Vasudha - Vasuma - 72 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ - 72

Featured Books
Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ - 72

કાળીઓ આણંદની જેલમાં એનાં બાપા અને અન્યને મળવાં મુલાકાત ખંડમાં પ્રવેશ્યો પછી એણે જોયું જાળી પાછળ એનાં બાપા ભુરા ભરવાડ ઉભા છે એ નજીક ગયો. એણે પૂછ્યું “બાપા કેમ છો ?” ભુરા ભરવાડે કહ્યું “અહીં કેવા હોઇએ ? અહીંથી છુટીએ પછી...” ત્યાં કાળીઓ બોલ્યો “બાપા સમજું છું આપણે તો સીમમાં ને બધે આઝાદ ફરવાવાળા આવું કેમ ગોઠે ? પણ બીજા કાકાઓ ક્યાં છે ?”

ભુરાએ કહ્યું “બધાં અમે એકજ કોટડીમાં છીએ એવું ગંદુ પાણી જેવુ ખાવાનુ ગળે નથી ઉતરતું તું કંઇ લઇ આવ્યો છે ?” કાળીયાએ કહ્યું “હું ઘણું બધું લઇ આવેલો તમારું ભાવતું બધુ.. પણ મને અંદર લાવવા ના દીધું ઉપરથી ધમકાવ્યો.”

“બાપા પણ હું સંતાડીને તમારાં માટે બીડીઓ લાવ્યો છું આપું ?” ભુરાએ કહ્યું “વાહ લાવ લાવ આપી દે પેલો હવાલદાર આઘો પાછો થયો છે.” કાળીયાએ બીડીની ગડીયો અને બાક્સ આપી દીધાં. પછી ભુરાએ કહ્યું “પેલાં અરવિંદીયાને કહે વેળાસર જામીન અપાવી દે.. એને કહે તને તારાં રૂપિયા ધાર્યા કરતાં વધારે આપીશું પણ અહીંથી છુડકારો કરે અમારો. ગામમાં શું ચાલે છે ? પેલો ગુણવંત શું કરે છે ? એકવાર છૂટીએ પછી એને જોઇ લઇશું.”

ત્યાં ભુરા ભરવાડની પાછળ મોતી આહીર, પશા પટેલ કૌશિક નાઇ આવ્યાં. કાળીયાએ કહ્યું “કેમ છો કાકા ?” મોતીએ કહ્યું “જેવો તારાં બાપનો હાલ એવા અમે.. ત્યાં ગામની વાત કર અને જામીનની વ્યવસ્થા કરાવ.”

કાળીયાએ કહ્યું “હાં કાકા તમે થોડો હખ રાઓ હું બધુ કરાવીશ. ગામનું શું કહું ! બધી બાજી ઉલ્ટી થઇ ગઇ બધાં દાવ અવળા પડ્યાં છે.”

“પેલી પીતાંબરની વહુ વસુધા મંડળીની પ્રમુખ થઇ ગઇ હવે એ લોકો ડેરી સ્થાપવાનાં.... આખુ ગામ જાણે એમનાં સાથમાં છે મારાંથી તો જોયું જોવાતું નથી.. એટલો કાળ ચઢે છે કે એ વસુધાનોજ ટોટો પીસી નાંખું...”

ભૂરા ભરવાડે કહ્યું “આમ આકળો ના થા હવે જે થવાનું થયું આપણે રોકી નહીં શકીએ. અહીંથી નીકળ્યાં પછી વિચારીશું”.

મોતી આહીરે કહ્યું “મારી જગ્યા એણે પચાવી પાડી છે પણ હું પચવા નહીં દઊ.”. એમ કહી ગુસ્સાથી લાલ પીળો થઇ ગયો. કાળીયાએ કહ્યું “હું આવતો રહીશ અને અરવિંદને કહી જામીનની વ્યવસ્થા કરાવું છું”. પશા પટેલે કહ્યું “તું કાર્યવાહી કરાવ પણ માથે હત્યાનો આરોપ છે ખબર નહીં જામીન મળશે કે કેમ ?”

ભુરા ભરવાડે કહ્યું “પટેલ કેમ આવી પાણીમાં બેસવાની વાતો કરો.. આપણે પૈસા લગાવીને પણ બહાર નીકળીશું”. ત્યાં હવાલદારે બૂમ પાડીને કહ્યું. “તમારો મુલાકાતનો સમય પુરો થયો ચલો.. એય કાળીયા બહાર આવી જા...”

કાળીયો કચવાતે મને બહાર નીકળ્યો અને હવાલદારને કહ્યું “થોડાં નરમ પડો તમને પણ ઇનામ મળશે ધીરજ રાખો બધાનાં જામીન કરાવું છું..” ત્યાં હવાલદારે કહ્યું “તારું ઇનામ તારાં ખીસ્સામાં રાખ એક જુવાનજોધ છોકરાને મારી નાંખ્યો ત્યારે વિચાર નહોતો આવ્યો ? ચાલ નીકળ અહીંથી...”

કાળીઓ એની સામે ડોળા કાઢતો બહાર નીકળી ગયો ભુરો ભરવાડ અને મોતી આહીર એકબીજા સામે જોઇ રહ્યાં.

******************

"સુરેશભાઇ તમારો ખૂબ ખૂબ આભાર" ગુણવંતભાઇએ કહ્યું “આજે બધાં ફોર્મ ભરાઇ ગયાં. લોન ખાતામાં આવી જાય પછી ડેરી શરૂ કરી દઇશું”. સુરેશભાઇએ ગુણવંતભાઇ અને વસુધા, સરલા, ભાવેશ બધાં સામે જોઇને કહ્યું “લોનનાં પૈસા તમારાં ખાતામાં જમા નહી થાય પણ ડેરીની મશીનરી અને સાધનોનું સીધું કંપનીમાં પેમેન્ટ થઇ જશે”.

"ગુણવંતભાઇ તમે ડેરીનાં મકાનની વ્યવસ્થા કરો ત્યાં સીધાં મશીન ઉભા કરી દઇશું. બધાંજ સાધનોની ડીલીવરી થઇ જશે. અમારાં તરફી એનાં નિષ્ણાંત માણસો આવીને ટ્રેઇનીંગ આપી જશે તમારી ડેરી સંપૂર્ણ કાર્યરત થઇ જાય ત્યાં સુધી અને તમારાં સાથમાં રહીશું. કોઇ ચિંતા ના કરતા.”

“સાચું કહું તો તમારી આ દિકરી વસુધા ખૂબજ મહેનતું અને ઉત્સાહથી બધું કરશે એવો વિશ્વાસ છે ઉપરાંત એનાં સાથમાં તમે બધાં છો. ગામની છોકરીઓ-બહેનો બધાં છે તમે સંપૂર્ણ સફળ થશો એ નક્કી છે. તમે જેવું કહેવરાવશો એવાં મશીનની ડીલીવરી વગેરે કરી દઇશું. હવે અહીં ધક્કો ખાવાની પણ જરૂર નહીં પડે.”

વસુધાએ કહ્યું “સુરેશભાઇ તમારી મદદ અને સહકારથી અમે ચોક્કસ સફળ થઇશું અને અમારાં પ્રયત્નમાં ક્યારેય પાછા નહીં પડીએ મને તો એજ વાતનો ખૂબ આનંદ છે કે ગામમાં પહેલી ડેરી ખૂલી જશે. અમારી પાસે જગ્યા છેજ અમારાં ખેતરમાં મકાન ઉભુંજ છે એમાં તમારી સૂચના પ્રમાણે જરૂરી ફેરફાર કરાવી લઇને તમને જાણ કરીશું બીજુ ગામથી દૂર નથી અને રોડનાં ઉપરજ ખેતર છે એ મકાન છે એટલે કોઇપણ જાતની મુશ્કેલી નહીં પડે.”

“પાકો રોડ છે એટલે દૂધ વિતરણ, ડેરીમાં દૂધ ભરનારાને પણ અનૂકૂળ પડશે. અમારી બનાવટો શહેરમાં મોકલવા માટે સુવિધા રહેશે. એવું અમે નક્કી કર્યું છે.”

ભાવેશે કહ્યું “કુદરતીજ જગ્યા એવી છે કે ક્યાંય કોઇ અગવડ નહીં પડે શુભસ્ય શીઘ્રમ.. અને જરૂરી બધાં કામ નીપટાવીને આપને જાણ કરીશુ”.

સરલાએ કહ્યું “ભાવેશ તમારી વાત સાચી છે આપણને બધી સગવડ મળી રહેશે.” પછી ભાવેશની આંખમાં આંખ પરોવી આનંદ વ્યક્ત કર્યો.

ગુણવંતભાઇ એ કહ્યું “બસ હવે કામ શરૃ કરી દઇશું. ગામની દૂધ મંડળીમાં એકઠું થતું દૂધ જે મોટી ડેરીમાં મોકલી દેતાં એ હવે અમારી ડેરીમાં ભરાવીશું અને એજ ભાવે ખરીદીશું. તો ગામવાળાને પણ કોઇ વિરોધ કે તકલીફ નહીં લાગે.”

સુરેશભાઇએ કહ્યું “સરસ.. તમારી દૂધની આવક ડેરીની જરૂરીયાત પ્રમાણે મળી રહે એવું ગોઠવજો.” વસુધાએ કહ્યું “ગામનું બધુ દૂધ, મંડળી દ્વારા અમારી ડેરીમાં ભરાયાં પછી પણ ઓછું પડશે તો આજુબાજુનાં ગામનું દૂધ પણ ખરીદીશું અને દરેક પશુપાલકને એનાં ફેટનાં નિયમ પ્રમાણે પૈસા ચૂકવીશું અને એનાં ઉપર પશુપાલનની પડતી મુશ્કેલો દૂર કરવા મદદ કરીશુ અમારે ત્યાંજ પશુદવાખાનું પણ ઉભું કરીશું. સારું ભંડોળ એક્ઠું થયાં પછી મફત સારવાર પણ આપીશું.”

સુરેશભાઇએ વસુધાને કહ્યું “દિકરા તને મારાં આશીર્વાદ છે પૂરો સહકાર છે બસ આમ ગામનું ભલુ ઇચ્છનારા ક્યારેય અસફળ થતાં નથી...”





આગળ આવતા અંકે - પ્રકરણ-73