો, "ના, ના, હું વાળ નહીં ઓળાવું, આ ટોપી તો પહેરી છે." , મોહનાએ લગભગ ચીસ પાડતાં કહ્યું.
પ્રેમાએ ચિઢાઈને વાત્સલ્યને કહ્યું, "અરે, સીધો ઊભો રહે, નહીં તો અંકલ તને લેકનાં પાણીમાં જ ફેંકી દેશે."
"તમે બધાં મને જ વઢતાં રહો છો." , કાવ્યા પોતાનાં લાંબા વાળનો ચોટલો છોડતાં બોલી.
" મારે ફરવા નથી આવવું, ટીવી જોવું છે.", અમલ પગ પછાડતાં બોલી રહ્યો હતો. તેની પાછળ બિલકુલ બેફિકરાઈથી સુહાસ અને વાસવી, અમલનાં માતા-પિતા જાણે પ્રેમીપંખીડાની પેઠે ચાલી રહ્યાં હતાં, "હેન્ડીકેમ લીધો છે ને? બહુ જ બધું રિકોર્ડિંગ કરીશું. આપણું તો થર્ડટાઈમ હનીમૂન જ થઈ જશે ને, ડાર્લિંગ ?"

અરે, કાંઈ સમજાયું ? આ અવાજો નિમય અને રિયા સાથે આવેલ બીજાં ત્રણ મિત્રોનાં પરિવારજનોનાં હતાં. હા, નિમયનાં ત્રણ મિત્રો અને તેમની પત્નીઓ પોતાનાં બાળકો સાથે કાશ્મીરની આ સહેલગાહે નીકળ્યાં હતાં. નિમયનાં એક મિત્ર રમણિક અને તેની પત્ની શ્યામાને એક દીકરી, નામે મોહના હતી જે રીયાની જ ઉંમરની હતી. બીજાં મિત્ર પ્રત્યૂષ અને તેની પત્ની પ્રેમાને, રીયા અને મોહનાની ઉંમરની દીકરી, કાવ્યા અને સાવ એક વર્ષનો દીકરો વાત્સલ્ય, એમ બે બાળકો હતાં. ત્રીજાં મિત્ર સુહાસ અને તેની પત્ની વાસવી મોટાં દીકરા અમલને સાથે લાવ્યાં હતાં જ્યારે નાનાં વાત્સલ્યની ઉંમરનાં દીકરા, સોહમને, ઘરે તેની આયા સાથે મૂકીને આવ્યાં હતાં. ત્રણેય દીકરીઓ સાત-સાત વર્ષની અને અમલ આઠ વર્ષનો હતાં. લગભગ સમાન વય અને શાળા પણ એક જ એટલે ચારેયને બનતું યે સારું અને મોકો મળ્યે ઝઘડી પણ લેતાં.

એટલામાં નિમય તૈયાર થઈ, રીયાને હાથમાં ઊંચકીને બહાર આવી ગયો. બધાંએ કહાવા સાથે આદુવાળાં કાશ્મીરી બિસ્કિટ ખાધાં અને ઘરેથી લાવેલ સુખડી અને શકકરપારા પણ થોડાં થોડાં લીધાં. ચેવડો અને થેપલાં પણ એકબીજાંને આગ્રહપૂર્વક ખવડાવાયાં. એક ગુજરાતી, પ્રવાસમાં સાથે ઘરનો નાસ્તો ન ભરી જાય તો તેને ઘરઝુરાપો લાગે. લગભગ સવારે પાંચ વાગ્યાથી આરંભાયેલો આ સંઘનો સંઘર્ષ સાડાસાતે પૂરો થયો. બધાંએ પર્સ, ફોન, કેમેરા, ક્રેડિટ-કાર્ડ, બાળકો માટે થોડો નાસ્તો, થોડી જરૂરી દવાઓ તેમજ પાણીની બોટલ સાથે લઈ હાફિઝભાઈ અને કમાલ સાથે ગુલમર્ગ તરફ નીકળવાનું આરંભ્યું. હાઉસબોટમાંથી નીકળી લાલચોક તરફનાં ઓવારા ઉપર પહોંચવા માટે બે શિકારા તૈયાર હતી. હાફિઝભાઈ અને કમાલે બધાં બાળકોને ખૂબ માવજતથી શિકારામાં ચઢાવ્યાં. હેલી અને નિમય પણ એકબીજાંનાં ટેકે શિકારામાં ચઢી ગયાં. શગુફ્તાબાનુએ અને તેમની બંને વહુઓઓ બધાંયે મહેમાનોને ખૂબ ભાવસભર સ્મિત આપ્યું. બધાંએ પોતપોતાની જગ્યા લીધી પછી શિકારાએ દલ લેકમાં કિનારા તરફ પ્રયાણ કર્યું. આજે કાર્યક્રમ હતો ગુલમર્ગનો જે વધુ ઊંચાઈ ઉપર હતું અને નવેમ્બર માસની શરૂઆત તેમજ સતત નીચે જતું આજનું તાપમાન એક ઈશારો કરી રહ્યું હતું કે, 'આજે કદાચ અહીં મોસમની પ્રથમ બરફ વર્ષા થશે.' બધાં જ બે-બે, ત્રણ-ત્રણ સ્વેટર, જેકેટમાં વીંટાયેલાં હતાં.

