પુસ્તકનું નામ : સેઇટિઝ
ભાષા : ગુજરાતી
લેખક : સ્પર્શ હાર્દિક
પૃષ્ઠ સંખ્યા : ૧૧૫
પ્રકાશક : શોપીઝન
કિંમત : ૧૮૪/-
ISBN No. : 978-93-92838-67-5
“નિશાનં બી નિશાં બાશદ, મકાનં લા મકાન બાશદ
નાહ તીન બાશદ નાહ જાહ બાશદ, કહ મીન અઝ જાન જનાનમ.”
“મારું કોઈ કાયમી રહેણાક હવે રહ્યું નથી અને મારાં પગલાંઓની કોઈ છાપ પણ અસ્તિત્વ ધરાવતી નથી. હું ન તો આ શરીરમાં હાજર છું, ન તો આત્મામાં. હવે હું ખુદ એ વિશાળ પ્રકૃતિ બની ચૂક્યો છું, જે સમગ્રને ધારણ કરે છે.”
૧૩ મી સદીના મહાન કવિ રૂમીની આ પંક્તિઓને કથાનો નાયક સંવાદ તરીકે વાપરે છે, જે તેના ગુઢ વ્યક્તિત્વને છાજે એવી છે.
SEITIES એ પેલીન્ડ્રોમિક શબ્દ છે, જે આગળ અને પાછળથી એક સરખો વંચાય.
સેઇટિઝ એ આધુનિક કથન શૈલીની નવલકથા છે. સ્પર્શ હાર્દિકની ગુઢ પ્રકારની લેખન શૈલી માટે જાણીતા છે અને સેઇટિઝ પણ આમાંથી એક છે.
આ નવલકથા એવી છે જેમાં નાયક-ખલનાયક કે નાયિકા-ખલનાયિકા એવા ભેદ માટી જાય છે. “જગત ઘણું નઠારું છે અને એને એક બોધપાઠની જરૂર છે.”નામની ટેગલાઈન ધરાવતી આ નવલકથા ખરેખર સુંદર અને લેખકની શ્રેષ્ઠ નવલકથા છે. આને સર્વશ્રેષ્ઠ નહિ કહું કારણ આવનારા સમયમાં આનાથી પણ ઉત્તમ નવલકથાઓ લખશે એવી મને ખાતરી છે.
અન્યાયી જગતને બોધપાઠ આપવા નીકળેલા નાયક-ખલનાયક, નાયિકા-ખલનાયિકાની આ કથા છે. નવલકથાની શરૂઆત થાય છે ક્રિસ્ટોફર નોલનના અપહરણથી. જગવિખ્યાત નિર્દેશક નોલનનું અપહરણ નાયક-ખલનાયક અલ-મુતાસિમે કર્યું છે. તે નોલન પાસે કંઇક જાણવા માગે છે.
નાયિકા-ખલનાયિકા સ્વાન પોતાને એનાર્કીસ્ટ ગણાવવાને બદલે રીફ્રોમર ગણાવવું વધુ પસંદ કરે છે. તે અમેરિકન સૈન્યના મેજર જનરલ ડ્રીપરની જૈવિક સંતાન છે. તે નાનપણમાં દાનવી અનુભવોમાંથી પસાર થયેલી હતી અને તે જાણી ગઈ હતી સંપૂર્ણ જગત અત્યાચારોના કિસ્સાઓથી ઉકરડાની જેમ ખદબદી રહ્યું છે, તેથી તેણે નક્કી કરી લીધું હતું કે તે આ નઠારા જગતને બોધપાઠ આપીને જ રહેશે અને તે માટે તેની શસ્ત્ર હતું તેનું લેપટોપ. તે સેઇટિઝ નામના ગુપ્ત સંગઠનની મહત્વની સદસ્ય છે.
આ નવલકથામાં હજી એક નાયક-ખલનાયક છે, શોન જેનું અસ્તિત્વ ફક્ત સ્વાનની યાદમાં જોઈ શકાય છે. તે પણ પોતાની પત્નીના મૃત્યુનો બદલો લેવા માટે મેદાને પડે છે.
‘આગળ જવામાં કશી સમજદારી નથી,
કેમ કે ઉન્નતિની ચરમસીમા આવી પહોંચી છે.
આવું એમણે કહેલું અને મેં માની પણ લીધેલું.
મેં ત્યાં જ અટકીને જમીન ખેડી અને બીજ વાવ્યાં,
ખળું ઉભું કરીને ચોતરફ વાડ ખેંચી;
જ્યાં સુધી અનંત પર્યંત ગુંજતા અંતરના એક અવાજે મને બોલાવ્યો નહીં.
દિવસરાત ગુંજતો એ ચિરસ્થાયી ધ્વની કહેતો હતો,
એ પર્વતો પાછળ જે કશું ગુપ્ત છે, તું એની શોધમાં નીકળ;
કોઈનાથી ખોવાઈ ગયેલું એ તારી રાહ જુએ છે.’
અલ-મુતાસિમ માને છે રૂયાર્ડ કિપલિંગે તે કવિતા તેને ઉદ્દેશીને જ લખ્યા છે.
અલ-મુતાસિમ એ કોઈ સામાન્ય નાયક કે સામાન્ય ખલનાયક નથી, કોઈ સંત જેવી આભા અને બુદ્ધિમત્તા ધરાવતો અલ-મુતાસિમનું વ્યક્તિત્વ ગુઢ છે અને તેની અંદર ઘણા રહસ્યો ધરબાયેલાં પડ્યાં છે અને તે જાણવા માટે આ નવલકથા જરૂર વાંચશો.
કોણ હતું સેઇટિઝનું સ્થાપક, તેનું લક્ષ્ય શું હતું? કોણ છે અલ-મુતાસિમ? શોન અને સ્વાન કોણ છે? તેઓ જગતને બોધપાઠ આપવા માટે શું કરે છે? નોલનનું અપહરણ શા માટે કર્યું છે? અલ-મુતાસિમ તેની પાસેથી શું જાણવા માગે છે? અને શું તે તેમાં સફળ થાય છે?
ખરેખર માણવાલાયક નવલકથા છે. જો કે આ નવલકથા આધુનિક કથનશૈલીમાં લખાયેલ એક સુંદર નવલકથા.
શું ન ગમ્યું : આ નવલકથા જલ્દી પૂરી થઇ જાય છે. આને હજી વિસ્તૃત રીતે લખવાની જરૂર હતી.
જ્યોતિન્દ્ર મહેતા