Prem - Nafrat - 59 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૫૯

Featured Books
Categories
Share

પ્રેમ - નફરત - ૫૯

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૫૯

મીતાબેન રચનાને ભૂતકાળમાં ડૂબકી મરાવી રહ્યા હતા ત્યારે મોબાઇલ રણક્યો. રચનાએ પોતાના મોબાઇલમાં જોયું કે આરવનો કૉલ હતો. રચનાએ ઇશારાથી જ મીતાબેનને અટકવા કહ્યું અને બીજા રૂમમાં જઇને આરવ સાથે વાત શરૂ કરી:'હાય! કેમ છે? પહોંચી ગયો?'

'હા, હું અહીં આવી તો ગયો છું પણ મારું મન ત્યાં જ છે, તારી સાથે! શરીરથી સહીસલામત છું પણ મનથી નિરાશ. તું આવી હોત તો કેટલી મજા આવી ગઇ હોત...' એમ નિરાશાના સૂરમાં બોલ્યા પછી આરવને મીતાબેનની તબિયતનો ખ્યાલ આવી ગયો એટલે સંયમ રાખીને આગળ કહ્યું:'તારા માટે મમ્મીને સાચવવાની ફરજ પણ હતી એટલે હું વધારે દબાણ કરી શકું એમ ન હતો. બાકી મોબાઇલની કામગીરીમાંથી તો તને છૂટી કરી શકું એમ હતો...'

'આરવ, હું તારા દિલની વાત જાણું છું. આપણી પાસે હજુ આખી જિંદગી પડી છે. આપણે બહુ જલદી એક નહીં દસ દેશમાં ફરવા જઇશું. આપણે કોઇ વાતની ચિંતા નહીં હોય અને આનંદ જ આનંદ કરીશું. મારી કે મમ્મીની ચિંતા કર્યા વગર તું આજે આરામ કરજે. પરમ દિવસથી શરૂ થતા સંમેલનમાં ભાગ લઇ ઘણી બધી જાણકારી મેળવજે. એ આપણી મોબાઇલ કંપનીની પ્રગતિમાં ઉપયોગી સાબિત થશે. તું આમ પણ વિદેશમાં ભણ્યો છે એટલે ત્યાંના વાતાવરણ અને બિઝનેસથી પરિચિત છે. તને ત્યાં તકલીફ પડવાની નથી. છતાં તારું ધ્યાન રાખજે અને નજીકમાં જોવા જેવા સ્થળ હોય તો ફરવા જઇ આવજે...' રચના લાગણીસભર અવાજે બોલી રહી હતી.

'તારા વગર ગમતું નથી... તો ફરવાનું કેમ ગમશે? હા, મમ્મીને કેવું છે?' આરવને યાદ આવ્યું એટલે પૂછી લીધું.

'મમ્મીને ઘણું સારું છે. આજે એમના બ્લડના સેમ્પલ આપ્યા છે. બે-ત્રણ દિવસમાં રિપોર્ટ આવી જશે. આશા રાખીએ કે સારા હોય.' રચનાએ ઉત્સાહથી કહ્યું.

'હા, ચાલ, જે હોય એ મને જણાવતી રહેજે અને કંપની પર ના જવાય તો વાંધો નહીં. મમ્મીની તબિયત સાચવજે...' આરવે ફોન મૂકવાની તૈયારી સાથે કહ્યું.

'ના, મમ્મીની તબિયત સારી છે. હું કંપની પર જવાની છું. નવા મોબાઇલ માટે ઘણું કામ કરવાનું છે. આવજે...' રચનાએ કહ્યું અને સામે 'આવજે' કહી આરવે ફોન મૂકી દીધો.

આરવ સાથે વાત કરીને રચના મનમાં જ રહસ્યમય મુસ્કાન સાથે મીતાબેન પાસે આવી.

'આરવકુમાર સકુશળ પહોંચી ગયા ને?' મીતાબેન પૂછવા લાગ્યા.

'હા મમ્મી.' બોલીને મનમાં જ બબડી:'એણે એની કુશળતા સાચવવી પડશે.'

'બેટા, પાણી લઇ આવ ને...' મીતાબેનને સતત બોલવાથી ગળું સુકાયું હતું.

રચના રસોડામાં જઇને પોતે પાણી પી આવી અને મીતાબેનને ગ્લાસ ધરતાં બોલી:'મમ્મી, લખમલભાઇને ત્યાં પપ્પાએ મુકાદમ તરીકે કામ મેળવી લીધું હતું. આજે મેં એક માલિક તરીકે સ્થાન મેળવી લીધું છે. લખમલભાઇ મને બહુ સારા માણસ લાગ્યા છે. પુત્રવધુ તરીકે તો મને સન્માન આપે છે પણ એ પહેલાં એક સામાન્ય કર્મચારી હતી છતાં મારા કામને વખાણ્યું હતું.'

'લખમલભાઇએ તારા પપ્પાના કામની કદર કરી જ હતી ને? એમને મજૂરમાંથી મુકાદમ બનાવ્યા હતા. એમનું કામ એટલું સારું હતું કે કંપનીની સતત પ્રગતિ થઇ રહી હતી. કંપનીની પ્લાસ્ટીકની વસ્તુઓની બોલબાલા વધી હતી. મોટા મોટા ઓર્ડર મળી રહ્યા હતા. કામ વધતું જ જતું હતું. લખમલભાઇ કંપનીનો વિસ્તાર કરતા જ જતા હતા. એમણે એક મોટી જગ્યામાં કંપની તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું. દોઢ વર્ષે એ કંપની તૈયાર થઇ અને મોટાપાયા પર ઉત્પાદન શરૂ થયું. એ માટે બીજા નવા મજૂરોની વ્યવસ્થા તારા પપ્પાએ જ ગોઠવી આપી હતી. એમણે અનેક ગરીબ લોકોને રોજીરોટી પૂરી પાડવાનું પુણ્યનું કામ કર્યું હતું. મજૂરો એમને અન્નદેવતા માનતા થઇ ગયા હતા. ત્યારે એમને ખબર ન હતી કે એ કારણે જ લખમલભાઇ સાથે સંઘર્ષ થશે...'

મીતાબેન બોલતા હતા ત્યારે તે ઉત્સુક્તાથી વાત સાંભળી રહી હતી. એ સાથે એની નજર મોબાઇલમાં દુબઇનો સમય બતાવતા ઘડિયાળના આંકડાઓ ઉપર ફરી રહી હતી.

ક્રમશ: