Whose fault and who is responsible in Gujarati Moral Stories by Payal Chavda Palodara books and stories PDF | કોનો વાંક ? કોણ જવાબદાર ?

Featured Books
Categories
Share

કોનો વાંક ? કોણ જવાબદાર ?

કોનો વાંક ? કોણ જવાબદાર ? 

            શાંતાબેન અને નિર્મળભાઇને સુખી દાંપત્ય જીવનમાં એક જ દીકરી હતી. તેમની મધ્યમવર્ગીય પરિસ્થિતિ હતી. આથી દરેક માતા-પિતાની જેમ તેમને પણ દીકરીને સારા ઘરમાં પરણાવવાના અભરખા હતા અને તે વ્યાજબી પણ છે. આથી તેઓએ પોતાની તેમની દીકરી માટે લગ્નના માંગા શોધવા લાગ્યા. આ અરસામાં તેમને સમાજના ધીરુભાઇ મળ્યા. તેઓેએ તેમની દીકરી માટે સગું બતાવ્યું અને કહ્યું કે, ‘‘છોકરાવાળા તો બહુ પૈસાદાર છે અને તેમને ઘર-દાગીના બધું જ છે. તેમને જમીન જાયદાદ પણ છે. ’’ આ સાંભળી શાંતાબેનને થયું કે આવું ઘર મારી દીકરીને કયાંથી મળે? મનમાં વિચારવા લાગ્યા કે આનું સગું તો હું મારી દીકરી સાથે જ કરાવીશ.

શાંતાબેન : તમે આ રવિવારે જ આવી જાઓ..આપણે વાત નકકી કરી લઇએ.

ધીરુભાઇ : સારુ. મને કાંઇ વાંધો નથી. પણ હા જે પૂછવું હોય એ મને પૂછી લો. છોકરાવાળા બહુ પૈસાવાળા છે. એમની સામે કાંઇક બોલાઇ જશે તો વાત અહીથી ઉડી જશે. સમજયા?

નિર્મળભાઇ : હા એ બધું તો ઠીક. પણ છોકરો શું કરે છે? (શાંતાબેન વાત વચ્ચેથી કાપી નાખી છે.)

શાંતાબેન : અરે એકનો એક છોકરો છે. મા-બાપ આટલા પૈસાવાળા છે. તો આ સગું થાય તો બધું જ આપણી દીકરીનું જ થાય ને. છોકરો ભલે ને થોડું કમાતું હોય. માતા-પિતા તો બધી રીતે વ્યવસ્થિત છે ને...

ધીરુભાઇ : શાંતાબેન સાચી વાત કરે છે, નિર્મળભાઇ અને ખોટું ના લગાડતા પણ તમારે તો પોતાનું ઘર પણ નથી. એટલે તમને સમાજમાં આવું સારું ઘરબાર તો ના જ મળે. એટલે જે વાત આવી છે તેને વધાવી લો.

શાંતાબેન : સાચી વાત છે. આટલા મોટા ઘરથી વાત આવી છે તો આપણે તેને સ્વીકારી જ લેવી જોઇએ. મને તો આમાં  કાંઇ ખોટું નથી લાગતું.

(આખરે નિર્મળભાઇ એ શાંતાબેનની વાતમાં હા પૂરી દીધી. ને તેમની દીકરીનું સગું નકકી થઇ ગયું.)

            બહુ ઓછા સમયમાં સેજલના લગ્ન લેવાઇ ગયા. દીકરી સેજલને સાસરીમાં પૈસેટકે કોઇ જ તકલીફ ના પડી. દર મહિને તો અલગ-અલગ પ્રવાસ કરવા જતા. દરદાગીના પણ એને સાસરીમાંથી બહુ જ કરી આપ્યા. જે પિયરમાં તેણે જાહોજલાલી નહોતીભોગવી તે તેના સાસરીમાં ભોગવતી હતી. એમ કહીએ તો પણ ચાલે કે તેને સાસરીમાં મોજ હતી. પણ આ શું................. દીકરી સેજલ તો દિવસે ને દિવસે સૂકાઇને લાકડા જેવી થવા આવી હતી.

            શાંતાબેન અને નિર્મળભાઇ ફોન પરથી દીકરીના સમાચાર લઇ આવતા. તેના સાસરે જતા નહિ. કેમ કે તેમને એમ થતું કે દીકરીની સાસરી બહુ જ પૈસાવાળી છે કયાંક અમારા જેવા નાના માણસથી કાંઇક બોલાઇ જાય ને દીકરીને સાંભળવું પડે તો ? આથી તેઓ ફોન પર જ ખબર-અંતર પૂછી લેતા.    

            જોતજોતામાં સેજલને ત્યાં સારો અવસર આવ્યો. બંને પરિવારના સભ્યોએ તેને વધાવી લીધો. સુખી જીવન સારી રીતે ચાલતું હતું. બસ દિવસે ને દિવસે સેજલ સુકાતી જાતી હતી. શાંતાબેન અને ધીરુભાઇ ફોન પર પૂછી લેતાં દીકરીને કે ઘરે સારું છે કે નહિ? જમાઇ તો સારું રાખે છે ને? બસ આ જ વાત થતી અને સેજલ હા બધુ સારું છે એમ કહીને વાત પૂરી કરી દેતી.

            એક વાર શાંતાબેનને સેજલના સાસરે જવાનું મન થયું કે, લાવ દીકરી સાસરીમાં રાજ કરે છે એ તો જોઇ લઉ. આથી તેઓ દીકરીના સાસરે જાય છે. પણ ત્યાં જઇને જુએ છે તો તેમની આંખો ફાટી જાય છે..................સેજલને જમાઇ મારતા હોય છે. ખરાબ શબ્દોમાં વાત કરતાં હોય છે. તેના સાસુ-સસરા પણ કાંઇ બોલતા હોતા નથી. બસ મોઢું નીચે રાખીને મૂંગા-મોઢે જોઇ રહ્યા હતા. શાંતાબેન અને નિર્મળભાઇ તો આ બધું જોઇન આઘાતમાં જ આવી ગયા કે આ બધું શું ચાલી રહ્યું છે? દીકરી તો સાસરે સુખી હતી પણ અહી તો વાત જ કંઇક અલગ છે !!!!

            બધું ઠારે પડે છે એટલે શાંતાબેન સેજલને પૂછે છે કે, આ બધું શું છે? જમાઇ તને આ રીતે કેમ મારતા હતા? સેજલ જે કહે છે તે સાંભળીને તો શાંતાબેન અને નિર્મળભાઇની આંખો જ ફાટી ગઇ. સેજલે કહ્યું કે, ‘હું પરણીને આવી તેના છ-બાર મહિના તો બધું સારું જ ચાલ્યુ પણ પછી આમના રંગ બદલાઇ ગયા. તેઓ રોજ દારૂ પીને આવવા લાગ્યા. ઘરેથી દાગીના ચોરીને બહાર વેચી આવ્યા. ઘરમાંથી બધી રોકડ રકમ પણ તેઓ દેવામાં મૂકી આવ્યા છે. મારા સાસુ-સસરા સારા છે તે મને સાથ આપે છે. પણ એ શું કામનું ? કેમ કે જેના ભરોસે હું અહી આવી હતી તે તો મારા લાયક જ નથી. બસ મારા ઘરે પૈસા જ પૈસા છે પણ સુખ નથી મારા પતિનું અને હા મા..... તમને પણ એ જ જોઇતું હતું ને મારી સાસરી પૈસેટકે સુખી હોય!!! બસ તો પછી મારી સાસરીમાં મને બધા જ સુખ, મોજશોખ મળે છે સીવાય મારા પતિનો સાથ નથી મને.’’

            શાંતાબેન તો રડી પડે છે. તેમને પસ્તાવો થાય છે કદાચ મે પોતે સાસરી કરતાં જમાઇની આવડત અને વ્યવહાર પર ધ્યાન આપ્યું હોત તો મારી દીકરીની જે હાલત છે તે ના થાત. તે પોતાની દીકરીની હાલતના જવાબદાર પોતાને માને છે પણ એનાથી કાંઇ તેમની દીકરીના જીવનમાં હવે કોઇ ફેર પડવાનો નહોતો.       

-   પાયલ ચાવડા પાલોદરા