ફિલ્મનું નામ : છોટી સી બાત
રીલીઝ ડેટ : ૯ જાન્યુઆરી ૧૯૭૬
ડાયરેકટર : બાસુ ચેટર્જી
કલાકાર : અમોલ પાલેકર. વિદ્યા સિંહ, અશોક કુમાર અને અસરાની.
પોતાની કારકિર્દી દરમ્યાન ચાળીસ જેટલી ફિલ્મોનું નિર્દેશન કરનાર બાસુ ચેટરજી મધ્યમવર્ગીય લોકોની સમસ્યાઓ ઉપર સિનેમા બનાવવા માટે પ્રખ્યાત હતા. અન્ય નિર્દેશકો પણ પોતાના હીરોને સામાન્ય કે ગરીબ ઘરમાંથી હોવાનું દેખાડતા, પણ બાસુ ચેટરજીની શૈલી અનોખી હતી. તેમની ફિલ્મોનો હીરો દર્શકોને પોતાનામાંથી એક લાગતો કારણ ન તો એ અસંભવ મારામારી કરતો, ન તો મહાન કાર્યો કરતો.
અજમેરમાં ૧૯૨૭ માં જન્મેલ આ બંગાળી બાબુ ૧૯૫૦ માં મુંબઈમાં કામકાજના શોધમાં મુંબઈ આવ્યા. અઠવાડિક બ્લીટ્ઝમાં તેમણે કાર્ટુનીસ્ટ તરીકે કામ શરૂ કર્યું. લગભગ ૧૮ વર્ષ સુધી તે આ કામ કરતા રહ્યા. આ દરમ્યાન તેમણે રાજ કપૂર અને વહીદા રેહમાનને ચમકાવતી બાસુ ભટ્ટાચાર્ય નિર્દેશિત ફિલ્મ ‘તીસરી કસમ’ માં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું, જે તે વર્ષનો શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ જીતી હતી. ૧૯૬૯ માં પોતાની પહેલી ફિલ્મ નિર્દેશિત કરવા પહેલાં તેમણે ગોવિંદ સરૈયા નિર્દેશિત નૂતન અભિનીત ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ માં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું.
તેમની પહેલી ફિલ્મ ‘સારા આકાશ’ હતી જેના માટે ફિલ્મફેરે તેમને શ્રેષ્ઠ સ્ક્રીનપ્લેનો એવોર્ડ આપ્યો. તેમણે કોમર્શિયલ સિનેમા અને ઓફ બીટ સિનેમા વચ્ચે પોતાની અલગ પગદંડી કાઢી. તેમની મોટાભાગની ફિલ્મો આ બંને વચ્ચેની અલગ પ્રકારની હતી, જે તેમની વચ્ચે સંતુલન સાધતી હતી. જો કે તેમણે હળવી ફિલ્મોની સાથે જ ‘એક રૂકા હુઆ ફૈસલા’ જેવી ગંભીર ફિલ્મો પણ બનાવી હતી. દૂરદર્શન માટે તેમણે ‘રજની’, ‘કક્કાજી કહીન’. ‘દર્પણ’ અને ‘બ્યોમકેશ બક્ષી’ જેવી જબરદસ્ત સિરીયલો પણ બનાવી હતી.
તેમણે નિર્દેશિત કરેલી ‘પિયા કા ઘર’ માં મુંબઈની ચાલીને જીવંત કરી હતી. ‘છોટી સી બાત’ ની વાત કરીએ તો આ મૂળ ૧૯૬૦ની બ્રિટીશ ફિલ્મ ‘સ્કૂલ ફોર સ્કાઉન્દ્રલ્સ’ ની રીમેક છે અને બાસુદાએ તેનું સંપૂર્ણપણે ભારતીયકરણ કર્યું (વર્તમાન નિર્દેશકોએ તેમની પાસેથી આ ચોક્કસપણે શીખવું જોઈએ.)
