Dhun Lagi - 2 in Gujarati Love Stories by Keval Makvana books and stories PDF | ધૂન લાગી - 2

Featured Books
Categories
Share

ધૂન લાગી - 2






શરારા પહેરીને, વાળનું બન બનાવી અને તેમાં સૂર્યમુખીનું ફૂલ સજાવીને, ગળામાં મોટી મણકાની માળા પહેરીને, આંખે કાળા ચશ્મા લગાવીને, હાથમાં એક પર્સ લઈને, એક આધેડ ઉંમરની સ્ત્રી અંદર પ્રવેશી. "હેલ્લો પીપલ્સ! માય નેમ ઇસ રમીલા, સંબંધોનાં કરું છું રેલમછેલા, સિંગલમાંથી કરું છું પરણેલાં, શું તમે ખાઓ છો કેળા?" આવું બોલી તે અમ્મા-અપ્પા પાસે આવી.

"વડક્કમ! આવો, બેસો!" અમ્મા બોલ્યાં અને રમીલાજી બેસી ગયાં. "મૃદુલઅન્ના...! આમના માટે પાણી લઈ આવો અને નાસ્તાની વ્યવસ્થા કરો."
"તમને આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને?" અપ્પાએ પૂછ્યું.

"તકલીફ! તકલીફની તો શું વાત કરું. બસસ્ટોપથી તમારી શેરી તો સુધી સારી રીતે પહોંચી ગઈ, પણ જેવી તમારી શેરીમાં આવી; અહીંયા તો તમારાં કુતરાઓ મારું સ્વાગત કરવાં તૈયાર જ હતાં. હું તો માંડમાંડ અહીંયા સુધી પહોંચી છું." રમીલાજી બેબાકડાં થઈને બોલવાં લાગ્યાં.

"તમારું આવું જૉકર જેવું રૂપ જોઈને, કૂતરાં પાછળ ન પડે તો શું કોઈ પુરુષ પાછળ પડે!" અપ્પા હસીને ધીમેથી આવું બોલી ગયાં. અમ્માએ તેમની સામે જોઈને તેમને આવું ન બોલવાં ઈશારો કર્યો. એટલામાં મૃદુલઅન્ના નાસ્તો લઈને આવી ગયાં.

"આ લો, રમીલાજી! નાસ્તો કરો." અમ્મા બોલ્યાં.

"હવે આપણે જે કામ માટે મળ્યાં છીએ, તેનાં વિશે વાત કરીએ." અપ્પા બોલ્યાં.

"અરે હા! જુઓ, તમારી અંજલી માટે હું આ છોકરાનો સંબંધ લઈને આવી છું." રમીલાજી પોતાનાં પર્સમાંથી ફોટો કાઢીને અમ્મા-અપ્પાને આપતાં બોલ્યાં.

ફોટો જોઈને અપ્પા બોલ્યાં "છોકરો દેખાવમાં તો સારો છે, પણ કામકાજ શું કરે છે? તેનું પરિવાર કેવું છે? સંસ્કારી છે કે નહીં?"

"ખોટું બોલું તો કાગડો ચરકે! જુઓ, છોકરો એક બિઝનેસમેન છે અને સંસ્કારી પરિવારમાં ઉછરેલો છે. મુંબઈમાં રહે છે અને એનું વતન રાજકોટ છે, એટલે કે મૂળ ગુજરાતી છે. તમારી અંજલી માટે ખૂબ સારો અવસર છે, બાકી આજના સમયમાં આવી અનાથ છોકરીનો હાથ કોણ પકડે?" રમીલાજી બોલ્યાં.

"રમીલાજી! અંજલી અનાથ નથી, અમે તેનાં માતા-પિતા છીએ. અમે તેને દીકરીની જેમ ઉછેરી છે એટલે આવું ન બોલશો." અપ્પા ગુસ્સામાં બોલ્યાં.

"માફ કરો, ભૂલથી બોલાઇ ગયું. ખોટું બોલું તો કાગડો ચરકે. પણ તમે આ સંબંધને જવા ન દેશો. તે લોકો અંજલીને મહારાણીની જેમ રાખશે."

"સારું. અમે વિચારીને પછી તમને ફોન કરીશું." અપ્પા અમ્મા સામે જોઈને બોલ્યાં.

"સારું, તો હું જઈશ હવે. મારે મારી બહેનનાં ઘરે પણ જવાનું છે." આમ બોલીને રમીલાજી તેમની રજા લઈને બહાર જવા લાગ્યાં. આશ્રમની બહાર જતાં જ તેમનો ફોન રણક્યો. તેઓ ફોન ઉપાડીને બોલ્યાં "હેલ્લો."

"કામ થઈ ગયું?" સામેથી કોઈ પુરુષનો અવાજ આવ્યો.

"હા, તમે જેવી રીતે કહ્યું હતું, તેમ મેં કરી દીધું છે."

"ઠીક છે, તમારાં પૈસા તમને મળી જશે." આટલું બોલીને સામેવાળી વ્યક્તિએ ફોન રાખી દીધો. રમીલાજી એ પણ ફોન પોતાનાં પર્સમાં મૂક્યો અને ચહેરા પર હાસ્ય સાથે ત્યાંથી નીકળી ગયાં.

