લખુભાઇ ઘરમાંથી નીકળ્યાં અને કરસન દોડતો ઘરમાં આવ્યો. એણે બૂમ પાડીને કહ્યું.. ‘ભાભી…, કાકા પેલા મશીનો આવી ગયાં છે ખેતરે પણ દરવાજાની બહાર ટ્રક ફસાઇ છે મેં બુધાને કહ્યું છે તું પૂળા ખાલી કરીને ટ્રેકટર લઇને આવ.. હું પ્રયાસ કરુ છું ટ્રક બહાર નીકળી જાય. કાકા ચાલો ખેતરે...”
વસુધા વાડામાં હતી એ સાંભળ્યુ નહીં ગુણવંતકાકા છાપુ બાજુમાં મૂકીને ઉભા થઇ ગયાં. એમણે બૂમ પાડીને કહ્યું “ભાનુ હું ડેરીએ જઊં છું મશીનો આવ્યાં છે વસુ સરલા અને ભાવેશકુમારને કહે છે ડેરીએ આવે.”
સરલા અને ભાવેશકુમાર ઉપર રૂમમાં હતા.. સરલાએ બૂમ સાંભળી એણે ભાવેશને કહ્યું “ “મને ઉઠવા દો પાપા બૂમ પાડે છે”. ભાવેશ સરલાને આગોશમાંથી છોડતાં કહ્યું “મેં સાંભળી પણ આપણે એવાં ઓતપ્રોત.. ચાલ નીચે જઇએ આપણે અને વસુધા જઇને આવીએ.”
સરલા અને ભાવેશકુમાર ઓસરીમાં આવ્યાં ત્યાં વસુધાએ કહ્યું “કોણ બૂમ પાડતું હતું ?” સરલાએ કહ્યું “મશીનો આવી ગયાં છે એટલે ડેરીએ જવાનું છે..” ભાવેશે કહ્યું “ચલો આપણે જઇ આવીએ.”
વસુએ દિવાળી ફોઇને કહ્યું “આકુ ઊંઘે છે ત્યાં સુધીમા અમે જઇને આવીએ છીએ”. ભાનુબહેન કહે “તમે જાવ અમે ત્રણ જણાં છીએ”. પુરષોત્તમભાઇએ કહ્યું “ચાલો હું પણ આવું છું” પાર્વતીબેન કહે “હું આકુ પાસેજ બેઠી છું.” ત્યાં દુષ્યંતે કહ્યું “હું પણ આવું ડેરીએ. “
ભાવેશે કહ્યું “હાં ચાલો આપણે જઇને આવીએ”. ભાવેશે સરલા, પુરષોત્તમભાઇ, દુષ્યંત, વસુધા બધાને લઇને ડેરીએ પહોંચ્યો. ત્યાં જઇને જોયુ તો કરસન અને બુધાએ ટ્રકવાળાને મદદ થી ટ્રક ફસાયેલી બહાર કાઢી અને ટ્રક ડેરીની બાજુમાં પાર્ક કરી હતી.
વસુધાએ કહ્યું “હાંશ નીકળી ગઇ.” દુષ્યંતે કહ્યું “દીદી કેવા મોટાં મોટાં મશીન છે આ બધાં કેવી રીતે કામ કરે ?” દુષ્યંતે કુતુહુલ દર્શાવ્યું. વસુધાએ કહ્યું “મશીન બધાં ગોઠવાઇ જાય પછી તને હું બધું સમજાવીશ. ઘણુ તો હજી અમારે પણ સમજવું બાકી છે.” એમ કહી હસી. ભાવેશકુમાર અને પુરષોત્તમભાઇ ગુણવંતભાઇ પાસે ઉભા હતાં. માણસો મશીન ઉતારી ડેરીમાં એની જગ્યાએ ઉતારી મૂકી રહ્યાં હતાં ત્યાં સુરેશભાઇ એમનાં મદદનીશો સાથે આવી ગયાં.
*****************
ઘરનાં બધાં ડેરીએ બધુ કામ નીપટાવેની મોડી સાંજે ઘરે આવી ગયાં હતાં. બધાનાં ચહેરાં પર હાંશકારો હતો. બધાં જમી પરવારીને પરસાળમાં બેઠાં હતાં. અને સરલા રૂમમાંથી બધાની સામે આકુને આપવા માટેની વસ્તુઓ લઇ આવી. ભાવેશ સમજાવ્યું હતું એનાંથી વધુ લાવ્યો હતો.
સરલા વસુધાની બાજુમાં બેઠી અને આકુને જોઇને બોલી “મારી આકુ જો તારાં માટે ફુવા શું લાવ્યાં છે ?” દિવાળી ફોઇ, પાર્વતીબેન, ભાનુબહેન બધુ જોઇ રહ્યાં હતાં. ત્યાં વસુધા બધુ જોઇને બોલી “આટલો બધો ખર્ચ કરવાની શું જરૂર હતી ? તમારો પ્રેમ અને આશીર્વાદ પુરતાજ છે.”
સરલાએ કહ્યું “ વસુ આ મારી અને આકુ વચ્ચેની વાત છે એમ લુખ્ખા લુખ્ખા આશીર્વાદ ના હોય.. આમતો મારે ક્યારનું આપી દેવાનું હોય પણ.”. એમ કહી અટકી.
પાર્વતીબેને કહ્યું “બેટા સરલા ખૂબ સરસ લાવ્યા છે કુમાર ખરેખર.. ખૂબ સારી પસંદગી કરી છે.” ભાવેશકુમારે આંખથી આભાર માન્યો. પુરષોત્તમભાઇએ કહ્યું “એને એટલા અંગે લગાડી પહેરાવો રાજકુંવરી જેવી શોભી ઉઠશે.”
સરલાએ બે સોનાની બુટ્ટીઓ એનાં કાન પાસે મૂકી પગમાં ભારે ઘૂઘરીવાળા ઝાંઝર પહેરાવ્યા જે એને ખૂબ મોટાં પડતાં હતાં. સરલા હસી ઉઠી બોલી “અત્યારનાં માપનાં નથી લીધાં થોડી મોટી થાય પહેરી શકે.” પછી બોક્ષમાંથી કપડાં કાઢ્યા એ એને પહેરાવી દીધાં. એટલું સરસ ગુલાબી રંગનું ફ્રોક હતું આકુને પણ જાણે ગમી હોય એમ હસતી લવારા કરતી હતી.
ભાનુબહેન કહે “ચાલવાનુ ચાલુ કર્યું છે હવે લવારી કરતી બોલવાં પણ માંડશે.” પાર્વતીબહેને કહ્યું “ પા પા પગલી તો ચાલુ કરી છે અને બધાને જોયાં કરે છે ઓળખવા પણ માંડી છે.”
વસુધાએ આકુને લવારી કરતી જોઈ બોલી “આકુ ફોઇ ફુઆને કહે મને ખૂબ ગમ્યું”. એમ કહીને હસી, આકુ જાણે સમજતી હોય ડોળા ફેરવતી હસવા લાગી બધાં આજે ખૂબ આનંદમાં હતાં.
દિવાળી ફોઇએ કહ્યું “આજે બધાં એક સાથે આમ બેઠાં છીએ કેટલું સારુ લાગે છે. અને સમયસર આવ્યાં કાલે ઘરે પાછા જઇશું પછી ડેરી કામ કરતી થાય પછી જોવા આવીશું”. વસુધાએ હોંકારો ભણ્યો.
**************
બધાં પોતપોતાની જગ્યાએ સૂવા માટે ગયાં સરલા અને ભાવેશકુમાર ઉપર વસુધાનાં રૂમની બાજુનાં રૂમમાં ગયાં. બારણું આડુ ઠેલીને સરલાએ ભાવેશને કહ્યું “તમે બધુ ખૂબ સરસ પસંદ કરીને લાવ્યાં છો મને પણ ખૂબ ગમ્યું બધાએ તો ખૂબ વખાણ કર્યા.”
ભાવેશે કહ્યું “શરૂઆત તારાંથી કરી હતી પસંદગીની તું એવી સરસ પસંદ થઇ છે હવે બધું સારુંજ પસંદ થાય છે.” સરલા વ્હાલથી ભાવેશની છાતીએ વળગી ગઇ અને બોલી “બસ ભગવાન હવે મારે ખોળો ભરી દે.”. એમ કહેતાં એનાંથી ડુસ્કું નંખાઇ ગયું...
ભાવેશે કહ્યું “કેમ આમ નિરાશ થાય છે ? તારો ખોળો ભરેલો જ પણ.. હવે ભરાશે અને દેવ જેવો દીકરો મહાદેવ આપશે મને શ્રધ્ધા છે.” એમ કહી રડતી સરલાને પોતાની તરફ ખેંચી બંન્ને જણાં વળગીને સૂઇ ગયાં એક નવી આશાની કિરણ સાથે.........
**************
વસુધા આકુને લઇને રૂમમાં આવી આકુને સુવાડી ખૂલ્લી બારીની બહાર જોઇને બોલી “આકુ તું આજે ખૂબ ખુશ છે.” એમ કહીને વ્હાલ કર્યું.
આકાંક્ષા ચકળવકળ આંખ કરતી આજુબાજુ જોતી હતી જોઈ વસુધાએ કહ્યું “એય પગલી આમ ડોળા કાઢી આજુબાજુ શું જુએ છે ?”
આકુ પગ ઉઠળતી હાથ હલાવતી લવારી કરી રહી હતી.. વસુએ કહ્યું “ફોઇને ના શોધ એ બાજુમાં રૂમમાં સૂઇ ગયાં છે તું પણ સૂઇ જા.. મારી દીકરી તું પાપા પગલી ભરતી થઇ ગઇ.. લવારીઓ કરે છે તો બોલતાં શીખી જઇશ....”
પછી બોલતાં બોલતાં ઊંડા વિચારોમાં સરકી જતાં બોલી “હું પણ કામમાં પાપા પગલી ભરી રહી છું. મારાં પીતાંબર મને સૂક્ષ્મ સ્વરૃપે સમજાવે છે સ્ફુરાવે છે હિંમત રાખવા કહે છે.”. એમ સ્વગત બોલતા બોલતાં આંખો ભરાઇ આવી...
વસુધા આંસુ લૂછી બહાર અવકાશ તરફ આંખ કરતી આડી પડી. આકુને થાબડતી થાબડતી એ અને આકાંક્ષા ઘેરી નીંદરમાં સરી ગયાં આવતી કાલની પરીક્ષાઓ આપવા....
આગળ આવતા અંકે - પ્રકરણ-77