આ ફિલ્મ ચાર પાત્રોની આસપાસ ફરે છે. અરુણ પ્રદીપ (અમોલ પાલેકર), પ્રભા નારાયણ (વિદ્યા સિન્હા), નાગેશ શાસ્ત્રી (અસરાની) અને કર્નલ જુલિયસ નગેન્દ્રનાથ વિલ્ફ્રેડ સિંઘ (હિન્દી ફિલ્મોના પ્રથમ સુપરસ્ટાર અશોક કુમાર).
નાયક અરુણ પ્રદીપ એક મધ્યમવર્ગીય વ્યક્તિ છે જે ‘જેક્સન તોલારામ’ નામની કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. ઓફીસ જવા માટે તે બસનો પ્રવાસ કરે છે અને એક દિવસ તેની નજર પ્રભા નારાયણ ઉપર પડે છે. પ્રથમ નજરમાં જ તેને પ્રભા સાથે પ્રેમ થઇ જાય છે. આત્મવિશ્વાસના અભાવથી પીડાતો અરુણ પોતાના પ્રેમનો એકરાર કરવામાં અસમર્થ હોય છે. દર વખતે તેને જોયા પછી તે દિવાસ્વપ્નમાં ખોવાઈ જાય છે અને સ્વપ્નમાં તેને પામી પણ લે છે. ખરેખર જોવા જઈએ તો આ સમસ્યા મોટાભાગના મધ્યમવર્ગીય લોકોની છે. પ્રભા તો પ્રતિક છે ઈચ્છાઓનું જેને તે ફક્ત સ્વપ્નોમાં પૂર્ણ કરે છે. જો કે તે ઈચ્છાઓ પૂર્ણ કરવા માટેના જરૂરી પ્રયત્નો તે કરતા નથી. જો યોગ્ય દિશામાં પ્રયત્નો અને મહેનત કરવામાં આવે તો ઈચ્છાઓ જરૂર પૂર્ણ થઇ શકે, જે આ ફિલ્મમાં પ્રતીકો દ્વારા ઘણી જગ્યાએ દર્શાવવામાં આવ્યું છે.
ફરી ફિલ્મની વાર્તા ઉપર આવીએ તો પ્રભાને પણ તે ગમે છે અને તે માટે પ્રયત્ન કરીને તે અરુણ સાથે વાતચીત શરૂ કરે છે. તેની સાથે વાતચીત શરૂ થયા પછી પણ આત્મવિશ્વાસના અભાવવાળો પ્રદીપ પોતાના પ્રેમનો એકરાર કરી શકતો નથી અને જયારે તે થોડી હિંમત દેખાડવા જાય છે ત્યારે ચિત્રમાં આવે છે નાગેશ શાસ્ત્રી. નાગેશ એ પ્રતિક છે કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા આડે આવતી મુસીબતનું, જે તમને ડગલે ને પગલે આગળ વધતાં રોકે છે. પ્રભાની ઓફિસમાં કાર કરતો નાગેશ ટેબલ ટેનિસ અને ચેસનો ખેલાડી છે અને તે પણ પ્રભાને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતો હોય છે. પ્રભા અંદરથી અરુણને ચાહે છે, પણ તે ચાહતી હોય છે કે અરુણ તેની તરફથી પહેલ કરે, જે બાસુદાએ પ્રભા અને તેની સાથે કામ કરતી દીપા (નંદિતા ઠાકુર) સાથે વાતચીત દ્વારા સરસ રીતે દર્શાવ્યું છે.
નાગેશ સામે અરુણ હિંમત હારી જાય છે અને પોતાની સમસ્યાનું સમાધાન જ્યોતિષીઓ અને બાબાઓમાં શોધવા લાગે છે અને અંતે તે પહોંચે છે ખંડાલાના ફાર્મ હાઉસમાં સલાહકાર તરીકે કામ કરતા કર્નલ જુલિયસ નગેન્દ્રનાથ વિલ્ફ્રેડ સિંઘ પાસે. આ તે જ છે જેમણે ‘જેક્સન તોલારામ’ કંપનીના જનરલ મેનેજર બાટલીવાલાને પણ તેમનો પ્રેમ મેળવી આપ્યો હતો. અરુણ નદી, નાળા, ખાઈ અને રેલવે ટ્રેક પાર કરીને તેમની પાસે પહોંચે છે અને કર્નલ તેનાથી પ્રભાવિત થાય છે. તે અરુણની મદદ કરવા માટે આ જ કારણસર તૈયાર થાય છે. અરુણ સાથે વાતચીત કરીને સમજી જાય છે કે અરુણે આગળ વધવું હોય તો પોતાના જીવનને યોગ્ય દિશામાં વાળવું જોઈએ અને તે માટે તેને પ્રશિક્ષિત કરવાનું શરુ કરે છે. બહુ થોડા જ સમયમાં આત્મવિશ્વાસના અભાવથી પીડાતો અરુણ આત્મવિશ્વાસ સભર થઇ જાય છે અને મુંબઈ પાછો ફરે છે. મુંબઈ પાછો ફરીને જે તરખાટ મચાવે છે એની મજા તો ફિલ્મ જોયા પછી જ આવે. શું અરુણ પોતાનો પ્રેમ મેળવી શકશે? પ્રેમ મેળવવા માટે શું કરે છે? શું કર્નલ પાસેથી શીખેલી ટ્રીક્સ તેના ઉપર અવળી પડશે?
હળવી શૈલીની આ ફિલ્મ ક્ષણે ક્ષણે રમૂજ પૂરી પાડે છે. કર્નલ જુલિયસ નગેન્દ્રનાથ વિલ્ફ્રેડ સિંઘ જ નામ વિચિત્ર છે (ઐસા નામ કૌન રખતા હૈ ભાઈ!) ઝમીરના સેટ ઉપરથી અમિતાભ બચ્ચન સીધો જ તેમની પાસે સલાહ લેવા દોડી આવે છે અને એક બે શબ્દોની આપલે કરીને નીકળી જાય છે. જો ઘણા બધાં સીનમાં બસ સ્ટોપ ઉપર ઝમીરનું પોસ્ટર જોવા મળે છે. બિલિયર્ડ રૂમમાં કર્નલ સાથે રમનાર મેજર આજ સુધી અદ્રશ્ય છે. ફક્ત સોરી મેજર જેવા સંવાદો દ્વારા જાણવા મળે છે કે સામે કોઈ મેજર તેમની સામે રમી રહ્યો છે.
૧૯૧૧ માં ભાગલપુર ખાતે જન્મેલ અશોક કુમારનું મૂળ નામ કુમુદલાલ ગાંગુલી હતું. તેમના પિતા કુંજલાલ વકીલ હતા અને પાછળથી ખંડવામાં શિફ્ટ થયા. વકાલતનો અભ્યાસ કર્યા પછી પણ તેમની ઈચ્છા ડાયરેકટર બનવાની હતી. તેમને આ માટે મદદ કરી તેમના જીજાજી શશધર મુખર્જીએ. તેમણે અશોક કુમારને બોમ્બે ટોકીઝમાં લેબોરેટરી આસીસ્ટન્ટ તરીકે નોકરી અપાવી. પાંચ વર્ષ સુધી તેમણે આ કામ કર્યું. એક અનોખી ઘટનાએ તેમની જીવનદિશા બદલી દીધી. ‘જીવન નૈયા’ ફિલ્મ દરમ્યાન તેનો મુખ્ય હીરો નઝમુલ હસન ફિલ્મની હિરોઈન અને હિમાંશુ રાયની પત્ની દેવિકા રાની સાથે ભાગી ગયો. કોઈ વાતે ઝગડો થતાં દેવિકા રાની પાછી ફરી, પણ નઝમુલ પાછો ફરી ન શક્યો. હિમાંશુ રાયની નજર અશોક કુમાર ઉપર પડી અને તેમને સમજાવીને હીરો બનાવ્યા. અભિનયનો કોઈ જાતનો અભ્યાસ કે અનુભવ ન હોવા છતાં અશોક કુમાર પોતાના સ્વાભાવિક અભિનયને લીધે છવાઈ ગયા. તે સમયના અભિનેતાઓના અભિનય ઉપર પારસી થીયેટરનો પ્રભાવ રહેતો હતો, જેનાથી અશોક કુમાર સંપૂર્ણરીતે મુક્ત હતા. તેમની પહેલી ફિલ્મ જીવન નૈયામાં તેમણે એક ગીત ગયું હતું ‘કોઈ હમદમ ના રહા, કોઈ સહારા ન રહા’ જે વર્ષો પછી તેમના નાના ભાઈ આભાસકુમાર ગાંગુલી ઉર્ફ કિશોર કુમારે ‘ઝુમરુ’ ફિલ્મમાં ગાયું.
તે પછી આવેલી અછૂત કન્યાએ તેમને સારા અભિનેતા તરીકે સ્થાપિત કર્યા. હિમાંશુ રાયની સલાહથી તેમણે વિદેશી ફિલ્મોનો અભ્યાસ કર્યો અને પોતાની શૈલી વિકસાવી. હિન્દી ફિલ્મોમાં પ્રથમ એન્ટીહીરોની ભૂમિકા ભજવનાર પણ અશોકકુમાર જ હતા. ૧૯૪૩ માં આવેલી કિસ્મતમાં તેમણે આ ભૂમિકા ભજવી હતી અને તેમણે અપાર લોકચાહના મેળવી. આ તે જ કિસ્મત ફિલ્મ છે જેના ઉપરથી રાજકુમારની વક્ત ફિલ્મ બની હતી. ‘દાદામુની’ અથવા ‘દાદામોની નામથી પ્રખ્યાત અશોકકુમારે તેમના સમયમાં અનોખું સ્ટારડમ ભોગવ્યું. (મૂળ શબ્દ દાદામણી છે.) કહેવાય છે કે અશોકકુમારને જોવા માટે રાજ કપૂરના લગ્ન વખતે રાજ કપૂરની દુલ્હન કૃષ્ણાએ પોતાનો ઘૂંઘટ કાઢી નાખ્યો હતો. ફિલ્મની તૈયારી કરવામાં તેમને અસ્થમાનો રોગ લાગુ પડી ગયો હતો, તે છતાં તેમની કારકિર્દી ૧૯૯૭ સુધી લંબાઈ. પોતાની કારકિર્દી દરમ્યાન તેમણે ફિલ્મો ઉપરાંત સિરીયલોમાં પણ ભૂમિકાઓ પણ ભજવી.
સંતાનોમાં એક દીકરો અરૂપ અને ત્રણ દીકરીઓ ભારતી, રૂપા અને પ્રીતિ હતી. અરૂપે એક ફિલ્મમાં અભિનય કરીને ફિલ્મોને અલવિદા કહી દીધું. ભારતીએ પહેલાં લગ્ન એક ગુજરાતી સાથે કર્યાં અને તેમની દીકરી એટલે જાણીતી અભિનેત્રી અનુરાધા પટેલ જેણે અભિનેતા કંવલજીત સિંહ સાથે લગ્ન કર્યાં. રૂપાએ મશહૂર કોમેડિયન દેવેન વર્મા સાથે લગ્ન કર્યાં. પ્રીતિ આજન્મ અવિવાહિત રહી. ભારતીએ બીજા લગ્ન સઈદ જાફરીના ભાઈ હમીદ જાફરી સાથે કર્યા. હમીદ જાફરીની પહેલી પત્નીની સંતાન જીનીવીએ સિંઘી બિઝનેસમેન જગદીપ અડવાની સાથે લગ્ન કર્યાં અને તેમની દીકરી એટલે કીયારા અડવાની. આમ સીધો ન હોય તો પણ કીયારા અશોકકુમારની સંબંધી તો ખરી.
