Dayri - 2 in Gujarati Motivational Stories by Kamlesh K Joshi books and stories PDF | ડાયરી - સીઝન ૨ - પ્રસંગ, સગાં અને વહાલાં

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ડાયરી - સીઝન ૨ - પ્રસંગ, સગાં અને વહાલાં


શીર્ષક : પ્રસંગ, સગાં અને વહાલાં
©લેખક : કમલેશ જોષી

એક મિત્રે કહ્યું: "પ્રસંગ એટલે (જેના ઘરે પ્રસંગ હોય એની સાથે) વેર વાળવાનો સોનેરી મોકો અને (કેટલાંક) સગાંઓ એટલે આ મોકાની વર્ષોથી રાહ જોઈ રહેલી કડતરો." એ સગાંઓથી દાઝેલો હતો. સગાં એટલે કાકા, કાકી, મામા, મામી, ફઈ, ફુઆ, માસા, માસી જેવા પિયર પક્ષના કે સાસરા પક્ષના બે-ચાર પેઢીના વ્યક્તિઓ. પ્રસંગ એટલે સગાઈ, લગ્ન, જનોઈ જેવી સુખદ અથવા મૃત્યુ, ઉઠમણાં જેવી દુઃખદ વિધિ. બહુ નજીકથી આંખ-કાન ખુલ્લા રાખીને જુઓ તો પ્રસંગ ટાણે યજમાનના ચહેરા પર કોઈ અજાણ્યું ટેન્શન ચોક્કસ દેખાશે. છેલ્લા પાંચ-સાત વર્ષની તનતોડ મહેનતથી બનાવેલી મોટી-મોટી એફ.ડી. તોડીને કોઈ વ્યક્તિએ પ્રસંગનું આયોજન કર્યું હોય ત્યારે એના ચહેરા પર તો સંતોષ, હર્ષ, ગૌરવ અને ઝળહળાટ હોવો જોઈએ ને? એને બદલે ટેન્શન કેમ? એક મિત્રે તો એના તમામ પ્રસંગો ‘સગાંઓ વગર જ કરવા’ની પ્રતિજ્ઞા લઈ લીધી હતી. બોલાવો તો કોઈને મોકો મળે ને? તો શું આજકાલ વારંવાર સાંભળવા મળતું પેલું વાક્ય ‘સગાંઓ વ્હાલાં નથી હોતા અને વ્હાલાંઓ સગાં નથી હોતા’ સાચું છે?

જેની સગાઈ થઈ રહી હોય એ યુવાન અને યુવતીના હૃદયાકાશમાં રચાતું સપ્તરંગી મેઘધનુષ્ય આપણે ત્યાં ‘ગોલ્ડન પિરીયડ’ એટલે કે જીવનનો સૌથી સારો અને સુખદ સમય ગણવામાં આવે છે. લગ્નને તો આપણે ઈશ્વરની ભેટ, મેડ ઇન હેવન, માનીએ છીએ. શું આવડી મોટી ‘સુખની’ કે ‘ખુશીની’ પળ એકલા-એકલા માણી શકાય ખરી? અથવા તો માતા કે પિતાના મૃત્યુ જેવી જીવનને હચમચાવી મૂકે એવી કરુણ ઘટનાનું દુઃખ કે ભાર કોઈ એકલે હાથે સહન કરી શકે ખરો? એવું કહેવાય છે કે ‘વહેંચવાથી ખુશી વધે અને દુઃખ ઘટે’. કદાચ એટલે જ પ્રસંગો અને એમાં સગાં- વ્હાલાંઓની હાજરીનું આયોજન માનવ જાતે નક્કી કર્યું હશે? ‘તારા લગ્ન થયા એ બદલ અમે ખૂબ રાજી થયા’ કે ‘તું જીત્યો એ બદલ અમે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ’ એવું કોઈ કહે તો લગ્ન કે જીતનો આનંદ કેટલો બધો વધી જાય. દીકરીના બાપના ખભે હાથ મૂકી કોઈ વડીલ કહે કે ‘તમે દીકરીને ખૂબ જ સરસ રીતે ઉછેરી, સુંદર સંસ્કારોનું સિંચન કર્યું અને ધામધૂમથી વિવાહ કરી તમારી માતા-પિતા તરીકેની જવાબદારી સો ટકા માર્ક સાથે પૂરી કરી, એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ’ તો બિચારા બાપની વીસ-પચ્ચીસ વર્ષની તપશ્ચર્યા ફળી હોય એવું એ ચોક્કસ ફીલ કરે. અથવા તો ‘દીકરા, તારા પિતાનું અવસાન થયું છે, તારા પર આભ તૂટી પડ્યું છે, પણ તું તને એકલો ન સમજતો, અમે સૌ તારી સાથે છીએ’ એવું કોઈ કહે તો ચોધાર આંસુએ રડી રહેલો દીકરો કેટલી બધી ધરપત અનુભવે! પણ શું આજકાલ આવું બોલવા-સમજવાવાળા સગાંઓની સંખ્યા ઝીરો થવા જઈ રહી છે? અને ‘પ્રસંગમાં દાળમાં મીઠું ઓછું હતું’ કે ‘ઉઠમણાંમાં સાવ ઓછું માણસ હતું’ એવી ચર્ચાઓ કરનારાની સંખ્યા વધતી જાય છે?
અમારો એક મિત્ર હોટેલમાં જમવા જઈએ ત્યારે કોઈ સહેજ પણ એઠું મૂકે તો એની સાથે રીતસર ઝઘડતો. હા, એ ભોજનના બગાડનો તો વિરોધી હતો જ પણ વધુ તો એ પોતે ચૂકવેલી રકમનો એકેક દાણો પૂરે પૂરો માણવાનો આગ્રહી હતો. સો કે એકસો વીસ રૂપિયાની થાળી માટે પણ કોઈ વ્યક્તિ પૂરેપૂરી મૌજ માણવા ઝંખતો હોય તો બે-પાંચ લાખ ખર્ચી રહેલા, ચાર-છ મહિનાથી તનતોડ મહેનત કરી રહેલા માતા-પિતા કે ભાઈ-ભાંડુને ‘પ્રસંગ’નો ‘આનંદ’ કેટલી હદે માણવા મળવો જોઈએ? એના બદલે એ કોઈ સગું ‘રિસાઈ’ ન જાય એના ‘ટેન્શન’માં ફરે? શું આ જ કારણે સગાંઓના નામ ‘વ્હાલાં’ઓના લીસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યા હશે? જો આપણે કોઈના ‘સગાં’ હોઈએ તો પ્રચલિત થઈ રહેલી પેલી ‘સગાંઓ વ્હાલાં નથી હોતા’ વાક્ય રચના આપણા માટે ચેલેન્જ ન કહેવાય?

એક પ્રસંગમાં એક વડીલની મહેનત ઉડીને આંખે વળગે એવી હતી. આશ્ચર્ય તો ત્યારે થયું જયારે ખબર પડી કે એ વડીલ ન તો વરરાજાના કાકા-બાપા હતા કે ન કોઈ મામા-માસા. એ વડીલ તો વરરાજાની મોટી બહેનના સસરા હતા. વરરાજાના પિતાનું બે'ક વર્ષ પહેલા અવસાન થઈ ગયેલું. વેવાઈએ કોઈ પણ જાતનો ‘ઈગો’ રાખ્યા વિના જે રીતે પ્રસંગનું વિનમ્રતાથી સંચાલન કર્યું એ જોતા આખો પરિવાર એમની સામે નતમસ્તક થઈ ગયો. એક આવા જ લગ્ન પ્રસંગમાં એક યુવાનની દોડાદોડી નોંધનીય હતી. તપાસ કરતા ખબર પડી કે એ ન તો કન્યાના ભાઈના મિત્ર મંડળનો હતો કે ન કોઈ કઝીન, એ તો જમાઈ હતા. આવા, પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ કરતા, ‘સગાં’ઓ કોને ‘વ્હાલાં’ ન લાગે? બંનેને આવા હેલ્પફુલ નેચર પાછળનું રાઝ પૂછતાં બહુ ઈન્ટરેસ્ટીંગ જવાબ મળ્યો. ‘સંબંધના બંધનમાં બંધાઓ એટલે અરસપરસ ખાટા-મીઠા-કડવા-તીખા બનાવો બનતા જ હોય છે. પ્રસંગ ટાણે તમારે ક્યા બનાવો યાદ કરવા એ તમારા ઉપર છે. જો મીઠા બનાવો યાદ કરો તો પ્રસંગમાં કામ કરવાનું, કામ આવવાનું મન થાય અને કડવા બનાવો યાદ કરો તો કળતર શરુ થઈ જાય. આજે કોઈને ત્યાં પ્રસંગ છે કાલ આપણે ત્યાં હશે એ ક્યારેય ભૂલવું ન જોઈએ’.

મિત્રો, લગ્નની મોસમ છે. તમારા હાથમાં પણ બે-ચાર કંકોત્રીઓ આવી હશે. આજકાલ ચાંદલા, ભેટ કે વધાવાની પ્રથાઓ પણ બંધ થવા લાગી છે. નિમંત્રકની ઈચ્છા ખાલી એટલી જ હશે કે તમે ખાલી આવો, ખાઓ, પીઓ અને અમારી સાથે રાજી થાઓ. એટલીસ્ટ અમારા ચહેરા પર તમને જોઈને કરચલી ન પડે એ જ તમારા તરફથી મોટામાં મોટો ચાંદલો હશે. કોઈ કડવા સગાં તરફથી આમંત્રણ મળ્યું હોય તો એટલીસ્ટ એક પ્રસંગ પૂરતું એની સાથેના ‘મીઠા’ પ્રસંગો યાદ કરી, આપણે ‘કળતર સગા’ નથી એટલું સાબિત કરવા પ્રયત્ન કરીએ તો કેવું?
- kamlesh_joshi_sir@yahoo.co.in