Dhun Lagi - 1 in Gujarati Love Stories by Keval Makvana books and stories PDF | ધૂન લાગી - 1

Featured Books
Categories
Share

ધૂન લાગી - 1






(ફોનની ઘંટડી વાગી.)

વિજય ફોન ઉપાડીને બોલ્યો "હેલ્લો! કોણ બોલે છે?"

"ઓય ચિર્કુટ! હાઈ- હેલ્લોને મૂક પડતું અને કોઇ મોટાને ફોન આપ." સામેથી ઘોઘરો અવાજ આવ્યો.

"હા તો હું હવે કંઈ નાનો નથી, અગિયાર વર્ષનો થયો છું. જે કામ હોય એ મને કહો." વિજયે જવાબ આપ્યો.

"બહુ આવ્યો અગિયાર વર્ષનો મોટો. ચાલ હવે, કોઈ સમજદાર માણસને ફોન આપ." ફરી ઘોઘરો અવાજ સંભળાયો.

"તમે કોણ છો? તમને ખબર નથી, આ ઘરમાં સૌથી વધારે સમજદાર વ્યકિત હું જ છું." વિજય ફરી બોલ્યો. આ રીતે થોડીવાર સુધી બંને વચ્ચે શબ્દોનું યુદ્ધ ચાલતું રહ્યું.

થોડીવાર પછી વૈશાલી અમ્મા હોલમાંથી પસાર થઈ રહ્યાં હતાં. વિજયને ફોન પર વાત કરતો જોઈને તેમણે તેને પૂછ્યું "કોની સાથે વાત કરે છે ?"

"ખબર નહિ કોઈ છે, જે ક્યારેક કહે છે કોઈ મોટાને ફોન આપ તો ક્યારેક કહે છે કોઈ સમજદારને ફોન આપ. તેને એ પણ નથી ખબર કે અહીંયા બધાંથી સમજદાર હું જ છું. મારે નથી વાત કરવી આવા ડફોળ સાથે. આ લો, તમે જ વાત કરો." આટલું કહી વિજય અમ્માનાં હાથમાં ફોન પકડાવીને ત્યાંથી દોડી ગયો.

"હેલ્લો, કોણ બોલે છે?" અમ્મા ફોન ઉપાડીને બોલ્યાં.

"મારી ઓળખાણ તારે જાણવાની જરૂર નથી. તું ખાલી એટલું સાંભળી લે કે તારા અનાથાશ્રમને વહેંચવાની જે ડીલ મળી હતી, તેને સ્વીકારી લે અને અનાથાશ્રમ ખાલી કરી દે." સામેથી એક વ્યકિત ધમકી આપતાં બોલ્યો.

"જુઓ, અમે તે ડીલ માટે પહેલાં જ મનાઈ ફરમાવી દીધી હતી. અમારે અનાથાશ્રમ નથી વહેંચવાનું, તો તમે અમારો પીછો છોડી દો." અમ્મા વિનમ્ર ભાવે બોલ્યાં.

"શું બોલી તું? તારે અનાથાશ્રમ નથી વહેંચવું? જો તું વહેંચીશ નહિ તો છીનવાઈ જશે. તારી ભલાઈ એમાં જ છે કે તું ડીલ સ્વીકારી લે." આટલું બોલી સામેની વ્યક્તિએ ફોન મૂકી દીધો.

વૈશાલીઅમ્માએ ફોન ટેબલ પર મૂક્યો અને કંઇક વિચારતાં વિચારતાં ત્યાંથી રસોડાંમાં ચાલ્યાં ગયાં. રસોડામાં પહોંચતાં જ તેઓ વિચારોમાંથી બહાર આવી ગયાં અને બોલ્યાં "અરે વાહ! આટલી સરસ સુગંધ શાની આવે છે?"

કાળાં અને લાંબાં વાળોનાં ગૂંથાયેલા ચોટલાં સાથે, સ્કર્ટ, ટોપ અને ગળે સ્કાર્ફ પહેરીને, કાનોમાં લાંબાં ઝૂમખાં પહેરીને, મૃગનયની અને કમળવદની એક યુવતી કંઇક બનાવી રહી હતી. તે અમ્મા ને જવાબ આપતાં બોલી "આજે તો અર્જુન, વિજય, ક્રિષ્ના અને દિવ્યાનું મનપસંદ પોંગલ બની રહ્યું છે એટલે બધાં ખુશ થઈ જવાનાં છે."

"હાસ્તો વળી! તારાં હાથનું પોંગલ ખાઈને તો જેને પોંગલ ન ભાવતું હોય એ પણ દરરોજ પોંગલ ખાતું થઈ જાય એમ છે." અમ્મા તેના વખાણ કરતાં બોલ્યાં.

"શું અમ્મા તમે પણ! તમે જ તો મને રસોઈ કરતાં શીખવ્યું છે, તો પણ હું તમારાં જેવી રસોઈ તો નથી જ બનાવી શકતી." તે હસીને બોલી.

"અંજલી અક્કા! પ્લીઝ જલદી જમવાનું બનાવોને, અમને બધાંને ખૂબ ભૂખ લાગી છે. તમારી રસોઈની ખુશ્બુ અમારી ભૂખને એવી રીતે વધારે છે જેમ યજ્ઞમાં ઘી હોમતાં અગ્નિ વધે." દિવ્યા રસોડામાં પ્રવેશીને બોલી.
"તમારી રાહનો હવે અંત આવ્યો. જમવાનું તૈયાર જ છે. તું બધાંને હાથ પગ ધોઈને બેસવાનું કહે, હું જમવાનું લઈ આવું છું." અંજલી એ દિવ્યાને કહ્યું.

"હા" આટલું કહીને દિવ્યા ત્યાંથી જતી રહી.

"ચાલ હું પણ તને મદદ કરું." આમ બોલીને અમ્મા જમવાનું લઇને હૉલમાં મૂકવાં લાગ્યાં.

બધાં ગોળાકારમાં જમવા માટે તૈયાર હતાં. અંજલીએ આજુબાજુ જોઈને કહ્યું "તમે બધાં તો આવી ગયાં, પણ પેલી મિસ મોબાઈલ ક્યાં છે?"

"હું તેમને બોલાવવા ગઈ હતી, પણ તેમણે મને 'હમણાં આવું' એમ કહીને ત્યાંથી ભગાડી દીધી." ક્રિષ્ના બોલી.

"હે વેંકટેશ્વરા! આ છોકરીનું શું થશે? મારે જ એને બોલાવવા જવું પડશે." અંજલી આટલું બોલીને જવા લાગી.

અંજલીએ રૂમમાં જઈને જોયું, તો તે બારી પાસે બેસીને મોબાઈલ ચલાવી રહી હતી. "ઓય! ચાલ, મોબાઈલ મૂક. આવ અને જમી લે." અંજલીએ તેણીને કહ્યું.

"અક્કા! તમે જાઓ, હું આવું છું." તે બોલી.

"હા, એટલે મને પણ તું ક્રિષ્નાની જેમ ભગાડી દઈશ અને પછી તું આવવાનું નામ નહીં લે. મારે તારાં મોબાઈલનું જ કંઈક કરવું પડશે." અંજલીએ તેને ગુસ્સામાં કહ્યું.

"ના હો, મારાં મોબાઈલને કંઈ નહીં કરવાનું. ચાલો, હું આવું છું" તે બોલી.

"હમમ...હવે આવીને અનન્યા રાઠોર લાઇન પર. ચાલ હવે." અંજલી તેણીને મેણુ મારતાં બોલી. અનન્યા મોઢું બગાડીને અંજલી સાથે ચાલવાં માંડી.

"ચાલો, બધાં પહેલાં વેંકટેશ્વરાને થેન્ક્યુ કહીએ અને પછી જમવાનું શરૂ કરીએ." આટલું બોલીને અંજલીએ આંખ બંધ કરીને ભગવાનનો આભાર માની અને પછી જમવાનું શરૂ કર્યું. "બધાં જમી લો, પછી હોમવર્ક કરવા લાગી જજો. આજે સાંજે આપણે પાસેનાં ગાર્ડનમાં જવાનું છે." અંજલી આટલું બોલી, ત્યાં બધાં બાળકો ખુશ થઈ ગયાં.

સાંજે બધાં ગાર્ડનમાં જવા માટે તૈયાર થઈ ગયાં હતાં. પરંતુ વૈશાલીઅમ્મા અને મિથુનઅપ્પા તૈયાર ન થયાં હતાં. અંજલીએ તેમની પાસે જઈને પૂછ્યું "અમ્મા! અપ્પા! તમે કેમ તૈયાર થયાં નથી? જલ્દીથી તૈયાર થઈ જાવ. આપણે મોડું થાય છે."

"તમે બધાં ગાર્ડનમાં જઈ આવો, તારાં અપ્પાની તબિયત થોડી ખરાબ છે એટલે અમે બંને અહીંયા જ રહીશું." અમ્માએ અંજલીને કહ્યું.

"શું? અપ્પાની તબિયત ખરાબ છે? તમે મને કહેતાં પણ નથી. ચાલો, ડોક્ટર પાસે જઈએ." અંજલી અપ્પાની ચિંતા કરતાં બોલી.

"અઈયો! મને કંઈ નથી થયું. આ તો થોડું માથું દુ:ખે છે. તારી અમ્માએ મને દવા આપી છે એટલે સારું થઈ જશે, પણ તમે બધાં જાઓ." અપ્પાએ કહ્યું.

"સારું ત્યારે, તમે ધ્યાન રાખજો અને કંઈ જરૂર પડે તો મને ફોન કરજો." આટલું બોલી અંજલી બધાં બાળકોને લઈને ગાર્ડનમાં જવા નીકળી ગઈ.

"અઈઓ! આપણે અંજલીને ખોટું તો બોલ્યાં, પણ તેને ખબર પડી ગઈ તો?" અપ્પાએ અમ્માને કહ્યું.

"તમે ચિંતા ન કરો. તેને કંઈ જ ખબર નહિ પડે."

"એ બધું તો ઠીક, પણ જે વ્યક્તિ આવવાની હતી તે હજું આવી કેમ નથી."

"મેં તેને કોલ કર્યો છે, તે રસ્તામાં જ છે, હમણાં પહોંચી જશે. આ લો, આવી ગઈ."


===========================


અમ્મા અને અપ્પા અંજલી પાસે ખોટું શા માટે બોલ્યાં? તેમને મળવાં આવેલી વ્યકિત કોણ હતી અને તે શા માટે આવી હતી?

જાણવાં માટે વાંચતાં રહો... ધૂન લાગી