Connection-Rooh se rooh tak - 40 - Last Part in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | કનેક્શન-રૂહ સે રૂહ તક - 40 - (અંતિમ ભાગ)

Featured Books
Categories
Share

કનેક્શન-રૂહ સે રૂહ તક - 40 - (અંતિમ ભાગ)





૪૦.સુખદ અંત

મોહનભાઈનાં બંગલે રોકીની સગાઈની તૈયારીઓ ચાલી રહી હતી. અમુક ખાસ લોકો અને સંબંધીઓ જ આવવાનાં હતાં. છતાંય મોહનભાઈ એમનાં લાડલા દીકરાની સગાઈમાં કોઈ ખામી રાખવાં માગતાં ન હતાં. એમણે ડેકોરેશન માટે એક મોટી ટીમને બોલાવી હતી. જેમણે આખાં બંગલાને લાઈટો અને ફુલોથી સજાવી દીધો હતો. બંગલાના એન્ટ્રેસ ગેટ પર મોટાં મોટાં અક્ષરોમાં 'ઇન્ગેજમેન્ટ સેરેમની' લખેલું હતું. ગાર્ડનમાં સગાઈ માટેનું સ્ટેજ ગોઠવાઈ ગયું હતું. જ્યાં બે રજવાડી ખુરશીઓ મુકેલી હતી.
રોકી સગાઈની રિંગની ખરીદી કરીને ઘરે આવ્યો. ઘરને દુલ્હનની જેમ સજાવેલું જોઈને એની આંખોમાં અલગ જ પ્રકારની ચમક ઉભરાઈ આવી. એ સ્મિત સાથે ઘરની અંદર આવ્યો. ઘર બહારથી જેટલું સુંદર લાગી રહ્યું હતું. એનાંથી વધારે અંદરથી સુંદર લાગી રહ્યું હતું. ઘરની અંદર પણ લાઈટો અને ફુલોનુ ડેકોરેશન કરવામાં આવ્યું હતું. સાથે જ બધી બાજુ સફેદ અને ગુલાબી રંગના પડદાં લાગેલાં હતાં.
"કેવી લાગી સજાવટ, બેટા?" રોકીને આવેલો જોઈને મોહનભાઈએ એની પાસે આવીને પૂછ્યું.
"અમેઝિંગ." રોકીએ ખુશ થતાં કહ્યું.
"તો જલ્દી તૈયાર થઈ જા. હમણાં મહેમાનો આવતાં જ હશે." મોહનભાઈએ કહ્યું.
રોકી સગાઈની રિંગ મોહનભાઈને આપીને તૈયાર થવા પોતાનાં રૂમમાં જતો રહ્યો. મોહનભાઈ બીજી તૈયારીઓ જોવાં લાગ્યાં. ગાર્ડનમાં જ એક તરફ સગાઈનુ સ્ટેજ, સામે મહેમાનોનાં બેસવા માટે ખુરશીઓ અને સાઈડમાં જમવાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. જ્યાં કેટરિંગવાળા લોકો એમની તૈયારીઓ કરી રહ્યાં હતાં.
રાતનાં આઠ વાગતાં જ ઘરની લાઈટો ચાલું કરવામાં આવી. ઘરનો ખુણેખુણો લાઈટોથી ઝગમગી ઉઠ્યો. ત્યાં જ રોકી પણ આછાં ગુલાબી રંગની શેરવાની પહેરીને આવી ગયો. થોડીવારમાં બધાં મહેમાનો પણ આવવાં લાગ્યાં. મોહનભાઈ અને મીનાબેન એમની આગતાસ્વાગતામાં લાગી ગયાં. શાહ પરિવાર પણ સગાઈના મુહુર્ત પહેલાં આવી ગયો. અપર્ણાએ પણ આછાં ગુલાબી રંગનો લહેંગો પહેર્યો હતો. જેમાં એ ખૂબ જ સુંદર લાગી રહી હતી. પણ, ચહેરો એકદમ ફીકો પડી ગયો હતો. મોહનભાઈ શાહ પરિવાર સાથે ગાર્ડનમાં આવ્યાં. મીનાબેને અપર્ણા અને રોકીને સ્ટેજ પર બેસાડ્યાં. બાકી બધો શાહ પરિવાર પહેલી હરોળમાં રહેલી ખુરશીઓમાં ગોઠવાઈ ગયો. અપર્ણાનો મુરઝાઈ ગયેલો ચહેરો જોઈને નિખિલને બહું તકલીફ થતી હતી.
સગાઈનું મુહૂર્ત થતાં જ પંડિત જી પણ આવી ગયાં. અમુક મંત્રોચ્ચાર પછી એમણે મીનાબેન તરફ જોઈને કહ્યું, "હવે છોકરો છોકરી એકબીજાને અંગુઠી પહેરાવીને પરિવારજનોનાં આશીર્વાદ લેશે."
મીનાબેન તરત જ માધવીબેનને સ્ટેજ પર આવવાનો ઈશારો કર્યો. મીનાબેને રોકીને રિંગ આપી અને માધવીબેને અપર્ણાનાં હાથમાં રિંગ આપી. હાલ અપર્ણાનું મગજ સુન્ન થઈ ગયું હતું. એ ઘરેથી રોકીને શિવ વિશે જણાવવાનું નક્કી કરીને આવી હતી. પણ, એને અહીં આવીને એવો સમય જ નાં મળ્યો. છતાંય એણે છેલ્લું કોશિશ કરતાં ધીરેથી રોકીને કહ્યું, "મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે."
"પહેલાં રસમ પૂરી કરી લઈએ. વાત તો થતી રહેશે." રોકીએ તરત જ કહ્યું.
રોકીનો એવો જવાબ સાંભળીને અપર્ણા ખરેખરની મુંઝવણમાં મૂકાઈ ગઈ. સગાઈની રિંગ એનાં હાથમાં હતી, અને દિલમાં તો કેટલાંય સમયથી શિવનું નામ લખાઈ ગયું હતું. એવામાં એ રોકી સાથે સગાઈ કરીને એને અને શિવને દગો દેવાં માંગતી ન હતી. પણ, હાલ રોકી કંઈ સાંભળવાં તૈયાર ન હતો. વિચારોની માયાજાળમાં ફસાયેલી અપર્ણાનો હાથ મીનાબેને પકડી લીધો, અને રોકી તરફ આગળ વધારી દીધો. ત્યાં જ રોકી અપર્ણાની આંગળીમાં રિંગ પહેરાવે એ પહેલાં જ અપર્ણા સ્ટેજ પર ઢળી પડી.
આમ અચાનક અપર્ણાનું બેહોશ થવું કોઈની સમજમાં નાં આવ્યું. પણ, માધવીબેન બધું સમજતાં હતાં. અપર્ણાએ બે દિવસથી કંઈ ખાધું ન હતું. પરિણામે અશક્તિના લીધે એને ચક્કર આવી ગયાં. માધવીબેને તરત જ નીચે બેસીને અપર્ણાનું માથું પોતાનાં ખોળામાં લઈ લીધું. રોકી પણ થોડો ડરી ગયો હતો. એણે તરત જ ડોક્ટરને કોલ કરી દીધો.
"આન્ટી! આપણે અપર્ણાને મારાં રૂમમાં લઈ જઈએ." રોકીએ નીચે બેસીને, માધવીબેનના ખંભે હાથ મૂકીને કહ્યું.
માધવીબેન કંઈ બોલી નાં શક્યાં. એમણે માત્ર હકારમા ડોકું ધુણાવ્યું. રોકીએ અપર્ણાને પોતાની ગોદમાં ઉઠાવી, અને સ્ટેજ પરથી નીચે ઉતરીને, ગાર્ડનમાંથી પસાર થઈને, હોલની સીડીઓ ચડીને અપર્ણાને પોતાનાં રૂમમાં લઈ આવ્યો. એણે અપર્ણાને પોતાનાં બેડ પર સુવડાવી. બાકી બધાં બહાર ઉભાં હતાં. રોકી પણ ડોક્ટરને લેવાં બહાર આવી ગયો. એણે બધાંનો અવાજ રૂમમાં નાં જાય. એ માટે દરવાજો ખેંચીને ખાલી બંધ કરી દીધો.
રૂમની બહાર ઉભાં રહીને બધાં ડોક્ટરની રાહ જોઈ રહ્યાં હતાં. થોડીવારમાં ડોક્ટરના આવતાં જ રોકીએ રૂમનો દરવાજો ખોલ્યો, અને ડોક્ટર સાથે બહાર આવ્યો. પણ, રૂમમાં અપર્ણા ન હતી. એણે આજુબાજુ બધી જગ્યાએ નજર ફેરવી. પણ, અપર્ણા ક્યાંય નાં દેખાઈ. જગદીશભાઈ પણ અંદર આવી ગયાં.
"અપર્ણા ક્યાં?" રૂમમાં અપર્ણાને નાં દેખતાં જગદીશભાઈએ રોકી સામે જોઈને પૂછયું.
"હું એને અહીં જ સુવડાવીને ગયો હતો. ખબર નહીં ક્યાં ગઈ?" રોકીએ બેડ તરફ હાથ ચીંધીને કહ્યું.
જગદીશભાઈએ આખાં રૂમમાં એક નજર કરી. ત્યાં જ એમની નજર બારી તરફ ગઈ. જે હાલ ખુલ્લી હતી. જગદીશભાઈ બારી તરફ આગળ વધી ગયાં, અને બારી સામે આવીને નીચે નજર કરી. બારીની બહાર પાણીનો પાઈપ હતો. જે નીચે સુધી જતો હતો, અને આ બારી ઘરનાં પાછળનાં ભાગમાં પડતી હતી. જ્યાં નીચેની તરફ પાછળનો દરવાજો પણ હતો. જ્યાંથી ઘરની બહાર જઈ શકાતું હતું. આ બધું જોઈને જગદીશભાઈનો ચહેરો ગુસ્સાથી તરડાઈ ગયો.
"અંકલ! તમે ત્યાં શું જુઓ છો? આપણે હાલ અપર્ણાને શોધવી જોઈએ." રોકીએ પાછળથી આવીને જગદીશભાઈનાં ખંભે હાથ મૂકીને કહ્યું.
"એને શોધવાં મારે જ જવું પડશે. મને ખબર છે, એ ક્યાં છે?" જગદીશભાઈએ કહ્યું, અને કોઈને કંઈ જણાવ્યાં વગર જ જતાં રહ્યાં.

શિવ સાડા આઠ વાગ્યે ઓફિસેથી ઘરે આવ્યો. આખો દિવસ કામ અને અપર્ણાના વિચાર કરીને એનો ચહેરો ફીકો પડી ગયો હતો. એની એવી હાલત જોઈને રાધાબા એની પાસે આવ્યાં. એમણે પ્રેમથી શિવનાં ગાલે હાથ મૂકીને કહ્યું, "ચાલ, પહેલાં જમી લે."
આ વખતે શિવ એમની વાત ટાળી નાં શક્યો. એ વોશબેશિનમા હાથ ધોઈને ડાઇનિંગની ખુરશીમાં ગોઠવાયો. જગજીતસિંહ પણ શિવની સાથે જ જમવા બેઠાં. રાધાબાએ બંનેને જમવાનું પીરસ્યું. શિવે હજું એક કોળિયો મોં માં મૂક્યો જ હતો. જેને ચાવવાનો પણ એને મોકો નાં મળ્યો. ત્યાં જ જગદીશભાઈ દરવાજે આવીને ઉભાં રહ્યાં.
"વાહ! મારી દીકરીને એની સગાઈમાંથી ભગાડીને જાગા બાપુનો સિંહ આરામથી જમી રહ્યો છે." જગદીશભાઈની વાતમાં રીતસરનો ગુસ્સો અને કટાક્ષ હતો.
શિવ અને જગજીતસિંહ જમવાની થાળી સામે હાથ જોડીને ઉભાં થયાં, અને હોલમાં આવ્યાં. જગદીશભાઈનું આમ અચાનક અહીં આવવું, અને આવું બધું કહેવું. કોઈની સમજમાં આવતું ન હતું. જગદીશભાઈ તરત જ ગુસ્સામાં ફફડતા અંદર ઘુસી આવ્યાં. એમણે સીધી જ શિવની કોલર પકડીને પૂછ્યું, "અપર્ણા ક્યાં છે?"
"અપર્ણા? એ અહીં કેવી રીતે હોઈ શકે?" શિવે અસમજની સ્થિતિમાં કહ્યું.
"તો તું એમ કહેવા માંગે છે, કે અપર્ણા અહીં નથી? તું એને ભગાવીને અહીં નથી લાવ્યો?" જગદીશભાઈએ શિવની આંખોમાં જોઈને પૂછ્યું.
"ભગાવીને? હું શાં માટે એને ભગાવીને અહીં લાવું? તમે એને અહીંથી લઈ ગયાં. પછી મારી એની સાથે વાત પણ નથી થઈ." શિવે કહ્યું.
"તો એ એની સગાઈ મૂકીને ક્યાં જતી રહી?" જગદીશભાઈએ જાણે ખુદને જ પૂછ્યું.
શિવ, જગજીતસિંહ કે રાધાબાની સમજમાં હજું પણ કંઈ આવતું ન હતું. સગાઈ શબ્દ સાંભળીને શિવનું મગજ તો બહેર મારી ગયું હતું. કોઈ કંઈ સમજી શકે. એ પહેલાં રાધાબાની નજર સીડીઓ પર ગઈ. જ્યાં અપર્ણા ઉભી હતી. એને અહીં જોઈને એમની તો આંખો જ ફાટી ગઈ. અપર્ણા અને રાધાબાની નજર મળતાં જ અપર્ણા નીચે આવી.
"હું અહીં છું, પપ્પા!" અપર્ણાએ નીચે આવીને કહ્યું,‌ "મને શિવ અહીં નથી લાવ્યો. હું મારી જાતે આવી છું."
અપર્ણાને અહીં જોઈને શિવ પણ ચોંકી ગયો. આ બધું શું ચાલી રહ્યું હતું? એ હજું પણ એવી સમજમાં આવી રહ્યું ન હતું. એણે તરત જ અપર્ણા પાસે આવીને પૂછ્યું, "તું અહીં શું કરે છે? અને અંકલ કોની સગાઈની વાત કરે છે?"
"મારી." અપર્ણાએ તરત જ કહ્યું, "પપ્પા મારી સગાઈ કરાવી રહ્યાં હતાં. એવામાં હું અહીં નાં આવું તો શું કરું? મારે નથી કરવી કોઈ બીજાં સાથે સગાઈ."
"પણ કેમ?" શિવે અસમજની સ્થિતિમાં પૂછ્યું.
"કેમ શું? હું તને પ્રેમ કરું છું. તો બીજા સાથૈ શાં માટે સગાઈ કરું?" શિવનો સવાલ જગદીશભાઈ અચાનક સગાઈ કેમ કરાવતાં હતાં? એ વિશે હતો. પણ, અપર્ણા પોતાને સગાઈ કેમ નથી કરવી? એમ સમજીને એણે શિવને પોતાનાં દિલની વાત કહી દીધી. એ સાંભળીને આવી પરિસ્થિતિમાં પણ શિવનાં ચહેરાં પર સ્મિત આવી ગયું. એ જોઈને અપર્ણાએ શિવની કોલર પકડીને પૂછ્યું, "આમ હસે છે શું? તે તો મને ક્યારેય તારાં દિલની વાત નાં કહી. હવે હું કહું છું, તો પાગલોની જેમ હસી રહ્યો છે."
"તમે બાપ દીકરી મારી કોલર પાછળ શું પડ્યાં છો?" શિવે ચિડાઈને કહ્યું, "આમ પણ ક્યાંથી હું તને મારાં દિલની વાત કહું? આપણે અત્યાર સુધી જેટલીવાર મળ્યાં. બધી વખત કોઈને કોઈ નવી મુસીબત ઉભી હોય, અને હું હજું સુધી મારી ફિલિંગને લઈને સ્યોર ન હતો. સ્યોર થયો ત્યાં સુધીમાં તારાં પપ્પા તને લઈ ગયાં. કોલ કર્યો તો તારો મોબાઈલ પણ બંધ આવતો હતો."
"તો કમ સે કમ હવે તો કહી દે." અપર્ણાએ માસૂમ ચહેરો બનાવીને કહ્યું.
"હવે કહેવાની જરૂર છે?" શિવે કહ્યું. ત્યાં જ એનાં પ્રેમની સાબિતી રૂપે એક આંસુ એની આંખમાંથી ગાલ સુધી સરકી આવ્યું. જેને અપર્ણાએ પોતાની આંગળી વડે સાફ કર્યું. ત્યાં જ જગદીશભાઈએ આવીને એનો હાથ પકડી લીધો, અને એને શિવથી દૂર કરી દીધી.
"તું અત્યારે જ મારી સાથે આવીશ, અને રોકી સાથે સગાઈ કરીશ." કહીને જગદીશભાઈ અપર્ણાને લઈને ચાલતાં થયાં. ત્યાં જ શિવે અપર્ણાનો બીજો હાથ પકડીને એને રોકી લીધી.
જગદીશભાઈએ પાછળ ફરીને જોયું. તો શિવે તરત જ કહ્યું, "તે દિવસે મને ખબર ન હતી, કે અપર્ણા પણ મને પ્રેમ કરે છે. એટલે મેં તમને એને લઈ જવાં દીધી. પણ, આજે નહીં. આજે હું તમને અપર્ણાને અહીંથી લઈ જવાં નહીં દઉં."
"તો તું કરી શું લઈશ હે?" જગદીશભાઈએ ગુસ્સામાં આવીને પૂછ્યું.
શિવ હજું એમનાં સવાલનો જવાબ આપે. ત્યાં જ રઘુએ‌ આવીને કહ્યું, "માલિક! રાકા અને એનાં આદમીઓને લાવ્યો છું."
રઘુનો અવાજ સાંભળીને જગજીતસિંહે‌ તરત જ દરવાજા તરફ જોયું. જ્યાં રઘુ ત્રણ આદમીઓ સાથે ઉભો હતો. એને જોઈને જગજીતસિંહને ખુશી થઈ. એમણે તરત જ શિવ સામે જોયું. શિવની આંખો પણ ચમકી ઉઠી. કોઈ હજું કંઈ કરી કે કહી શકે. ત્યાં જ રઘુ ઉભો હતો. એની બાજુમાં મુના બાપુ આવીને ઉભાં રહી ગયાં.
"તો મારો શિકાર અહીં છે." મુના બાપુએ રઘુએ સામે ઉભેલાં રાકા તરફ જોઈને કહ્યું.
"એક મિનિટ બાપુ! હાલ કોઈ ખુન ખરાબા નાં જોઈએ." જગજીતસિંહે આગળ આવીને કહ્યું.
"આજે તો ગોળીઓ ચાલીને રહેશે. આ દિવસનો મને વર્ષોથી ઈંતેજાર હતો." કહીને મુના બાપુએ રાકાના કપાળે બંદૂકનુ નાળચું રાખી દીધું.
"નહીં બાપુ! તમે‌ એમને નહીં મારો." અચાનક જ અનોખીએ આવીને કહ્યું. એની સાથે નિખિલ અને પ્રથમેશભાઈ પણ હતાં. એ તરત જ મુના બાપુ પાસે આવી ગઈ, "આમને પોલિસ સજા આપશે. પ્લીઝ તમે કંઈ નાં કરો. આ ત્રણેયને પોલિસના હવાલે કરીને તમે આ બધાં ખરાબ કામ છોડી દો."
"છોડી દઈશ, પણ રાકાને‌ મોતને ઘાટ ઉતારીને." મુના બાપુએ કહ્યું, "આનાં લીધે હું મારી પત્નીને ખોઈ બેઠો, તું માઁ વગરની થઈ ગઈ." આજે પહેલીવાર મુના બાપુની આંખો આંસુઓથી છલકાઈ ગઈ.
મુના બાપુને ઈમોશનલ થતાં જોઈને મોકો વર્તીને રાકાએ સાવચેતીથી એમનાં હાથમાંથી બંદૂક છીનવી લીધી, અને મુના બાપુનાં કપાળે નિશાનો લગાવ્યો. મુના બાપુ થોડીવાર કંઈ સમજી નાં શક્યાં. પણ, પોતાનાં બાપુનાં કપાળે નિશાનો સાધેલો જોઈને અનોખી એમની આગળ આવીને ઉભી રહી ગઈ.
"મારાં બાપુને કંઈ નાં કરતાં. કોઈનો જીવ લેવો જ હોય, તો મારો લઈ‌ લો." અનોખીએ કહ્યું. આજે એનાં મોંઢેથી બાપુ સાંભળીને મુના બાપુની આંખના આંસુઓ ગાલ સુધી વહી ગયાં.
"ઓકે, એ દિવસે માઁ ભુલથી મરી ગઈ. આજે દીકરી જાણી જોઈને મરશે." રાકાએ ખંધું સ્મિત કરીને કહ્યું.
"અનોખી! પાછળ જા. હું તને કંઈ નહીં થવા દઉં." અચાનક જ નિખિલ આવીને અનોખી સામે ઉભો રહી ગયો.
નિખિલને ખતરામાં જોઈને અપર્ણાએ નિખિલ અને અનોખી બંનેને પાછળ ધકેલ્યા, અને ખુદ જ બંદુકનુ નાળચું પોતાનાં કપાળે રાખી લીધું. એ જોઈને શિવે જગજીતસિંહ સામે જોયું. એમનો ઈશારો મળતાં જ શિવ મેદાનમાં ઉતર્યો. એણે અપર્ણાને પાછળ ધકેલીને રાકાના હાથમાંથી બંદૂક છીનવવનાની કોશિશ કરી. શિવનાં અચાનક થયેલાં વારથી રાકા ગભરાઈ ગયો, અને એનાંથી ટ્રિગર દબાઈ ગયું, અને ગોળી સીધી શિવનાં પેટમાં ઘુસી ગઈ. શિવ એ ક્ષણે જ જમીન પર ફસડાઈ પડ્યો. પરિસ્થિતિનો તાગ મેળવતાં જ રઘુએ બધાં આદમીઓ સાથે મળીને રાકા અને એનાં આદમીઓને પકડી લીધાં.
"શિવવવવવ..." શિવને ગોળી વાગેલી જોઈને રાધાબા અને અપર્ણા બંને શિવ તરફ ધસી આવ્યાં. શિવનાં પેટમાંથી ધડાધડ લોહી વહી રહ્યું હતું. જગજીતસિંહે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી લીધી. અપર્ણા શિવનું માથું પોતાનાં ખોળામાં લઈને રડવા લાગી. એને શિવ માટે રડતી જોઈને, અને શિવની આ હાલત જોઈને જગદીશભાઈ થોડાં પીગળી ગયાં.
એમ્બ્યુલન્સ આવતાં જ શિવને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અપર્ણા શિવ સાથે જ એમ્બ્યુલન્સમાં ગઈ. રાધાબા, જગજીતસિંહ, મુના બાપુ, પ્રથમેશભાઈ, નિખિલ, અનોખી અને જગદીશભાઈ બધાં કારમાં એમ્બ્યુલન્સની પાછળ રવાનાં થયાં.
"ભાઈને કંઈ થાશે તો નહીં ને?" અનોખી શિવને ગોળી વાગેલી જોઈને ખૂબ જ રડી રહી હતી. વર્ષો પહેલાં એણે આ રીતે પોતાની માઁ ને જોઈ હતી. આજે શિવને એ જ હાલતમાં જોઈને એ બહું ડરી ગઈ હતી.
"તારાં ભાઈને કંઈ નહીં થાય. એ બહું સ્ટ્રોંગ છે." નિખિલે અનોખીને શાંત કરાવતાં કહ્યું.
"સારું થયું તે મને કોલ કરીને બધું જણાવી દીધું. હું સમય રહેતાં અહીં પહોંચી ગઈ. છતાંય ભાઈને ગોળી વાગી ગઈ." અનોખીએ રડતાં રડતાં કહ્યું. નિખિલે જ એને મુંબઈ બોલાવી હતી. એ એની સાથે મળીને અપર્ણાની સગાઈ રોકવા માંગતો હતો. પણ, ત્યાં જ આ બધું થઈ ગયું.
થોડીવારમાં એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી. શિવને સીધો ઓપરેશન થિયેટરમાં લઈ ગયાં. અપર્ણાની આંખના આંસુ રોક્યાં રોકાતા ન હતાં. રાધાબા પણ રડી રહ્યાં હતાં. અપર્ણા એમને ભેટીને રડવા લાગી. ડોક્ટરોએ શિવનાં પેટમાંથી ગોળી કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. બધાંની નજર ઓપરેશન થિયેટરના દરવાજા પરની લાલ લાઈટ પર જ હતી.
"બાપુ! ભાઈ ઠીક તો થઈ જાશે ને?" અનોખી મુના બાપુ સામે આવીને પૂછવા લાગી.
"હાં બેટા! એને કંઈ નહીં થાય. એ તો મારો સિંહ છે." મુના બાપુએ અનોખીના માથાં પર હાથ મૂકીને કહ્યું.
મુના બાપુને પણ શિવ પ્રત્યે લાગણીઓ હતી. આટલાં વર્ષો સુધી સાથે કામ કર્યા પછી એ પણ ક્યાંકને ક્યાંક શિવ સાથે પોતાનાં દિલનાં તાર જોડી બેઠાં હતાં. ઘણાં સમયનાં ઓપરેશન પછી ડોક્ટરે બહાર આવીને કહ્યું, "ગોળી કાઢી લીધી છે. થોડીવારમાં એમને હોશ આવી જાશે. સમયસર હોસ્પિટલે પહોંચી ગયાં. એમાં અમને એમનો જીવ બચાવવામાં સફળતા મળી."
ડોક્ટરની વાત સાંભળીને બધાંને હાશકારો થયો. ત્યાં જ માધવીબેન, રોહિણીબેન અને રોકી પણ હોસ્પિટલમાં આવી પહોંચ્યાં. રોકીને જોઈને અપર્ણા એની સામે નજર નાં મેળવી શકી. ત્યાં જ એની નજર શિવનાં રૂમમાંથી બહાર આવી રહેલી નર્સ પર પડી. એણે નર્સ પાસે આવીને પૂછ્યું, "હવે હું શિવને મળી શકું?"
"હાં, પણ એક એક કરીને જાજો. એ હજું ભાનમાં નથી આવ્યાં." કહીને નર્સ જતી રહી.
અપર્ણાએક એક નજર રાધાબા તરફ કરી. એમણે આંખોથી જ સહમતિ દર્શાવી. અપર્ણા તરત જ શિવને મળવાં જતી રહી. જગદીશભાઈ એમનાં પરિવાર સાથે એક તરફ ઉભાં હતાં. જગજીતસિંહ એમની પાસે આવીને ઉભાં રહી ગયાં.
"મારો શિવ અપર્ણાને બહું પ્રેમ કરે છે." જગજીતસિંહે નિરાંતે વાતની શરૂઆત કરી, "મને ખબર જ માફિયા અને પોલીસ વચ્ચે કોઈ સારો સંબંધ સ્થાપિત નાં થઇ શકે. પણ, હું મારાં દિકરા માટે બધું છોડવાં તૈયાર છું. તમે બસ શિવ અને અપર્ણાને અલગ નાં કરો." કહીને જગજીતસિંહે એમનાં હાથ જોડી લીધાં.
"હાં, હું પણ મારાં બધાં કામ છોડી દઈશ." અચાનક જ મુના બાપુએ આવીને કહ્યું. એમની વાત સાંભળીને જગજીતસિંહે હેરાનીથી એમની સામે જોયું. અનોખીને પણ આ સાંભળીને ખુશી થઈ. મુના બાપુએ જગજીતસિંહ સામે પાંપણો ઝબકારીને આગળ કહ્યું, "મારો એક જ મકસદ હતો. રાકા અને એમનાં આદમીઓને સજા અપાવવી. જેમાં મને તમારાં કારણે જ સફળતા મળશે." એમનો ઈશારો જગદીશભાઈ તરફ હતો, "મારી દીકરીએ મને એ લોકોને મારવાની નાં પાડી છે. એટલે હવે તમે જ એમને સજા અપાવી શકશો. એમને સજા મળતાં જ હું મારાં બધાં ખરાબ કામ છોડી દઈશ. પછી હું મારી દીકરી સાથે સામાન્ય જીવન જીવવા માંગીશ. તો તમે પણ શિવ અને અપર્ણાનાં સંબંધ માટે માની જાવ."
જગજીતસિંહ અને મુના બાપુની વાત સાંભળીને વિચારમાં પડી ગયાં. એ શિવ અને અપર્ણાનો પ્રેમ તો જોઈ અને સમજી જ ચુક્યાં હતાં. હજું એ કંઈ કહે એ પહેલાં જ અપર્ણાએ આવીને કહ્યું, "બાપુ! શિવને હોશ આવી ગયો."
અપર્ણાની વાત સાંભળીને જગજીતસિંહ, મુના બાપુ, રાધાબા અને અનોખી શિવનાં રૂમમાં આવ્યાં. શિવને સહી સલામત જોઈને બધાંને હાશકારો થયો. અપર્ણા તરત જ શિવ પાસે આવી. એને જોઈને શિવે એનો હાથ પકડી લીધો. ત્યાં જ દરવાજે ઉભેલાં જગદીશભાઈ પર શિવની નજર પડતાં જ શિવે અપર્ણાનો હાથ છોડવાની કોશિશ કરી. પણ, અપર્ણાએ એનો હાથ જોરથી પકડી લીધો. એ જોઈને જગદીશભાઈ અંદર આવ્યાં.
"અંકલ! આઈ એમ સોરી. મારો...."
"તારે સોરી કહેવાની કોઈ જરૂર નથી." જગદીશભાઈએ પ્રેમથી શિવનાં માથે હાથ મૂકીને કહ્યું, "હું જ પાગલ હતો, કે તને સમજી નાં શક્યો. પણ, હવે હું એવી ભૂલ નહીં કરું. મારે બસ અપર્ણાની ખુશી જોઈએ છે. એની ખુશી તારાથી હોય તો મને આ સંબંધ મંજૂર છે."
"પપ્પા!" જગદીશભાઈની વાત સાંભળીને અપર્ણા ખુશ થઈને જગદીશભાઈને ભેટી પડી.
"અને મને અનોખી અને નિખિલનો સંબંધ મંજૂર છે." અચાનક જ મુના બાપુએ કહ્યું. તો બધાં એમની સામે જોવા લાગ્યાં. એમણે બધાંની વચ્ચે આવીને આગળ કહ્યું, "તમને બધાંને એમ હશે, કે બાપુને કંઈ ખબર જ નથી. પણ, મને બધી ખબર હતી. અનોખી એ દિવસે મારી સામે‌ ખોટું બોલી હતી, કે એ નિખિલને પસંદ નથી કરતી. એ મેં એની આંખોમાં વાંચી લીધું હતું." એમણે શિવ તરફ નજર કરી, "શિવ મારી સાથે માત્ર મને સાચાં રસ્તે લાવવાં માટે જોડાયો હતો. જેથી હું બધાં ખરાબ કામ છોડી દઉં, અને એની માઁ સાથે જે કર્યું એની માફી માંગી લઉં." એ અચાનક જ રાધાબા સામે આવીને હાથ જોડીને ઉભાં રહી ગયાં, "મને માફ કરી દેજો. મેં તમારી સાથે બહું ખોટું કર્યું. પણ, હવે હું ખરેખર સુધરવા માગું છું. મારી દીકરી માટે!"
મુના બાપુની આંખોમાં અનોખીને પશ્ચાતાપ સાફ નજર આવતો હતો. એ તરત જ દોડીને મુના બાપુને ભેટી પડી. મુના બાપુ પ્રેમથી એનાં માથામાં હાથ ફેરવવા લાગ્યાં. વર્ષો પછી બધાંનો મકસદ પૂરો થયો હતો. શિવ મુના બાપુને સુધારવામાં સફળ રહ્યો હતો. એમ એનો મકસદ પૂરો થયો હતો. મુના બાપુ રાકાને સજા અપાવવા માંગતા હતાં. એમાં શિવનાં કારણે એ પણ સફળ રહ્યાં હતાં. શિવે જ રાકા અને એનાં આદમીઓને શોધ્યાં હતાં. એનાં કારણે મુના બાપુનો મકસદ પણ પૂરો થયો હતો. આજે બધાં પોતાનાં પરિવાર સાથે ખુશ હતાં. જગદીશભાઈ પણ અનોખી અને નિખિલનાં સંબંધથી ખુશ હતાં.
અપર્ણા શિવનો હાથ પકડીને બધાનાં ખુશ ચહેરાં જોઈ રહી હતી. એણે અચાનક જ શિવ સામે જોઈને, માસૂમ ચહેરો બનાવીને કહ્યું, "હવે તો પેલાં ત્રણ મેજીકલ વર્ડસ્ કહી દે."
"ક્યાં?" શિવે જાણી જોઈને અપર્ણાને હેરાન કરવા પૂછ્યું.
"અરે આઈ લવ યૂ." અપર્ણાએ ચિડાઈને કહ્યું.
"આઈ લવ યૂ ટૂ." શિવે સ્મિત સાથે કહ્યું. તો અપર્ણા પણ નાનાં બાળકની જેમ હસવા લાગી.

સમાપ્ત