Varasdaar - 80 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | વારસદાર - 80

Featured Books
  • बुजुर्गो का आशिष - 9

    पटारा खुलते ही नसीब खुल गया... जब पटारे मैं रखी गई हर कहानी...

  • इश्क दा मारा - 24

    राजीव के भागने की खबर सुन कर यूवी परेशान हो जाता है और सोचने...

  • द्वारावती - 70

    70लौटकर दोनों समुद्र तट पर आ गए। समुद्र का बर्ताव कुछ भिन्न...

  • Venom Mafiya - 7

    अब आगे दीवाली के बाद की सुबह अंश के लिए नई मुश्किलें लेकर आई...

  • My Devil Hubby Rebirth Love - 50

    अब आगे रुद्र तुम यह क्या कर रही हो क्या तुम पागल हो गई हों छ...

Categories
Share

વારસદાર - 80

વારસદાર પ્રકરણ 80

" દીદી તમે નૈનેશને ઘરમાં પેસવા જ કેમ દીધો ? અને ઘરે આવ્યો હતો તો પોલીસને જાણ ના કરાય ? પપ્પા બચી ગયા બાકી એણે તો ખૂનનો જ પ્રયાસ કર્યો હતો ને ! " નૈનેશના ગયા પછી શીતલ બોલી.

" નૈનેશ આપણા ઘરે આવ્યો ત્યારે એનો ચહેરો જોયો હતો ? મેં જોયો હતો. એણે પોતાની ભૂલ કબૂલ કરી હતી અને રડવા જેવો થઈ ગયો હતો. આપણા ઘરે આશરો લેવા આવ્યો હતો. નાદાન ઉંમર છે એની. એ કોઈ ક્રિમિનલ નથી. અને ગમે તેમ તોય આપણો ભાઈ છે એ ! " કેતા બોલી.

" માય ફૂટ ! જે બાપની હત્યા કરે એને ભાઈ કેમ માની શકાય ? અત્યાર સુધી ભાઈ ક્યાં ખોવાઈ ગયો હતો ? પોતે ફસાયો એટલે બહેન યાદ આવી ? " શીતલ બોલી.

" શીતલ મેં અને મમ્મીએ એનો સ્વીકાર કરી લીધો છે. તારે એને ભાઈ ન માનવો હોય તો એ તારો પ્રોબ્લેમ છે. બાકી એના વિરુદ્ધમાં હવે હું કંઈ પણ સાંભળવા નથી માગતી. એના કરતાં તો તારા મનમાં નફરત વધારે છે ! " કેતા સહેજ ગુસ્સાથી બોલી.

" કેતા સાચું કહે છે. માણસને ઘણીવાર આપણે ઓળખી શકતા નથી. કાલે એણે મારા ચરણસ્પર્શ કર્યા અને બે હાથ જોડીને ઉભો રહેલો. એનામાં સંસ્કાર છે. કેવી રીતે હું એને નફરત કરી શકું ? બંને ઘર વચ્ચે અંતર પડી ગયા છે એટલે અત્યાર સુધી એ દૂર જ રહ્યો પરંતુ એ હવે પોતે અમારી સાથે રહેવા માંગે છે. હું એને તરછોડવા માગતી નથી. " મૃદુલાબેને પણ પોતાનો અભિપ્રાય આપી દીધો.

" હવે વધારે ચર્ચા કરીશ નહીં. પપ્પા બેડરૂમમાં સુતા છે. એમના કાન સુધી વાત જશે તો એમને દુઃખ થશે. " કેતા બોલી.

" અહીં આવતો જતો થઈ જશે તો કાલ ઊઠીને આ બંગલામાં એ હક જમાવશે. એને એનો પોતાનો બંગલો છે. હું એને આ બંગલામાં હવે નહીં પેસવા દઉં. " શીતલ બોલી.

" આ બંગલો મારો છે. કોને અહીં આવવા દેવા અને કોને નહીં એ મારે નક્કી કરવાનું છે. એ મારો દીકરો છે અને હકથી અહીં આવશે. શરમ નથી આવતી આવું બોલતાં ? બિચારો કહેતો હતો કે મારે કોઈ મિલકત જોઈતી નથી. મારે બસ તમારી સાથે રહેવું છે. સ્વાર્થ તો તારી આંખોમાં દેખાય છે. મને વધારે બોલાવીશ નહીં." છેવટે મૃદુલાબેન ગુસ્સાથી બોલ્યાં.

બંને બહેનોમાં આ જ ફરક હતો. કેતા એકદમ લાગણીશીલ હતી. સંબંધોની વેલ્યુ એ સમજતી હતી. શીતલ એકદમ લાગણી વિહોણી સ્વાર્થી અને બોલવામાં રફ હતી.

જૂહુ તારાના બંગલે આ બધી ચર્ચા ચાલતી હતી તો વાલકેશ્વરના બંગલે પણ શાંતિ ન હતી !

નૈનેશ ઘરે પહોંચ્યો ત્યારે એની પત્ની પ્રિયાએ એનું સ્વાગત ગુસ્સાથી કર્યું. આજના જમાના પ્રમાણે એ પતિ સાથે તું તારીથી જ વાત કરતી હતી !!

" ભાગીને ક્યાં ગયો હતો અત્યાર સુધી ? અને ભાગવું જ હતું તો પછી ગોળી શું કામ મારી ? મેં તને ગોળી મારવાનું કહ્યું હતું ? લડી ઝગડીને હક માગવાની વાત હતી ! આજ કાલનાં આવેલાંને અડધી મિલકત આપી દીધી ! અને હવે એને ગોળી માર્યા પછી એ વીલમાં ફેરફાર કરશે ? " પ્રિયા બોલી.

" મારે હવે વીલમાં કોઈ ફેરફાર પણ નથી કરાવવો અને કોઈ હક પણ નથી જોઈતો. તારી કચકચના કારણે જ ગુસ્સા ઉપર મારો કાબૂ ના રહ્યો અને પપ્પાને ગોળી મારી. ગઈ કાલની આખી રાત મેં જૂહુ તારાના બંગલે મારી મમ્મી અને બહેન સાથે ગાળી હતી. બોલ હવે તારે કંઈ કહેવું છે ?" નૈનેશ ગુસ્સે થઈને બોલ્યો.

" આ તું બોલે છે નૈનેશ ? તારું મગજ ફરી ગયું લાગે છે. નક્કી એ લોકોએ રાત્રે તને કંઈક ખવડાવી દીધું લાગે છે. તારી આખી ભાષા બદલાઈ ગઈ છે. એ લોકો કામણ ટુમણ જાણે છે. એટલે તો તારા પપ્પાને પણ વશ કરી દીધા અને બધું લખાવી દીધું. તારી પણ બુદ્ધિ ફરી ગઈ છે હવે. " પ્રિયા બોલી.

" તું હવે ચૂપ કરીશ ? કામણ ટુમણ જેવા શબ્દો તારા દિમાગમાં છે. એ લોકો તો બિચારાં આવું વિચારતાં પણ નથી. હવે જમવાનું શું બનાવ્યું છે કહે. નહીં તો પછી બહાર જઈને જમી આવું. " નૈનેશ બોલ્યો.

"ત્યાં જ જમીને આવવું હતું ને ! અહીં પાછો શું કરવા આવ્યો ? ખવડાવવાનું ભારે પડ્યું એમને ? તારા બાપને તો રાખી લીધો." પ્રિયા બોલી.

" હવે તું ખરેખર હદ કરે છે. તારી સાથે હવે એક દિવસ પણ રહેવાય એવું નથી. કાલે તારો સામાન લઈને જ્યાં જવું હોય ત્યાં જજે. " નૈનેશ ભયંકર ગુસ્સાથી બોલ્યો.

" હાઉ ડેર યુ !! તું મને જતી રહેવાનું કહે છે ? આ ઘર તારું છે એટલું જ મારું છે. યુ હેવ નો રાઈટ ટુ ગેટ મી આઉટ !! " પ્રિયા વિફરી.

" તો પડી રહે એક રૂમમાં. હું તારી સાથે વાત કરવા પણ નથી માગતો. આઈ હેટ યુ ! " કહીને નૈનેશ બેડરૂમમાંથી બહાર આવ્યો અને મહારાજને બૂમ પાડી.

" મહારાજ જમવામાં શું છે ?" નૈનેશ બોલ્યો.

" જી નાના શેઠ ... ખીચડી કઢી અને તળેલા પાપડ છે." મહારાજ બોલ્યા.

" ઠીક છે મને પીરસી દો. " નૈનેશ બોલ્યો.

એ રાત્રે જમીને નૈનેશ અલગ બેડરૂમમાં સૂઈ ગયો.
*********************
રાત પછી દિવસ અને દિવસ પછી રાત. સમયનું ચક્ર ફરતું રહ્યું. 3 વર્ષનો સમય ક્યારે પસાર થઈ ગયો ખબર જ ના પડી !

મંથનની લોઅર પરેલની સ્કીમ પોણા ભાગની પૂરી થઈ ગઈ હતી. હવે માત્ર એક જ ટાવર બાકી હતું. રમેશભાઈ ઠક્કરની સૂચના મુજબ કોર્પોરેટ હાઉસ બની ગયું હતું અને નર્સિંગ સ્ટાફની ભરતી પણ થઈ ગઈ હતી. ટ્રેનિંગ માટે જુદાં જુદાં સાધનો પણ વસાવી લીધાં હતાં. લોકોનો રિસ્પોન્સ પણ બહુ જ સારો હતો. સેવાની પ્રવૃત્તિ ધમધમતી હતી ! મીડિયામાં પણ આ સેવાની ખૂબ જ ચર્ચા થઈ હતી !!

જનની ધામ પણ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું હતું. અત્યાર સુધીમાં ૪૦ વૃદ્ધ માતાઓ દત્તક લેવામાં આવી હતી. પ્રચાર ખૂબ જ થયો હતો પરંતુ સ્ત્રીઓ જલ્દી પોતાનું ઘર છોડીને આવવા માગતી ન હતી. જે સાવ આધાર વગરની હતી અને જમવાની પણ વ્યવસ્થા ન હતી એવી સ્ત્રીઓ એ જ આશ્રય લીધો હતો.

જનની ધામમાં કિચનની પણ વ્યવસ્થા હતી અને નાત જાતની પરવા કર્યા વગર બહેનો પોતે જ ભેગી થઈને રસોઈ બનાવતી હતી. એમની રહેવાની જમવાની બધી જ સગવડો સાચવવામાં આવતી હતી. મેડિકલ ટ્રીટમેન્ટ પણ આપવામાં આવતી હતી.

દાદર ટી ટી સર્કલ ઉપર સુંદર 'અતિથિ ભવન' મંથન મહેતા સેવા મિશન તરફથી બનાવવામાં આવ્યું હતું. ૫૦ રૂપિયાના ભાડામાં રહેવાની અને જમવાની વ્યવસ્થા હતી. માત્ર ત્યાં રોકાતા મુસાફરો માટે જ ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો હતો. ખૂબ જ સારો પ્રતિસાદ આ ગેસ્ટ હાઉસને મળ્યો હતો !

દ્વારકા જુનાગઢ અને પાલીતાણામાં રાજન દેસાઈની સીધી દેખરેખ નીચે ત્રણ યાત્રિક ભવન બન્યાં હતાં અને ત્યાં સાધુ સંતોની ખાસ સરભરા કરવામાં આવતી. દરેક યાત્રિક ભવનમાં જમવાની પણ વ્યવસ્થા હતી !!

મંથન મહેતાએ ઘણું કમાઈ લીધું હતું એટલે હવે નવી જગ્યાઓ ખરીદવાનું અને નવી સ્કીમો બનાવવાનું લગભગ બંધ કરી દીધું હતું. મંથને એક સારો મેનેજર પોતાની ઓફિસમાં રાખી લીધો હતો અને એણે પોતે સંપૂર્ણ ધ્યાન લોકોની સેવામાં પરોવ્યું હતું.

હવે એ પોતાના લોઅર પરેલમાં આવેલા નર્સિંગ સેવા સદન, વસઈના જનની ધામ અને દાદરના અતિથિ ભુવન ઉપર વ્યક્તિગત ધ્યાન આપતો હતો. ત્રણેય જગ્યાએ એણે પોતાની ચેમ્બર પણ બનાવી હતી.

ઝાલા સાહેબ હવે નિવૃત્ત થઈ ગયા હતા અને પોતાની ઓફિસમાં મફત લીગલ સેવાઓ આપતા હતા. આર્થિક કારણોસર જે લોકો મોટા કેસ ના લડી શકતા હોય એ તમામ કેસ પોતે લડતા. સાચા માણસોની પડખે એ ઊભા રહેતા. એ ન્યુઝ પેપરમાં અવાર નવાર જાહેરાત પણ આપતા જેથી વધુને વધુ ગરીબ લોકો એમનો લાભ લઈ શકે.

સુશીલા શેઠાણી તર્જની રહેવા ગઈ એ પછીના સાત મહિનામાં જ માસિવ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યાં હતાં. તર્જની બે નોકરાણીઓ સાથે આખા બંગલામાં એકલી જ રહેતી હતી. મંથન એક ભાઈ તરીકે એના માટે એક સુયોગ્ય પાત્રની શોધ કરી રહ્યો હતો !

અમદાવાદમાં શિલ્પાએ એક વર્ષ પહેલાં દીકરીને જન્મ આપ્યો હતો એટલે જયેશ હવે પિતા બની ચૂક્યો હતો. જયેશના પિતા રસિકલાલનું નિધન થઈ ગયું હતું.

મંથન આ ત્રણ વર્ષમાં કૈલાશ માન સરોવરની યાત્રા પણ કરી આવ્યો હતો. એ ઉપરાંત અદિતિને સાથે લઈને કેદારનાથ અને બદ્રીનાથ પણ જઈ આવ્યો હતો !

અભિષેક સાડા ત્રણ વર્ષનો થઈ ગયો હતો અને સુંદરનગરની જ એક નર્સરી માં દાખલ કર્યો હતો. મંથને એને નાનપણથી જ ગાયત્રી મંત્ર શીખવાડી દીધો હતો.

તલકચંદની ડાયમંડની પેઢી હવે રાજન દેસાઈ અને નૈનેશ પાર્ટનરશીપમાં ચલાવી રહ્યા હતા. અને આ ત્રણ વર્ષમાં એ લોકોએ ખૂબ જ કમાણી કરી હતી. રાજન દેસાઈ પાસે ધ્યાનની એક વિશેષ શક્તિ હતી એટલે ઘણીવાર એ આવનારા સમયની તેજી મંદી અગાઉથી જાણી લેતો હતો. જેનો સીધો ફાયદો હીરાના સોદામાં થતો હતો. કાચા ડાયમંડ ક્યારે ખરીદવા અને પોલીશ કરીને ક્યારે વેચવા એનું વિશેષ જ્ઞાન રાજનને હતું !!

રાજનનાં લગ્નને ચાર વર્ષ જેટલો સમય થવા આવ્યો હતો છતાં હજુ શીતલને પ્રેગ્નન્સી નહોતી આવતી. કેતાના કહેવાથી શીતલે ડોક્ટર ચિતલેની જ ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી. એને પણ હોર્મોન્સનો જ પ્રોબ્લેમ હતો.

તલકચંદ શેઠ હવે કાયમ માટે જૂહુ તારા રોડ ઉપરના બંગલામાં જ પત્ની અને દીકરી સાથે રહેતા. નૈનેશ પણ અવાર નવાર અહીં આવતો અને થોડા દિવસ રહી જતો. એની પત્ની પ્રિયાએ નૈનેશ સાથે ના છૂટકે સમાધાન કરી લીધું હતું. નૈનેશ મક્કમ હતો એટલે પ્રિયાનું કંઈ ચાલે એમ જ ન હતું !

છેલ્લા ત્રણ મહિનાથી નૈનેશની પત્ની પ્રિયા પ્રેગ્નેન્ટ થઈ હતી. કેતા એને આગ્રહ કરીને પોતાના બંગલે બોલાવી લાવી હતી. કેતા અને મૃદુલાબેનનો પ્રેમ અને લાગણી જોઈને પ્રિયા આશ્ચર્ય પામી ગઈ હતી. પોતે આ લોકો માટે જે ધારણા બાંધી હતી એ બદલ એને ઘણો પસ્તાવો થતો હતો. પ્રિયાને એ લોકો કોઈ જ કામ કરવા દેતા ન હતા. એની સંપૂર્ણ કાળજી લેતા હતા. હવે નૈનેશ પણ ત્યાં જ રહેતો હતો.

ઘણા સમયથી કેતાના ઘરે ગયો ન હોવાથી એક રવિવારે સાંજના ટાઈમે મંથન જૂહુ તારા રોડ ઉપરના બંગલે અદિતિને લઈને પહોંચી ગયો.

પ્રિયા આ લોકોને ખાસ ઓળખતી ન હતી એટલે એને છોડીને બાકીના તમામ સભ્યોએ મંથન અને અદિતિનું ભાવભીનું સ્વાગત કર્યું. રવિવાર હોવાથી બધા ઘરે જ હતા.

કેતાએ તરત જ અભિષેકને તેડી લીધો. અભિષેક પણ એકદમ ડાહ્યો બનીને કેતાના ખોળામાં બેઠો. કેતા અવાર નવાર સુંદરનગર આવતી હોવાથી અભિષેકને એની સારી માયા હતી.

" નૈનેશ તને અને પ્રિયાને અભિનંદન ! મને કેતાએ સમાચાર આપેલા. ચાલો હવે શેઠનો ભાવિ વારસદાર પૃથ્વી ઉપર આવશે. " મંથન બોલ્યો.

" હા પણ દીકરો આવે તો વારસદાર બને. બાકી દીકરી તો પારકા ઘરની લક્ષ્મી. દીકરો જન્મે તો પેઢી આગળ ચાલે. " તલકચંદ બોલ્યા.

" ઉભા રહો. હું જાણવાની કોશિશ કરું. " કહીને મંથન ઉભો થયો અને પ્રિયાની પાસે જઈને એના માથે હાથ મૂકીને આંખો બંધ કરી બે મિનિટ ઉભો રહ્યો.

" સંપત્તિ ભોગવવા માટે દીકરો આવી રહ્યો છે વડીલ. " મંથન બોલ્યો અને ફરી સોફામાં બેઠો.

" વાહ. તમે કીધું એટલે ફાઇનલ. મારે તો આજે જ પેંડા વહેંચવા પડશે. " તલકચંદ હસીને બોલ્યા.

" હું લઈ આવું પપ્પા ? " નૈનેશ બોલ્યો.

" મારે પેંડા ખાવાની કોઈ ઉતાવળ નથી. દીકરાનો જન્મ થાય પછી જ પેંડા વહેંચજો. દરેક વસ્તુ પ્રસંગે શોભે. " મંથન બોલ્યો.

" પેંડા ભલે પેન્ડિંગ રહેતા સર. આજે તમારે લોકોએ જમ્યા વગર જવાનું નથી. કેટલા દિવસે આવ્યા છો આજે ?" કેતા બોલી.

" દીદી એના કરતાં આજે આપણે બધા જ એસ્ટેલા માં જમવા જઈએ. આજે ડીનર મારા તરફથી. " નૈનેશ બોલ્યો.

" દીકરો આવવાનો છે એટલે આજે ભાઈ ખુશ છે. તારે ખર્ચો કરવાની કંઈ જરૂર નથી. હજુ તો છ વાગ્યા છે. અમે બધાં ભેગાં થઈને રસોઈ બનાવી દઈશું. " કેતા બોલી.

" હા નૈનેશ. એ લોકોને રસોઈ કરવા દે ઘર જેવી મજા બહાર નહીં આવે. " મંથન બોલ્યો.

"તમને શું ખાવાની ઈચ્છા છે સર ? તમે આજે મહેમાન છો. " કેતા બોલી.

" કેતાબેન અમે મહેમાન નથી. તમે સાદું જ બનાવી દો. ભાખરી શાક પણ ચાલશે. " અદિતિ બોલી.

" તમે ક્યાં અમારે ત્યાં રોજ રોજ આવો છો ? ઉનાળાની સિઝન છે એટલે શીખંડ પૂરી જ ઉત્તમ રહેશે. નૈનેશ તું દોઢ કિલો શિખંડ લઈ આવ. સાથે તને ગમતું કોઈ ફરસાણ પણ લેતો આવજે. " કેતા બોલી.

" તમારે સર અદિતિ અને અભિષેકને લઈને ચોપાટી ઉપર ફરવા જવું હોય તો ફરી આવો. ત્યાં સુધીમાં હું રસોઈ બનાવી દઈશ. અભિષેકને દરિયા કિનારે મજા આવશે. " કેતા બોલી.

" હા મંથનભાઈ એ આઈડિયા સારો છે. આપણે ત્રણેય જઈએ. વળતી વખતે શિખંડ લેતા આવશું. " નૈનેશ બોલ્યો.

અદિતિની ઈચ્છા રસોઈમાં મદદ કરવાની હતી પરંતુ અભિષેક માટે થઈને એ ચોપાટી જવા તૈયાર થઈ.

જૂહુની ચોપાટી પ્રમાણમાં રળિયામણી છે. અભિષેકને અહીં ખૂબ જ મજા આવી. અદિતિએ પાણીપુરીનો આનંદ લીધો તો મંથન અને નૈનેશે રગડા પેટીસ ખાધી. અભિષેકની પસંદગી આઈસ્ક્રીમ જ હતી !

દરિયા કિનારે દોઢેક કલાક જેવો સમય ગાળીને બધા ઊભા થઈ ગયા અને ઘરે જવા માટે ગાડીમાં બેઠા. રસ્તામાંથી દોઢ કિલો શિખંડ લઈ લીધો તો સાથે એક કિલો ખમણ પણ પેક કરાવ્યાં.

કેતાએ પૂરી, બટેટાની સુકી ભાજી અને દાળ ભાત બનાવ્યા હતા.

" રસોઈમાં તમે ઘણી ઝડપ કરી. દોઢ કલાકમાં આટલું બધું બનાવી દીધું ? " અદિતિ બોલી.

" ભાભીએ પણ મદદ કરી હતી. મારી એકલીથી આટલી ઝડપથી ના બને. દાળ ભાતનો હવાલો ભાભી એ લઈ લીધેલો. " કેતાએ હસીને કહ્યું.

જમી કરીને મંથન અને અદિતિ ઘરે જવા માટે નીકળી ગયા.

" અદિતિ.... તલકચંદની બીજી પત્ની અને નૈનેશની મમ્મી કંચન જ પ્રિયાના ગર્ભમાં સંપત્તિ ભોગવવા દીકરો બનીને આવી રહી છે !! એ જ ઘરમાં એ ફરીથી આવીને સંપત્તિની વારસદાર બનશે" ઘરે જતી વખતે રસ્તામાં મંથન બોલ્યો.

" શું વાત કરો છો તમે ? " અદિતિ આશ્ચર્ય પામીને બોલી.

" હા. કર્મની ગતિ ન્યારી હોય છે. જેવો પુત્રનો જન્મ થશે કે ત્રણ જ દિવસમાં તલકચંદે આ દુનિયા છોડવી પડશે. નૈનેશનો દીકરો એમના કાળનું કારણ બનશે. કંચને ગર્ભમાં પ્રવેશ કરતાં પહેલાં જ આવો સંકલ્પ લીધો છે !! " મંથન બોલ્યો.

" હે ભગવાન. માણસો મર્યા પછી પણ વેર ઝેર ભૂલતા નથી અને ફરી ફરી જનમ લેતા હોય છે. " અદિતિ બોલી.

" એટલા માટે જ તો શંકરાચાર્ય જેવા મહાવિદ્વાન સંન્યાસીએ લખવું પડ્યું છે:
*पुनरपि जननम् पुनरपि मरणम्
पुनरपि जननी जठरे शयनम् ।*

બસ આમ જ જનમોજનમનું ચક્કર ચાલ્યા કરે છે અદિતિ !! "
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)