છોટી સી બાતની વાત કરીએ તો ફિલ્મનું શૂટિંગ મુંબઈ તેમ જ થોડો ભાગ ખંડાલામાં ચિત્રિત કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં મુંબઈની ખૂબસૂરતી બહુ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં મુંબઈવાસીઓની ધીમે ધીમે બદલાતી જીવનશૈલી બહુ સરસ રીતે લીધી છે. બપોરે લંચટાઈમમાં ટીફીનને બદલે રેસ્ટોરેન્ટમાં જમવું, રમતો રમવી ઈત્યાદી બાબતોને વણી લીધી છે. ફિલ્મમાં દર્શાવેલું જહાંગીર આર્ટસ ગેલેરી સ્થિત સમોવર રેસ્ટોરેન્ટ એક સમયે ફિલ્મ કલાકારોનો અડ્ડો હતો. પાંચ દાયકાની યાત્રા બાદ તે ૨૦૧૫ માં બંધ થઇ ગયું.
સાહજિક અભિનયના માલિક એવો અમોલ પાલેકર મધ્યમવર્ગીય પાત્ર માટે નિર્દેશકોની સૌથી પહેલી પસંદગી હતો અને આ ફિલ્મમાં તેણે પોતાનું પાત્ર અદ્ભુત રીતે ભજવ્યું છે. વિદ્યા સિન્હા આ ફિલ્મમાં હંમેશાં સાડી પહેરતી અને નોકરી કરતી યુવતીના પાત્રમાં બહુ સહજ અને સુંદર દેખાય છે. અભિનેતા તરીકે અસરાની બહુ પ્રતિભાશાળી હતો અને આ ફિલ્મમાં પણ તે પોતાનું બહુમુખી પ્રતિભા ધરાવતા યુવકનું પાત્ર બહુ સરસ રીતે ભજવી જાય છે. ધર્મેન્દ્ર, હેમા માલિની, અમિતાભ બચ્ચન અને સુજીત કુમાર મહેમાન કલાકાર તરીકે હાજરી આપી જાય છે. “જાનેમન જાનેમન’ ગીતનું ચિત્રીકરણ ધર્મેન્દ્ર અને હેમા માલિની ઉપર કરવામાં આવ્યું છે.
આ ફિલ્મમાં ત્રણ જ ગીતો છે ‘જાનેમન જાનેમન’, ‘ન જાને ક્યોં હોતા હૈ યે જિંદગી કે સાથ’ અને ‘યે દિન ક્યા આયે’ તેમાંથી પહેલાં બે આજે પણ સાંભળવા ગમે એવા છે.
આટલી સરસ ફિલ્મ હોવા છતાં ફિલ્મને બેસ્ટ સ્ક્રીનપ્લે નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેનું કારણ હતું ૧૯૭૬ માં જબરદસ્ત ફિલ્મો રીલીઝ થઇ હતી. રિશી કપૂરની ‘લૈલા મજનૂ’, રીના રોયની ‘નાગિન’, દિલીપ કુમારની ‘બૈરાગ’, શશી કપૂરની ‘ફકીરા’, ‘શંકર દાદા’ અને ‘આપ બીતી’. ધર્મેન્દ્રની ‘ચરસ’ અને ‘માં’, શત્રુઘ્નની ‘કાલીચરણ’ અને ‘સંગ્રામ’, અમિતાભની ‘કભી કભી’, ‘હેરાફેરી’ અને ‘દો અનજાને’, મનોજ કુમારનું ‘દસ નંબરી’ (સૌથી વધુ પૈસા રળનાર), રાજેશ ખન્નાની ‘મેહબૂબા’ સંજીવ કુમારની ‘મૌસમ’ અને ‘અર્જુન પંડિત; મેહમૂદની ‘જીની ઔર જોની’ અને અમોલ પાલેકરની ‘ચિતચોર’.
આટલાં શંભુમેળામાં પણ આ ફિલ્મ ચાલી અને હીટ નીવડી હતી.
સમાપ્ત
જ્યોતિન્દ્ર મહેતા
૯૯૭૦૪૪૦૭૮૫