વિરાટ ગુસ્સામાં હોય ત્યારે જેમ મુઠ્ઠીઓ ખોલતો અને બંધ કરતો એ જ રીતે એ બેચેન થઈને મુઠ્ઠીઓ ખોલ બંધ કરતો રહ્યો. કદાચ એ ગુસ્સામાં હતો પણ વિરાટે નોધ્યું કે એ ગુસ્સા કરતાં ભયમાં વધુ હતો. જ્યારે પણ એ મુઠ્ઠીઓ ખોલતો તેના આંગળા ઠંડીમાં ધ્રુજે તેમ ધ્રૂજતા હતા. તેનું આંખું શરીર ધ્રુજતું હતું.
“આ છોકરો કેમ આટલો ડરેલો લાગે છે?” કેશીએ પુછ્યું, “એની સાથે પરીક્ષામાં શું થયું હશે?”
“ખબર નહીં પણ...” વિરાટે કહ્યું, “આપણે વાત ન કરવી જોઈએ. એ નિયમની વિરુધ્ધ છે.”
“ખરેખર?” કેશીએ પદ્મા જેમ આંખો જીણી કરી, “તું એક દેવતાની સામે નિયમો તોડી શકે પણ તારા પોતાના લોકો સામે નહીં?” તેના ભ્રમર તંગ થયા, “મેં તને વ્યવસ્થાપક સાથે વાત કરતાં જોયો હતો. તમે હૉલ-વેમાં એકબીજા સાથે વાતો કરતાં હતા.”
વિરાટે એને વિશ્વાસ આવે એ માટે હસીને જવાબ આપ્યો, “એ મને સવાલો પૂછતો હતો અને હું જવાબ આપતો હતો. તું કોઈને કહીશ નહીં કે મે વ્યવસ્થાપક સાથે વાતો કરી છે.”
“તું દેવતાઓનો ગુપ્તચર છે?”
કેશીના સવાલે વિરાટને સ્તબ્ધ કરી દીધો. એણે માંડ પોતાની જાતને સંભાળી. જો એણે ખુરશીના હાથા પકડી ન રાખ્યા હોય તો કદાચ એ ખુરશી પરથી નીચે પડી ગયો હોત.
“ગુપ્તચર.... તને અ શબ્દથી કઈ રીતે પરિચિત છે?”
કેશીએ જવાબ ન આપ્યો. વિરાટ જાણતો હતો કે એ સવાલના જવાબ કોઈ આપવા રાજી ન થાય. કમ-સે-કમ એ વ્યક્તિને તો એ જવાબ ન જ આપે જેના પર કેશીને ગુપ્તચર હોવાનો શક હોય. પણ શૂન્ય લોકો એવું ન વિચારી શકે. કોઈના પર શંકા કરવી કે અંદાજ લગાવવો એ શૂન્ય લોકોની બુદ્ધિમતા બહાર હતું.
“તને તારા ગુરુએ આ શબ્દ કહ્યો છે?” વિરાટે બીજો સવાલ કર્યો.
પણ કેશી હજુ ચૂપ રહી.
વ્યવસ્થાપકે ફરી પાંચ નામ માઇકમાં બોલ્યા પણ વિરાટ કે કેશી બેમાંથી કોઈએ એ તરફ ધ્યાન ન આપ્યું. વિરાટના ધ્યાનમાં એ પણ નહોતું કે કોના નામ બોલાયા.
“હું દુશ્મન નથી..” વિરાટે કહ્યું, “તું મને કહી શકે છો.”
કેશીને જરા વિશ્વાસ થયો હોય તેમ માથું હલાવ્યું અને કહ્યું, “મારી માએ મને કહ્યું છે. માએ મને સમજવ્યું છે કે ગુપ્તચર શું છે.” તેનો ચહેરો જરા ઉદાસ થયો, “મા કહે છે કે એવા ગદ્દાર ગુપ્તચરોના લીધે જ દેવતાઓ મારા કાકાની અસલ ઓળખ જાણી ગયા અને એમને મારી નાખ્યા.”
“તારા કાકા કોણ હતા?”
