Ram Mandir or Ramraja ?? in Gujarati Anything by Badal Solanki books and stories PDF | રામમંદિર કે રામરાજય ??

Featured Books
Categories
Share

રામમંદિર કે રામરાજય ??

ભારતભરમાં અત્યારે ચૂંટણી નામની મોસમ પૂરબહારમાં ખીલી છે. દરેક નેતા તેનાં પક્ષની સુવાસથી મધમાખીરૂપા મતદારોને આકર્ષવા મથી રહ્યાં છે પરંતુ આ 21 મી સદીનાં શાણા મતદાતાઓ છે. તેમને ખબર છે કે કયું ફૂલ પોતાની સુવાસ આવનારા પાંચ વર્ષ સુધી ટકાવીને રાખી શકશે. તેમને ખબર છે કે, કયું અસલી ફૂલ છે અને કયા ફૂલ કાગળનાં છે, જેના પર પોતાનાં ભાષણોરૂપી અત્તર છાંટીને તેને સુગંધિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એના માટે એક પંક્તિ -

" બાગ મહેકી ઊઠ્યો છે ગુલાબનાં સુગંધીદાર ફૂલોથી,
પણ રસિકજનો તમે ચેતજો કાગળનાં નકલી ફૂલોથી. "

છેલ્લા કેટલાક વર્ષોથી દરેક ચૂંટણીમાં એક મુદ્દો જરૂર ગાજયો છે અને આગળ પણ ગાજતો રહેવાનો છે, તે મુદ્દો છે " રામમંદિર " નો. ભગવાન રામનું દરેક હિંદુનાં દિલમાં અનેરુ સ્થાન છે. તેથી નેતાલોગ આ જ ભગવાન રામનાં પદનો દુરુપયોગ કરીને, પ્રજાને અવળા રસ્તે ચઢાવીને, વિકાસની વાતોને બાજુ પર મૂકીને, લોકોનાં દિલ - દિમાગમાં એક ધાર્મિક વંટોળ ઉભું કરીને પોતાની રાજકીય ખીચડી રાંધવાનાં ચક્કરમાં લાગી ગયા છે. તેઓ પ્રજાને રામમંદિરમાં જ ઉલજાવી રાખીને પોતાની નિષ્ફળતાઓ છૂપાવી રહ્યા છે.

હું કોઈપણ એક પાર્ટીની વિચારધારાનો પ્રચારક નથી કે કોઈ પાર્ટીની વિચારધારાનો વિરોધી પણ નથી. હું ફક્ત આ દેશનું હિત ચાહનારો એક સામાન્ય નાગરિક છું. મને ખબર છે કે, દેશમાં કોઈની પણ સત્તા ભલે ને આવી જાય પરંતુ સામાન્ય નાગરિક જ્યાં હતો ત્યાં જ રહેવાનો છે, ખેડૂત આત્મહત્યા કરતા આવ્યા છે અને આગળ પણ કરતા જ રહેશે, મહિલાઓ પર અત્યાચારો થતા આવ્યા છે અને આગળ પણ થતાં જ રહેવાના છે. કોઈની પણ સરકાર આવીને " રામરાજ્ય " ની સ્થાપના તો નથી જ કરી દેવાની !!

મને એ લોકોની વાત નથી સમજાતી કે જે રામમંદિર બનાવવા માટે આટલા બધા હવાતિયા મારી રહ્યા છે. તેમને જઈને તમે જરા પૂછજો કે, ભાઈ !! આ રામમંદિર બનવાથી શું ભારતમાંથી ગરીબી દૂર થઈ જશે ? બેકારીની સમસ્યાનો નિવેડો આવી જશે ? રાધા, સીતા અને દ્રૌપદીની આ ભૂમિ પર મહિલાઓ પર થતા અત્યાચારો બંધ થઈ જશે ? એક હાથમાં પોતાના નાના ભાઈ કે બહેનને લઈને ફરતા અને બીજા હાથમાં એક રૂપિયાની ભીખ માંગતા બાળકો રસ્તા પર દેખાતા બંધ થઈ જશે ? આ જગતનાં તાત એવા ખેડૂતને શું ભારે જતનપૂર્વક વાવેલાં અનાજનો યોગ્ય ભાવ મળતો થઈ જશે ? અને તેમની આત્મહત્યાની સંખ્યામાં ઘટાડો થશે ? શું રામમંદિર બની જવાથી સમાજમાં ઉચ્ચ - નીચ જાતિ વચ્ચેની દિવાલ તૂટી જશે ? શું ભગવાન રામ ખુદ સરહદ પર જઈને આ દેશની રક્ષા કરશે અને આપણે આપણા વીર જવાનો ખોવાનું દુઃખ નહિ ભોગવવું પડે ? શું ગાયનાં નામ પર થતી દર્દનાક હિંસાઓ થતી બંધ થઈ જશે ?

શું અયોધ્યાની પવિત્ર ધરતી ઉપર રામમંદિર બનાવી દેવાથી ઉપરની તમામ સમસ્યાઓનો હલ આવી જવાનો છે ? આ બધી સમસ્યાઓ રામમંદિર બન્યા બાદ પણ જો હાજર રહેવાની હોય તો રામમંદિર બનાવવાનો કોઈ અર્થ નથી, રામમંદિરના નામે એ જ રામે બનાવેલા મનુષ્યો પર અત્યાચાર કરવાનો કોઈને અધિકાર નથી, રામનાં નામે વિરોધીઓનાં બાળ - બચ્ચાઓ છીનવીને મહિલાઓ પર બળાત્કાર કરવાનો કોઈને હક નથી, તેમજ એ જ રામમંદિરની આડમાં કટ્ટર હિન્દુવાદી બનીને આ દેશની શાંતિ અને સલામતીનો ભંગ કરી દેશને આગની જવાળાઓમાં ઝોકવાનો પણ કોઈને અધિકાર નથી...

હું ન તો " રામમંદિર " નો વિરોધી છું, ન તો " બાબરી મસ્જિદ " બનાવવાનો સમર્થક. હું તો ફક્ત આ દેશનું હિત અને સમૃદ્ધિ ઈચ્છનારો. તેમજ ભારતને " ભાગ્યવિધાતા " તરીકે જોવાની ઈચ્છા રાખનાર ભારતવર્ષનો એક શાંતિપ્રિય નાગરિક છું કે જેના માટે પોતાના દેશની શાંતિ અને સલામતીથી વિશેષ કંઈ જ નથી. ન તો રામમંદિર અને ન તો બાબરી મસ્જિદ...

એક સામાન્ય નાગરિક કે જે સવારે વહેલા ઊઠીને નોકરીએ જાય છે અને છેક સાંજ પડતા ઘરે પાછો આવે છે, થોડો સમય પોતાના પરિવાર સાથે હસી-મજાકમાં પસાર કરે છે. તેને રામમંદિરની પરવાહ નથી પરંતુ તેને તો પરવાહ છે - પોતાના સંતાનનાં ભવિષ્યની, પોતાની નોકરીની, પોતાની પત્નીની ઈજ્જતની અને તેને પરવાહ છે પરિવારની પૂરેપૂરી જવાબદારી પોતાના શિરે હોવાથી તેને કંઈ થઈ ના જાય તેથી મહદ્અંશે પોતાની પણ. એ સામાન્ય નાગરિકને અયોધ્યામાં રામમંદિર બનવાથી કે ન બનવાથી તેની રોજિંદી જિંદગીમાં કોઈ જ ફેર પડવાનો નથી. એ નાગરિક જે નબળી સ્થિતિમાં અત્યારે છે એ જ સ્થિતિમાં રહેવાનો છે. રામમંદિર બન્યા બાદ ભગવાન રામનાં આશીર્વાદથી તે અઢળક સંપત્તિનો હકદાર તો નથી થઈ જવાનો !!!

માની લો કે, રામમંદિર બની પણ ગયું તો પણ તમારામાંથી કેટલા લોકો મંદિરની મુલાકાતે જશે ?? અને જશે તો પણ કેટલી વાર જશે ? એકવાર, બેવાર કે પછી ત્રણવાર... તમે ફક્ત બે કે ત્રણવાર ભગવાન રામનાં દર્શન કરવા માટે પોતાના જ દેશનાં સેંકડો નાગરિકોની હત્યા કરવા, શાસન- વ્યવસ્થા ખોરવવા, ભગવાન રામનાં નામે હિંસા કરવા, અનેક મહિલાઓને વિધવા બનાવવા અને અનેક બાળકોને અનાથ બનાવવા માટે તૈયાર છો ?? તમારે તમારા ઉકળતા લોહીની તાકાત બતાવવી જ હોય તો જાઓને સરહદ પર.. કે જ્યાં રોજ આપણા કેટલાય વીર સૈનિકો દુશ્મનોની ગોળીઓ ખાય છે. પોતાના માટે નહિ ના કે પોતાના ધરમ માટે. એ લોકો સામી છાતીએ ગોળી ખાય છે ફક્ત પોતાના દેશ માટે... તેમને જઈને પૂછજો કે, તમારે શું જોઈએ - રામમંદિર કે બાબરી મસ્જિદ ?? તો તેઓ પોતાના હસતા મુખે એક જ જવાબ આપશે -

" મારે તો મારો દેશ સલામત જોઈએ... "

આખા ભારત દેશનું પ્રતિનિધિત્વ ફક્ત બે સમૂહ જ કરે છે - એક સૈનિક અને બીજો છે ખેડૂત. જ્યારે જવાન સરહદ પર ખડે પગે હોય ત્યારે એ કોઈ પણ ધર્મ, નાત-જાત કે પ્રદેશનો હોય પરંતુ તે ક્યારેય એમ નથી વિચારતો કે, હું ફક્ત આ ચોક્કસ ધર્મનાં લોકોની કે ફક્ત આ પ્રદેશનાં લોકોની જ રક્ષા કરું છું પરંતુ એ વિચારે છે કે, હું સમગ્ર ભારત દેશનાં લોકોની રક્ષા કાજે અહીંયા તહેનાત છું. એવી જ રીતે ખેડૂત પણ જ્યારે અનાજ પકવે છે ત્યારે એમ નથી વિચારતો કે, મારું અન્ન ફક્ત આ ધર્મનાં કે આ જાતિનાં જ લોકો ખાશે. બિલકુલ નહીં. કિસાન વિચારે છે કે, મારું અન્ન અખંડ ભારતનાં તમામ નાગરિકો ( હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ... ) કોઈપણ નાત-જાતનાં બંધન વગર આરોગશે. જ્યારે દેશની આ બે મહાશક્તિઓ જ દરેક નાગરિકને સમાન ભાવે જુએ છે તો પછી અંદરો-અંદર ભેદભાવ રાખવાવાળા આપણે કોણ હોઈએ છીએ ??

ભગવાન રામનું રામરાજ્ય પણ કંઈ દરેક ક્ષેત્રે સુખી નહિ જ હોય. તેમાં પણ દુઃખિયારા, ગરીબ અને વંચિત તો હશે જ !! પરંતુ આપણે તેના કરતાં પણ આગળ વધીને એક " શ્રેષ્ઠરાજ્ય " ની સ્થાપના કરવાની છે અને તે કાર્ય માત્ર પરસ્પર ભાઈચારો, દરેક ધર્મને માન, સહિષ્ણુતા, દયા, કરુણા અને મૌલિક વિચારસરણીથી જ શક્ય બનશે. તેથી કોઈપણ રાજકીય નેતાની વાતમાં ભરવાનું નહીં. કારણ કે, તેમનું કાર્ય માત્ર અંદરો-અંદર જાતિ - ધર્મનાં નામે ઝઘડાઓ કરાવીને પોતાની વોટબેન્ક ટકાવી રાખવાનું છે અને રહ્યો સવાલ " રામમંદિર " કે " બાબરી મસ્જિદ " બાંધવાનો તો મારો ખ્યાલ એવો છે કે, તે જગ્યાએ કોઈ સદભાવના ટકાવી રાખે તેવા ટ્રસ્ટની સ્થાપના થવી જોઈએ કે જેનાથી હિંદુ-મુસ્લિમ અને તમામ ધર્મનાં લોકો વચ્ચે સંપ અને એકતા જળવાઈ રહે અથવા ત્યાં કૉલેજ કે યુનિવર્સિટી સ્થાપવી જોઈએ જેથી દરેક ધર્મ અને જાતિનાં વિદ્યાર્થીઓ તેનો પૂરેપૂરો લાભ લઈને ભારતનાં શ્રેષ્ઠ ભાવિની રચના કરીને ભારતને એકવાર ફરીથી " ભાગ્યવિધાતા " બનાવે...

જય હિન્દ...
જય ભારત... ??????

【 આ મારા અંગત વિચારો છે. દરેક જણ તેની સાથે સહમત થાય એ જરૂરી નથી અને દરેકની સહમતીની મારે જરૂર પણ નથી... 】

લેખક : - બાદલ સોલંકી ( બાવલો છોરો )
Whatsapp No :- 9106850269