Sneh Atit in Gujarati Love Stories by Dr. Nilesh Thakor books and stories PDF | સ્નેહ અતિત

Featured Books
Categories
Share

સ્નેહ અતિત

વરસાદ ના વિરામ પછી નું અમદાવાદ ના એલિસબ્રિજ અને પાલડી વિસ્તાર નું ઢળતી સાંજ નું દ્રશ્ય. વરસતા વરસાદ માં ઠપ્પ જનજીવન ના લીધે એકાકી ભાસતા રોડમાં  વિરામ પછી  જાણે ચેતના નો સંચાર ફૂંકાયો. ઓફિસ સ્કૂલ અને કોલેજ ને છૂટવાનો સમય. ટ્રાફિક થી ભરચક રોડ વચ્ચે પણ હકડેઠઠ ભીડ થી ભરાયેલ એએમટીએસ બસ ની ઝડપ થી અવરજવર. ક્યાંક રિક્ષા ચાલકો ના ઉતારું ઓ માટેના ગીતા મંદિર, ગીતામંદિર...એવા બૂમબરાડા. સ્વાદ ના શોખીનો થી ઘેરાયેલી દાળવડા અને ભજીયા ની લારીઓ. ચ્હા ની કીટલી પર ચ્હા ની ચૂસકી અને તેના એક એક ઘૂંટ ને માણવા એકઠી થયેલી મેદની.

        એટલા માં દૂર થી હવા સાથે હરીફાઈ કરતી એક મર્સિડિજ વીએસ હોસ્પિટલ ની ગેટ ની બહાર આવેલા ભગવાન કાકા ના ટી-સ્ટોલ પર આવીને ઊભી રહી. અંદર થી એક શખ્સ નીકળ્યો. યુવાનો ને શરમાવે એવું ચહેરા નું તેજ પણ વાળમાંથી ડોકિયાં કરતી વાળ ની સફેદી પ્રૌઢાવસ્થા ને છતી કરતી હતી.  “એક કટિંગ ચ્હા” બધાના આશ્ચર્ય વચ્ચે એને ચ્હા નો ઓર્ડર આપ્યો. ભગવાન કાકાએ હોંશે હોંશે ચ્હા પીવડાવી જેના બદલા માં એને 1000 ની નોટ ધરી. જ્યાં ભગવાન કાકા બાકીના પૈસા પાછા જ આપતાં હતા કે ત્યાં જ એને કહ્યું “ કાકા વર્ષો પહેલા તમારા ત્યાં બાકી માં કેટલીય ચ્હા પીધી છે જેના વ્યાજ સાથે આપ્યા છે, રાખી લો.” ભગવાન કાકા ના ચહેરા પર આનંદ અને ખુશી સાથે સ્મિત ની આછી લહેરો છવાઈ ગઈ.

        આર્જવ એ મર્સિડિજ વીએસ હોસ્પિટલ ના પ્રાંગણ માં લીધી, ત્યાં રહેલા બગીચા માં એક બાંકડો હજુ જ્યાં નો ત્યાં જ હતો, એ બાંકડા ને જોઈ ને યાદો ને એક ઝબકારો થયો “ કયાર ની રાહ જાઉં છું તારી? આજે વેલેન્ટાઇન ના દિવસે પણ વહેલા ના આવી શકાય?” અને એની નજર એ દિવસે મળેલા ગિફ્ટ માં મળેલા કી-ચેન પર ગઈ. ‘આર્જવ’ એવું નામ લખેલું કી-ચેન હજુય કોઇ ખાસ ની અમૂલ્ય યાદો ની સંગ્રહેલી નિશાની રૂપે કાર ની ચાવી માં લટકતું હતું. કાર પાર્ક કરી આર્જવ પોતાની મેડિકલ કોલેજ ની કેન્ટીન માં ગયો. કેન્ટીન નું સ્થળ પણ હજુ એજ હતું જે આજથી 25 વર્ષો પહેલા હતું, કેન્ટીનની દીવાલો અને બેઠક વ્યવસ્થાએ જરા નવા રૂપ રંગ ધારણ કર્યા હતા, જ્યાં તેની નજર ખૂણા માં રહેલા એક ખુરશી ટેબલ પર ગઈ અને યાદો નો ઝબકારો ફરી થયો “ તારા માટે મેં મારા હાથ થી આજે વહેલા ઉઠી પાલક પનીર નું શાક અને રોટલી બનાવી છે તારે ખાવું પડશે.” અને આર્જવ ના મોં મોં માં ઈપ્સા ના હાથ થી પ્રેમપૂર્વક  ખવડાવેલા  કોળિયા નો સ્વાદ આવી ગયો. થોડે જ દૂર એ ગયો કે લેક્ચર હોલ ને જોઈ ઈપ્સા સાથે ની પ્રથમ મુલાકાત યાદ આવી ગઈ.

        ડૉ. સુકેતુ નો એ મેડિસિન નો ક્લાસ. જેમને સાંભળવા બધાજ ક્લાસ માં હાજર હોતાં. એ ક્લાસ માં એક છોકરી એ પ્રશ્ન પૂછ્યો “ સર, કોમાટોઝ પેશન્ટ માં ચુંબકીય થેરાપી ની શું અસર જન્મી શકે?”

સુકેતુ સર એ બધા વચ્ચે કહી દીધું આનો જવાબ આર્જવ આપશે. અને આર્જવ એ સવિસ્તૃત વર્ણન કર્યું. જેનો જવાબ સાંભળી સૌ દંગ અને ચકિત રહી ગયા પણ પોતે પૂછેલા પ્રશ્ન ના આવા પૂર્ણ જવાબે ઈપ્સા ના મન માં આર્જવ પ્રત્યે ચુંબકીય અસર જન્માવી. આર્જવ ભણવામાં અવ્વલ તો સામે ઈપ્સા પણ એટલી જ અવ્વલ અને હોશિયાર હતી. આર્જવ થી આકર્ષિત થયેલી ઈપ્સા કોઈ ના કોઈ બહાને આર્જવ ને પૂછવા આવતી અને આર્જવ પણ રસપૂર્વક બધુ જ સમજાવતો અને બસ આમ જ આર્જવ અને ઈપ્સા એકબીજાના હ્રદય માં સદાય ને માટે સ્થાન બનાવી રહ્યાં હતાં.

        હવે ક્યારેક લાઇબ્રેરિ માં તો ક્યારેક કેન્ટીન માં બંને સાથે જ હોતાં. લેક્ચર માં પણ બંને સાથે જ બેસતાં. એકબીજાને દિલ દઈ બેઠેલાં આર્જવ અને ઈપ્સા એકબીજાને સમર્પિત રહી પ્રેમ ની એક નવી ધારા માં વહી રહ્યાં હતાં. આર્જવ ખૂબ મહત્વાકાંક્ષી હતો. એનું ધ્યેય અને લક્ષ્ય એમબીબીએસ અને પીજી નો અભ્યાસ પૂર્ણ કરી ઈપ્સા સાથે યુએસએ સ્થાયી થવાનું હતું. ઈપ્સા પણ આર્જવ ના આ ધ્યેય ને લઈ કઈં જ ના કહેતી. બસ મૂક મને એ આર્જવ ને નીરખ્યા કરતી. જોત જોતામાં તો બંને એ એમબીબીએસ નો અભ્યાસ પૂર્ણ કરી લીધો. આર્જવ ને મેડિસિનમાં તો ઈપ્સા ને ગાયનેક માં એડ્મિશન મળી ગયું. બંને હવે પીજી હોસ્ટેલ માં પાસ પાસેના ના જ રૂમ માં રહેવા લાગ્યા.

        સવારે બંને વોર્ડ માં જતાં તો સાંજે આવી બંને જણા બગીચા ના એ બાંકડા પર હાથ માં હાથ નાખી કલાકો બેસતા જ્યાં આર્જવ યુએસએ જવાના સેવેલા સપના ની વાતો કરતો અને ઈપ્સા પણ સાથે સાથે યુએસએ જવા મન ને તૈયાર કરતી. આર્જવ અને ઈપ્સા હવે એકબીજા ના એટલા ગાઢ પ્રેમ માં હતાં કે બંને એકબીજા ના પૂરક બની ગયાં. આર્જવ જ્યારે જ્યારે પણ ઈપ્સા ની આંખો માં જોતો ત્યારે ત્યારે ઈપ્સા ની આંખો જાણે કશું ક વ્યક્ત કરતી હોય એવું લાગતું એ ઈપ્સા ને પૂછતો પણ ઈપ્સા કઈંજ નહીં એવો જવાબ આપી દેતી.

        આખરે જેની પોતે વર્ષો થી રાહ જોતો હતો એ દિવસ આવી ગયો. મેડિસિન ના અભ્યાસ પછી આર્જવ ને યુએસએ ની કૈંબ્રિજ યુનિવર્સિટિ માં ન્યૂરોફિઝિશિયન ના કોર્સ માં એડ્મિશન મળી ગયું. એ ખુશી થી ઝૂમી ઉઠ્યો અને દોડતો ઈપ્સા જોડે પહોચી ગયો અને ઈપ્સા ને ઊંચકી લીધી.

 “ચાલ હવે યુએસએ જવાની તૈયારી કર, મને કૈંબ્રિજ યુનિવર્સિટિ માં ન્યૂરોફિઝિશિયન ના કોર્સ માં એડ્મિશન મળી ગયું છે” ખુશી સભર સ્વરે આર્જવે ઈપ્સા ને કહ્યું.

“અભિનંદન” ઈપ્સા એ બસ આટલું જ કહ્યું અને એની આંખો ભીની થઈ ગઈ.

“ શું તું ખુશ નથી ? તારે યુએસએ નથી આવવું ?” આર્જવ ના મન માં હજુ હજાર સવાલો રમતાં હતાં.

“ના આર્જવ, તે ક્યારેય મારી આંખો ના ઊંડાણ માં જોવા પ્રયત્ન કર્યો ? પ્રયત્ન કર્યો હોત તો તું મારી આંખો ને કળી જાત. આપની આસપાસ જો. કેટલા ગરીબ દર્દીઓ છે,હું અહી રહી અહી જ એમની સેવા કરવા માંગુ છું. તને આર્જવ મેં અનહદ પ્રેમ કર્યો, મને વિશ્વાસ હતો કે મારો પ્રેમ તારા યુએસએ જવાના સપના ને ભુલાવી દેશે, પણ અફસોસ ક્યાંક મારા જ પ્રેમ માં ખામી રહી ગઈ.” લાગણીસભર સ્વર સાથે ઈપ્સા ની આંખો માંથી દડ દડ અશ્રુધારા વહી રહી હતી.

“પાગલ ના બન, આપણે જેટલું અહી કમાઈશું એના કરતાં વિદેશ માં વધારે કમાઈશું.” જરાક ગુસ્સા સભર અવાજે આર્જવે ઈપ્સા ને મનાવવા નો પ્રયત્ન કર્યો.

 “આપણાં આ ઉમદા વ્યવસાય ને પૈસા ની દ્રષ્ટિ એ ના મૂલવ, આર્જવ.” ઈપ્સા ના અવાજ માં આર્જવ ને રોકવાની છેલ્લી આશા વર્તાતી હતી.

“ નાનપણ થી મારૂ સપનું વિદેશ માં સ્થાયી થવાનું છે, અને તું જાણે છે, તું નહીં આવે તો હવે હું એકલો જઈશ.” અને આર્જવ પોતાની બેગ પૅક કરી હોસ્ટેલ માથી પોતાના ઘર તરફ પ્રયાણ કરવા લાગ્યો. ઈપ્સા આંખમાં આંસુ સાથે આર્જવ ને જોતી રહી. એકવાર પણ આર્જવે પાછા ફરી ને  ઈપ્સાની  સામે ના જોયું.

 

 

       

       

        આર્જવ નું નાનપણ થી સેવેલું સપનું આજે ઊગી નિકળ્યું હતું. વિદેશ ની ધરતી પર પ્રથમ જ પગ અને આર્જવ નું મન આનંદ ની સીમા ને વટાવવા ને બદલે ભીતર વિષાદ નો એક વ્યક્ત ના કરી શકાય એવો અજંપો લઈ ને ભારેખમ થઈ ગયું હતું. સતત કઈંક ખૂટતું હોવાનો ભાસ થતો હતો. છાતી માં ભરાયેલ ડૂમો એક હળવા ડૂસકાં રૂપે સતત બહાર નીકળવા પ્રયત્ન કરી રહ્યો હતો. જીવન ની તમામ મૂડી ખર્ચી ને વિદેશ ઉચ્ચ અભ્યાસ બાદ સ્થાયી થવા ના ઓરતાં લઈ ને આવેલો આર્જવ પોતાની સાચી અને મહામૂલી મૂડી અને જીવનનિધિ ઈપ્સા ને જોજનો દૂર મૂકી ને આવ્યો હતો.

        ઉચ્ચ અભ્યાસ અને ત્યાર બાદ પૈસા કમાવાની ઘેલછા સાથે ની જીવન ની આંટી ઘૂંટી માં અટવાયેલા આર્જવ ના જીવન માં સતત કોઈ ની ખોટ વર્તાતી હતી અને એ હતી ઈપ્સા ના પ્રેમ, હુંફ અને ઉષ્મા ની. સમય રેત ની માફક સરકી ગયો. આર્જવ ના જીવન માં અન્ય કોઈ નો પણ પ્રવેશ ના થયો. આમાં વાંક આર્જવ નો નહોતો પણ ઈપ્સા એ જ આર્જવ ના અતીત ને એટલા સ્નેહ થી ભરી દીધો હતો કે એ સ્નેહ નો ખજાનો ક્યારેય ખૂટ્યો નહીં અને આર્જવ નું  મન અન્ય કોઈ નો સ્વીકાર પણ ના કરી શક્યું. 

        મન ની ભીતર નું વિષાદ નું ઝરણું હવે સરિતા બની વહી નીકળ્યું હતું, જેમાં આવેલા લાગણીઓ ના ઘોડાપૂર માં આર્જવ હવે તણાઇ રહ્યો હતો. ઈપ્સા ની યાદો નું આક્રમણ અને અતિક્રમણ આર્જવ ના મન ને સતત ભાંગી રહ્યું હતું. ઈપ્સા ની યાદો ની શૃંખલા માં ખોવાઈ જવું એ હવે આર્જવ નો રોજિંદો ક્રમ બની ચૂક્યો હતો. હવે આર્જવ થી જીવાતું નહોતું અને જીવરવાતું પણ નહોતું. આટ-આટલી સ્મૃધ્ધિ ની છોળો છતાં આર્જવ ખુશ નહોતો. જે ભૂમિ પર ઈપ્સા સાથે પ્રેમ થયો એ ભૂમિ પર પાછા ફરી ઈપ્સા ની સમીપ હોવાનો અનુભવ કરી મન ની ઉદાસી ને છેતરી શકાય એ આશયે આર્જવ હવે પરત ફર્યો. 

        હવે મોડુ થઈ ગયું હતું. તે ઈપ્સા ને પોતાના જીવન માં ફરીથી તો  પ્રાપ્ત કરી શકવાનો નહોતો પણ પોતે તિરસ્કાર કરેલા ઈપ્સા ના પ્રેમ બદલ એની માફી જરૂર માંગવી હતી જેથી પોતાનું મન હળવું થઈ શકે. પરત ફરી ને આર્જવે ઈપ્સા ની  ભાળ મેળવવા પ્રયત્ન કર્યો પણ અફસોસ એમાં પણ એને સફળતા ના મળી. છેવટે ઈપ્સા સાથે વિતાવેલી તમામ અમૂલ્ય ક્ષણો ને ફરીથી માણી શકાય અને ઈપ્સા ની ઈચ્છા મુજબ ગરીબ દર્દીઓ ની સેવા કરી શકાય એ આશયે આર્જવે પોતાની જ મેડિકલ કોલેજ માં માનદ સેવા આપી સંલગ્ન થવાનું વિચાર્યું અને આજે 25 વર્ષો બાદ પોતાની મેડિકલ કોલેજ માં પગ મૂકતાં જ તાજી થયેલી તમામ યાદો એ આર્જવ ની આંખો ને ભીંજવી નાખી.

        આર્જવ પોતાની જ મેડિકલ કોલેજ સાથે સંલગ્ન થયા બાદ એમબીબીએસ સ્ટુડન્ટ્સ ના લેક્ચર પણ લેવા લાગ્યો. આર્જવ ના ગુરુ ડૉ. સુકેતુ ની જેમ જ આર્જવ ને સાંભળવા આખો હોલ વિદ્યાર્થીઓ થી ખીચોખીચ ભરાઈ જતો. 

અચાનક એક દિવસે એક વિદ્યાર્થી એ ડૉ. આર્જવ ને પ્રશ્ન પૂછ્યો “સર, કોમાટોઝ પેશન્ટ માં ચુંબકીય થેરાપી ની શું અસર જન્મી શકે?”

જેનો જવાબ આપવા પ્રથમ હરોળ માંથી એક છોકરી ની આંગળી ઊંચી થઈ અને કહ્યું “સર, આનો જવાબ હું આપું.?”

અને એ છોકરી એ સવિસ્તૃત વર્ણન કર્યું. જેનો જવાબ સાંભળી સૌ દંગ અને ચકિત રહી ગયા. પણ આ એ જ જવાબ હતો જે વર્ષો પહેલા પોતે ઈપ્સા ને આપ્યો હતો. આર્જવ એ ધ્યાન થી જોયું તો એ જ આંખો હતી, ઈપ્સા ની.

        ક્લાસ પૂરો થયા પછી આર્જવે એ છોકરી ની સમીપ પહોંચી લાગણીસભર સ્વરે કહ્યું” બેટા, તારો જવાબ એકદમ સાચો હતો, બેટા તારું નામ શું ?”

“સર, અભિપ્સા.”

 “ક્યાંક બેટા તારી મમ્મી નું નામ ઈપ્સા તો નહીં ? “ આર્જવ ના સ્વર માં કુતૂહલતા ટપકતી હતી.

 “હા, સર, પણ તમને કેવી રીતે ખબર પડી?” અચરજ ભર્યા સ્વરે અભિપ્સા એ કહ્યું.

“ બેટા અમે કોલેજકાળ થી એકબીજા ને જાણીએ છીએ. એ અત્યારે ક્યાં છે ? સરનામું આપીશ.” આર્જવ ના મન માં છેવટે ઈપ્સા ની ભાળ મળ્યા નો સંતોષ વાર્તાતો હતો.

“ સર મમ્મી અત્યારે દાહોદ જિલ્લાની એવા સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર માં છે જ્યાં દૂર સુધી કોઈ ગાયનેક ડોક્ટર નથી.” પોતાની મમ્મી પર ગર્વ વ્યક્ત કરતાં કરતાં અભિપ્સા એ કહ્યું.

        ઈપ્સા નો પોતે ગુનેગાર હતો.એક પળ નો પણ વિલંબ કર્યા વગર તત્ક્ષણ કાર સ્ટાર્ટ કરી આર્જવ ઈપ્સા ના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર એ પહોંચી ગયો. સુખે થી પસાર થતાં ઈપ્સા ના લગ્ન જીવન માં કોઈ ભંગાણ નહોતું સર્જવું પણ બસ તેના પ્રેમ ને તિરસ્કાર કરવા બદલ માફી માંગી પોતાનું મન હળવું કરવું હતું. કાર પાર્ક કરી આર્જવ ઓપીડી માં પ્રવેશ્યો. દૂર થી જોયું તો ઈપ્સા દર્દીઓ ને તપાસી રહી હતી. હજુય એટલી જ સુંદર. જે રીતે આર્જવ ઈપ્સા ને તિરસ્કૃત કરીને ગયો હતો એટલે શું કહેવું અને કેવી રીતે કહેવું એની આર્જવ ને સમજ નહોતી પડતી.

        બધાજ દર્દીઓ ચાલ્યા ગયા ત્યારે એ આંખો માં અશ્રુ સાથે ઈપ્સા ની નજીક પહોંચી ગયો.

“તારા પ્રેમ નો તિરસ્કાર કરવા બદલ ક્ષમા આપ મને, તારા થી દૂર ગયા પાછી એક એક પળ મારી કપરી વીતી છે. સતત તારી યાદો એ મને ઘેરી લીધો છે. મન માં એક ભાર લઈ ને ફરું છું. હું જાણું છું મારો ગુનો અક્ષમ્ય છે પણ તું માફી આપીશ તો કદાચ એ ભાર હળવો થઈ જશે. બસ તારા લગ્ન જીવન માં હું કોઈ હવે તિરાડ નું કારણ બનવા નથી માંગતો. માફી મેળવીને દૂર ચાલ્યો જઈશ.”   

        જાણે વર્ષો ની રાહ હવે ફળી હોય એમ ઈપ્સા ની આંખો માં પણ હર્ષાશ્રુ થી ભરાઈ ગઈ.

“ હજુ પણ બસ જવાની જ વાતો ? પહેલા તો એ કહે તું ક્યારે અને કેવી રીતે આવ્યો? અહી નું સરનામું કોને આપ્યું ? કેમ કે મેં કોઈ ને કહ્યું નથી કે હું અહિયાં છું.” અને આર્જવે કેવી રીતે પોતાની જ મેડિકલ કોલેજ માં સલગ્ન થયા બાદ અભિપ્સા ની આંખો પર થી અભિપ્સા ને ઓળખી કાઢી એની સઘળી હકીકત જણાવી.

“ તે અભિપ્સા ની આંખો જોઈ, પણ એનું નાક અને હોઠ જોયાં ? બિલકુલ તારા પર પડ્યા છે.” આટલું કહેતાં ઈપ્સા ના મનમાં હર્ષ સમાતો નહોતો.

“એટલે ? અભિપ્સા આપણી દીકરી છે?” આર્જવ ની ઉત્કંઠા વધી રહી હતી.

 “ હા, આર્જવ હા, આર્જવ અને ઈપ્સા ની અભિપ્સા.”

        આર્જવ ની આંખો ની કુતૂહલતા અને ઉત્કંઠા ને શાંત કરતાં ઈપ્સા એ આગળ કહ્યું “તારા ગયા પછી મને ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું. તારી મહત્વકાંક્ષા ના આડે હવે હું આવવા નહોતી માંગતી એટલે તને કશી જાણ ના કરી. તારા પ્રત્યેના  સાચા અને અનહદ પ્રેમ ના લીધે હું કોઈ પણ ભોગે આપણાં આ પ્રેમ ની નિશાની ને જન્મ પણ આપવા માંગતી હતી, એટલે એવી જગ્યા એ આવી ને વસી ગઈ કે જ્યાં હું લોકો ને મદદરૂપ બની શકું, લોકો ને મારી જરૂર હોય અને અભિપ્સા ના પિતા ને લઈ ને લોક જીભે તરેહ તરેહ ના સવાલો ના હોય. અને દીકરી મળી તો પણ કેટલી સમજુ ! મેં કહ્યું કે પપ્પા યુએસએ છે અને એક દિવસ જરૂર પાછા આવવાના છે. એ સાંભળી ને આજ દિન સુધી મને અભિપ્સા એ એક પ્રશ્ન નથી પૂછ્યો. “

        બંને ભેટી પડ્યાં, બંને ની આંખો ભીની અને બંધ હતી, જાણે વર્ષો થી આ મિલન ને તરસી રહ્યાં હોય એમ બંને એકબીજા ને અનુભવી રહ્યાં હતાં.

ઈપ્સા એ કોલ કરી અભિપ્સા ને પણ બોલાવી લીધી. અભિપ્સા આવતાંજ આર્જવ ને જોઈ બોલી “ સર, તમે?”

“દીકરા સર નહીં પપ્પા.”

અને અભિપ્સા આર્જવ ને ભેટી પડી. “ પપ્પા તમે અને મમ્મી કયાં કારણોસર  અલગ થયા એ હું નહીં પૂછું, પણ હવે અમને છોડી ના ના જતાં એવું પ્રોમિસ જરૂર માંગીશ.” ડૂસકાં ભરતાં ભરતાં ભેટેલી અભિપ્સા એ કહ્યું.

“ બેટા એક ભૂલ કરી ને હું બહુ જ પસ્તાયો છું, હવે મારી આ ફૂલ જેવી નાજુક નમણી અને વ્હાલી દીકરી ને છોડી ને ક્યાંય નથી જવાનો.”

        બધા જ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા હતાં અને રસોડા માં ઈપ્સા પાલક પનીર નું શાક અને રોટલી બનાવી રહી હતી. કોનું ફેવરિટ ? આર્જવ નું ? ના અભિપ્સા નું. કેમ કે દીકરી પોતાના પિતા ની ઝેરોક્ષ કોપી હતી.

       

નીલ

ડૉ. નિલેષ ઠાકોર