“રતન...” કેશીએ ધીમા આવજે કહ્યું. તેના અવાજમાં ઊંડી ઉદાસી હતી, “એ ગામમાં રહેતા હતા જ્યારે મારા પિતા વેપારીઓએ આપેલા ખેતરમાં ઝૂંપડું બાંધી રહેતા. અમે એમની મદદ ન કરી શક્યા. આક્રમણની બીજી સવારે જ્યારે અમને સમાચાર મળ્યા ત્યારે કોઈ મદદ થઈ શકે એમ નહોતી. રતનકાકા અને એમનો પરિવાર....” એ વધુ ન બોલી શકી.
કેશીના અવાજની ઉદાસી વિરાટના હ્રદયને પણ ઘેરી વળી. એ દિવસે શું થયું હતું એ વિરાટે તેની સગી આંખે જોયું હતું. રતનગુરુની ઝૂંપડી વિરાટની ઝૂંપડીથી નજીક જ હતી. એ રાતે જે થયું એ વિરાટે તેના માતાપિતા સાથે એમની ઝૂંપડીમાં છુપાઈને જોયું હતું. આક્રમણ ભયાનક હતું. નિર્ભય સિપાહીઓની લોહી તરસી તલવારોએ આખા પરિવારને રહેંસી નાખ્યો હતો. રતનગુરુ, એમની પત્ની અને બાળકોને બધાને....
“એ મારા ગુરુ હતા...” વિરાટે ભૂતકાળમાંથી બહાર આવી કહ્યું. કાશ! એ દિવસે હું કઈક કરી શકયો હોત એ વિચાર તેના મનમાંથી જતો નહોતો, “એ મને બીજા બાળકો સાથે લખતા વાંચતાં શીખવતા હતા.”
“એટલે જ નિર્ભય સિપાહીઓએ એમને મારી નાખ્યા.” કેશીએ કહ્યું, “બસ હું એ ગુપ્તચરને શોધવા માંગુ છુ જેણે નિર્ભય સિપાહીઓને એમની હકીકત કહી. હું એનો બદલો લેવા ઇચ્છું છું.”
બદલો... શબ્દનો પડઘો વિરાટના મનમાં પડ્યો.
તેનો ઉદાસ ચહેરા, અશક્ત શરીર અને આંખોની જ્વાળા જોતાં વિરાટને તેની સલામતીની ચિંતા થઈ. “કાળજી રાખજે..” એણે કહ્યું, “તું જે ઇચ્છે છે એ એટલું સહેલું નથી.”
“મને ખબર છે.” કેશીએ કહ્યું, “રતનકાકાએ મને ઘણું શીખવ્યું છે અને મા પણ એમના જેમ જ્ઞાની છે.”
“તો જ્યારે તને એ ગુપ્તચર મળી જશે તું શું કરીશ?”
“હું તેને મારી નાખીશ.”
વિરાટે નોધ્યું કે બોલતી વખતે કેશીએ મુઠ્ઠીઓ ભીંસી રાખી હતી અને તેના નખ તેની હથેળીમાં ઉતરીને લોહી નીકળવા માંડ્યુ હતું. એનામાં ગજબ આગ હતી.
“તારે એના કરતાં કંઈક મોટું વિચારવું જોઈએ.” વિરાટે કહ્યું, “દીવાલની આપણી તરફ તારા જેવા બહુ ઓછા લોકો છે. તું એમાંની એક છે જે વિચારી શકે છે અને જેની પાસે જ્ઞાન છે તારે તારા જ્ઞાનનો ઉપયોગ કોઈ મહાન હેતુ માટે કરવો જોઈએ.”
“મારા કાકા જેમ.” એ ફિક્કું હસી. તેના શબ્દોમાં કટાક્ષ હતો.
“હા, તારા કાકા જેમ...” એણે કહ્યું, “પણ જરા અલગ રીતે.”
“અલગ રીતે મતલબ?”
“આપણે આપણા લોકોને આપણી જેમ વિચારતા કરવા જોઈએ. એ જ તારા કાકાનો બદલો લેવાની સાચી રીત છે કેમકે જે ગુપ્તચરે તારા કાકાની માહિતી એમને આપી તે ગુપ્તચર માત્ર એક કઠપૂતળી હતો. તેને મારવા કરતાં આપણે કંઈક એવું કરવું જોઈએ જેનાથી જે લોકો રતનગુરુના મૃત્યુ માટે જવાબદાર છે એમને નુકશાન અસર થાય.”
“મા પણ એ જ કહે છે.” કેશીએ કબૂલ્યું, “એ પણ એમ જ કહે છે કે આપણા જેવા બાળકો મોટા હેતુ માટે જન્મ્યા છે કેમકે આપણે..” એ જરા ખચકાઈ, “આપણે જ્ઞાની છીએ.”
“તને ડર નથી લાગતો?” વિરાટે કહ્યું, “તારે આમ કોઈની પણ સામે જ્ઞાની હોવાની હકીકત કબૂલવી ન જોઈએ.”
“હું જ્ઞાની છું. મને ડર લાગે છે પણ ડર સામે કઈ રીતે મજબૂત બની ટકી રહેવું એ પણ જાણું છું.” કેશીએ કહ્યું, “કાકા તારા ગુરુ હતા તો તારી સામે હું જ્ઞાની છું એ કબૂલવામાં કોઈ વાંધો નથી.”
વિરાટ કંઈક પૂછવા જતો હતો પણ એ જ સમયે વ્યવસ્થાપકે દૈવી પરીક્ષા પૂરી થયાની જાહેરાત કરી. નિર્ભય સિપાહી માઈક લઈ લાકડાના પ્લેટફોર્મ પર આગળ આવ્યો, “અનુભવીઓ તમારી સાથે આવેલા યુવકોને લઈને પોત પોતાને ફાળવેલા રૂમમાં જાઓ. ફિલ્ડવર્ક માટે એમને તૈયાર કરો.”
બધા શૂન્યોએ સહમતી દર્શાવવા હાથ ઊંચા કર્યા અને નિર્ભય સિપાહીના ઇશારે બધા હાથ નીચા થયા. વિરાટના પિતા તેનો હાથ પકડી તેને રૂમમાં લઈ ગયા એ પહેલા વિરાટ અને કેશીએ એકબીજાને અલવિદા કહ્યું.
*
એમને ફાળવેલા રૂમમાં દાખલ થતાં જ નીરદે દરવાજો અંદરથી બંધ કર્યો અને કહ્યું, “હવે ફિલ્ડવર્ક માટે તૈયાર થવાનું છે.”
“ફિલ્ડ શું છે?”
“એ જગ્યા જ્યાં આપણે કામ કરીશું.” એણે જવાબ આપ્યો, “અર્ધ-પ્રલયમાં..”
વિરાટે સ્વસ્થ થવા ખૂણામાં મુકેલા નળાકાર પાત્રમાંથી પાણીનો પ્યાલો ભર્યો અને ગટગટાવી ગયો.
“અર્ધ-પ્રલય?”
“તેં રસ્તામાં વિજળીના તોફાનો જોયા એ યાદ છે ને?”
“હા,” વિરાટ ખાટલા પર બેસી ગયો, “એને કોઈ ક્યારેય ભૂલી શકે?”
“એ કઈ નહોતું...” એના પિતાએ કહ્યું, “આપણે જ્યાં કામ કરવાનું છે ત્યાં રાત્રે એનાથી પણ ભયાનક તુફાન આવે છે.”
“આપણે વીજળીના તોફાનોમાં કામ કરીશું?” વિરાટ માંડ પૂછી શક્યો. તેને એ મૂર્ખાઈ લાગતી હતી.
“ના આપણે દિવસે કામ કરીશું અને રાત્રે આપણે ખંડેર ઇમારતોમાં શરણ લઈશું.” નીરદે કહ્યું.
“એ ઇમારતો તોફાનો સામે ટકી શકે એમ છે?” વિરાટે ચિંતિત અવાજે પુછ્યું.
“કેમ નહીં?” નીરદે કહ્યું, “છેલ્લા પાંચ સો વર્ષથી તોફાનો એ ખંડેર ઇમારતોને જમીનદોસ્ત કરવા મથી રહ્યા છે પણ એ ટકી રહી છે. ખુદ પ્રલય પણ જેમને જમીનદોસ્ત નથી કરી શક્યો એ ઇમારતો કેટલી મજબૂત હશે?” એ વિરાટ પાસે ખાટલા પર બેઠા, “એ ઇમારતો બેહદ મજબૂત બાંધકામવાળી છે એટલે જ તો એમનું સમારકામ કરવામાં આવે છે. એ શહેરને ફરી જીવતું કરવાની છે.”
“એ કામમાં લોકો મરતા તો હશે જ?” વિરાટે ચિંતા વ્યક્ત કરી, “આપણાં લોકો...?”
“ઘણા બધા...” એના પિતાએ જવાબ આપ્યો, “આપણાં લોકો જ નહીં પણ નિર્ભય સિપાહીઓ પણ એમાં જીવ ગુમાવે છે.”
“તો પછી ત્યાં કામ કેમ કરવાનું?”
“કેમકે આ શહેરોનું સમારકામ થઈ શકે તેમ છે.” એણે કહ્યું, “બાકી મધ્ય પ્રદેશમાં જ્યાં અમર કંટક સરોવર હતું અને હવે ત્યાં જે પહાડો ઊગી નીકળ્યા છે ત્યાં આસપાસ જે શહેરો હતા એમનું કોઈ નામો નિશાન નથી રહ્યું. માત્ર આ ઉતર પ્રદેશમાં જ સમારકામ થઈ શકે તેમ છે.”
“પણ કેમ?” વિરાટે પુછ્યું, “જીવના જોખમે શહેરોને ફરી કેમ જીવતા કરવાના?”
“લોકજાતિના માણસો માટે...”
“લોકજાતિના માણસો આ શહેરોમાં રહેશે?”
“હા, એમની ઇચ્છાથી નહીં...” નીરદે કહ્યું, “એકવાર શહેરનું સમારકામ થઈ જાય કારુની સેના એમને અહીં રહેવા મોકલે છે. ના કહેનારને મૃત્યુદંડ આપવામાં આવે છે.”
“કેમ?”
“કારુ ફરી દુનિયાને જીવતી કરવા માંગે છે કેમકે ધીમેધીમે અર્ધવેરાન પ્રદેશો વેરાન બની રહ્યા છે. ખાલી પડ્યા શહેરોમાં વીજળીના તોફાનો વેગ પકડી રહ્યા છે. એકવાર શહેરનું સમારકામ થઈ જાય અને લોકજાતિના માણસો ત્યાં રહેવા આવી જાય કારુ એ શહેરોમાં ભૂગર્ભ ચેનલોથી પાણી મોકલે છે અને એમના માટે ખોરાક મોકલવામાં આવે છે. લોકો એવા શહેરોમાં માત્ર દિવસે જ બહાર નીકળે છે રાત્રે ઇમારતોના ભૂગર્ભમાં બાંધેલા ભોયરામાં રહે છે. રાતે અવરજવર માટે સુરંગ રસ્તાઓ વપરાય છે. પ્રલય પહેલાના સમયમાં એ બધા સુરંગ રસ્તાઓ અને ભોયરા બનાવવામાં આવેલા છે. લોકો દિવસે જ બહાર નીકળશે અને દરેક ઇમારતોમાં પાણી પહોચતું થશે. લોકો ઇમારતોમાં ઝડપી ઊગી નીકળતી અમ્રુતવેલો વાવશે જે અમુક મહિનાઓમાં આખે આખી ઇમારતો ફરતે વીંટાઈ જશે. લોકો હિમાલય પેલે પાર થાય એવા વૃક્ષ વાવશે જે પાંચ અઠવાડીયામાં વીસેક ફૂટ જેટલા ઊંચા થઈ જશે. એકવાર એ વૃક્ષ અને વેલાઓ પૂરતા પ્રમાણમાં થશે પછી શહેરનું વાતાવરણ બદલાઈ જશે. વીજળીના તોફાનો નહિવત થઈ જશે અથવા તો પૂરેપૂરા બંધ થઈ જશે. પ્રલય વૃક્ષ અને વેલાઓથી ડરે છે.” એણે સમજાવ્યું, “એ પછી અહીં તોફાન આવશે પણ આપણે ત્યાં દીવાલ પેલી પાર આવે એવા રેતના તોફાનો. વીજળીના તોફાન જ્યાં બિલકુલ વૃક્ષો ન હોય ત્યાં જ આવે છે.”
વિરાટ કંઈક પૂછવા જતો હતો પણ એ જ સમયે દરવાજા પર ટકોરા પડ્યા. નીરદ ઊભા થઈ દરવાજા પાસે ગયા અને દરવાજો ખોલ્યો.
પહેલા જમવાનું આપવા આવી હતી એ જ લોક સ્ત્રી અંદર દાખલ થઈ. ફરી તેના હાથમાં એક થાળ હતો અને તેના પર સફેદ કાપડ ઢાંકેલું હતું. એણે ખૂણાના ટેબલ પર થાળ મૂક્યો. આ વખતે પહેલા જેમ નીચું જોઈ બહાર નીકળી જવાને બદલે એ ટેબલ પાસે થોડોક સમય ઊભી રહી અને વિરાટને તાકી રહી.
વિરાટને નવાઈ લાગી કે કેમ એ મને જોઈ રહી છે? લોક સ્ત્રીને એકાએક ધ્યાનમાં આવ્યું કે એ વિરાટને તાકી રહી છે. એ દરવાજા તરફ ગઈ અને ઉબરા પર પહોચી પાછળ જોયું, ‘પ્રલય પહેલાના ભગવાનની પરીક્ષા હવે થશે.’ એ મનોમન બોલી અને દરવાજો પોતાની પાછળ બંધ કરી નીકળી ગઈ. કાશ! એ ભવિષ્યવાણી સાચી ઠરે!
વિરાટ અને નીરદ જમીન પર બેઠા. નીરદે થાળી તૈયાર કરી. ભૂખ પણ કારુ જેટલી જ શક્તિશાળી હતી. એની સામે લડવું પણ અશક્ય હતું. બંને બાપ બેટો બોલ્યા વિના ભોજન પર તૂટી પડ્યા. વિરાટ માટે દૈવી પરીક્ષા અસહ્ય અને થકવી નાખે તેવી માનસિક પ્રક્રિયા હતી. એને કકડીને ભૂખ લાગી હતી.
ભોજન પતાવ્યા પછી વિરાટે પુછ્યું, “આપણે ઇમારતોનું સમારકામ કઈ રીતે કરીશું?”
“મશીનોથી.”
“આપણે મશીનો કઈ રીતે ચલાવીશું?”
“અનુભવી શૂન્યો મશીનો ચલાવી જાણે છે.”
“અને અનુભવીઓ યુવકોને એ મશીનો કઈ રીતે ચલાવવા એ શીખવશે?”
“હા, એ સહેલું કામ છે.”
“તો અધરું શું છે?”
“જીવતા રહેવું... જીવતા રહેવું સૌથી અઘરું છે.” નીરદ હસ્યા, “અને સૌથી મહત્વનુ પણ.”
એ પછી વિરાટ અને એના પિતાએ થાળ ધોઈ નાખ્યો અને ફરી કાપડ ઢાંકી એ જ ટેબલ પર મૂકી દીધો. દસેક મિનિટ પછી એ જ લોક સ્ત્રીએ ફરી દરવાજો ખખડાવ્યો. ફરી એ એક મોટો થાળ લઈને આવી હતી. તેના પર એવું જ સફેદ કાપડ ઢાંકેલું હતું. એ ખાલી થાળ લઈ અને ભરેલો થળ ટેબલ પર મૂકી બહાર નીકળી ગઈ.
“ફરી ભોજન કેમ?” વિરાટે પુછ્યું.
“એ ફિલ્ડ માટે છે.” નીરદે થાળ પરથી કાપડા ખસેડયું. વિરાટે જોયું કે થાળમાં એ ચીજો હતી જે તેણે પહેલા ક્યારેય જોઈ નહોતી.
