Dashavtar - 40 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 40

Featured Books
Categories
Share

દશાવતાર - પ્રકરણ 40

          ઇમારત નજીક પહોંચતા વિરાટના ધ્યાનમાં આવ્યું કે બધા બચવા માટે જે ઇમારત તરફ દોડતા હતા એ ઇમારત એમને ખાસ સુરક્ષા આપી શકે એમ નથી. તેની છત તૂટેલી હતી. અલબત્ત ઇમારતના ઉપરના કેટલાક માળ જ ગાયબ હતા. એ પ્રલયમાં અર્ધી બચેલી ઇમારત તરફ દોટ લગાવતા હતા. જો એમાં ભોયરુ અને સુરંગ માર્ગ હોય તો જ એમનું બચવું શક્ય હતું.

          બચી શકશે કે નહીં એના કરતાં પણ વધુ મુંઝવતો પ્રશ્ન એ હતો કે પ્રલય કેવો હશે જેણે દીવાલ કરતાં પણ ઊંચી અને સમયસ્તંભ કરતાં પણ મજબૂત ઇમારતને અર્ધી તોડી પાડી! એ સમયે ખરેખર શું થયું હશે? એ જીવ બચાવવા ભાગતો હતો પણ આંખો સામેની તબાહી જોતાં એના મનમાંથી પ્રલયના વિચાર ખસતા નહોતા.

          વિરાટની આંખો બળતી હતી. હવે વધુ સમય આંખો ખૂલી રાખી શકશે કે કેમ એ નક્કી નહોતું. એ તોફાનમાંથી જીવતા નીકળ્યા પછી પણ ક્યારેય આંખો ઠીક થશે કે કેમ એ શંકાનો વિષય હતો. નીરદની વિરાટના કાંડા પર પકડ હજુ એમ જ મજબૂત હતી. એ રીતસર વિરાટને ઇમારત તરફ ખેચી રહ્યા હતા. પણ જાણે વીજળીએ એમને અલગ કરી નાખવાનું નક્કી કર્યું હોય એમ થોડેક દૂર જ પ્રકાશનો એક ગોળો પટકાયો. એ ગોળો આમ તેમ ખેચાયો, હવાનું વાદળ હોય તેમ ચિરાયો, ફાંટ્યો, જમીન પર આળોટ્યો અને અંતે પ્રાંગણમાં ઉજાસ માટે ઊભા કરેલા લોખંડના થાંભલાના સહારે જમીનમાં ઉતરી ગયો.

          તેની અસર વિરાટની આંખોને આંધળી કરી ગઈ. એને હવે દેખવામાં મુશ્કેલી પડતી હતી પણ કોઈ વિકલ્પ નહોતો. બસ બે જ વિકલ્પ હતા સામેની ઇમારતમાં પહોચી ભોયરામાં ચાલ્યા જવું અથવા વીજળીના તોફાનમા ફસાઈ ભડથું થઈ જવું. બીજો વિકલ્પ કોઈ સ્વેચ્છાએ સ્વીકારવા તૈયાર નહોતું. લગભગ ઇમારતથી પાંચ સાત ફૂટના અંતરે વિરાટના પગ થંભી ગયા. એની નજર એક શૂન્ય યુવતી પર પડી. એ દરવાજેથી થોડેક અંતરે જ જમીન પર પડી હતી. એની પીઠ રેત પર હતી અને ચહેરો આકાશને તાકી રહ્યો હતો. એનો ચહેરો કેવો હશે એ અંદાજ લગાવવો મુશ્કેલ હતો કેમકે અત્યારે ભયથી એ સાવ ફિક્કો પડી ગયો હતો અને તેની બદામ આકારની આંખો ભય અને વિસ્મયથી લીંબુ જેવી ગોળ અને મોટી થઈ ગઈ હતી. એણે બંને હાથે તેનો થેલો છાતી ઉપર દબાવી રાખ્યો હતો. એને એમ હશે કે થેલો એને સુરક્ષા આપશે અથવા એ મૃત્યુ પહેલાની મડાગાંઠ હતી. એ કોઈ લાલ પથ્થરની ઠોકરથી ગબડી પડી ગઈ હશે અને છેલ્લી ઘડીએ કશું વિચારી નહીં શકી હોય એટલે થેલાને છાતી સરસો ચાંપી મૃત્યુની રાહ જોતી એમ જ પડી હશે.

          બીજા લોકો જીવ બચાવવા ભાગતા હતા એ અફડાતફડીમાં કોઈનું ધ્યાન એના તરફ ગયું નહોતું પણ વિરાટનું ધ્યાન એના પર ગયું એવો જ એ ત્યાં થોભી ગયો.

          “શું થયું?” એના પિતાએ તેનો હાથ ખેચ્યો, “કેમ ઊભો રહી ગયો?” એમનું ધ્યાન હજુ એ છોકરી પર ગયું નહોતું.

          “પેલી છોકરી..” વિરાટે કહ્યું, “એને મદદની જરૂર છે.” એણે છોકરી જ્યાં પડી હતી એ તરફ આંગળી ચીંધી.

          “ઓહ! ભગવાન..” નીરદે કહ્યું, “લગભગ એ ઘાયલ નથી બસ ડરી ગઈ છે.”

          વિરાટ અને નીરદ એ છોકરી પાસે ગયા. એ ઘાયલ હશે કે કેમ એ વિચારે વિરાટના પેટમાં સમુદ્રમંથન ચાલતું હતું. તેની છાતી પર એ અજાણી પણ પોતાની શૂન્ય છોકરીની સલામતી વજન બની ગઈ. કાશ! એ સલામત હોય!

          એ એની નજીક જઈ ઊભો રહ્યો. એ વિરાટની જ ઉમરની હતી. એ શૂન્યના પરિધાનમાં હતી અને તેનું આખું શરીર રેતીમાં ખરડાયેલું હતું. તેના નાકમાંથી લોહી વહેતું હતું અને હોઠ પાસે એક ચીરો પડ્યો હતો. લોકોએ ગભરાહટ અને અફડા તફડીમાં તેને ખૂંદી નાખી હતી. સદભાગ્યે એ ઇમારત નજીક પહોંચી ગઈ હતી અને હજુ ખાસ મેદની ત્યાં નહોતી નહિતર લોકોએ તેને કચડીને મારી નાખી હોત. લોકો જીવ બચાવવા આંધળિયા કરતાં હતા.

          એ એની પાસે બેઠો, “એ ઠીક છે” એણે નીરદ તરફ જોયા વગર જ કહ્યું, “એના શ્વાસ સમાન્ય ચાલે છે.” વિરાટને પ્રાથમિક સારવાર અને શ્વાસ કે નાડી કેમ તપાસવા એની તાલીમ ગુરુકુળમાં મળી હતી. ગુરુ જગમાલે લગભગ મોટા ભાગના જ્ઞાની બાળકોને એ શીખવ્યું હતું જેથી મુશ્કેલીના સમયે એવા બાળકો બીજા લોકોની મદદ કરી શકે.

          એ હજુ ફાટી આંખે આકાશને તાકી રહી હતી. એની આંખોમાં આકાશ જેવો જ ખાલીપો અને તેના હૃદયમાં આકાશ જેવો જ વિષાદ હતો. આકાશી વીજળી ક્યારે એના પર પડે અને ક્યારે એના દુખી જીવનનો અંત આવે તેની રાહ જોઈ રહી હોય તેવી ગહેરી ઉદાસી તેની આંખોમાં અને ચહેરા પર હતી.

          “એય છોકરી...” નીરદે ઊંચા અવાજે કહ્યું, “ઊભી થા, નહિતર મરી જઈશ.”

          વિરાટે તેના પિતાના શબ્દો સાંભળ્યા પણ એ છોકરીએ ન સાંભળ્યા હોય એમ પડી રહી. એના ચહેરા પર વિરાટ કે તેના પિતાની હાજરીની જાણ હોવાનો કોઈ અણસાર પણ ન દેખાયો. એ ભયથી પથ્થર બની ગઈ હતી. એની બુદ્ધિ બહેર મારી ગઈ હતી. આમ પણ પવન એટલો ગયો હતો કે કોણ શું બોલે છે એ ધ્યાન ન આપીએ તો સાંભળવું મુશ્કેલ હતું.

          નીરદ પણ વિરાટ બેઠા. વિરાટે છોકરીના ચહેરા આગળ આમતેમ હથેળી ફેરવી. એની આકાશ સામે માંડેલી મીટ તૂટી. એ વિરાટની હથેળીને જોવા લાગી અને જેમ સાપની આંખો બિન સાથે ફરે એમ એની આંખો વિરાટની હથેળી સાથે ફરવા લાગી. થોડીવાર હથેળી આમતેમ ફેરવી એને આકાશમાં ચાલતા તોફાનના ભયથી મુક્ત કરી વિરાટે તેનો ચહેરો બંને હથેળીમાં પકડ્યો, “ઊઠ...”

          “તું મને સાંભળે છે?” એણે તેના ખભા પકડીને હલાવ્યા, “તું મને સાંભળી શકે છે?”

          એણે કોઈ જવાબ ન આપ્યો. એની મોટી આંખો વિરાટના ચહેરાને તાકતી રહી.

          “પ્રયત્ન ચાલુ રાખ.” નીરદે કહ્યું, “તું ખરેખર એક અજાણી છોકરી માટે આપણા બંનેનું જીવન જોખમમાં મૂકી રહ્યો છે.” એ હસ્યા, “તને બેવકૂફ કહું કે બહાદુર.”

          “જ્ઞાની...” વિરાટ પણ હસ્યો, “અને આ છોકરી અજાણી નથી. એ શૂન્ય છે અને કોઈ પણ શૂન્ય માટે હું જીવ આપવા તૈયાર છું.”

          “મારા પિતા ક્યાં છે?” છોકરી પહેલીવાર બોલી.

          “એ ઠીક છે.” હવે નીરદે વાતનો દોર સંભાળ્યો કેમકે ક્યારે જુઠ્ઠું બોલવું એ તેનું કામ હતું, “એ એકદમ સુરક્ષિત છે.”

          “મારાથી એમનો હાથ છૂટી ગયો.” છોકરીએ ઊભા થવા પ્રયત્ન કર્યો. નીરદે તેને ઊભા થવામાં મદદ કરી, “હું એમનો હાથ છોડવા નહોતી માંગતી પણ ભીડની ધક્કામૂકીમાં એ છૂટી ગયો.”

          “કોઈ વાંધો નહીં. તારા પિતા બિલકુલ ઠીક છે.” નીરદે કહ્યું જ્યારે હકીકતમાં એ છોકરીના પિતા કોણ છે એ એ નહોતા જાણતા પણ એ સમયે એને હિંમતની જરૂર હતી અને તેના પિતા લાપતા છે એમ કહેવું હિતાવહ નહોતું, “તું ચાલી શકીશ?”

          એ ઊભી થઈ એટલે નીરદે તેને પોતાના ખભાનો સહારો આપ્યો અને બંને ચાલવા લાગ્યા. વિરાટે કોઈનો જીવ બચાવી શકવા બદલ મનોમન ખુશ થઈ એમની પાછળ જવા પગ ઉપડયો એ જ સમયે આખું શહેર ઝળહળી ઊઠે એવો પ્રકાશ-વિસ્ફોટ થયો. શું થયું એ કોઈને સમજાય એ પહેલા વીજળીનો વજ્ર જેવો પ્રહાર વિરાટથી થોડેક દૂર ઊભેલા એક યુવક પર પડ્યો. વિરાટ અને તેના પિતા છોકરીની મદદ કરતાં હતા એ જોવા એ ઊભો રહી ગયો હતો.

          અને પછી વિરાટે એના જીવનનું સૌથી ભયાનક દૃશ્ય જોયું. એ ચીસ પાડી ઉઠ્યો અને એ જ સમયે ઊર્જાનો અનંત જથ્થો તેના ઘાટીલા શરીર પર પડ્યો. તેની છાતી સોસરાવી નીકળી જવા મથતી એ ઊર્જાએ તેને દૂર ફેકી દીધો. એ પીઠ વરાણો પડ્યો. એના ગળામાં તેની બીજી ચીસ અટકી ગઈ. એના પડ્યા પછી તેના પર જીણા લાલ કાંકરા અને રેતનો વરસાદ થયો કેમકે તેની છાતી પરથી ઉછળીને વીજળી જમીન પર પટકાઈ હતી.

          કનિષ્ક ફાટી આંખે સ્પાયગ્લાસના કાચમાં જોઈ રહ્યો. એને જે જોયું એના પર વિશ્વાસ નહોતો થતો. જે યુવકની સલામતી અને સુરક્ષા માટે તેને ગોઠવવામાં આવ્યો હતો એ યુવકની છાતી પર વીજળી પડી હતી. આજ સુધી ચિત્રાંગ્ધ શહેરમાં ત્રાટકેલી સૌથી ભયાનક વીજળી એની છાતી પર પડી હતી.

*

          “અભેદ....” કનિષ્કના મોંમાંથી રાડ નીકળી ગઈ.

          “અભેદ...” કૈરવ અને જટાસ્યા પણ એ લોકો અહીં છુપાઈને બેઠા છે એ હકીકત ભૂલી ગયા હોય એમ જોરથી બોલ્યા, “અવતાર....”

          સદનસીબે વીજળીના એ તોફાનમા એમનો અવાજ એકબીજાને જ માંડ સંભળાયો હતો. એ અવાજ એ લોકો જે ઇમારતમાં છુપાયા હતા તેના બહાર જવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો.

          “અભેદ...” કનિષ્ક હજુ સ્પાયગ્લાસ એમ જ હાથમાં રાખી બબડ્યો. એને સ્પાયગ્લાસ હાથમાં જ રાખ્યા અને ઘૂંટણ પર બેસી જમીનને માથું અડાવી અભેદ અવતારને નમન કર્યા.

          એ ઓલૂસ પહાડની ધર્મસેનાનો રક્ષક હતો. એણે અવતાર વિષે ઘણી ભવિષ્યવાણીઓ સાંભળી હતી પણ આજે એક ભવિષ્યવાણી એણે નજરે જોઈ. પ્રચંડ ઊર્જાના ગોળા જેવો વીજળીનો પ્રહાર વિરાટની છાતી પર પટકાયો. કોઈ પણ માનવ શરીર એ ઊર્જા સામે ટકી ન શકે. શરીર તો શું મોટામોટા ઝાડને પણ ભડથું બનાવી એ વીજળી જમીનમાં ઉતરી જાય પણ અવતારની અભેદ છાતી પર ઘડી બે ઘડી તરફડિયાં મારીને જાણે એ સમજી ગઈ હોય કે એનો પનારો એના કરતાં કોઈ વધુ શક્તિશાળી સાથે પડ્યો છે એમ એ ઉછળી અને જમીન પર પટકાઈ ત્યાંથી આળોટી એ પ્રાંગણમાં ખોદેલા થાંભલાને સહારે જમીનમાં ઉતરી ગઈ હતી.

          “વાનરરાજને ખબર મોકલાવો કે આપણી પાંચ સો વર્ષની પ્રતિક્ષાનો આજે અંત આવ્યો છે...” કનિષ્ક જટાસ્યા તરફ જોઈને બોલ્યો, “સવાર પડતાં જ આપણે ખુદ બરફના પહાડોમાં એ સંદેશ આપીશું કે ફરી પૃથ્વી પર સાચા દેવતાઓના શાસનનો સમય આવી ગયો છે.”

          જટાસ્યા અને કૈરવ ભક્તિભાવભરી આંખે વિરાટને રેતમાં પડ્યો જોઈ રહ્યા હતા.

*

          વિરાટની આંખો હજુ ખુલ્લી હતી. એના પર વીજળી પડી છે એ એને સમજાયું જ નહોતું. એનું સંપૂર્ણ ધ્યાન એ યુવક શૂન્ય પર હતું જે વીજળીમાં બળીને ભડથું થઈ ગયો હતો. વિરાટને લાગ્યું કે એ ભયથી મરી જશે જોકે એને એ ખબર નહોતી કે પ્રચંડમાં પ્રચંડ વીજળી એનું કશું બગાડી શકી નહોતી તો ભયનું શું ગજું હતું?

          ઘડી બે ઘડી પહેલા જ્યાં શૂન્ય યુવક ઊભો હતો ત્યાં હવે એને કોલસાથી બનાવેલું પૂતળું ઊભું હોય એવું લાગ્યું. એ થથરાવી નાખે એવું દૃશ્ય હતું. પૂતળાના પગ દોડતા હોય એવી સ્થિતિમાં હતા અને એના હાથ પણ એ જ રીતે દોડવાની સ્થિતમાં હતા કેમકે છેલ્લી ઘડીએ એણે દોડવાની કોશિશ કરી હતી. એનું મોં ખુલ્લુ હતું કેમકે એણે છેલ્લી ઘડીએ ચીસ પાડી હતી. એની આંખો.... એની આંખો નહોતી... આંખોને બદલે બળી ગયેલા બે ગોળા ચોટયા હતા.

          વિરાટે દિવસે જે ખાધું હતું એ બધું ગળા સુધી આવી ગયું. એનું કાજળું ઉથલપાથલ થવા માંડ્યુ. એને દાંત ભીંસી રાખ્યા. તેના ગળાનું ઘાંટી ઢાકણ ચુસ્ત બંધ રહીને ઉલટી થતાં રોકવા મથામણ કરતું રહ્યું.  

          એ ભાંખોડિયભર ઊભો થયો. એને કશું સંભળાતું નહોતું. આસપાસ લોકો દોડતા નજરે પડતાં હતા. એણે જોયું કે નીરદને નિર્ભયના લીડર જગપતિએ બાથમાં પકડેલા હતા. નીરદ નિર્ભય લીડરની પકડમાંથી છૂટી એની તરફ આવવા ધમપછાડા મારતા હતા પણ નિર્ભય સેનાનાયકની શક્તિ અસિમ હતી. એની સામે એક શૂન્યનું કશું ગજું નહોતું.

          વિરાટના કાનના પડદા જાણે ફાટી ગયા હતા. એની આંખો પણ ધૂંધળી પડવા લાગી હતી. પવન એટલો ફૂંકાતો હતો કે જાણે એને ઉડાવીને લઈ જશે એમ લાગતું હતું. પડ્યો ત્યારે શરીર પર ચોટેલી ધૂળ એને કરડતી હતી. સદનસીબે એને પોતાના શરીર તરફ જોયું નહોતું. તેની છાતી પર જ્યાં ઊર્જાનો ગોળો અથડાયો ત્યાં ચામડી બળી ગઈ હતી. જોકે ખાસ નુકશાન થયું નહોતું. આખરે એક વજ્ર બીજા વજ્રને કેટલું નુકશાન કરી શકે?

          ફરી એકવાર આખા પ્રાગણમાં આંધળા બનાવી નાખે એવું અજવાળું ફેલાયું. ફરી વીજળીનો વજ્રધાત થયો. આ વખતે શિકાર એક નિર્ભય સિપાહી બન્યો હતો. નિર્ભય સિપાહી વીજળીના પ્રહાર સાથે જ જમીનદોસ્ત થઈ ગયો. વીજળી એના શરીરમાં દોડીને જમીનમાં ઉતરી ગઈ પણ વિજળી ગયા પછી ત્યાં તેના શરીરનું કોઈ નામોનિશાન નહોતું. એ દોરડાના ગૂંચળા જેમ રેતમાં પડ્યો હતો. એના કપડાં સાથે એની ચામડી પણ બળીને રાખ થઈ ગઈ હતી અને ઠેક ઠેકાણેથી બળેલું માંસ અને હાડકાં દેખાતા હતા. બળેલા માનવમાંસની વાસ હવામાં ભળવા લાગી.

          વિરાટે નિર્ભય સિપાહીનું શરીર જોવા નજર કરી અને એને ચક્કર આવી ગયા. એની આસપાસ એ શાપિત શહેર ગોળ ગોળ ફરવા લાગ્યું. એ સિપાહી દોરડા જેમ ગૂંચળું વળીને પડ્યો નહોતો. વાસ્તવમાં એનો કમરથી નીચેનો ભાગ ગાયબ હતો એટલે એમ લાગતું હતું. વીજળી એના પગ વાટે જમીનમાં દાખલ થઈ ત્યારે એના અર્ધા શરીરના ફુરચા ઉડી ગયા હતા.

          આ પ્રલય પછીની દુનિયા હતી. હજારો કિલોવોટના એ વીજળી પ્રહાર આખે આખા ઝાડને સળગાવી નાખે એવા શક્તિશાળી હતા. વીજળી એને અડધો ભરખી ગઈ હતી. એનું બાકીનું શરીર લોહીમાં નહિ પણ લોહી અને કોલસાને ભેગો કરી ગારો બનાવ્યો હોય એવા ગારામાં ખરડાયેલું હતું. જ્યાંથી શરીર નાશ પામ્યું હતું ત્યાંથી એ ગારો વહીને રેતમાં ભળતો હતો. હવે એ નિર્ભય સિપાહી માત્ર અને માત્ર કોલસાનું બનેલું તૂટેલું પૂતળું હતું.

          વિરાટ નિર્ભય સિપાહીઓને દુશ્મન માનતો હતો. એ સિપાહીઓ આક્રમણ સમયે તબાહી મચાવતા તેમ છતાં એક માનવને એ હાલમાં જોઈ એ સ્તબ્ધ થઈ ગયો. એના ઘૂંટણ તેનું વજન સહન કરવા અસમર્થ થઈ ગયા. એ જમીન ફસડાઈ પડ્યો. નિર્ભય સિપાહીથી થોડે દૂર બીજી પણ એવી જ કોલસાની લાશો વિખેરાયેલી હતી. કોણ શૂન્ય હતા કોણ નિર્ભય સિપાહી હતા એ કહેવું મુશ્કેલ હતું કેમકે લાશોના કપડાં તો શું ચામડી પણ બળી ગયા હતા. મૃત્યુ પછી બધા સમાન હતા. વીજળી બધા સાથે સરખો ન્યાય કરતી હતી. ભલે નિર્ભય સિપાહી હોય કે અછૂત શૂન્ય વીજળી બધાને એક જ કોલસાના તાબૂત બનાવતી હતી.

          એના જ્ઞાનતંતુઓ ઢીલા પડવા માંડ્યા. એનું મગજ શરીરને ઊભા થવા આદેશ આપતું રહ્યું પણ શરીર કોઈ આદેશ ન લઈ શક્યું કેમકે જ્ઞાન તંતુઓ સંદેશો લઈ જવામાં નિષ્ફળ ગયા. એના પોપચાં બિડાઈ ગયા અને એનું શરીર રેતમાં ફસડા ગયું. એણે હોશ ગુમાવી દીધા.

ક્રમશ: