Kunvar in Gujarati Short Stories by પરમાર રોનક books and stories PDF | કુંવર

Featured Books
Categories
Share

કુંવર

● કુંવર ●


અમારી સ્કૂલમાં અપડાઉનની સાથે હોસ્ટેલની પણ સુવિધા હતી. હું અને મારા મોટા ભાગના મિત્રો અપડાઉનવાળા જ હતા, તેમ છતાં અમે હોસ્ટેલમાં કામ કરતા લોકો સાથે મિત્રતા કરી લેતા. કારણ કે અમારી મસ્તીઓને તે છુપાવવામાં તેઓ અમારી મદદ કરતા હતા. તેમાંથી ઘણા અમારી મસ્તીઓને ખરેખર છુપાવતા હતા, જ્યારે તેમાંથી એવા પણ ઘણા હતા જેઓ અમારી નાની-નાની મસ્તીઓની જાણ પણ આચાર્યને કરી દેતા હતા. તેમ છતાં અમારી મસ્તીઓ ઓછી થઈ ન હતી.


હું જ્યારે છઠ્ઠા ધોરણમાં હતો, ત્યારે હોસ્ટેલના જુના રસોઈયાને રજા આપીને નવા રસોઈયાને રાખવામાં આવ્યો હતો. તેની સાથે એક નવો છોકરો પણ આવ્યો હતો, જેનું નામ કુંવર હતું. તે એ જ નવા રસોઈયાનો 11 વર્ષનો છોકરો હતો. કુંવર અમારી જ ઉંમરનો હોવાથી અમારી મિત્રતા જલ્દી થઈ ગઈ હતી.


કુંવરના પિતાનું સ્કૂલમાં એક જ કામ હતું, રસોઈ કરવાનું. બીજું કોઈ પણ કામ તેઓ કરતા નહીં. જ્યારે રસોઈ થઈ જતી તો તેઓ સુઈ જતા. આવું હું એટલા માટે કહી શકું છું કારણ કે મેં જ્યારે જ્યારે તેના પિતાને જોયા હતા ત્યારે ત્યારે તેઓ સુતા રહેતા. આ પરથી એવું પણ કહી શકાય કે તેઓ ખૂબ જ આળસુ હતા. પરંતુ કુંવર તેમનાથી એકદમ વિરુદ્ધ હતો. તેનું સ્કૂલમાં કામ હતું સાફસફાઈ કરવાનું અને તેની સાથે અન્ય નાના મોટા કામો કરવાનું. પોતાના પિતાની વિરુદ્ધ તે પોતાના જ કામના મસ્ત રહેતો હતો.


જો કે તેનું મૂળ ગામ તો રાજસ્થાનમાં ક્યાંક આવ્યું હતું પંરતુ પૈસાની શોધ તેને અને તેના પિતાને અમારી સ્કૂલ સુધી ખેંચી લાવી હતી.


તેના સ્કૂલે આવ્યા બાદ અમારી મોટા ભાગની મસ્તીઓ આચાર્યના કાને પહોંચતી ન હતી, કારણ કે વચ્ચે આવીને તે એ કમ્પ્લેન્ડોને રોકી લેતો હતો. આથી જ અમે ઘણી વાર બચી જતા હતા. ક્યારેક ક્યારેક તો તે પણ અમારી મસ્તીઓનો ભાગીદાર બની જતો હતો અને કયારેક ક્યારેક તો અમે જ તેની મસ્તી કરતા. તેમ છતાં તે ક્યારેય અમારી પર ગુસ્સે થતો નહિ. તે હંમેશા હસતો રહેતો અને અમને કહેતો કે, તે ક્યાંય પણ ચાલ્યો જાય પરંતુ ક્યારેય અમને ભૂલશે નહિ.


એક દિવસે અમે અમારી ટેસ્ટનું પાકું કરી રહ્યા હતા અને બાજુમાં કુંવર પણ બેઠો હતો. યાદ રાખવા માટે મારા એક મિત્રએ દુલા ભાયા 'કાગ'નો એક દુહો મોટેથી બોલ્યો,


"મોટા કરીને મા તેં ખોળેથી ખહતા કર્યા,

ખોળો ખૂંદવા ફરીથી કરને બાળક કાગડા.


મોઢે બોલું મા, મને હાચે ય નાનપણ હાંભરે

મોટપ કેરી મજા મને કડવી લાગે કાગડા."


[મા, તેં અમને મોટા કરીને પછી તારા ખોળેથી દૂર કર્યા. એ (કાગડા એટલે કે) 'કાગ'ને ફરીથી તારો ખોળો ખૂંદવો છો.

હું 'મા'શબ્દ બોલું કે તરત મને મારું નાનપણ સાંભરે છે. મોટા થવાની મજા મને -કાગને- કડવી લાગે છે.]


આ દુહો સાંભળતાની સાથે હસતા કુંવરનું મોઢું પડી ગયું અને તેની આંખોમાં જર્જરિયા આવી ગયા. હું તેની નજીક બેઠો હોવાથી મેં આ નોંધી લીધું પણ હું કઈ પ્રતિક્રિયા આપું તેની પહેલા તો તે ઉભો થઈને પોતાના ઓરડામાં ચાલ્યો ગયો.


બીજા દિવસે મને મારા અન્ય મિત્રોથી જાણ થઈ કે, કુંવરની માતા, તે જ્યારે 2 મહિનાનો હતો ત્યારે જ સુરાપુરીમાં ચાલ્યા ગયા હતા. આથી જ તેને ક્યારેય પોતાની મમ્મીનો પ્રેમ મળ્યો ન હતો. આ કારણે જ તેએ જ્યારે તે પેલો દુહો સાંભળ્યો હતો ત્યારે તેને પોતાની માતાની યાદ આવી ગઈ હતી.


આ ઘટના બાદ મારો કુંવરને જોવાનો દૃષ્ટિકોણ એકદમ બદલી ગયો હતો. હું ત્યારે એવું માનતો હતો કે તેના દુઃખને હું સમજી શકું છું, પણ અત્યારે જ્યારે વિચાર કરું છું ત્યારે મને જાણ થાય છે કે હું ખોટો હતો. ખરેખરમાં તો હું મારી માતા વિનાના જીવનને કલ્પી પણ શકતો નથી.


જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ મને કુંવર વિશે વધુ ને વધુ, કઈંકને કંઈક નવું જાણવા મળતું જ ગયું. ક્યારેક લાગતું કે, વાહ ! તેનાથી વધુ સુખી વ્યક્તિ કોઈ પણ નહીં હોય. અને ક્યારેક લાગતું કે, અરેરે ! ભગવાને તેને જ બધા દુઃખો એકીસાથે આપી દીધા છે.


જ્યારે હું 9માં ધોરણમાં હતો ત્યારે, એક દિવસે સ્કૂલ પુરી થયા બાદ હું અને મારા મિત્રો સ્કૂલની સામે આવેલી નાસ્તાની દુકાને નાસ્તો કરવા ગયા હતા. અમે બધાએ પેટ ભરીને નાસ્તો કર્યો અને ઘણી વાતો પણ કરી. નાસ્તો કર્યા બાદ અમે પોત-પોતાની સાઈકલ લઈને ઘર માટે નીકળી પડ્યા. ત્યારે જ અચાનક સ્કૂલની નજીક મારી સાઈકલની ચેન નીકળી ગઈ. હું સાઈકલથી ઉતર્યો અને ચેનને ફિટ કરવા લાગ્યો. ચેનને ફિટ કર્યા બાદ જ્યારે હું સાઇકલ ઉપર બેઠો ત્યારે મને કુંવર દેખાણો.


દરરોજ સ્કૂલ પુરી થયા બાદ દરેક કલાસની સફસફાઈનું કામ કુંવરનું હતું. તે જ કામ કરતા કરતા તે સ્કૂલમાં સૌથી ઉપરના માળ સુધી પહોંચી ગયો હતો. ત્યાંના જ એક કલાસની બારીમાંથી તે મને જોઈ રહ્યો હતો. તેની એક આંખમાંથી આંસુ વહીને તેના ગાલ સુધી પહોંચી ગયું હતું. જ્યારે મેં તેની સામે જોયું અને પોતાનો હાથ ઊંચો કરીને તેને 'Hey' કહ્યું ત્યારે તેને એ બારી બંધ કરી દીધી.


ત્યારે મને તેની ઉપર ગુસ્સો આવ્યો. વિચાર આવ્યો કે આવતી કાલે તેને બરાબરનો પાઠ શીખવવો પડશે. પણ પછી મને ધ્યાન થયું કે તે રડી રહ્યો હતો, એટલે કદાચ પોતાના આંસુઓને છુપાવવા માટે તેએ બારી બંધ કરી હોય. જે પણ હોય પણ હું કાલે આ વિષય ઉપર તેની સાથે વાત કરીશ જ - આ વિચારો કરતા કરતા હું ઘર માટે નીકળ્યો.


બીજા દિવસે જેમ મેં સ્કૂલમાં પગ મૂક્યો તેમ મારા કાને એક સમાચાર પહોંચ્યો, હોસ્ટેલના જુના રસોઈયાને હટાવીને નવો રસોઈયો રાખવામાં આવ્યો છે. કારણ માત્ર તે હતું કે આ નવો રસોઈયો ઓછા પૈસામાં વધુ ભોજન બનાવી આપશે. પરંતુ દુઃખની વાત તે હતી કે પોતાના પિતાની સાથે કુંવર પણ ચાલ્યો ગયો હતો. અમારાથી દૂર. કદાચ આ જ કારણે તે ગઈકાલે રડી રહ્યો હતો.


તે ઘટનાને ખબર નહિ આજે કેટલા વર્ષો વીતી ગયા છે, તેમ છતાં હું કુંવરના તે દુઃખી ચહેરાને ભુલાવી શક્યો નથી. જે મેં છેલ્લી વાર જોયો હતો. ત્યાંથી તે ક્યાં ગયો, તેની સાથે શું શું થયું મને કોઈ પણ વાતની જાણ નથી. તે અત્યારે જ્યાં છે તે પણ હું જાણતો નથી. હા, બસ હું એક જ વાત જાણું છું કે તે જ્યાં-ક્યાંય પણ હશે તે અમને ભુલ્યો નથી હોય.


- પરમાર રોનક