"ચાલો, બધાં હવે જલ્દીથી સૂઈ જાઓ. સવારે સ્કૂલે જવાનું છે." અંજલીએ બધાં બાળકોને કહ્યું.

"અક્કા! હજી તો ઘણીવાર છે, જાગવા દો ને. આપણે કોઈ રમત રમીએ." વિજય ઉત્સાહમાં બોલ્યો.

"ના. બિલકુલ નહીં. અત્યારે જો વહેલાં સૂઈ નહિ જાવ તો, ઊંઘ પૂરી નહીં થાય. પછી સ્કૂલે ઊંઘ આવશે અને ટીચર ગુસ્સો કરશે. એટલે બધાં સૂઈ જાઓ. હું અપ્પાને કંઈ જોઈતું તો નથી ને તે જોતી આવું છું." અંજલી શયનખંડની લાઈટ બંધ કરીને અમ્મા-અપ્પાનાં રૂમમાં ગઈ.

"અપ્પા! તમારી તબિયત કેમ છે?"

"હવે સારું છે."
"તમારે કંઈ જોઈએ છે? હું લાવી આપું?"

"કંઈ જોઈતું નથી. તું જા અને આરામ કર."

"ઠીક છે. કંઈ જરૂર પડે તો બોલાવજો." આમ કહીને તે પાછી આવી અને અનન્યા પાસે સૂવા ગઇ. "અનુ! તું આખો દિવસ મોબાઇલમાં શું કર્યા કરે છે? મોબાઇલની બહાર પણ દુનિયા છે."

"અક્કા! હું મારાં ફ્રેન્ડ સાથે વાત કરું છું."

"પણ કંઈ આખો દિવસ થોડું હોય?"

"અમારી વાતો તમને નહીં સમજાય."

"હા, ભલે મને ન સમજાય. પણ હવે તું મોબાઈલ મૂક અને સૂઇ જા." આટલું બોલી અંજલીએ અનન્યા પાસેથી મોબાઇલ ખેંચી લીધો. તેથી અનન્યા મોઢું બગાડીને સૂઈ ગઈ.

અમ્મા અને અપ્પા તેમના રૂમમાં વાત કરી રહ્યાં હતાં. "શું વિચારો છો તમે?" અમ્મા એ કહ્યું.

"આજે રમીલાજી એ જે છોકરાની વાત કરી એના વિશે વિચારું છું. આપણે તેમને હા પાડી ને ભૂલ તો નથી કરીને?"

"શું તમે પણ! રમીલાજી ગયાં પછી આપણે આ વિષય પર વાત તો કરી હતી. પછી જ મેં ફોન કરીને તેમને હા પાડી હતી અને એમ પણ હજું તો છોકરો માત્ર મળવા જ આવવાનો છે. આપણે ક્યાં સીધુ તેનું કલ્યાણમ્ કરવું છે!"

"હા એ છે. પણ તે મને અંજલીને આ વાત કહેવાની ના કેમ પાડી. તેનો સંબંધ થાય છે એ વાતની તેને તો જાણ હોવી જોઈએ ને."

"તમે શું આપણી અંજલીને જાણતાં નથી. તે ક્યારેય કલ્યાણમ્ માટે માનશે નહીં અને આ તો આપણને છોડીને મુંબઈ જવાની વાત છે, એટલા માટે મેં તમને કહેવાની ના પાડી હતી."

"આ સારું કર્યું, એ છોકરો આવશે તો અંજલીને શું કહીશું? કે તે શા માટે આવ્યો છે."

"અંજલીને કહીશું તે આપણાં આશ્રમને મદદ કરવાં ઈચ્છે છે, એટલે થોડાં દિવસો અહીં રહીને તપાસ કરશે અને જો બધું યોગ્ય લાગશે તો મદદ કરશે."

"ઠીક છે. પણ તે આ બધું રમીલાજી ને જણાવ્યું છે? જેથી તે પેલાં છોકરાને આ વાત કહી શકે."

"હા. મેં એમને પણ બધું જણાવી દીધું છે. એમણે કહ્યું છે કે તે છોકરો એક-બે દિવસમાં આવી જશે. હવે તો વેંકટેશ્વરાને એક જ પ્રાર્થના છે, કે એ છોકરો સારો હોય અને અંજલીને પસંદ આવી જાય."

"હા, એ થોડાં દિવસો અહીં રહેશે, તો બંને એકબીજાને ઓળખી પણ શકશે અને કદાચ એમાં જ બંનેનાં મન પણ મળી જાય."

"આવું થાય તો આપણે વેંકટેશ્વરાનાં આભારી બનીએ. હવે સુઈ જઈએ." આટલું બોલીને અમ્માએ રૂમની લાઈટ બંધ કરી.



==========================



રમીલાજી એ ફોન પર કોની સાથે વાત કરી હતી? અંજલીને મળવાં આવનાર છોકરો કેવો હશે? શું અમ્મા-અપ્પાની ઈચ્છા પૂરી થશે?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી