MMR - ek Hradaysparshi Sanvedana in Gujarati Classic Stories by Dr. Nilesh Thakor books and stories PDF | MMR- એક હ્રદયસ્પર્શી સંવેદના

Featured Books
Categories
Share

MMR- એક હ્રદયસ્પર્શી સંવેદના

વાત 2017 ના ઓક્ટોબર મહિના ની, ત્યારે એક નેશનલ લેવલ ની Maternal Death Surveillance Response ની મીટિંગ માં મહારાષ્ટ્ર ના સેવાગ્રામ-વર્ધા ખાતે જવાનું થયું, અમે ગુજરાત થી કુલ 6 લોકો વિષય નિષ્ણાત તરીકે પસંદ થયેલા. મીટિંગ માં જ્યારે ટીમ ગુજરાત પોતાનો પરિચય આપતી હતી ત્યારે સહુ કોઈ નું ધ્યાન ટીમ ગુજરાત તરફ જતું હતું. હા વળી કેમ ના જાય, ગુજરાત નીતિ આયોગ ના લિસ્ટ મુજબ લોકો ની સુખાકારી જાળવવાની અને જાહેર આરોગ્ય ની દ્રષ્ટિ એ 4 ક્રમે છે. પરંતુ આજે આ મીટિંગ માં વાત સમગ્ર ભારત માં માતા મૃત્યુ ના દર ને ઘટાડવા ની વાત થઈ રહી હતી. જ્યારે સગર્ભા અવસ્થામાં , પ્રસૂતિ સમયે કે પ્રસૂતિ ના 42 દિવસો માં કોઈ માતાનું મૃત્યુ થાય તો તેને માતા મૃત્યુ કહેવાય. ત્યારે ગુજરાત માં માતા મૃત્યુદર દર લાખ જીવિત જન્મો એ 112 હતો. ( હાલ માં દર લાખ જીવિત જન્મો એ 57 છે.ગુજરાત માં જન્મ દરવર્ષે 13 લાખ બાળકો નો થાય છે, જરા વિચારી જોજો ગુજરાત માં દર વર્ષે કેટ કેટલી માતાઓ પોતાનો જીવ ગુમાવી દેતી હશે !) ગુજરાત નું લક્ષ્ય માતા મૃત્યુદર દર ને 50 ની નીચે લાવવાનું છે, જોકે લક્ષ્ય તો એકપણ માતાનું મૃત્યુ ના થાય તેનું છે, પરંતુ ગુજરાતે હજુ લાંબી મજલ કાપવાની છે.
        મીટિંગ નો પહેલો દિવસ માહિતી થી પ્રચુર રહ્યો, Maternal Mortality Ratio-MMR એટલે કે માતા મૃત્યુદર ને લગતું સઘળું સાહિત્ય અને આંકડાકીય પૃથક્કરણ દેશ ના ખૂણે ખૂણે થી આવેલા વિષય નિષ્ણાતો દ્વારા રજૂ કરવામાં આવ્યું. સહુ તાલીમાર્થીઓ દ્વારા આ અંગે ગહન ચર્ચા પણ કરવામાં આવી. મીટિંગ ના બીજા દિવસે અમારે ફીલ્ડ વિઝિટ માં જવાનું હતું, ફીલ્ડ વિઝિટ માં અમને મહારાષ્ટ્ર ના વિવિધ આરોગ્ય કેન્દ્રો ની મુલાકાતે લઈ જવામાં આવ્યા, મહારાષ્ટ્ર માં માતા મૃત્યુદર ગુજરાત કરતાં ઓછો છે એટલે ત્યાં ની સંપૂર્ણ પ્રણાલી ને સમજી ને સારી બાબતો ગુજરાત માટે અપનાવી શકાય તે અમારી ફીલ્ડ વિઝિટ નો હેતુ હતો.

        માતા મૃત્યુદર ને નીચો લાવવા ના મહત્વ ના પગલાઓ માં એક પગલું વર્બલ ઓટોપ્સી ( મરણોપરાંત પૂછપરછ) પણ છે, જેમાં જ્યાં માતાનું મૃત્યુ થયું હોય તે ઘર ની મુલાકાત લઈ તેના પરિવારજનો સાથે વિવિધ કારણો ની ચર્ચા કરીને બીજા આવા મૃત્યુ કઈ રીતે ઘટાડી શકાય તે જ વર્બલ ઓટોપ્સી નો હેતુ હોય છે.આવી જ એક ગૃહ મુલાકાત અમારા ફીલ્ડ વિઝિટ માં પણ હતી. ગુજરાત થી આવેલા અમે તમામ હવે અલગ અલગ ગ્રૂપ માં વહેંચાઈ ગયા હતા, મારા ગ્રુપ માં અમે દેશ ના અલગ અલગ ખૂણા ના ડોક્ટર્સ હતા. મીટિંગ માં ચર્ચા થયા મુજબ નવી માર્ગદર્શિકા ના કેટલાક ફોર્મ પણ અમારે ભરવાના હતા.
        અમે લગભગ સવાર ના 10 વાગ્યા ની આસપાસ એ ઘરે પહોંચ્યા જ્યાં હમણાં થોડા દિવસ પહેલાં જ એક માતા નું મૃત્યુ થયું હતું, દૂર થી જોયું તો ઘર એક મધ્યમવર્ગીય કુટુંબ નું જણાતું હતું, 2 રૂમ અને એક રસોડું, બહાર ઓસરી ને આગળ થોડું પ્રાંગણ. કેટલાક દિવસ થી થોડી સાફ સફાઈ નહોતી થઈ, કેમ કે ઘર ને સાચવવા વાળી હવે આ દુનિયા માં નહોતી. કદાચ અમારા આવ્યા પહેલાં જ અહીં જાણ કરવામાં આવી હશે, એટલે એ ભાઈ કે જેમની પત્ની નું મૃત્યુ થયું હતું એ આજે હાજર હતા. થોડાદિવસ પહેલાં અહી એક ખુશી થી હર્યુંભર્યું કુટુંબ હતું, આજે ભાઈ એકલા જ હતા. અમે બધા જેવા ઘર માં પ્રવેશ્યા કે અમને ભાવભર્યો આવકાર આપ્યો, નીચે ફર્શ પર બેસવા ની બધી જ વ્યવસ્થા કરી રાખેલી, અમારી ટીમ ના એક ડૉ. અભિષેક જે મહારાષ્ટ્ર થી હતા એ સારી રીતે મરાઠી ભાષા જાણતા હતા, એટલે ડૉ. અભિષેક એ અમારી આખીય વાતચીત નું સુકાન સંભાળી લીધું, મરાઠી માં એ ભાઈ એ હવે એમના પત્ની વિષે વાતચીત ચાલુ કરી, અમે સહુ કોઈ એમને સાંભળી રહ્યા હતા, એક અઠવાડીયા પહેલાં એમના નિત્યક્રમ વિષે વાત ચાલુ કરી, કે કેવી રીતે એ સવારે ઉઠતાં, નાસ્તો કરતાં એમના 5 વર્ષ ના નાના દીકરા ને સ્કૂલ એ મોકલતાં, બપોરે પોતાની દુકાન બંધ કરી ને જ્યારે એ જમવા આવતા ત્યારે પતિ પત્ની ને એમનો 5 વર્ષ નો એક દીકરો કેવી રીતે સાથે જમતાં બધુ જ જણાવ્યુ, વાતચીત જેમ જેમ આગળ વધતી જતી હતી એમ એમના શબ્દો માં નરમાશ વધતી જતી હતી, વાતચીત ના એક પડાવ પર હવે મૃત્યુ નો દિવસ આવ્યો, એ દિવસે બધા કેટલા વાગે ઉઠ્યાં, શું નાસ્તો કર્યો, બપોરે એમની પત્ની એ શું જમવાનું બનાવ્યું, સાંજે બજાર માં ક્યાં ક્યાં ગયાં, કઈ વાત પર પતિ પત્ની હસી પડ્યા, સાંજે કેટલા વાગે એમણે પોતાનું છેલ્લું જમવાનું સાથે જમ્યા ને જમવાનું શું બનાવ્યું, પોતાના ના દીકરા ને ગાલ પર છેલ્લું ચુંબન ક્યારે આપ્યું એ બધી જ ક્ષણો અક્ષર: જણાવી રહ્યાં હતા, પોતાના આવનારા બાળક માટે શું શું સપના હતા, રાતે કેટલા વાગે સૂઈ ગયાં બધુ જ યાદ હતું. વાત કરતાં કરતાં હવે એમના શબ્દો ધીમા પડતાં હતા, સ્વર ગળગળો થઈ રહ્યો હતો, છાતી માં રહેલો ડૂમો હવે એની અસર દાખવી રહ્યો હતો.

        તેમણે જણાવ્યુ કે તેમની પત્ની ની પ્રસૂતિ માં હજુ એકાદ મહિના ની વાર હતી. એ રાતે 1 વાગે એમની પત્ની પેટમાં દુખાવો થવા લાગ્યો ને અચાનક રક્તસ્ત્રાવ શરૂ થયો, ગભરાયેલાં પતિ પત્ની પોતાના બાળક ને બાજુ માં પડોશી ને ત્યાં મૂકી ને નજીક ના આરોગ્ય કેન્દ્ર પર ગયાં, પરંતુ સુવિધા ના અભાવે તેમને વર્ધા ખાતે ની મેડિકલ કોલેજ ની હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યાં ત્યાં પહોંચતા પહોંચતા સમય ઘણો વીતી ગયો હતો ને એમની પત્ની ની તબિયત વધુ લથડતી જતી હતી, એ ભાઈ એમની પત્ની નો હાથ પોતાના હાથ માં લઈ ને હિમ્મત આપતા હતા. રાતે અઢી વાગે એ હોસ્પિટલ પહોંચ્યા, હજુ એમની પત્ની ને હોસ્પિટલ માં અંદર લઈ ને સારવાર શરૂ થાય એ પહેલાં જ તેમની પત્ની એ દમ તોડ્યો, છેલ્લે જતો વખતે પણ બંને એકબીજા નો હાથ પકડી રાખેલો ને આટલું બોલતાં બોલતાં એમની આંખોમાંથી અશ્રુધારા વહી ચૂકી. આખીય વાતચીત મરાઠી માં થઈ પરંતુ બધાને બધી જ ખબર પડતી હતી, કેમ કે કોઈ ને લાગણીઓ ને સમજવા માટે ભાષા ની ક્યાં જરૂર હોય છે.
“ બહોત હી અચ્છી થી વો” અશ્રુભીની આંખ સાથે નો ચહેરો હવે કશું પણ આગળ કહેવા અસક્ષમ હતો.
અચાનક એમને ઘડિયાળ માં જોયું, 12 વાગવા આવ્યા હતા અને સફાળું કશુંક યાદ આવ્યું હોય તે તે ઊભા થઈ ગયા.  
“ સર દો મિનિટ દે દો, મેરા 5 સાલ કા બચ્ચા સોનું સ્કૂલ બસ સે વાપસ આ રહા હોગા, ઉસકી મમ્મી રોજ ઉસે લેને જાતી થી, અભી 3 દિનો સે સ્કૂલ મે જા રહા હૈ, ઔર મૈં ઉસકો લેને કે લિયે દુકાન બંધ કર કે આ જાતા હું, અભી મુઝકો વહાં નહીં દેખેગા તો અપની મમ્મી કો યાદ કર કે રોને લગેગા, સર અભી મૈં આયા.”
 ને બંને હાથ વડે આંખો લૂછી ને વોશ બેસિન માં પાણી ની સહેજ છાલક મારી ને ચહેરો લૂછી લીધો.
જેવો એમનો 5 વર્ષ નો દીકરો સ્કૂલ બસ માંથી ઉતાર્યો કે એના જોડે હસતાં હસતાં વાત કરતાં કરતાં તેડી ને આવી રહ્યાં હતાં, ત્યારે અમે સહુ કોઈ એ વિચારી રહ્યાં હતાં કે હ્રદય માં આટલું દુખ છતાં ય ચહેરા હાસ્ય, જેથી દીકરા ને મમ્મી ની યાદ ના આવે અને એ રડી ના પડે, કેટલું કપરું !

“ સર, કલ યે મુઝસે પુછ રહા થા કી પાપા, મમ્મી ક્યા એક દિન કે લિયે વાપસ નહીં આ શકતી? અબ સર મૈં ઉસકો ક્યા જવાબ દૂ.” આ છેલ્લો સંવાદ સીધો જ હ્રદય સોંસરવો ઉતરી ગયો.

બસ માં જ્યારે અમે પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે મને મન માં વિચાર આવ્યો કે આ નાનકડો ભૂલકો કદાચ એની મ્મમી જોડે સંવાદ કરે તો શું કરતો હશે! કદાચ કઈંક આવો સંવાદ હશે.

પ્રિય મારી વ્હાલી મમ્મી,

        મજામાં હોઈશ પણ હું અને પપ્પા અહિયાં બિલકુલ મજા માં નથી. તારી બહુ જ યાદ સતાવે છે. સવાર ના ઉઠતાં જ હું ભૂલી જાઉં છું છું કે તું અહિયાં નથી અને મન ને મન માં વિચારું છું કે હમણાં મમ્મી નો અવાજ આવશે “ બેટા, જલ્દી ઉઠી જા નહીં તો સ્કૂલ એ જવાનું મોડુ થશે.” અને  પછી વિચારું કે હું જીદ કરીશ “ ના મમ્મી, બસ 5 મિનિટ મને તારા ખોળા માં નીંદર ની મજા માણવા દે” અને તારા ખોળા માં નિરાંતે સૂઈ જવાના સપના જોવું છું, પરંતુ તારો અવાજ ના આવતાં જાતે ઉઠી ને નહાવા જતો રહું છું. હું જ્યારે નહાઈ ને યુનિફોર્મ પહેરું છું તો ત્યારે તું પ્રેમ થી મારા યુનિફોર્મ ના બટન બંધ કરતી હોય અને મારા માથા ના વાળ સરસ ઓળી આપતી હોય એવો ભાસ થાય છે, પણ હવે હું જાતે જ બધુ કામ કરી લઉં છું. સ્કૂલબસ ની બારી માંથી અનાયાસે જ મારો હાથ ઘર ની ગૅલૅરી તરફ તને બાય બાય કહેવા લંબાઈ જાય છે અને તું ત્યાં ઊભી ઊભી સ્મિત સાથે મને પ્રેમ થી વિદાય આપતી હોય એવું હજુય લાગે છે અને પછી તને ત્યાં ના જોતાં સહેજ ભીની આંખે આકાશ તરફ બાય બાય કરું છું કદાચ, તું મને ઉપર આકાશ માંથી બાય બાય કરતી હોય.

બપોરે સ્કૂલ થી છૂટતાં જ આવી ને જેવો ઘર માં પ્રેવેશું છું તો તું રસોડા માં રસોઈ બનાવતી હોઈશ એવો આભાસ થાય છે અને આવતાં જ “મમ્મી” એવી બૂમ પાડું છું, પરંતુ આ અવાજ રસોડા ની ખાલી દીવાલો ને અથડાઇ ને મારા કાને પાછો આવે છે અને રસોડા માં તને ના જોતાં છાતી માં કેટલાય દિવસ સુધી ભરાઈ રહેલું હળવું ડૂસકું બહાર આવી જાય છે. પહેલા તું મને પ્રેમ થી તારા હાથે જમાડતી અને હું “ મમ્મી આ નહીં પેલું ખાઈશ”  એવી જીદ ના બદલે હવે પપ્પા જે પણ કાંઇ બનાવી ને ગયા હોય જાતે જમી લઉં છું. પહેલાં હું મમ્મી બહુ જ તોફાન મસ્તી કરતો એનું કારણ એ હતું કે ત્યારે તું મારા પર ગુસ્સે થતી અને પછી પ્રેમ પણ એટલો જ કરતી પણ હવે હું બિલકુલ તોફાન મસ્તી નથી કરતો. મમ્મી તું કહ્યા કરતી હતી ને કે હું મારા રમકડાં અને પુસ્તકો અસ્તવ્યસ્ત મૂકું છું,પણ  હવે જો તું મારો રૂમ જોઈશ ને તો તું ખુશ થઈ જઈશ. બધુ જ વ્યવસ્થિત ગોઠવી દીધું છે.

ફરી રાત્રે તારા ખોળા માં માથું મૂકી ને સુવાની તીવ્ર ઈચ્છા થતાં હું મારી સાથે તારો ફોટો છાતી સરસો ચાંપી સૂઈ જાઉં છું તેનાથી રાત્રે હજુ પણ તું પથારી માં છે અને મારા માથા પર હાથ ફેરવી મને વાર્તા કહેતી હોય એવું સતત લાગ્યા કરે છે. બસ મમ્મી એક રાત્રિ જ એવો સમય છે જ્યાં હું મન ભરી ને રડી લઉં છું અને છેવટે છાતી માં ડૂમો લઈ ને સૂઈ જાઉં છું એ આશા સાથે કે તું સવારે પાછી આવી જઇશ. સવારે ઉઠતાં જ મારી આંખો મમ્મી તને રોજ શોધે છે. મમ્મી તું કયારે આવીશ ? બધા એવું કહે છે કે તારી મમ્મી ભગવાન ના ઘરે ગઈ છે એટલે પાછી નહીં આવે, પરંતુ હું રોજ ભગવાન ને પ્રાર્થના કરું છું તને પાછી મારી પાસે મોકલે. શું ભગવાન ને મારી છાતી માં ભરાયેલો ડૂમો નહીં દેખાતો હોય ? શું મમ્મી ભગવાન નું ઘર એટલું બધુ દૂર છે કે અહી આવતાં તને આટલો સમય લાગે ? પપ્પા ને ય રોજ કહું છું કે તને ભગવાન ના ઘરે થી લઈ આવે, પણ પપ્પા મારી વાત માનતાં જ નથી. ખબર છે મમ્મી ! સ્કૂલ માં મારી સાથે કોઈ છોકરાઓ તોફાન કરે ને તો એમને પણ હું રોજ કહું છું કે મારી મમ્મી આવશે એટલે બધુ જ કહી દઇશ, અને એ છોકરાઓ મારા સામે હસે છે. મમ્મી તું સાચે આવીશ ને ? તું આવીશ ને તો એ બધા ચૂપ થઈ જશે.

બસ મમ્મી એક વાર ભગવાન પાસે મંજૂરી માંગી એક દિવસ માટે મારી પાસે આવી જા જેથી એ એક દિવસ માં તું મને સવારે પ્રેમથી ઉઠાડી સ્કૂલ એ મોકલે, તું ગૅલૅરી માં આવી ને મને બાય બાય કહે અને હું હસતાં હસતાં સ્કૂલ જાઉં, બપોરે આવી ને એક વાર તારા હાથ થી પ્રેમ પૂર્વક જમી લઉં, સાંજે તું અને હું ગાર્ડન માં જઈ ને ધરાઇ ને રમી લઈએ, તારા ખોળા માં બેસી તને વ્હાલ કરી લઉં, છેલ્લે રાત્રે તું મને પ્રેમ થી માથા માં હાથ ફેરવી ને સુવડાવી દે અને જો મમ્મી આમ એક દિવસ માટે આવવું શક્ય ના બને તો થોડા કલાકો માટે આવી જા જેમાં તારા ખોળા માં બેસી તને વ્હાલ કરી ધરાઇ ને રડી લઉં અને મારી છાતી માં કેટલાય દિવસ થી ભરાયેલો ડૂમા ને બહાર કાઢી દઉં અને જો મમ્મી આમ થોડા કલાકો માટે પણ શક્ય ના બને તો થોડી મિનિટો માટે આવી જા, હું તારા બંને ગાલ પર એક એક પ્રેમ થી ભરેલી પપ્પી આપું અને તું મને મારા ગાલ પર એક પ્રેમ ભરેલી પપ્પી આપી ને જતી રહેજે. હવે હું રોજ ભગવાન ને પ્રાર્થના કરી ને એક વિનંતી કરું છું કે તને આમ એક દિવસ માટે મારી પાસે આવવાની મંજૂરી આપે.

 

બસ માં બારી બહાર જોતાં જોતાં એટલું જરૂર સમજાઈ ગયું હતું કે ડોક્ટર તરીકે મારૂ કામ ક્યાં અને કેવી રીતે સંકળાયેલું છે. 

MMR એ ફક્ત આંકડો નથી................

“નીલ”

ડૉ. નિલેષ ઠાકોર