શિકારાનું અંતર તો સાત-આઠ મિનિટમાં જ કપાઈ ગયું. ધીમે ધીમે બધાં કિનારે ઊતરી ગયાં. હાફિઝભાઈએ આમતેમ જોતાં તેમની ટેક્સી, 'ટેમ્પો ટ્રાવેલર' નજરે ચઢી. ડ્રાઈવરને ઈશારો કરતાં તે ઝડપથી ટેક્સી નજીક લઈ આવ્યો. બધાંયે પરિવાર અંદર ગોઠવાઈ ગયાં. અહીંથી કમાલ તેમની સાથે ટેક્સીમાં બેઠો અને હાફિઝભાઈએ સાંજે ફરી મળવાની વાત કરી. ટેક્સી ઉપડી તે સીધી ગુલમર્ગની તળેટીમાં. ઠંડી સતત વધતી હતી પણ, બરફ જોવાની લાલચમાં બધાંયની સહનશીલતાનો આંક ઊંચો આવી ગયો હતો. રીયા, મોહના, કાવ્યા અને અમલ બરફમાં કેવી રીતે ચાલીશું, કોણ કોને બરફનાં વધારે ગોળા મારશે અને કોણ લપસણીઓ ખાશે તેની બાળસહજ ચર્ચાઓ કરતાં હતાં. એટલામાં ઉતરવાનું સ્થળ આવી ગયું. ટેક્સી ડ્રાઇવરને ત્યાં જ રોકાવાનું કહી કમાલ બધાં જોડે નીચે ઉતર્યો.

અહીંથી ચાલીને પણ ઉપર ગુલમર્ગ જવાતું હતું, રોપ-વેમાં પણ જવાતું હતું અને ટટ્ટુ તો હતાં જ. રોપ-વે ની લાંબી લાઈન અને બાળકો સાથે પગે ચાલીને ચઢાણ શક્ય નહોતું. એટલે ટટ્ટુની સવારીનો નિર્ણય લેવાયો. એક પછી એક ટટ્ટુવાળાં છોકરાઓ આવતાં ગયાં. અને ભાવ ઠરાવી કમાલે બધાંયને બેસાડવા માંડ્યાં. વૈષ્ણવીદેવી જવા માટે એક ઘોડા ઉપર માતા સાથે બાળક બેસાડતાં હતાં જ્યારે અહીં, તો નાનકડાં વાત્સલ્ય સિવાય દરેકનાં ટટ્ટુ જુદાં. સ્ત્રીઓનો જીવ થોડો અધ્ધર થઈ ગયો. પણ, છૂટકોયે નહોતો. તેમણે બાળકોવાળાં ટટ્ટુ મોટેરાંઓની વચ્ચે રાખવાં કહ્યાં. કુલ બાર ટટ્ટુ ઉપર બધાં બેઠાં અને બધાંયે ટટ્ટુ સાંઢણીઓની માફક મલપતી ચાલે પહાડનાં ત્રાંસ ઉપર ચઢવા લાગ્યાં. ક્યાંક મેદાન, થોડું ઘાસ, આછાં પાતળાં ઝાડ અને અચાનક ખીણમાં કૂદી પડતા ઝરણાં વચ્ચે બધાંયે ટટ્ટુ પોતપોતાનાં બિન અનુભવી અસવાર અને અત્યાનુભવી રક્ષકો સાથે આગળ વધવા લાગ્યાં. હજી સૂર્યનારાયણ વાદળનાં છાબડે ઢંકાયેલાં હતાં. ગામમાં માંડ મોંસૂંઝણું થયું હોય એટલો જ પ્રકાશ સવારે સાડા આઠે દેખાતો હતો. નિમય અને હેલીએ ટટ્ટુ હાંકનારાને ફરી કહી જોયું, "બાળકોને અમારી સાથે બેસવા દો ને ? અમે ભાડું પણ બમણું આપીશું." પણ, બધાંય ટટ્ટુવાળાં એકસૂર તાણતા, "ના, ના. આ ટટ્ટુ છે. ઘોડાં નહીં. તેમની ઉપર બેથી ન બેસાય. તેમને જ ન ફાવે." રમણિક થોડો ગુસ્સે થયો, "તે આ ટટ્ટુ તમને બધું કહે અને તમે સમજો પણ, એમ?" બધાંએ તેને વાર્યો. ટટ્ટુ હાંકનારાંઓને કોઈ ફરક ન પડ્યો. તે બધાંય પોતાની મસ્તીમાં તેમની ડોગરી ભાષામાં અંદરો અંદર અને અમારી સાથે ભાંગીતૂટી હિન્દીમાં વાતો કરતાં ચાલી રહ્યાં હતાં.

અમે પરાણે થઈ રહેલાં મઝાનાં સૂર્યોદયને માણવાની અથાગ કોશિશ કરતાં હતાં, તે આ પહાડી લબરમૂછિયાઓ માટે રોજની વાત હતી. અમારી સૌંદર્ય માણવાની ભૂખ તેમનાં પેટની આગને સંતોષવાનું કારણ બનતી હતી. છેવટે અમે તેમની સાથે કોઈ વિવાદ કરવાનું ટાળી સફરને મઝાની બનાવવા તેમની સાથે વાતો માંડી. પણ આ શું? હજી માંડ એક કિલોમીટરનું જ ચઢાણ થયું હશે અને ધીમે ધીમે ટટ્ટુ સાથે ચાલનારાં છોકરાંઓ ઘટી ગયાં. હવે મારાં, રિયાનાં અને કાવ્યાનાં ટટ્ટુ સાથે એક જ છોકરો હતો. તે જ રીતે, પ્રત્યુષ, નિમય અને અમલનાં ટટ્ટુ વચ્ચે પણ એક જ છોકરો ચાલતો હતો. મોહના, પ્રેમા થોડાં પાછળ હતાં. વળી, સાવ એક વર્ષનો વાત્સલ્ય પ્રેમાની આગળ બેઠો હતો. એક ટટ્ટુ હાંકનાર તેમની સાથે અને શ્યામા, વાસવી, સુહાસ અને રમણિકનાં ટટ્ટુ વચ્ચે વળી એક છોકરો. અમે ગભરાયાં.

નિમયે તેમની સાથે ચાલતાં અતિ વાતોડિયા ટટ્ટુવાળાંને પૂછતાં, તેણે ટટ્ટુની આવડત અને પોતાનાં ભાઈબંધોની હોંશિયારીની શેખી મારી, "એ તો એવું છે ને સા'બજી, અમે બધાં જ આ બધાં ટટ્ટુઓ સાથે જઈએ. અને એ તો રોજેરોજ જાય ને? તેમને બધાં જ રસ્તાની ખબર, હવાનો વરતારોયે જાણે. પોતાને સાચવતાં - સાચવતાં, પેસેન્જરોને પણ સાચવી લે. અમારાં આ ટટ્ટુને હાંકવાં ન પડે. એ તો જાતે જ ડાબે-જમણે વળે." એટલામાં નિમયનું ટટ્ટુ સીધો રસ્તો છોડી ડાબે વળ્યું જ્યાં ઘણું ભીનું અને ચીકણું હતું. ટ્રીમ કરેલી દાઢી જેટલું થોડું ઘાસ ત્યાં ઉગેલું. અને એકદમ ખીણને અડીને ખૂણામાં એક જાડી વડવાઈથી થોડી જ પાતળી ધવલધારા વહેતી હતી. નિમયની ચીસ નીકળી અને મારી ગળામાં જ થીજી ગઈ. સ્વેટરમાં પરસેવાનાં રેલા ઉતરી ગયાં. પણ પેલો બટકબોલો ટટ્ટુવાળો, હા, પરવેઝ તેનું નામ, ટહુકી ઉઠ્યો, "અરે સા'બજી, કાંઈ નહીં કરે એ. તેને સીધું ઝરણાનું પાણી પીવાનું ગમે છે. તે ભરેલું પાણી નહીં પીએ." હવે રમણિક બરાડી ઊઠ્યો, "તે તમે લોકો અમને અહીં મારવા લાવ્યાં છો? પહેલાં કહ્યું હોત કે બધાં ટટ્ટુ જોડે તમે લોકો નહીં આવો તો, અમે રોપ-વે માટે ઊભાં રહેત. આવું સાહસ ના કરત." એટલામાં નિમયનાં ટટ્ટુએ પાણી પી લીધું હતું અને ફરી ઉપર ચઢાણ તરફ આવી ગયો હતો.

અમને રહી રહીને વિચાર આવ્યો, જે પરવેઝે અમારાં ચહેરાં ઉપર જ વાંચી લીધો," અરે, મે'મસાબ, ચિંતા ન કરો. બચ્ચાંઓવાળાં ટટ્ટુ તો બહુ સીધાં છે. આ તો એક બાદલ જ તોફાની છે. પણ આ તમારા સા'બ બહુ બહાદુર છે ને? એટલે જ તેમને બાદલ ઉપર બેસાડ્યાં છે. સા'બ સંભાળી લેશે. તમે નિરાંતે બેસો." પછી તેણે નિમય તરફ જોયું. નિમય થોડો ગુસ્સામાં હતો પણ, આ યુવાનીથી થોડે જ દૂર ઉભેલા નિર્દોષ, સરળ કિશોર, પરવેઝની ચતુરાઈ જોઈ હસી પડ્યો. પરવેઝ માંડ તેર વર્ષનો હતો. હજી બીજાં બે' ક કિલોમીટર કપાયાં ત્યાં તો પોતાની મધમીઠ્ઠી વાણીમાં અમને વાતોમાં તરબોળ કરતો પરવેઝ એકલો રહી ગયો અને તેનાં ત્રણ મિત્રો ક્યારે નીચે તળેટીમાં સરકી ગયાં તેની અમને જાણ પણ ન થઈ. હવે, અમારું કાંઈ ઉપજે તેમ ન હતું એટલે ડહાપણ એમાં જ હતું કે પરવેઝ સાથે શાંતિથી પ્રવાસ આગળ વધારવો. જો તેની સાથે ઝઘડો થાય અને તે એકાદ ઈશારો કરે તો આ બધાં ટટ્ટુ અમને જમીન ઉપર પછાડી પલાયન પણ થઈ જાય. પછી પહાડ ચઢવો કે ઉતરવો, ડાબે જવું કે જમણે, બધાં જ હિમાલયથીયે મોટાં પ્રશ્નો બની ઊભાં રહે.

અમારી પાછળ, અમારાં જેવાં જ નાનાં - મોટાં સમૂહો ટટ્ટુ ઉપર આવતાં દેખાયાં. અમને એટલી રાહત થઈ કે, અમારી જેમ બીજાંયે છે. એટલામાં પ્રત્યુષે પરવેઝને પૂછ્યું, "હજી બરફ પડ્યો નથી ને ?" ત્યાં જ હાજરજવાબીનો ઉત્તર કાને અફળાયો, "અરે સા'બ. આજે તો બરફ પડશે જ. એટલે જ તો આટલું ઠંડું વાતાવરણ છે." ત્યાં ઉપરથી નીચે ઉતરતાં નિરાશ પ્રવાસીઓએ ટાપશી પુરાવી, "ઉપર નર્યું માટીનું રણ છે. આ લોકો ઉલ્લુ બનાવે છે. કશેય બરફ નથી. હજી, મોસમની વાર છે." અમે મનમાં ભલે પરવેઝ ઉપર ગિન્નાયાં પણ, કશું બોલાય તેમ નહોતું. ત્યાં જ વાતાવરણે વધુ ઠંડક પકડી. સૂર્યનારાયણ થોડાં ઉપર ચઢ્યાં હતાં પણ પાતળી, અર્ધપારદર્શક વાદળીઓ તેમનો તાપ અને પ્રકાશ રોકવા દોડધામ કરતી હતી. એ ધમાચકડીનો અવાજ પણ અમે સાંભળી રહ્યાં હતાં અને સૂરજનાં પ્રકાશની બદલીમાં વીજદર્શન શરૂ થયું. બાળકો થોડાં ગભરાયાં. પરવેઝે બાળકોનાં ટટ્ટુ અમારી વચ્ચે લઈ બધાંની લગામ પકડી લીધી. તેનું આ પહેલું કામ ખૂબ જ સમજદારી ભર્યું લાગ્યું.

પણ, અમારાં બધાનો આ બરફદર્શનનો લહાવો આગળ શું રૂપ લેવાનો છે તેની અમને કોઈનેય જાણ નહોતી. નીચે પીળી, ચીકણી માટી અને ઉપરથી આછાં પાતળાં વાદળોએ વરસવાનું શરૂ કર્યું. સામેથી નીચે આવતાં લોકો માટીમાં લપસતાં હતાં. અમે ગભરાઈને ટટ્ટુને ચપસીને પકડી લીધાં. એક વખત તો લાગ્યું કે નવેમ્બર માસનાં પ્રારંભે અહીં આવીને અમે મોટી ભૂલ કરી દીધી છે. અમારાં કરતાં વધુ ભય બાળકોને લાગતો હશે તેનું અનુમાન આવતાં મેં તેમની ખૂબ ગમતીલી રમત આરંભી, 'બી કવિક, જલ્દી - જલ્દી, ધીમે-ધીમે...'. બાળકો ધ્રુજતાં અવાજે જોડાયાં. અરે ના, ડરથી નહીં, ઠંડકથી ધ્રુજતાં હતાં. પણ, હજી તો આ તોફાન ઘણું યે વધવાનું હતું. અમારી પરિસ્થિતિ સાપે છછુંદર ગળ્યાં જેવી હતી. ઉપરથી રોપ-વે માં નીચે આવવું હોય તો એક કિલોમીટરની યાત્રા હજીયે ટટ્ટુ ઉપર કરવી જરૂરી હતી. પગે ચાલવું અશક્ય છે એ ઉપરથી ચાલીને આવતાં યાત્રીઓની પરિસ્થિતિ ઉપરથી લાગતું હતું અને ટટ્ટુ ઉપર જ નીચે જવું હોય તો, બીજાં બાર કિલોમીટરની મુસાફરી નીચે તરફ. હવે અમે સંપૂર્ણપણે પરવેઝનાં શરણે હતાં. તે જ ભોમિયો અને જ્ઞાની હતો. તે જ અમારું બેરોમીટર અને હોકાયંત્ર હતો. અને અમે 'પરવેઝં શરણં ગચ્છામઃ' યથાવત અને યંત્રવત રાખ્યું. આમ પણ ઠંડીમાં મગજ થીજવાં લાગ્યાં હતાં.

(આગળની રસપ્રદ વાર્તા રોમાંચનાં શિખરને અડશે)

બાંહેધરી : આથી, હું અલ્પા ભટ્ટ પુરોહિત બાંહેધરી આપું છું કે આ નવલકથા અને તેનાં પ્રકરણો મારી પોતાની મૌલિક રચના છે. તેને ફોરવર્ડ કે શેર નીચે જણાવેલ નામ તથા ફોનનંબર સાથે જ કરવી.

અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા
#9904948414