એણે ટેબલ નીચેથી થેલો લીધો, “આ બિસ્કિટ છે.” વિરાટને પ્લાસ્ટિક રેપરમાં પેક પડીકું બતાવ્યુ અને બેગમાં મૂક્યું. એવાં જ દસેક પેકેટ એણે થેલામાં ગોઠવ્યા. એ પછી એણે એવાં જ પણ મોટા કદના પાંચેક પડીકા થેલામાં મૂક્યા, “આ ડ્રાયફ્રુટ છે.” એણે કહ્યું, “આ પડીકા સંકટ સમય માટે છે. કદાચ આપણે કોઈ સ્થળે ફસાઈ જઈએ અને નક્કી સમય કરતાં વધારે સમય રોકાવું પડે ત્યારે આ ખોરાક કામ લાગે. ડ્રાયફ્રુટ એકદમ શક્તિશાળી ખોરાક છે. એક મુઠ્ઠી સુકામેવાની શક્તિ પર દિવસભર કામ કરી શકાય છે.”
વિરાટ એના પિતાને થાળમાંથી અલગ પાડી એક પછી એક ખોરાકના પેકેટ અંદર મુક્તા જોતો રહ્યો.
“આ દૂધનો પાવડર છે.” ઘઉંના લોટ જેવો પાવડર ભરેલા પ્લાસ્ટિકના પારદર્શક પેકેટ નીરદે થેલામાં મૂક્યા, “પાણી સાથે પીવાથી આ પાવડર ઘાયલ માણસને મદદરૂપ થાય છે.” એણે સમજાવ્યું.
વિરાટ ધ્યાનપૂર્વક એના પિતાને બધી વ્યવસ્થા કરતાં જોતો રહ્યો. નીરદ શું સાથે લઈ જવું અને કઈકઈ પૂર્વ તૈયારીઓ કરવી એ જાણતા હતા. થેલો પેક કરી નીરદે એમાં પાણીની મશક ભરી, “યાદ રાખજે દીવાલની આ તરફ જીવન હથિયાર અને ખોરાક કરતાં પણ પાણી પર વધારે નિર્ભર કરે છે. અહીં એ જ જીવે છે જે છેલ્લી ઘડી સુધી પાણી સાચવી શકે.” એટલુ કહી એણે એક થેલો ખભે ભરાવ્યો અને એક વિરાટને આપ્યો. વિરાટે પણ નીરદ જેમ થેલો ખભે ભરાવ્યો.
બંને બહાર ગૃહમાં આવ્યા. મોટાભાગના શૂનયો ગૃહમાં હાજર થઈ ગયા હતા. આ વખતે ગૃહમાં ખુરશીઓ નહોતી. ખુરશીઓ હટાવી લેવામાં આવી હતી. ખુરશીઓ ગોઠવવાનું અને ખસેડવાનું કામ લોક જાતિની સ્વયંસેવક સ્ત્રીઓ કરતી. એ સક્રિય હતી. અડધા કલાક જેટલા સમયમાં બધી ખુરશીઓ ખસેડી નાખવામાં આવી હતી.
સ્ટેજ પર બે નિર્ભય સિપાહીઓ ઊભા હતા અને એમની બાજુમાં એક વ્યવસ્થાપક હાથમાં માઇક લઈને ઊભો હતો.
“અનુભવીઓ, યુવકોને ટર્મિનસ બહાર લઈ જાઓ...” એ શૂન્યના ટોળાને નિહાળતો હતો, “એમને પાર્કિંગ લોટમાં લઈ જાઓ અને ફિલ્ડવર્ક વિશે સમજાવો.”
બધાએ સહમતી દર્શાવવા હાથ ઊંચા કર્યા. નિર્ભય સિપાહીઓના ઇશારે બધા હાથ નીચા થયા. અનુભવી શૂન્યોની દોરવણી હેઠળ બિનઅનુભવી શૂન્યો પાર્કિંગ લોટ તરફ ચાલવા લાગ્યા.
ગૃહ બહાર નીકળતા જ અનુભવી શૂન્યો બિનઅનુભવીઓને ફિલ્ડવર્ક વિશે સમજાવવા લાગ્યા. ગૃહમાં શાંત રહેલા યુવક-યુવતીઓ એક પછી એક સવાલો કરવા લાગ્યા.
“પાર્કિંગ લોટ શું છે?” વિરાટે પુછ્યું. એ નીરદની પડખે તેના લોકો વચ્ચે ચાલતો હતો.
ક્રમશ: