Jis Des me Ganaga behti hai in Gujarati Film Reviews by Jyotindra Mehta books and stories PDF | જિસ દેશ મેં ગંગા બેહતી હૈ

Featured Books
Categories
Share

જિસ દેશ મેં ગંગા બેહતી હૈ

ફિલ્મનું નામ : જિસ દેશ મેં ગંગા બેહતી હૈ.

ભાષા : હિન્દી

રીલીઝ ડેટ : ૧૯૬૦

ડાયરેક્ટર : રાધુ કરમાકર

કલાકાર : રાજ કપૂર, પદ્મિની, પ્રાણ, ચંચલ

પ્રોડ્યુસર : રાજ કપૂર

 

        આચાર્ય વિનોબા ભાવે અને શ્રી જય પ્રકાશ નારાયણની ચળવળથી પ્રરણા લઈને ૧૯૬૦ માં બનાવવામાં આ ફિલ્મ તે સમયે બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર, બેસ્ટ એડીટીંગ અને બેસ્ટ આર્ટ ડાયરેકશનનો એવોર્ડ મેળવીને ફિલ્મફેરમાં છવાઈ ગઈ હતી. તે ઉપરાંત નેશનલ ફિલ્મ એવોર્ડ ઓફ મેરીટ  ફોર બેસ્ટ ફીચર ઇન હિન્દી મેળવ્યો હતો.

        આજીવન સિનોમેટોગ્રાફર રહેલ રાધુ કરમાકરે પોતાની કારકિર્દીમાં નિર્દેશિત કરેલી એક જ માત્ર ફિલ્મ છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કલકત્તામાં (હાલ કોલકાતા) કરી હતી. તેમની પહેલી ફિલ્મ હતી કિસ્મત કી ધની જે નીતિન બોસે નિર્દેશિત કરી કરી હતી. ત્યારબાદ તેમણે દિલીપકુમારની પહેલી ફિલ્મ ‘જવારભાટા’ માં સિનોમેટોગ્રાફી કરી. જો કે તે રાજ કપૂર સાથે જોડાયા પછી તેમને પ્રખ્યાતી મળી. આર કે સ્ટુડિયોની મોટાભાગની ફિલ્મોમાં તે જ સિનોમેટોગ્રાફર રહેતા. આવારા, જાગતે રહો, શ્રી ૪૨૦, સંગમથી લઈને હિના સુધી તેમણે આર. કે. ને પોતાની સેવા આપી.

        ડાકુઓનું આત્મસમર્પણ એવા વિષય ઉપર આધારિત ફિલ્મ હિન્દી ફિલ્મોમાં માઈલસ્ટોન છે. વિષયની માવજત એવી રીતે કરવામાં આવી છે કે લોકો અંત સુધી ફિલ્મ સાથે જોડાઈને રહે છે. ગરીબ અને અનાથ રાજુ (રાજ કપૂરને આ નામ સાથે બહુ પ્રેમ હતો.) ડફ વગાડીને પોતાની આજીવિકા મેળવતો હોય છે. એક દિવસ તે એક ઘાયલ વ્યક્તિને બચાવે છે.

        એક દિવસ એક ડાકુઓની ટોળી તેને છુપી પોલીસ સમજીને ઉપાડી જાય છે. તેને ડાકુઓની ટોળીના સરદાર પાસે લઇ જવામાં આવે છે. તેણે જે ઘાયલ વ્યક્તિને મદદ કરી હતી એ તે જ સરદાર હતો. સરદાર તેને સજા આપવાને બદલે મહેમાન બનાવે છે. સરદારની દીકરી કમ્મો (પદ્મિની) રાજુના ભોળપણ ઉપર ઓવારી જાય છે અને તેના પ્રેમમાં પડી જાય છે. ટોળકીનો નંબર ટુ રાકા(માય ફેવરેટ પ્રાણ) પણ પદ્મિનીને પ્રેમ કરતો હોય છે અને તે પણ તેની સાથે લગ્ન કરવા માંગતો હોય છે. બીજલી (ચંચલ) રાકાને પ્રેમ કરે છે અને તેને ખુશ કરવા માટે તેની આગળ પાછળ ફરતી રહે છે.

ટોળકીનો સરદાર રાજુને પોતે સારા ડાકુઓ છે એ વાત ગળે ઉતારે છે અને એક લગ્નમાં ડાકુ ટોળકી રાજુને પોતાની સાથે લઈ જાય છે. નવદંપત્તિને રહેંસાતા જોઇને તેની આંખ ઉઘડી જાય છે અને…..

ભોળા વ્યક્તિની ભૂમિકાને રાજ કપૂરે પોતાની કારકિર્દીમાં એક અનોખી ઊંચાઈ સુધી પહોંચાડી છે. આજે પણ રાજ કપૂરને તેની ભોળી વ્યક્તિઓની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે. ઢીંચણથી થોડું નીચે સુધી લંબાતું પેન્ટ (તેણે પહેરેલ પેન્ટ ગુજરાતી ફિલ્મોના ચોયણા જેવું પણ લાગે છે. એની વે આપણે તે સમયે જન્મ્યા નહોતા એટલે તે સમયની ફેશન વિષે શું કહું?) ટૂંકું ચેનવાળું જેકેટ અને વાતવાતમાં જનોઈ કાઢીને માતા ગંગાની સોગંધ ખાતો રાજુ ખરેખર ગમી જાય એવો છે. શ્રીષ્ટિ નાથ કપૂર તરીકે જન્મેલ આ કપૂર ખાનદાનનો નબીરો ઘણા નામોથી જાણીતો હતો. રણબીર રાજ કપૂર, રાજ કપૂર, રાજ સાહેબ, શોમેન, ગ્રેટેસ્ટ શોમેન ઓફ ઇન્ડિયા.

મેં આજ સુધી જેટલી ફિલ્મો જોઈ છે તેમાં સૌથી માસુમ પ્રણય નિવેદન આ ફિલ્મમાં છે. એક સીનમાં રાજુ કમ્મોને કહે છે, “શિવજીને ચાહા તો એક દિન મેરે ફુલસા લલ્લા હોગા ઔર કમ્મોજી, મૈ ઉસકા નામ શ્રી ગંગાપ્રસાદ રખૂંગા. ક્યા આપ મેરે ઉસ લલ્લેકી મા બનોગી?”

આ સંવાદ બોલતી વખતે રાજ કપૂરે પોતાના ચહેરા ઉપર લાવેલ ભાવ અદ્ભુત છે. આ ફિલ્મની હિરોઈન પદ્મિની દક્ષિણની ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી અને નૃત્યાંગના હતી. આજે કોઈ ફિલ્મ જુએ તો તેને પદ્મિનીનો અભિનય નાટકીયતા ભરેલો લાગે, પણ તે સમયને અનુરૂપ હતો અને તેનું નૃત્ય ! નૃત્ય દરમ્યાન તેની અંગભંગિમા અને ભાવભંગિમાઓએ તેના માદક સૌન્દર્યને અનોખી ઊંચાઈએ પહોંચાડ્યું હતું. ગીત સમયે તેનું નૃત્ય ચાલતું હોય, ત્યારે એમ થાય કે તે અનંતકાળ સુધી નાચતી રહે અને આપણે નિહાળતા રહીએ. તેનું ‘ઓય હોય હોય’ ફિલ્મના અંત પછી પણ યાદ રહી જાય છે.

ખલનાયકીને કોઈએ ઉત્તમતા સુધી પહોંચાડી હોય તો તે પ્રાણ છે. ફિલ્મ જોતી વખતે રાકા ઉપર પળેપળે ક્રોધ આવતો રહે છે અને તે જ પ્રાણના ઉત્તમ અભિનયનું પ્રમાણ છે. ફિલ્મના પ્રેમ ચતુષ્કોણમાં હજી એક અદાકારા છે ચંચલ. કદાચ નામથી ખ્યાલ ન આવે, પણ તેને સ્ક્રીન ઉપર દૂરના દ્રશ્યમાં જુઓ તો ખ્યાલ આવી જાય કે આ થોડી મધુબાલા જેવી દેખાય છે. ચંચલ એક મધુબાલા ઉર્ફ મુમતાઝ જહાન બેગમ દહેલવીની બહેન હતી અને ઈશ્વરે તેને પણ મધુબાલા જેવું શરીરસૌષ્ઠવ આપ્યું હતું, પણ કદાચ તેના જેવી અભિનયકળા આપવાનું વિસરી ગયા હશે. તેથી જ કદાચ તેણે ગણતરીની ફિલ્મોમાં કામ કરીને સંન્યાસ લઇ લીધો. તે નૃત્યમાં પ્રવીણ હતી, પણ પદ્મિની સાથેના નૃત્ય વખતે ખબર પડી જાય કે પદ્મિની કરતાં ઓગણીસ હતી.

