Atut Bandhan - 15 in Gujarati Fiction Stories by Snehal Patel books and stories PDF | અતૂટ બંધન - 15

Featured Books
Categories
Share

અતૂટ બંધન - 15








(વૈદેહી અને શિખા જ્યારે એમનાં ક્લાસની બહાર ઊભા હોય છે ત્યારે વૈદેહી વિક્રમને એમની તરફ આવતા જોઈ છે. એને જોઈ વૈદેહીને શંકા જાય છે કે એ કંઇક તો કરશે જ. આથી ક્લાસ ખૂલતાં જ એ શિખાને લઈ ક્લાસમાં જતી રહે છે. વિક્રમ એનો વાર ખાલી જવાથી ખૂબ જ ગુસ્સે થાય છે. બીજી તરફ સાર્થકને એક કંપની સાથે ડીલ કરવા ચાર મહિના ઓસ્ટ્રેલિયા જવાનું થાય છે જેના કારણે વૈદેહી દુઃખી થઈ જાય છે. હવે આગળ)

હજી રાતનાં બે વાગ્યા હતા અને વૈદેહી ઉઠીને તૈયાર થઈ ગઈ હતી. એણે સાર્થકની બેગ તૈયાર કરી અને બુક લઈ વાંચવા બેઠી પણ વાંચવામાં એનું મન નહતું લાગતું. એ સાર્થકનાં એનાથી દૂર જવાના વિચાર માત્રથી જ દુઃખી હતી. એ જાણવા છતાં કે સાર્થક ચાર પાંચ મહિના પછી પાછો આવવાનો જ છે છતાંપણ એને લાગી રહ્યું હતું કે સાર્થક હંમેશા માટે એનાથી દૂર થઈ રહ્યો છે.

સાર્થકે વૈદેહી તરફ જોયું. એણે એક બે વખત વૈદેહીને ઊંઘી જવા માટે કહ્યું અને પણ વૈદેહીએ એની વાત કાને ધરી નહીં. વૈદેહીનાં મનમાં આખરે શું ચાલી રહ્યું છે એ કળવું સાર્થક માટે અઘરું હતું. એ એની જગ્યાએથી ઊભો થયો અને વૈદેહી જે અગાશીમાં બેસીને વાંચી રહી હતી ત્યાં ગયો. સાર્થકને જોઈ વૈદેહી બુકમાં જોવા લાગી. સાર્થકે એનાં હાથમાંથી બુક લઈ લીધી અને એનો ચહેરો પોતાના હાથમાં લઈ પૂછ્યું,

"શું વાત છે ? નારાજ છે મારાથી ?"

વૈદેહીએ એની નજર ફેરવી લીધી અને નકારમાં માથું હલાવ્યું.

"તો પછી શું થયું છે તને ? રાતનો જોઉં છું કે તું ઉદાસ છે. શું મને તારી ઉદાસીનું કારણ જાણવાનો કોઈ હક નથી ?"

"મ...મને ડર લાગે છે." વૈદેહી આટલું બોલતાં તો રડી પડી.

"વૈદુ, પ્લીઝ તું આમ રડ નહીં. તને કોનો ડર લાગે છે ? કોઈએ તને કંઈ કહ્યું ? સ....સિરાજ મળ્યો હતો તને ? એણે તો તને કંઈ નથી કર્યું ને ?" સાર્થક વૈદેહીને એક પછી એક પ્રશ્નો.પૂછી રહ્યો હતો અને વૈદેહી એકધારું એને જોઈ રહી હતી. એને આમ ચૂપ જોઈ સાર્થકને લાગ્યું કે એ સિરાજથી જ ડરી રહી છે તેથી એણે કહ્યું,

"તારે સિરાજથી ડરવાની કોઈ જરૂર નથી. એનું મેં બધું જ વિચારી લીધું છે. એ તને કોઈ નુકશાન નહીં પહોંચાડે."

"અને તમને ? જો એણે તમને કંઈ કર્યું તો હું શું કરીશ ? સાર્થક તમે ત્યાં એકલાં જવાના છો તો તમે તમારું ધ્યાન રાખજો. જો તમને કંઈ થઈ જશે તો ?" વૈદેહી એ કહ્યું.

"મને ત્યાં શું થવાનું ?"

"ક....કંઈ નહીં. એ તો તમે જ્યારે કોઈ કામ હાથમાં લો છો તો પછી તમને જમવાનું પણ યાદ રહેતું નથી. અહીંયા તો બધાં હોય છે એટલે વાંધો નથી આવતો પણ ત્યાં તો તમે એકલાં જ હશો તો મને તમારી ચિંતા થતી હતી." વૈદેહીએ વાતને વાળતાં કહ્યું. એ નહતી ઈચ્છતી કે સાર્થક કોઈપણ પ્રકારનું ટેન્શન લઈને જાય.

વૈદેહીની ચિંતાનું કારણ સાંભળી સાર્થક હસ્યો અને કહ્યું,

"તું પણ સાવ પાગલ છે. આવી વાતોથી કોઈ પરેશાન થતું હોય ? હું ભલે ત્યાં એકલો જઈ રહ્યો છું પણ બધાનો પ્રેમ અને આશીર્વાદ તો મારી સાથે જ છે ને. ચાલ હવે રૂમમાં જઈને ઊંઘી જા."

"અને તમે ?"

"ઊંઘની જરૂર અત્યારે તને છે. ક્યારની ઊંધી બુક પકડીને વાંચી રહી છે. શું આ કોઈ નવી રીત છે વાંચવાની !"

સાર્થકે જે કહ્યું એ સાંભળી વૈદેહી એ બુક તરફ જોયું ત્યારે એને ભાન થયું કે એ ઉંધી બુક પકડીને બેઠી છે. જ્યારે સાર્થક જાણી જ ગયો છે કે પોતે ફક્ત વાંચવાનું નાટક કરતી હતી ત્યારે વૈદેહી પણ બુક બંધ કરી પોતાની ચોરી પકડાઈ ગઈ હોય એમ જીભ બહાર કાઢી દાંત વચ્ચે દબાવી અને પછી હસવા લાગી.

"સોરી...એ ટેન્શનમાં ને ટેન્શનમાં ખ્યાલ નહીં રહ્યો. બાય ધ વે તમારે કેટલા વાગ્યે નીકળવાનું છે ?" વૈદેહીએ પૂછ્યું.

"સવારે આઠ વાગ્યાની ફ્લાઈટ છે તો મારે અત્યારે જ નીકળી જવું પડશે. એરપોર્ટ પહોચવામાં સમય જશે અને ત્યાં બધી પ્રોસેસ કરવામાં પણ ટાઈમ લાગશે. પણ તું આરામ કર." સાર્થકે કહ્યું પણ વૈદેહી એની વાતનો જવાબ આપ્યા વગર રૂમમાંથી નીકળી નીચે જતી રહી.

******

સાર્થકે હાયર કરેલ જાસૂસ જેનું નામ જગન્નાથ શ્રીવાસ્તવ હતું એ પડછાયાની જેમ સિરાજ પાછળ લાગેલો હતો. એણે જ સાર્થકને સિરાજ વિરુદ્ધ પુરાવા આપ્યા હતા. અત્યારે પણ એ સિરાજનાં ઘરથી થોડે દૂર એક ભિખારીનાં વેશમાં હતો અને ટેલિસ્કોપની મદદથી સિરાજનાં ઘરે થઈ રહેલ હલચલ જોઈ રહ્યો હતો. સિરાજ ક્યાંક જવાની તૈયારી કરતો હોય એવું જગન્નાથને લાગ્યું. વહેલી સવારે આખરે સિરાજ ક્યાં જવાની તૈયારી કરી રહ્યો હતો એ જગન્નાથને સમજાઈ નહતું રહ્યું. એણે સાર્થકને આ વિષય પર જણાવવા ફોન કાઢ્યો પણ પછી પહેલાં પોતે એનો પીછો કરી જાણશે કે સિરાજ ક્યાં જઈ રહ્યો છે અને પછી સાર્થકને જણાવશે એમ વિચારી એણે ફરીથી એનો ફોન ખિસ્સામાં સરકાવી દીધો અને પાછો સિરાજનાં ઘર પર મીટ માંડીને બેસી ગયો.

સિરાજનાં માણસોમાંથી એક માણસ હાથમાં મોટી અને ભારે બેગ લઈને બહાર આવ્યો. ભારે એટલા માટે કારણ કે જે રીતે એ માણસ એ બેગ પકડીને ચાલતો હતો એનાં પરથી અંદાજો આવતો હતો કે બેગ ઊંચકવામાં એને તકલીફ પડી રહી છે. એ માણસ માંડ બહાર આવ્યો અને આંગણામાં મુકેલી ફોર્ચ્યુનરમાં મહામહેનતે એ બેગ મૂકી.

"એવું તો શું હશે આ બેગમાં ? જાણવું તો પડશે જ." જગન્નાથે વિચાર્યું અને ગાડીના બહાર નીકળવાની રાહ જોવા લાગ્યો.

લગભગ વીસેક મિનિટ પછી સિરાજ એનાં છ સાત પલ્ટનો સાથે ગાડીમાં બેસી બહાર નીકળ્યો. એની પાછળ બીજી બે ગાડીઓ પણ નીકળી જેમાં એનાં બીજા માણસો હતા. જેવી ત્રણેય ગાડીઓ રસ્તા પર આવી જગન્નાથ એની જગ્યાએથી ઊભો થઈ ગયો અને રોડની વચ્ચોવચ ઊભો રહી ગયો. અચાનક ગાડીની સામે એક વ્યક્તિને જોઈ સિરાજનાં ડ્રાઈવરે બ્રેક મારી. અને સાથે જ પાછળ આવતી બંને ગાડીઓએ પણ બ્રેક મારી જેનાં કારણે ઉત્પન્ન થયેલા અવાજે શાંત વાતાવરણમાં ખલેલ પહોંચાડી. ફૂટપાથ પર સૂતેલા બીજા ભિખારીઓ ઝબકીને જાગી ગયા અને શું થયું એ જોવા બેઠા થઈ ગયા.

"એય કાલિયા જો તો. કોને સવાર સવારમાં ઉપર જવું છે ?" સિરાજ એનાં પહાડી અવાજે બોલ્યો.

સિરાજનો હુકમ માથે ચઢાવી કાલિયો ગાડીમાંથી ઉતર્યો અને જગન્નાથ પાસે પહોંચી ગયો.

"એય, શું છે તારું ? રસ્તામાં કેમ ઉભો છે ? ચાલ હટ બાજુમાં." કાલિયાએ જગન્નાથ જે ભિખારીનાં વેશમાં હતો એને તોછડાઈથી કહ્યું.

જગન્નાથ એમનો એમ જ ઉભો રહ્યો. કાલિયાએ બીજી બે ત્રણવાર એને હટવા કહ્યું પણ જગન્નાથ હટ્યો નહીં. કાલિયાએ સિરાજ તરફ જોયું. સિરાજે લમણે હાથ મૂકી ગોળીએથી ઉડાવી દેવાનો ઈશારો કર્યો. સિરાજનો ઈશારો મળતા જ કાલિયાએ ગાડીમાંથી બંદૂક કાઢી અને જગન્નાથ તરફ તાકી.

******

એક નોકર સાર્થકની બે બેગ એની ગાડીમાં મૂકી આવ્યો. એ સિવાય એક હેન્ડ બેગ સાર્થક પાસે હતી.

"મમ્મી, હું ચાર પાંચ મહિના માટે જઈ રહ્યો છું નહીં કે ચાર પાંચ વર્ષ માટે જે તેં મને આટલો બધો સામાન ભરી આપ્યો !" સાર્થક થોડી નારાજગીનાં સુરમાં બોલ્યો.

"હા તો શું થયું ? એ પાંચ મહિના શું તું ભૂખો રહેશે ?" ગરિમાબેને કહ્યું.

"મમ્મી, ભાઈ કોઈ ટાપુ પર નથી જતાં કે ત્યાં એમને કંઈ ખાવાનું નથી મળવાનું !" શિખાએ કહ્યું.

"હા મમ્મી, તમે તો કેટલું બધું ભરી આપ્યું છે. આ ખાખરા, પાતરા, ગાંઠિયા, પાપડ, થેપલા, ચકરી, વડી...આ બધું વધારે પડતું છે. અને હું ત્યાં ફરવા માટે નથી જઈ રહ્યો. કામ માટે જાઉં છું." સાર્થકે કહ્યું.

"હા તો શું થયું ? કામ કંઈ ભૂખ્યાં પેટે થોડું થાય ! અને આ બધું કંઈ વધારે નથી. અરે ત્યાં આપણાં જેવું થોડું મળે ? ત્યાં તો બધું જ રેડીમેડ મળે. કોને ખબર કેટલા દિવસથી બધું પેક કરી રાખતાં હશે. ત્યાં તને કંઈ નહીં ભાવે તો તું એટલીસ્ટ ત્યાં આ બધું ખાઈને તો પેટ ભરી શકે ને." ગરિમાબેને કહ્યું.

"પણ મમ્મી, આ બધું લઈ જઈશ તો ઓવરલોડ થઈ જશે."

"હા તો એક્સ્ટ્રા લગેજ માટે પેમેન્ટ કરી દેજે. અને હવે મારે કંઈ નથી સાંભળવું. ચાલો મોડું થાય છે. પાછું એરપોર્ટ પહોંચતા જ કેટલી વાર લાગશે." ગરિમાબેન બોલ્યાં અને પર્સ ભેરવીને ચાલવા માંડ્યા.

"ગરિમા, તું પણ આવે છે ?" રજનીશભાઈએ પૂછ્યું.

"હા તો ! હું તો આવવાની જ છું."

"અરે પણ બંને છોકરીઓ ઘરે એકલી છે તો..."

"પપ્પા, બે જણ એકલા કઈ રીતે હોય શકે ? અમે સંભાળી લઈશું અમને પોતાને." શિખાએ કહ્યું.

"હા અંકલ, અને એમ પણ સાંજે તો તમે આવી જ જશો અને ઘરમાં બીજા બધા સરવન્ટ્સ પણ તો છે જ ને. મેં જ આંટીને તમારી સાથે આવવા કહ્યું છે." વૈદેહીએ કહ્યું.

હવે આગળ કોઈ આર્ગ્યુમેન્ટ કરવાનો કોઈ અર્થ નહતો અને એમ પણ મોડું થતું હોવાથી સાર્થક કે રજનીશભાઈ કંઈ બોલ્યાં નહીં.

સાર્થકે વૈદેહી તરફ જોયું જે હજુ પણ કંઇક ઊંડા વિચારોમાં હતી. સાર્થક એટલું તો સમજી જ ગયો હતો કે વૈદેહીએ એની ચિંતાનું કારણ એને જે જણાવ્યું એ ખોટું છે. એણે અપૂર્વને મેસેજ કરી વૈદેહી અને શિખાનું કોલેજમાં ધ્યાન રાખવા કહ્યું અને એરપોર્ટ જવા નીકળી ગયો.

જેવી એમની ગાડી ગેટની બહાર નીકળી કે તરત જ એમનાં પર નજર રાખીને બેઠેલા એક માણસે કોઈને ફોન કર્યો,

"ભાઈ, રસ્તો ખાલી છે. બંને ઘરમાં એકલી જ છે. આનાથી સારી તક નહીં મળે એમને દબોચવાની."

અને આ સાંભળી સામેની તરફ કોઈ અટ્ટહાસ્ય કરવા લાગ્યું.

વધુ આવતાં ભાગમાં.......