આ ફિલ્મનું જમાપાંસુ એ તેનું સંગીત છે. શંકર જયકિશને આ ફિલ્મમાં એકથી એક ચડિયાતાં ગીતો આપ્યા છે. સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરે ગયેલું ‘ઓ બસંતી પવન પાગલ’ આજે પણ તેમનાં ગીતોમાં શ્રેષ્ઠ કહેવાય છે. તે ઉપરાંત ‘મેરા નામ રાજુ, ઘરાના અનામ’, પદ્મિની અને ચંચલના અદ્ભુત નૃત્ય કૌશલ્ય ધરાવતાં ‘ક્યા હુઆ, એ મુઝે ક્યા હુઆ’ અને ‘હો મૈને પ્યાર કિયા’ જોવા અને સાંભળવામાં ગમે એવા છે. રાજ કપૂર અને પ્રાણની વાદન જુગલબંધી ધરાવતું ‘હમ ભી હૈ, તુમ ભી હો’ મજા કરાવે છે. તે ઉપરાંત ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાના’ ગીત પણ આ ફિલ્મનું જ છે. એક અનોખો સંદેશ આપતું ગીત ‘આ અબ લૌટ ચલે’ મુકેશ અને લતાદીદીના અવાજમાં છે. દેશભક્તિની છાંટ ધરાવતું ગીત ‘હોઠોં પે સચ્ચાઈ રેહતી હતી’ માટે ફિલ્મફેરની બેસ્ટ સિંગરનું નોમીનેશન મળ્યું હતું. શૈલેન્દ્ર અને હસરત જયપુરીએ લખેલાં ગીતોને સંગીત અને ગાયકોએ અમર બનાવી દીધાં.

મધુર ગીતો માટે જાણીતા મુકેશને ફિલ્મફેરના શ્રેષ્ઠ ગાયક તરીકે સોળ વાર નોમીનેશન મળ્યું હતું અને તેમાંથી ફક્ત ચાર વાર તેને એવોર્ડ મળ્યો હતો. તે છતાં મારા સૌથી પ્રિય ગાયકોમાં મુકેશ પ્રથમ સ્થાને હતો અને રહેશે.

        રાજ કપૂર, પદ્મિની, પ્રાણ, ચંચલ ઉપરાંત કલાકારોનો શંભુમેળો છે. લલિતા પવાર, તિવારી, નાના પળશીકર, રાજ મેહરા, નયમ્પલ્લી, સલોચના ચેટરજી અને અન્ય. જો કે આ બધા કલાકારોના રોલની લંબાઈ ઝાઝી ન હતી. ડાકુઓના સરદારનો રોલ નયમ્પલ્લીએ કર્યો છે અને મોટેભાગે હીરો કે હિરોઈનના બાપના રોલમાં દેખાતા રાજ મેહરાએ પોલીસ સુપ્રીડેન્ટનો રોલ કર્યો છે.

લલિતા પવાર આ ફિલ્મમાં મીરાબાઈ નામની ડાકુઓની ટોળકીના પરિવારની મહિલાના રોલમાં છે. યેવલાના કપડાવ્યાપારીની દીકરી એવી લલિતાએ કારકિર્દીની શરૂઆત બાળકલાકાર તરીકે ‘રાજા હરિશ્ચન્દ્ર’ (દાદાસાહેબ ફાળકેવાળી નહિ) ફિલ્મથી કરી હતી અને પછી મુખ્ય હિરોઈન તરીકે કામ કર્યું, પણ ફિલ્મ ‘જંગ-એ-આઝાદી’ ફિલ્મના સેટ ઉપર માસ્ટર ભગવાન દ્વારા મારવામાં આવેલ એક જોરદાર થપ્પડને લીધે ડાબી આંખ નીચેની નસને નુકસાન પહોંચ્યું. ત્રણ વર્ષની સારવાર પછી તે પાછી ફરી, પણ તે પોતાનું સૌન્દર્ય ગુમાવી ચૂકી હતી. તેથી તેણે સહકલાકાર તરીકેની ભૂમિકાઓ સ્વીકારી. તેણે ભજવેલો ભૂમિકાઓ અજરામર છે અને તેનું નામ સૌથી લાંબી કારકિર્દી ધરાવતી કલાકાર તરીકે ગીનેઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે. (એક થપ્પડને ઉસકી ઝીંદગી બદલ દી.) રાજ કપૂરે તેની ફિલ્મોમાં લલિતા પાવર પાસે અવનવા રોલ કરાવ્યા હતા, જેમાંથી અનાડી માટે તેને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. રામાયણ સીરીયલની મંથરાને કોણ ભૂલી શકે? આ ફિલ્મમાં પણ તે સુંદર દેખાય છે (!) માનવામાં ન આવતું હોય તો એકવાર પોતે જ જોઈ લેજો.

        ‘જિસ દેશ મેં ગંગા બેહતી હૈ’ આર. કે. ની છેલ્લી બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ હતી અને તેની કુલ કમાણી ૨ કરોડ હતી. બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોના અને જૂની ફિલ્મોના શોખીનોને આ ફિલ્મ જોવી જરૂર ગમશે.